આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા 13


દેવલોકમાં, દેવોની સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. બત્રીસ ભાતના પકવાનની સોડમ ચોમેર પ્રસરી રહી હતી. દેવો આનંદમાં મશગૂલ હતા ત્યારે બે દીકરીઓ દેવલોકના દરબારની બહાર ચોધાર આંસુએ રડી રહી હતી. સંસારના માનવીય સિતમનો ભોગ બનેલી આ દીકરીઓને છાનું રાખવાવાળું કોઈ નહોતું. ટાઢ-તડકો વેઠતી આ દીકરીઓ કલ્પાંત કરી રહી હતી. આ કલ્પાંતનો અવાજ સાંભળી એક દેવદૂત આ દીકરીઓની પાસે આવ્યો અને કહ્યું, “હે બાળકીઓ, તમને ખબર નથી કે આ દેવોનો દરબાર છે? અહીં આ કલ્પાંત કરી તેમના રંગમાં ભંગ શા માટે પાડો છો?”

આ સાંભળી એક દીકરીએ કહ્યું, “હે દેવદૂત, અમે ભગવાન આગળ ફરીયાદ કરવા આવ્યા છીએ.”

દેવદૂતે પૂછ્યું, “શાની ફરીયાદ?”

ત્યારે રડતાં રડતાં દીકરીઓએ દેવદૂતને કહ્યું, “હે દેવદૂત, અમારી ફરિયાદ એ છે કે અમને ભગવાને શા માટે દીકરી બનાવી? તેમણે અમને સંસારનું સંચાલન કરવા મોકલી હતી પણ આ સંસારમાં અમારી કોઈ જરૂર ન હોય એમ જણાય છે પણ આ કસાઈવાડે શા માટે અમને મોકલી?”

દેવદૂતે કહ્યું, “દીકરીઓ, તમારું દુઃખ મને જણાવો.”

ત્યારે એક દીકરી હૈયાફાટ રૂદન કરતાં બોલી, “હે દેવદૂત, ભગવાને મારા જીવને પૃથ્વીલોકની મારી માતાના ગર્ભમાં મૂક્યો. પૃથ્વીલોકમાં અવતરવાના સ્વપ્ને મારું મન રોમાંચિત થઈ ઉઠ્યું, મને પણ હોંશ જાગી કે મારા મમ્મી-પપ્પા મને ખૂબ વ્હાલ કરશે, તેમની ગોદમાં હું રમીશ, મારા નાજુક રતુમડાં ગાલ પર મારી માં વ્હાલથી બચી ભરશે, મીઠાં અવાજે હાલરડું ગાશે અને એ હાલરડું સાંભળતા સાંભળતા હું મીઠી નિંદ્રામાં સૂઈ જઈશ. મારો એક નાનકડો ભઈલો હશે, તેની સાથે હું રમકડાંથી રમીશ, તેને રાખડી બાંધીશ. મોટી થતાં મમ્મીને ઘરકામમાં મદદ કરીને તેનો બોજ ઘટાડીશ, થાકીને આવેલા પપ્પાને પાણીનો પ્યાલો આપીને તેમનો થાક ઉતારવાનો પ્રયત્ન કરીશ, સાસરે જવાનો વારો આવશે ત્યારે માતા-પિતાના આશિર્વાદ અને જવતલિયા ભાઈના દુઃખણા લઈશ, મારા મમ્મી-પપ્પાનું અને પતિનું એમ બે પરિવારને ઉજાળીને હું સ્વર્ગમાં ફરીથી આવીશ. પણ મારા આ અરમાનોનો કચ્ચરઘાણ જ નીકળી ગયો.

મારી મમ્મી ડૉક્ટર અંકલને બતાવવા આવી, સોનોગ્રાફીના મશીનથી નીકળતા લિસોટા મારા શરીરને દઝાડતા હતાં, હું વેદનાથી ચિત્કારી ઉઠી પણ તે અવાજ મારી માતાના ગર્ભમાં જ રહી ગયો. એ દિવસે ડૉક્ટર અંકલે મારી મમ્મીને કહ્યું કે દીકરી છે, ત્યાં તરત જ પપ્પાનો અવાજ સંભળાયો, ‘અબૉર્શન કરી નાંખો.’ ઈચ્છા-અનિચ્છાએ મારી મમ્મી પણ તેમની સાથે સહમત થઈ ગઈ, પૈસાની લાલચમાં ડૉક્ટર અંકલ તો ભાન ભૂલેલા જ હતાં. મારું કાળજું ફફડવા લાગ્યું કે હવે શું થશે. કોણ મને બચાવશે? હું મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી, “હે ભગવાન, મને બચાવો.” પણ મારી યાચના કોણ સાંભળે, હું મજબૂર હતી.

સમય વીત્યો અને એક દિવસે ડૉક્ટર અંકલ મારા મમ્મીને ઑપરેશન થિયેટરમાં લઈ આવ્યા, મારા કાળજામાં કંપારી વછૂટી ગઈ, માતાના ગર્ભમાં મારા અંગે અંગમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું, થોડીક વારમાં કોઈક મશીનની ઘરઘરાટી સંભળાવા લાગી, હું આતંકિત થઈ ઊઠી, મારી આંખોમાંથી અનરાધાર આંસુઓ એકસામટા બહાર નીકળી આવ્યા, મારા પર નર્કથી પણ ખરાબ યાતનાઓ શરૂ થઈ, હું ચિલ્લાવા માંગતી હતી પણ મારો અવાજ ગર્ભમાં જ રહી જતો, હું રડતી રહી, તરફડતી રહી પણ મારું કોઈ જ નહોતું. મશીનો મારા પર તૂટી પડ્યા અને મારા શરીરના અનેક ટુકડા કરી નાંખ્યા, કોઈને મારા પર દયા ન આવી. મારા ધબકતા હૈયામાં ભરાયેલા મશીને ફુગ્ગાની જેમ તેને….. મારા અરમાનોનું ખૂન થઈ ગયું, મારો જીવ મમ્મીને મળવા ભટકતો રહ્યો પણ મને મારી મમ્મી ન મળી એટલે આજે ભગવાનને પૂછવા આવી છું કે તેમણે મને આવો જન્મ આપવાનું કેમ વિચાર્યું?” આમ કહી તે દીકરી ફરી રડી પડી.

આ વિતક સાંભળી દેવદૂતની આંખો પણ ભીની થઈ ગઈ, એ બોલ્યો, “તારી ઉપર વીતેલી યાતનાઓ તો નર્કની યાતનાઓથી પણ બદતર છે, ચાલ હું તને દેવોના દરબારમાં લઈ જઉં.”

– ભરત કોટડીયા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા