વર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬) 5


એક વિદ્વાન અંગ્રેજ લેખક કહે છે, “નાટકો જોવાથી કોઈ પ્રકારે લાભ થતો નથી.” વર્તમાન સમયે જે નાટકો ભજવાય છે તે જોતા આ મત સર્વથા યોગ્ય અને ઈષ્ટ લાગે છે. આજથી વીસેક વર્ષ ઉપર મુંબઈમાં ગુજરાતી નાટકો ભજવવાના પ્રચારનો આરંભ થયો. આરંભમાં સાક્ષરશ્રી રણછોડભાઈનાં નાટકો ભજવાતાં હતાં. ભજવનારા ચતુર અને હોંસવાળા હતા, અને એ નાટકોમાંના લલિતાદુઃખદર્શકથી પ્રેક્ષકવર્ગમાંના અનેક જનોને બહુ પ્રકારે લાભ થતો હતો. ત્યાર પછી એકંદરે નાટકોની પડતી દશા થઈ છે, અને મુંબઈમાં જ આજે પાંચસાત નાટકકંપનીઓ છે, તેમ ગુજરાતમાં બીજી ચારપાંચ ફરતી રહે છે. ઉદ્યોગ તરીકે દ્વવ્યોપાર્જન કરવા અર્થે આ ધંધો, ધંધામાત્રની પેઠે ચાલે છે, અને લોકરુચિને અનુસરીને, જે રીતે પૈસા મળે તે રીત નાટકોમાં દાખલ કરીને, કંપનીના માલિકો કામ લેતા જાય છે. જો આપણા દેશની અંદરની સ્થ્તિનીતિથી કોઈ વાકેફ ન હોય અને નાટક માત્ર જોઈને આપણા દેહ્સ વિશે અભિપ્રાય બાંધે તો તેને એમ જ લાગે કે આ દેશમાં વ્યભિચાર, હલકાઈ, ક્રૂરતા, દુષ્ટતા, નીચ બુદ્ધિ, એનો પાર જ નહીં હોય.

શા માટે નાટકોમાં એમ થાય છે? થોડાંક સ્ત્રીપુરુષ, તેમનો સદસહ આચાર, બેચાર મશ્કરા અને પડદાસીનરીનો ભપકો, એટલાં વાનાં હોય તો નાટક થઈ રહે છે. આખો ખેલ જોઈ રહેતાં સુધી મનને આર્દ્રભાવ થાય, દિલ પલળીને એકરસ થાય કે એકાએક આંખોમાં સળવળ થઈ એકબે ટીપાં પાણીનાં નીકળે એવો એકે પ્રસંગ જોવામાં આવતો નથી. જ્યારે નટ રડે છે ત્યારે પ્રેક્ષકો હસે છે. પોતાના ભાવ સાથે પ્રેક્ષકોને એકભાવ કરી શકે એવા અભિનયવાળા નટ પણ જણાતા નથી. જે બહુમાં બહુ અરુચિકર ગીત કે પ્રસંગ જોય તેને જ પ્રેક્ષકો ‘વન્સમોર’ કહીને પાંચ પાંચ વખત ફરી ફરી કરાવે છે; નાટકો ભજવનારા પણ આ ‘વન્સમોર’માં એટલી બધી કૃતાર્થતા સમજે છે કે કોઈ કોઈ લોકો તો ‘વન્સમોર’ કહેનારા ભાડે પણ લાવે છે.

એક નાટકમાં એક કારીગરના ઘરમાં કોઈ પુરુષ છિનાળું કરવા પેઠો હતો તે ધણી સંતાઈ રહી જોતો હતો, જોતે જોતે તેણે સ્ત્રી તથા તેના યારને પકડી સેપટાંનો માર માર્યો – આ પ્રસંગ પણ ‘વન્સમોર’ને પાત્ર થયો, ને ચાર ફરી ફરી કરી બતાવવામાં આવ્યો. નાટકની રચના, વસ્તુસંકલના કે આખી વસ્તુમાંથી ધ્વનિરૂપે ફલિત થતો બોધ, તેના ઉપર તો એટલું દુર્લક્ષ દીઠામાં આવે છે કે જાણે એ વાતથી જોનાર, રચનાર, ભજવનાર સર્વે કેવલ અજાણ જ હોય. એક નાટકમાં નાયકનાયિકા એકબીજાને ઓળખે છે, પણ પરણ્યાં નથી, તેવામાં નાયિકાનું હરણ થાય છે; એ નાયિકાના સ્મરણમાં નાયક મૃતઃપ્રાય બને છે; કોઈક પ્રસંગે તે જ નાયિકા કોઈ સંકડામણમાં ફસાઈ છે ત્યાં તે જ નાયક તેને ઉગારે છે; – છતાં કવિ પરસ્પરને ઓળખાણ થવા દેતો નથી, તે જ સ્થળે નાટક પૂરું થતું નથી, પણ નાયકના મનમાં આવી ખૂબસૂરત અજાણી સ્ત્રી ઉપર નવો પ્રેમ રોપી તેની પાસે વ્યભિચારનું નવું પાપ કરાવે છે. એ વ્યભિચારમાં તેની પરણેત રાણી તેને પકડી પાડે છે. ત્યાર પછી ખુલાસો થઈ નાયક નાયિકા પરણે છે અને નાટક સમાપ્ત થાય છે. પ્રેક્ષકવર્ગની રુચિને સંતોષવા માટે નાટક જ્યાં વાસ્તવિક રીતે પૂર્ણ થાય છે ત્યાં પૂર્ણ ન કરતાં નાયકને વ્યભિચારી બનાવી રસને બદલે રસાભાસ ઉપજાવી નાટકને વ્યર્થ કર્યું છે. બીજાં એક બે નાટકમાં એમ જોવામાં આવ્યું કે બે જુદે જુદાં નાટક જ એકમાં ભેળવીને આખું નાટક ઠરાવ્યું છે. એક નાટકના પાત્ર કોળી, વાઘરી, તાઈ, તંબોળી, જમાદાર, કોળણ, વાઘરણ ઈત્યાદી. તેમના કર્તવ્યનું વસ્તુ એ કે નાયકનાયિકા (જો એવાં પાત્રને એ નામ આપી શકાય તો) વઢે, કજિયા કરે, વ્યભિચાર કરે, મારામાર કરે, બાયડી નાસી જાય ઈત્યાદી ફારસ થતો આવે. બીજા નાટકમાં જુઓ તો પાત્ર સારાં દેવ અને દેવીઓ, રાજા અને રાણીઓ, મંત્રી પ્રકૃતિ આદિ ઉચ્ચ વર્ગ; અને તેમનું કર્તવ્ય પણ તેમની સ્થિતિરીતિપ્રકૃતિને અનુકૂલ શુભાશુભ મિશ્રણવાળું તથા બોધકારક ઉપદેશવાળું, પણ નાટકની રચના એવી કે એક પ્રવેશ સારાં પાત્રવાળા નાટકનો થાય, એટલે એક પ્રવેશ પેલા ફારસવાળાં પાત્રના નાટકનો થાય, ને એમ ઠેઠ ત્રણે અંક સુધી ચાલે. આ બે નાટકને સંબંધ કેટલો કે પેલા ફારસવાળા નાટકનો નાયક વખતે મુખ્ય નાટકના નાયકનો ખાસદાર હોય કે કપડાં ધોનારો હોય કે તેની બાયડી મુખ્ય નાયકની કચેરીનો કોઈ સિપાઈ લઈ ગયો હોય. મુખ્ય નાટકમાં ઉપદેશ જુઓ તો સતીપણાનો, શુદ્ધ પ્રેમનો, સ્વાર્પણનો – પેલા બીજા નાટકનો ઉપદેશ જુઓ તો તેથી ઉલટો. આવા મિશ્રણને મુખ્ય નાટકના નાયકનું નામ આપવા કરતા પેલા ફારસના નાયકનું નામ આપ્યું હોય તો પણ કશો બાધ આવે નહીં. એક ત્રીજે ઠેકાણે એમ જોયું કે નાટકની વાત ગોઠવવામાં કશે સંબંધ જ નહીં; એક સીન થઈ રહે ત્યારે બીજો સીન આવે ને પાછળ ગોઠવણ કરવા માટે સમય જોઈએ તેટલો જ પ્રત્યેક સીનનો ઉપયોગ ગણાય. સમગ્ર નાટકના અંગરૂપે પ્રત્યેક સીન સંકળાયેલો હોય જ નહીં. આ જે દ્રષ્ટાન્તો અમે કર્યા તે સારી સારી કંપનીઓના સારા કહેવાતા નાટકોના દ્રષ્ટાન્ત છે. વસ્તુસંકલનમાં આવા દોષ ઉપરાંત ભાષણમાં, વિચારમાં, વર્તનમાં અનેકમાં જે નાના નાના દોષ હોય છે તે તો રંગમંડપમાં બેસી એકાદ સારામાં સારા કહેવાતા નાટકને સબૂરીથી જોનારના મનમાં તુરંત આવી શકે તેવા હોય છે. પ્રેક્ષકવર્ગને એટલો બધો અક્કલશૂન્ય ધારવામાં આવે એ કે પાત્રોના વર્તનમાત્રથી જ ઉપદેશનો ધ્વનિ સમજી લેવાને બદલે પ્રત્યેક ઠેકાણે તે ઉપદેશ પાછો દ્રષ્ટાન્ત શબ્દોથી કહેવરાવેલો હોય છે; અને નટલોકો તે ઉપદેશને ખાસ ભાર દેઈ જાણે ભાષણ આપતા હોય તેમ કહી બતાવે છે; પ્રેક્ષકો તેના ઉપર તાલીનો વર્ષાદ વર્ષાવી ખુશી થાય છે ને એવી નીતિની વાત તેમણે જાણે આજ નવી જ સાંભળી હોય તેમ આશ્ચર્ય દર્શાવે છે. પાત્રોના વર્તનથી નીતિનો ધ્વનિ ઉન્નેય છે એ વાત નાટકકારોના લક્ષમાં હોય એમ લાગતું નથી; તેમ સાક્ષાત શબ્દોથી કહેલો ઉપદેશ અનુપદેશ થઈ જાય છે, રસને રસવાચક શબ્દથી નિર્દિષ્ટ કરતા રસદોષ થાય છે, એવા અનુભવની પણ ખામી જણાય છે. ભરતસૂત્ર, સશરૂપક, સાહિત્યદર્પણ આદિમાં કહેલા નિયમોની વાત તો એક બાજુએ રહી.

આવી સ્થિતિ પ્રેક્ષકોની રુચિને અનુસરવાથી ઉપજી છે, ને પૈસા પેદા કરવા માટે એ જ સ્થિતિ રાખ્યા વિના છૂટકો નથી એમ નાટકવાળા વારંવાર કહે છે. રા. રણછોડભાઈના નાટકો થતાં ત્યારે ‘ફુલહાઊસ’ ન આવતાં એમ ન હતું. ઘણીવાર પ્રેક્ષકોને પાછું જવું પડતું; જેમ જેમ સામાન્ય પ્રતિના નાટક રચનારાઓ ખુશી કરવાના ધોરણ ઉપર ઉતરતાં ગયા તેમ તેમ ઉંચી પ્રતિના પ્રેક્ષકો ઓછા થતા ગયા અને જેવા લેખક તેવા પ્રેક્ષક એવો યોગ થયો તેથી વર્તમાન અધમતાનો ઉદભવ થયો. નાટક જોનારા આવા નાટકો જોઈ અનેક દુર્વ્યસનો શીખવા લાગ્યાં, નાનાં બાલકો નાટકોના ગીત ગાઈને નાટકો જોઈને કે છેવટ નાટકોમાં ખુદ ભાગ લેઈને નીતિ અને ચારિત્રથી હીન થવા લાગ્યાં, અને અત્યારે ઘણું કહીને ‘શિષ્ટ’ લોકો નાટક જોવા જતાં નથી, જવામાં પ્રતિષ્ઠા નથી, એવો સમય આવી ગયો. આવું પરિણામ થવાની મુખ્ય જવાબદારી નાટકકારો ઉપર જ છે, પ્રેક્ષકો ઉપર નથી, પૈસાના લોભથી અને શક્તિના અભાવથી નાટકકારોએ લોકરુચિને પોતાનો ગમે તેવો સામાન ખરીદતાં શીખવ્યું એથી ઉઅ ઊંચા પ્રકારનો સામાન અને તેવા ઘરાક બન્નેનો અભાવ થઈ ગયો. આવા ને આવા ધોરણ ઉપર નાટકો ચાલશે તો કેવા અધમ પરિણામને પામશે એ કહેવું કઠિન નથી.

નાટકો સંસારમાં જે સાક્ષાત બને છે તેનું અનુકરણ છે, અને આશય એવો છે કે સંસારના ઉપદેશ લેવાયોગ્ય ઘણા પ્રસંગોની એક રચના સુશ્લિષ્ટ રીતે ગોઠવી તે ઉપદેશને તાદ્દશ રીતે પ્રેક્ષકના મનમાં પાત્રોના વર્તન દ્વારા પ્રતિબિંબિત કરવો. જ્યાં નટલોકો પોતે જ નાટકના સ્વરૂપ હેતુ અને ઉદ્દેશ જાણતા નથી ત્યાં તેઓ એક અનુકરણ માત્ર જ કરે છે. અને અનુકરણ કરીએ છીએ એવા ભાવથી જ અનુકરણ કરે છે એટલે અનુકરણ કરવાની કૃત્રિમતા વિના બીજો કોઈ પણ પ્રકારનો ભાવ કે ઉપદેશ જમાવી શક્તા નથી; માત્ર અંગચેષ્ટાથી કે મશ્કરી જેવાં વચનોથી ઉપહાસવૃત્તિને જ ઉશ્કેરી શકે છે. સારામાં સારો ઉપદેશ પણ નટની ખામીને લીધે પ્રેક્ષકોના મનમાં ગંભીરતાને બદલે ઉપહાસદ્વારા પ્રવેશ પામી ખડખડ હસવામાં થયેલા પહોળાં મોઢામાંથી તુરતજ બહાર નીકળી જઈ કશો લાભ ઉપજાવી શક્તો નથી. એમ થતે થતે ગંભીર વાતોને પણ હલકી અને તુચ્છ ગણવાની ટેવ પડે છે, કશાનો હિસાબ રહેતો નથી અને પ્રેક્ષકોના ચારિત્રમાં લઘુતા તથા હલકાઈનાં બીજ રોપાતાં તેના અનુષંગિક દુર્વ્યસનોન પણ પ્રાદુર્ભાવ થાય છે. એથી જ નિત્ય આવાં નાટક જોવાનું જેમને વ્યસન છે તેવા જનોને આપણે ગંભીર વિચારને માટે નાલાયક, દારૂ બીડી આદિ પીતા, લાલાઈમાં મહાલતા અને શિથિલ ચારિત્રવાળા જોઈએ છીએ. નટલોકો જે વાતને અનુકરણ જાણી અનુકરણની ખાતર અનુકરણ કરે છે, પોતાના મનમાં અનુકૃત ભાવની છાપ રાખતા નથી, તે વાત તેમને પણ લઘુતા, હલકાઈ, વ્યસન ઈત્યાદિની ટેવ શીખવ્યા વિના રહેતી નથી, -નાટક ભજવવામાં ભળનારનો અવતાર રદ્દ થઈ જાય છે એવી જે લોકોક્તિ છે તે જ આવી રીતિકૃતિના પરિણામનું વાસ્તવિક વર્ણન છે. આવા જે નટ તે નાટકના વિષયનું એક રમતની પેઠે અનુકરણ કરી જાય તેથી પ્રેક્ષકોના મનમાં પણ તેની તે જ રમત તેનું તે જ ગંભીરતા કે ભાવ વિનાનું લૂખું અનુકરણ, અને એકંદરે નટના પોતાનામાં જે જે પ્રકારો, એવી ટેવથી ઉપજ્યા હોય તેનું પ્રતિબિંબ પઢી શકે છે. નાટકો જ્યાં સુધી સારા, એટલે નાટકના વસ્તુને અને પાત્રના ભાવને સમજનારા અને સમજીને ભાવપૂર્વક અનુકરણ દ્વારા તેનો તે ભાવ ઉપજાવી આપનારા, નટલોકોને હાથે ભજવાય નહીં, ત્યાં સુધી આવી ખોટી અસર જ કરી શકે છે. અને જે અંગ્રેજ પંડિતની ઉક્તિ આપણૅ આરંભે ટાંકી છે તે ખરી હોવાનાં કારણૉ વાસ્તવિક છે એમ આપણને લાગે છે.

લોકરુચિને અનુસરીને લેખ લખનાર કવિ, નાટકકાર, પંડિત – ગમે તે હોય પણ નિષ્ફળ જ થાય છે એનું આ વર્તમાન નાટકો એ સારું ઉદાહરણ છે. અમુક ભાવનાનું ધોરણ લક્ષમાં રાખી જે જે રચના થાય છે તે જ દીર્ઘ જીવન ભોગવે છે અને કદાચિત શુભ ફલ આપે નહિં તો પણ હાનિ તો કરતી જ નથી. લોકરુચિ જેવી અસ્થિર, પલે પલે બદલાતી અને કોઈ એક નિશ્ચય કે સ્વરૂપ વિનાની વસ્તુને આધારે લેખકો પોતાના વિચારને દોરે તો જગતને છે તે કરતા ઉચ્ચ સ્થિતિમાં લાવવાનો તેમનો પ્રયાસ નેવનાં પાણી મોભે ચડાવવાના પ્રયાસ કરતાં વધારે સારો ગણાય નહિં. અમુક ભાવનાના ધોરણથી લોકમતને અને લોકરુચિને દોરવાનો લેખકે પ્રયાસ કરે છે તે જ વિજયી થાય છે. નાટકો જનમતને અસર કરવાનાં ઘણાં સારા અને સરળ સાધન છે, વર્તમાન સમયનાં બગડી ગયેલાં નાટકોએ પણ જે ખરાબી કરી છે તે જ એનો ઉપ્રાવો છે, તો નાટક કંપનીઓને, નાટકકારો ને નાટક ભજવનારાઓને ઘટે છે કે તેમણે આ ઉત્તમ સાધનનો સારો ઉપયોગ કરી લોકરુચિને ઉન્નત માર્ગ ઉપર લાવવા યત્નવાન થવું એમ થવાથી તેમનો શ્રમ કૃતાર્થ થશે ને દેશને લાભ થશે.

– મણિલાલ દ્વિવેદી (સુદર્શન સામયિક, જુલાઈ ૧૮૯૬)

(ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તેને ‘સુદર્શન’ નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું.

પ્રસ્તુત લેખ સુદર્શન માસિકના જુલાઈ ૧૮૯૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની તત્કાલીન ગુજરાતી નાટ્યકળા વિષયક આલોચના અને તેની કથળતી જતી ગુણવત્તા પરત્વેની ચિંતા અને એ વિશેની સમૂળી વિચારસરણી આ લેખમાં ઝળકે છે.)


Leave a Reply to Kishore PatelCancel reply

5 thoughts on “વર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬)

  • Rajesh Bhat

    Manilalbhai is thought provoking here also, as always. The thought that it provokes in my mind is slightly different though. Why is it that at any point in history, we feel that the past performed better? Is it only in technological fields that we praise the latest developments? Anyway, I recommend to the readers Manilalbhai’s autobiography “Maru Atmavrutant” for its candidness, truthfulness, boldness and the quest for the sublime. Niranjan Bhagat Saheb has described it as the second best autobiography after Gandhiji’s “Mara Satyana Prayogo”.

  • Dhiru Shah

    Very thought provoking article and correct analysis of the prevailing situation at his time. If it was true at that time, perhaps it is true for “Nataks” of to-day. Real interested viewers are going away from this real stage art for the analysis by Shri Manilal Dwivedi. It is possible that to-day’s cinema is one of the reasons for taking away the “Natak” loving people.

  • Kishore Patel

    સુંદર લેખ ત્યારની રંગભૂમિની દિશા અને દશા વિષે ઘણું જાણવા મળ્યું આ લેખ પ્રગટ કરવા બદલ સંચાલકો નો આભાર