‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 10


જીવા-૧

એટલો છે જિન્દગીનો સાર જીવા,
અલ્પ સુખ ને દર્દ પારાવાર જીવા.

ભેટ સમજી કર સહજ સ્વીકાર જીવા,
ઠેસ તો છે માર્ગનો ઉપહાર જીવા.

પાંજરામાં પાંખને પૂરી શકો પણ,
કેદ થોડો થઈ શકે ટહુકાર જીવા.

વૃક્ષ અધ્ધર શ્વાસ ઊભું પાનખરમાં,
‘પાંદ ખરશે’ નો લઈ ઓથાર જીવા

એમ કાંઈ શ્વાસથી નાતો ન તૂટે,
હો ભલેને સાવ કાચો તાર જીવા.

આમ તો વાદળ ન હોતા કૈં અષાઢી
તોય વરસ્યો મેહ અનરાધાર જીવા.

જીવા-૨

સાવ તૂટેલ ખાટ છે જીવા,
તોય કોને ઉચાટ છે જીવા.

તારા હાથે જ બે’ક શબ્દો લખ,
સાવ કોરું લલાટ છે જીવા.

એકલા કાંકરાનું શું આવે ?
આજ તો ખાલી માટ છે જીવા.

યત્ન પેટાવવાના રે’વા દે,
દીવડીમાં ક્યાં વાટ છે જીવા.

રક્તમાં છેક એના સોંળ ઉઠે,
કાળની આ થપાટ છે જીવા.

એનાથી અછતું ના રહે કાંઈ,
દ્રષ્ટિ એની વિરાટ છે જીવા.

જીવા-૩

નભમંડળમાં વ્યાપો જીવા,
છોડો ઘરનો ઝાંપો જીવા.

રણમાં ભમતા તડકાને પણ
હૈયા સરસો ચાંપો જીવા.

હું પણ ઓઢું અજવાળાને
અવસર જેવું આપો જીવા.

ઓણ શિયાળો બર્ફિલો છે
સાથે બેસી તાપો જીવા.

તેથી છે અફસોસ વધારે,
ફૂલે પાડ્યો ખાંપો જીવા.

ક્યાં જઈને તું સંતાવાનો ?
‘મૃત્યુ’ કહેશે ‘થાપો’ જીવા.

જીવા – ૪

ચાલવું ફાવશે નહીં જીવા
ઠેસ જો વાગશે નહીં જીવા.

દ્વાર તારા ભલે રહ્યા ખુલ્લા,
એમ કોઈ આવશે નહીં જીવા.

માર્ગમાં એનું ગામ આવે છે
આ ચરણ થાકશે નહીં જીવા.

દૂર સુધી પહોંચ છે અહિંયાં
ત્યાં… કશું ચાલશે નહીં જીવા.

આ ફરિશ્તા ભલે અહીં આવ્યા,
કાંઈ ઉકાળશે નહીં જીવા.

– રાકેશ હાંસલિયા

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. ‘જીવા રદીફ ધરાવતી લગભગ સાત રચનાઓમાંથી ચાર અહીં પ્રસ્તુત છે. ‘જીવ’ને અને એ રીતે સ્વને સંબોધીને લખાયેલ આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ પહેલી પ્રસ્તુતિ છે એ માટે તેમનું હાર્દિક સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

પ્યાસના આવેગથી ક્યાં પર હતા,
સિંધુના કાંઠે ભલેને ઘર હતા !
– રાકેશ હાંસલિયા


10 thoughts on “‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા

  • Kalidas V. Patel { Vagosana }

    રાકેશભાઈ,
    એક રદીફ પર આટલી સચોટ અને મદમસ્ત ગઝલો આપીને અમને સલામ કરવા મજબૂર કરી દીધા , બાપુ. … લખતા રહો, જીવા !
    સાત સમંદર પાર ભલે તમે … જીવા.
    બસ, લખ, લખ , લખ લખતા રહો, જીવા !
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • PRIYAVADAN P. MANKAD

    Thanks to Shri Rakeshbhai for writing such meaningful ghazals but, double thanks to Shri Jigneshbhai, jinhe govind diyo batai !

  • Ramesh Sarvaiya [ Surat ]

    ખુબ ખુબ આભાર જીગ્નેશભાઈ
    સુંદર રચનાઓનો સ્વાદ જીવા ને ચખાડવા બદલ

  • dhiru Shah

    Very thoughtful and effective Ghazals. Too much said in too little space. Congratulations Shri Rakeshbhai. Pl. continue writing at least for the benefit of readers and non readers like us.
    Jigneshbhai, lots of thanks for introducing Shri Rakeshbhai to your Aksharnaad community. I hope you will introduce us many more such hidden talents.

  • Ashok Bhatt

    જીવા – ૪ ના ચોથા શેર નુ વજન ઠીક નથી.

    ‘પહોચ એની છે દૂર ની અહિયા” એ કેમ લાગે છે ? “સુધી” પણ કદાચ ચાલે.

    (આ ફોન્ટ મા હજુ અનુસ્વાર લખતા આવડતુ નથી – કેવી રીતે લખાય ?)

    • Kalidas V. Patel { Vagosana }

      અશોકભાઈ,
      અનુસ્વાર લખવા માટેઃ — જે તે અક્ષર લખ્યા પછી કેપીટલ M ટાઈપ કરવાનો હોય છે. … દા.ત. — અહિયાં લખવા માટેઃ yaaM = યાં થશે.
      આપ નીચે આપેલ Show Keyboard { વાદળી અક્ષરોમાં લખેલા } પર ક્લીક કરીને ગુજરાતી ફોન્ટ માટેનું કી બૉર્ડ ખોલી જોઈ શકો છો.
      કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Ashok Bhatt

    જીવા – ૨ ના ચોથા શેર મા

    “દીવડી મા ન વાટ છે, જીવા”

    લખો તો વજન વધારે સારુ આવે એવુ મારુ મન્તવ્ય છે.