સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ 7


સ્થળ : શિમલા

સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો અવાજ, પેશન્ટ્સને જગાડતો, કપડા બદલાવતા કંઈનું કંઈ બબડાતા શબ્દો, બીમાર દર્દીઓના ઊંહકારા, સિસ્ટરની સૂચનાઓ, બાઈઓની સફાઈ કરવાની ઝડપ, બધું એક મશીનની જેમ ટપોટપ આટોપાતું હતું.

રોહિત શર્મા, બારી પાસેના એક પલંગ ઊપર બેઠો હતો. તે પણ એક પેશન્ટ હતો આ હોસ્પીટલમાં, એક ૧૨ વર્ષનો પેશન્ટ જેની આંખોમાં ખાલીપણું હતું છતાં બારી બહારના સોનેરી રંગના ફેલાતા જતા ઊજાસ ને જોઈને તેની આંખોમાં આહલાદકતા ભરાઈ ગઈ. તેને થયું કે આટલી સરસ શિમલાની સવાર સામે જોવાની કોઈને ફુરસદ નથી. લાગતું હતું કે જાણે ઝાડ પણ સવારના ઊજાસને કારણે અને પંખીઓના ટહુકાથી હમણાં જ ઊઠ્યા છે. તે હતો તો બાળક પણ સંજોગોએ તેને ઠરેલપણું અને સમજદારી જલદીથી આપી દીધી હતી અને સાથે સાથે ભયાનક રોગ પણ.

હા ! તેના હ્રદયનો એક વાલ્વ ખરાબ હતો તથા ફેફસામાં પણ પાણી ભરાઈ જતું હતું. એ વિચારતો, આ બિમારી મને જ શું કરવા મળી ? હવે મારી મા શું કરશે ? જો કે તેને ડર લાગતો પણ બિમારીનો નહીં, એની ગંભીરતા તે સમજતો નહોતો. એને ડર લાગતો હતો તેની માં નો. તેને માં ની બે આંખો દેખાતી, જે તેની સામે જોતી ત્યારે તે પોતે જાણે તેમાં આખીને આખી ઠલવાઈ જતી. માંના શબ્દો તેને યાદ આવતા, ‘જો રોહિત, મન લગાવીને ભણજે. તું તારી માંનો સહારો છે, જો જે મને દગો ન દેતો, નહીં તો તારી આ માં કોના સહારે ઊભી રહેશે ? પછી ગળે લગાડીને ચૂમીઓથી તેનું કપાળ અને ગાલ ભરી દેતી.’ તે કહેતી, ‘તારા ઊજ્જવળ ભવિષ્ય માટે મારે જે કંઈ કરવું પડશે તે કરીશ. પણ તારા પપ્પાનું સ્વપ્ન તને એન્જિનીયર બનાવવાનું હતું તે હું પુરું કરીને જ રહીશ. આપણી આ દૂરી ને દૂરી ન સમજતો, એ જ આપણો નજીક આવવાનો રસ્તો છે.’ તે સાંભળી રહેતો, માંના માથાને પસવારતો અને મોટા માણસની જેમ દિલાસો આપતો.

તે સાચે જ જલ્દી મોટો થઈ ગયો હતો. શિમલાની કૉન્વેન્ટ સ્કૂલમાં તે પાંચ વર્ષની ઊંમરથી ભણતો હતો. તેની માં મુંબઈ રહેતી હતી અને પિતા પરલોકમાં. એક રોડ એકસીડન્ટમાં તેમનું મૃત્યુ થયું હતું.

‘કેમ છે યંગ મેન ?’ તે ચમક્યો. બારી બહાર જોતા જોતા તેના વિચારો આંખોમાંથી આંસુ બની બહાર નીકળી પડ્યા હતાં, જેનું તેને ભાન નહોતું. તેણે સામે જોયું, ડૉ. થોમસ તેનો ખભો થપથપાવીને હસી રહ્યા હતા.

‘કેમ ખાટલો ખાલી કરવાનો વિચાર નથી કે શું ? ચલો નીચે ઊતરો અને સિસ્ટરને ચાદર ચેન્જ કરવા દો.’ તે શર્ટની બાંયથી આંખો લૂછતાં ફીક્કું હસીને નીચે ઊતર્યો. ડૉ. થોમસ ઘણા જ મળતાવડા અને માયાળુ હતા. સ્કૂલના ફાધર તેને એડમિટ કરવા લાવ્યા હતા તે પળ તેને યાદ આવી.

‘કેમ છો ફાધર ગોન્સાલવીસ ? આવો બેસો.’

ડૉક્ટરે હસતા હસતા આવકાર આપી હાથ મિલાવ્યા. ફાધર પણ ‘ગોડ બ્લેસ યુ’ કહીને ખુરશીમાં બેઠા. તેઓની જૈફવયના કારણે તેમનો અવાજ થોડો ધ્રુજતો હતો પણ વાક્યો ઘણાં જ મક્કમ નીકળતા હતાં. ‘થોમસ, આ રોહીત છે, તે મારા ચાઈલ્ડ જેવો છે. દુનિયામાં તેની એક માં છે અને બીજો ભગવાન. થોડા દિવસથી તેની આંખે અંધારા આવે છે અને છાતીમાં દુ:ખાવા સાથે ગભરામણ થાય છે. પરસેવો થાય છે, ચક્કર ખાઈને પડી જાય છે. આને તને સોંપું છું. તેનું નિદાન બરાબર કરજે.’ ત્યારબાદ ફાધર ચાલી ગયા હતા. તે દિવસથી – લગભગ બાર દિવસથી તે અહીં જ હતો. વિવિધ બલ્ડટેસ્ટ, અલગ અલગ રીપોર્ટસ, એક્સ-રે, સ્કેનિંગ, ઈન્જેકશન વિ. તેનું રુટિન બની ગયું હતું. તેને ખબર ન હતી કે તેને શું થયું છે. ફાધર બે ચાર વાર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તારી માં ને સમાચાર આપ્યા છે અને કદાચ એક બે દિવસમાં આવશે. તેણે ફાધરને પૂછ્યું હતું, ‘મને શું થયું છે ?’

ફાધરે કહ્યું કે, ‘તારા દિલમાં ભગવાન બેઠા છે. તે તને સારું જ કરશે. હિંમત રાખજે. ચિંતા નહીં કર.’

વધારે તે પૂછી ન શક્યો. તેને થયું કે મને કહેત તો પણ મને શું સમજણ પડત. હા ! મારા દિલમાં ભગવાન છે તેમને જ પ્રાર્થના કરીશ કે મને સારું કરી દે.

આજે એ વાતને ચાર દિવસ થઈ ગયા. કોઈ ન આવ્યું. તે વિચારતો હતો કે માં કેમ ના આવી? તેને સમાચાર નહીં મળ્યા હોય ? તે ઘરે નહિ હોય ? ફાધર ખોટું તો ન બોલે.

‘ક્યા વિચારોમાં ખોવાયો છે રોહિત ?’ તેણે ચમકીને ડૉ. થોમસ સામે જોયું અને તેણે તેમનો હાથ પકડી લીધો. પછી તેમના પગે પડ્યો. અને રડતા રડતા કહેવા લાગ્યો,
‘ડૉ. મારી માં કેમ ના આવી? મને શું બિમારી છે ? મને હવે ડર લાગે છે. કહો ને પ્લીઝ.’

ડૉ. થોમસે તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘Don’t worry. તને હાર્ટમાં થોડી તકલીફ છે પણ આપણી પાસે વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સ્પેશીયાલીસ્ટ છે. હું તારી માંને આજે રાતે ફોન કરીશ. તું અત્યારે આરામ કર. અને Think positive, young man ! you will be all right.’ અને નર્સને અમુક સૂચનાઓ આપીને ચાલ્યા ગયા.

તે ચોખ્ખી ચણાક દૂધ જેવી સફેદ પથારીમાં આડો પડ્યો. નર્સે તેને દૂધ અને નાસ્તો આપ્યો, તે કરીને એક સમજદાર યંગમેનની જેમ ગોળીઓ ગળી લીધી. ઈંજેકશન લઈ લીધું અને હાથમાં હેરી પોર્ટરની બુક લઈને વાંચવાની શરૂઆત કરી. તેને વાંચવું ઘણું જ ગમતું હતું. તેને થતું કે હેરી પોર્ટરની જેમ મારા હાથમાં પણ જાદુની છડી આવી જાય તો ?…. અને ‘તો’ પર અટકીને તે સ્વપ્નવિહાર કરવા ચાલ્યો જતો. આજે પણ તેમજ થયું. તે ક્યારે નિંદ્રાધીન થયો તેની તેને ખબર જ ના પડી.

સાંજના સાત વાગે ડૉ. થોમસ તેની પાસે આવ્યા. તેણે આશાભરી નજરે તેમની સામે જોયું. તેઓની નજરમાં થોડી વેદના હતી. તેમણે કહ્યું કે, ‘તારી મા સાથે મારી વાત થઈ ગઈ છે. તેને તારી કન્ડિશન અને ઓપરેશન વિશે કહ્યું છે. તે દસેક દિવસમાં અહીં આવશે. બીજું, હું કાલે કોન્ફરન્સ માટે પેરિસ જાઉં છું. તારું ઓપરેશન મુંબઈના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉ. વિનોદ કાંબળે કરશે. મેં તેમને તારો કેસ હિસ્ટ્રી ઈ-મેઈલ કરી દીધો છે. તારા ઘરનું એડ્રેસ પણ. તેઓ તારી માંના કોન્ટેક્ટમાં રહેશે. ડોન્ટ વરી, ઓલ વીલ બી ઓલરાઈટ, યંગ મેન’ અને માયાળુ સ્મિત કરતા માથે હાથ ફેરવીને તે ચાલ્યા ગયા.

સ્થળ : મુંબઈ

ડૉ. વિનોદે, ડૉ થોમસે આપેલો ફોન નંબર ફરી ડાયલ કર્યો. રીંગ વાગતી જ રહી. કોઈ રિસ્પોન્સ નહીં. લગલગાટ છ દિવસ સુધી તેમણે રોહિતની માંનો સંપર્ક કરવાની કોશિશ કરી, જે અસફળ રહી. તેઓ મૂંઝાયા. કાલે તો તેમણે શિમલા જવાનું હતું. પરમદિવસે ઓપરેશન હતું. રોહિતનો કેસહિસ્ટ્રી જોયા બાદ જરૂરી વિધિઓ અહીં જ પતાવવાની હતી. ઓપરેશન પેપર પર વાલીના હસ્તાક્ષર, ઓપરેશનની એડવાન્સ ફી તથા ઓપરેશન દરમિયાન કંઈ પણ અઘટિત બને તો તેની જવાબદરી ડૉક્ટર કે સ્ટાફ કે હોસ્પીટલની નહીં રહે તેવા અનેક પેપર પર સાઈન કરાવવાની હતી. તેઓ અકળાયા, ડૉ. થોમસ પણ મને ક્યાં ફસાવીને ગયા ? દુનિયામાં પણ કેવા મા-બાપ હોય છે ! જેમને પોતાના સંતાનની પણ ચિંતા નથી. તેમણે રોહિત સાથે ફોનથી વાતચીત કરી હતી. છોકરો તેમને હોશિયાર અને સમજદાર લાગતો હતો. તેની માંને તે ભગવાનની જેમ પૂજતો હતો અને તેની માછે તે, તેની જરાય દરકાર પણ કરતી નથી, બીજુ કોઈ હોત તો તેના માથે આભ જ તૂટી પડ્યું હોત પણ આ, તો ડૉક્ટરનો કોન્ટેક કરવામાંથી પણ ગયેલા છે…. ડૉ. વિનોદને ચીડ ચડી. છતાં પણ તેમણે ફાધરની વિનંતિ પર પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સવારનો એક કલાક કાઢીને તેના ઘરે પહોંચીને વાતનો નિવેડો લાવવાનો નિશ્ચય કર્યો.

સવારના નવના ટકોરે તેમની કાર એક જર્જરિત મકાન આગળ ઊભી રહી. એડ્રેસ મુજબ અહીં જ રોહિતનું ઘર હતું. ભોયતળિયાના રૂમ નં ૪ ની ડૉરબેલ તેમણે દબાવી. થોડીવારમાં જ દરવાજો ખૂલ્યો અને ખોલવા વાળી વ્યક્તિને જોતા જ ડૉ. વિનોદની આંખો પહોળી થઈ ગઈ. ‘તું ? તું અહીં રહે છે જૂલી ?’ જૂલી ચમકી ગઈ, ધ્યાનથી ચહેરો જોતા તેની યાદ તાજી થઈ, કે આમને મેં જોયેલા છે. તેણે આવકાર આપ્યો, અંદર આવવા કહ્યું. ડૉ. વિનોદે પરિચય યાદ કરાવતા કહ્યું કે હું ડૉ. વિનોદ છું. મેં તમને દીપા બારમાં ડાન્સ કરતા અને ડ્રીંક સર્વ કરતા જોયા હતાં…

હા ! રોહિતની મા એક બાર ડાન્સર હતી. આ ડૉ. વિનોદ તેની યુવાવસ્થામાં મિત્રો સાથે ત્યાં જતા ત્યારે તે પૈસા ફેંકતા તેની અદાઓ પર……. જૂલીને બધું જ યાદ આવી ગયું. તેણે સજળ આંખોએ તેમની સામે જોયું અને કહ્યું કે, ‘ડૉક્ટર, અત્યારના તમારી સામે ઊભેલી સ્ત્રી જૂલી નથી, એક માં છે. મને ફાધરે વાત કરી હતી. દોઢ લાખનો ખર્ચ છે ઓપરેશનનો, અને તેના માટે જ રાત દિવસ એક કરીને પૈસા જમા કરી રહી છું. પ્લીઝ, મને માફ કરો, મારા લીધે મારા બાળકને ઘણી જ પીડા સહેવી પડી રહી છે. પણ હું શું કરું ? અઠવાડિયા પહેલા જ સરકારે વટહુકમ બહાર પાડીને બધા જ બાર બંધ કરાવી દીધા છે.. હું.. હું..’ તે ચોધાર આંસુએ રડી પડી. ડૉ. વિનોદે ઊભા થઈને તેના ખભે હાથ મૂક્યો અને મોઢા પર આંગળી. ‘ચૂપ ! કશું જ હવે કહેવાની જરૂર નથી.’ તેઓ તુરંત જ પાછા ફરી ગયા.

જૂલી ડરી ગઈ. હવે શું થશે ? મારો દિકરો શું તપડી તડપીને મરી જશે ? ના.. ના.. હું કંઈક કરીશ, જરૂર કરીશ. તે પાગલની જેમ બરાડવા લાગી અને રડતી રડતી ક્યારે ઢળી પડી તેનું તેને ભાન ના રહ્યું.

બીજે દિવસે બપોરે તેણે ડરતા ડરતા અને રડતા મોંએ હોસ્પિટલમાં ફોન જોડ્યો. તેનું હૈયું બેસી રહ્યું હતું. પતિના અવસાન બાદ રોહીતને મોટો કરવા તેણે આ કામ સ્વિકાર્યું હતું પણ રોહિતને તેની ખબર ન હતી, પણ હવે.. શું થશે ? તે કેવું વર્તન કરશે મારી સાથે ? સામેથી ફોન પર ફાધર જ આવ્યા અને તેમણે જણાવ્યું કે ઓપરેશન સફળતાપૂર્વક પાર પડી ગયું છે ! રોહિત એકદમ મજામાં છે અને તમને મળવા આતુર છે.. ક્યારે આવો છો ?’

તેણે તૂટક તૂટક સ્વરે પૂછ્યું ‘ડો. વિનોદ….’

‘હા.. હા.., તેમણે જ ઓપરેશન કર્યું છે અને ફી પણ નથી લીધી. તમારો રોહિત નસીબદાર છે. તમારા જેવી જવાબદાર માં મળી છે તેને. અને હા, તમારા, તરફથી મોકલેલું ડૉનેશન મેં હોસ્પીટલમાં જમા કરાવી દીધું છે. તમારો ખૂબ ખૂબ આભાર.’

જૂલીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેતો રહ્યો. તેણે મનોમન ડૉ. વિનોદનો આભાર માન્યો અને શિમલા જવાની તૈયારી કરવા લાગી.

– કલ્યાણી વ્યાસ

શ્રી કલ્યાણીબેન વ્યાસની ફેબ્રુઆરી ૨૦૧૩માં ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રસ્તુત થયેલી વાર્તા ‘સ્નેહાંજલી’ અહીં પ્રસ્તુત કરી છે. અખંડ આનંદ સામયિકમાં આવતી કૃતિઓ સત્વસભર અને સુંદર ઉપદેશની સાથે આવે છે એવો સામાન્ય અનુભવ છે, એ જ માર્ગ પર કલ્યાણીબેનની પ્રસ્તુત કૃતિ પણ ઘટનાક્રમની સાથે સાથે સુંદર સંદેશ લઈને આવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

દુનિયામાં ક્યાંક ને ક્યાંક તો હંમેશ પ્રભાત હોય જ છે.
– હોર્ન


Leave a Reply to harshad joshiCancel reply

7 thoughts on “સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ

  • ashvin desai

    બહેન કલ્યાનિ વ્યાસ ખુબ જ તુન્કા ગાલામા સ્રરસ રિતે પરિપક્વ થૈ ગયેલા વાર્તાકાર ચ્હે . એઓ આધુનિક હોવાનો કોઇ દમ્ભ નથિ કરતા , અને હેતુપ્રધ્હન – સત્વશિલ વાર્તાઓ લખવાનો આગ્રહ રાખે ચ્હે , તેથિ જ અખન્દ – આનન્દ જેવા મેગેઝિન્મા એમનિ વાર્તા સરસ રિતે મુકઐ ચ્હે .
    વાચકો ખુલ્લા દિલે એમનિ વાર્તાને માને તો ન્યાય થશે .
    – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

  • M.D.Gandhi, U.S.A.

    દુનિયામાં, ઢંઢેરો પીટ્યા વગર, પણ સેવા કરવાવાળા લોકો છે તેની પ્રતિતિ કરાવતી બહુ સુંદર વાર્તા છે.

  • Rajesh Vyas

    કલ્યાણી બહેન લોકોને વાર્તાનું હાર્દ સમજવા કરતાં ટીકા કરવામાં જ રસ છે. પણ તમો તેના તરફ ધ્યાન ન દઈ તમારી પ્રવ્રુતી ચાલુ રાખજો. ખુબ જ સરસ આલેખન છે.

    રાજેશ વ્યાસ “જામ”

    • Hemal Vaishnav

      Dear Rajesh bhai:
      About your comments, there was no intention to discourage Kalyani Ben from writing. I myself write poetry ,small stories etc, and there are times when people have criticized me , which has only made me more conscious about efforts.
      I have specifically mentioned that opinion belongs to this story only. Mere fact that kalyaniben has spend time to creat something is appreciable. At aksharnaad we have become one web family with members of same interest and criticism needs to be taken in constructive way only.however I do apologize if my words has hurt you or Kalyani Ben.

  • Hemal Vaishnav

    It is mediocre story,does not seem to be of standard of Akhand Anand. Writer has not even taken effort to come up with proper names of characters.Mostly has ended up using or tweaking cricketer’s names.this opinion just applies to this story only. I have not read this writer’s other stories, may be they are better than this one.