શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત.. 13


શ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. અન્ય ભાષાઓ જ્યાં તેમના ઓનલાઈન વિકાસકર્તાને પણ પૂરતો ન્યાય અને સન્માન આપે છે ત્યાં આપણી ભાષા અને લોકો એવું સબળ કાર્ય કરનાર ગણ્યાગાંઠ્યા ક્રાંતિકારીઓને કોઈ ઓળખ કે સન્માન આજ સુધી આપી શકી નથી.

હમણાં થોડાક જ દિવસ પહેલા શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ સાથે મુલાકાત થઈ હતી જે દરમ્યાનમાં આ અંગેની વાત થઈ, તેમની પાસેની સામગ્રી સંપૂર્ણપણે નોન યુનિકોડ ફોન્ટમાં હતી અને તેને યુનિકોડમાં ફેરવવા માટે એક યુવાને ખૂબ મહેનત કરી એ ફોન્ટમાંથી યુનિકોડમાં કન્વર્ટર બનાવી આપ્યું, આવા નોંધાયા ન હોય તેવા અનેક પ્રયત્નો અસંગઠીત રીતે થતાં હ્શે જેની જાણ એક નાનકડા સમૂહ સિવાય બહાર થતી નથી, જો એ જાણ વધુ વિસ્તૃત સમૂહ સુધી પહોંચે તો શક્ય છે કે તેનો લાભ અનેક લોકો લઈ શકે અને તેની પાછળ નિઃસ્વાર્થ અને કોઈ પણ અપેક્ષા વગર મહેનત કરનારની એ ધગશને આપણે સૌ સલામ કરી શકીએ.

ગુજરાતી બ્લોગવિશ્વમાં છેલ્લા છ વર્ષથી સક્રિય હોવાને લીધે વિશાલભાઈની સાથે ઘણી વખત સંપર્ક થયો છે, દર વખતે તેમના પરગજુ સ્વભાવ અને ભાષા પ્રત્યેની ધગશથી સાનંદાશ્ચર્ય થયું છે. અક્ષરનાદ પર ગુજરાતી ટાઈપપેડમાં તેમનું પ્રમુખ ટાઈપપેડ પાંચ વર્ષથી છે. અક્ષરનાદની જેમ અનેક ગુજરાતી બ્લોગ્સ કે જે વર્ડપ્રેસ આધારીત છે, તેમના પ્રતિભાવ વિભાગમાં વિશાલભાઈની મહેનતે જ ગુજરાતી ટંકણ થાય છે. આવા તો અનેક મદદગાર સ્ત્રોત તેમણે ઉપલબ્ધ કરાવ્યા છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.

1. આપનો પરિચય આપશો.

મારું નામ વિશાલ મોણપરા છે. મુળ વતન ભાવનગર જીલ્લાનું નોંઘણવદર કરીને નાનું ગામ પણ અમારું કુટુંબ વર્ષોથી જુનાગઢ સ્થાયી થયું છે. જુનાગઢ ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ પુરો કરીને મ.સ. યુનિવર્સીટી – વડોદરા માંથી કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ ઉચ્ચતર અભ્યાસ માટે અમેરિકા આવ્યો અને લગભગ છેલ્લાં ૯ વર્ષથી અમેરીકા સ્થાયી થયેલ છું.

2. ગુજરાતી ભાષા વિશેની સૌપ્રથમ વખત ઓનલાઈન જાણકારી કે વપરાશ આપને કઈ રીતે મળ્યા?

અમેરિકા આવ્યા બાદ પુષ્કળ સમય મળવાને કારણે ગઝલો લખવાનો શોખ જાગ્યો. વિચારોને કાગળ પર અંકિત કરતો હતો. સાથે સાથે વેબસાઇટ બનાવવાનું પણ શિખતો હતો તેથી મેં મારી ગઝલોને વેબસાઇટ પર મુકવાનો નિર્ણય કર્યો અને ૨૦૦૫ માં મેં મારી વેબસાઇટ બનાવી અને ગુજરાતીમાં મારી ગઝલો મુકી.

3. ભાષાને લગતી બાબતો વિશેના પ્રયાસમાં તમે ક્યારથી અને કઈ રીતે સક્રિય થયા?

હું મારી ગઝલોને વેબસાઇટ પર મુકતો ત્યારે તેમાં ફોન્ટનો પ્રશ્ન નડતો હતો. હું ગઝલો ટાઇપ કરવા માટે નોન યુનિકોડ ફોન્ટ વાપરતો હતો અને પછી ગઝલોને ચિત્રરૂપે વેબસાઇટ પર મુકતો હતો કે જેથી વાંચનારને કોઇ ફોન્ટ ડાઉનલોડ ન કરવા પડે. પરંતુ આ કામમાં ખુબ જ મહેનત પડતી કારણ કે નોન યુનિકોડ ફોન્ટનું કીબોર્ડ મને ફાવતું ન હતું અને વળી જો ફોન્ટ બદલાવીએ તેનું કીબોર્ડ પણ પાછું યાદ રાખવું પડે. આ બધી મુશ્કેલીઓને લીધે મને વિચાર આવ્યો કે જો આપણે જેમ ગુજરાતીને અંગ્રેજીમાં લખીએ છીએ તેમ જ જો અંગ્રેજી કીબોર્ડની મદદથી ગુજરાતીમાં લખાય તો કેવું સારું? બસ આ જ વિચારને વળગીને સૌ પ્રથમ .Net માં એક પ્રોગ્રામ તૈયાર કર્યો કે જેમાં સૌ પ્રથમ તમારે અંગ્રેજીમાં ટાઇપ કરવાનું અને પછી એક બટન દબાવવાથી ગુજરાતીમાં રૂપાંતર થાય. તેમાં ટાઇપ કરતી વ્યક્તિને જ્યારે રૂપાંતર થઇ રહે ત્યારે તેણે કરેલી ભુલોની ખબર પડે. તેથી વિચાર કર્યો કે જો કોઇ વ્યક્તિ અંગ્રેજીમાં ટાઇપ કરે અને તરત જ જો તે ગુજરાતીમાં ફેરવાઇ જાય તો આ પ્રકારનો પ્રોગ્રામ દરેકને ખુબ જ ઉપયોગી બનશે. આ વિષે વિવિધ દિશામાં મેં સંશોધન આદર્યું કે જેમાં કઇ ટેકનોલોજી વાપરવી અને દરેક ટેકનોલોજીના સારા નરસા પાસા અંગે નાનામાં નાની વિગતો મેળવી અને ત્યાર બાદ JavaScript ને લઇને ગુજરાતી ટાઇપ કરવાનો પ્રોગ્રામ બનાવવાનું વિચાર્યું. અને એક વર્ષના અથાગ પ્રયત્ન બાદ અંતે જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં ટાઇપ કરવા માટેનું સોફ્ટવેર બનાવ્યું.

4. ગુજરાતી ભાષા અને અન્ય ભારતીય ભાષાઓ માટે આપે કઈ કઈ સગવડો વિકસાવી છે?

ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓ માટે સૌ પ્રથમ તો વેબસાઇટ આધારીત ટાઇપ પેડ બનાવ્યા છે. દરેક ભાષાઓ માટે TinyMCE, CKEditor, WordPress અને Firefox Plugins બનાવ્યા છે. વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમ આધારિત કમ્પ્યુટરમાં દરેક એપ્લીકેશનમાં ભારતીય ભાષાઓમાં સીધું જ ટાઇપ કરી શકાય એ માટે પ્રમુખ આઇએમઇ બનાવેલ છે. વળી ગુજરાતી ભાષા માટે સ્પેલ ચેકર બનાવેલ છે અને નોન યુનિકોડમાંથી યુનિકોડમાં અને યુનિકોડમાંથી નોન યુનિકોડમાં સરળતાથી ફેરવી શકાય તેવું ફોન્ટ કન્વર્ટર પણ બનાવ્યું છે.

5. આપનો મુખ્ય વ્યવસાય શો? ભાષા વિકાસના કાર્ય માટે સમય કઈ રીતે ફાળવો છો?

હું વ્યવસાયે સોફ્ટવેર એંજીનિયર છું. અમેરિકાની જીવનશૈલી દોડધામ ભરેલી છે. તેમાં પણ હું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઑડિયો-વિડિયો વિભાગમાં સેવા આપું છું અને એક વર્ષથી પિતા તરીકેની નવી જવાબદારી પણ નિભાવું છું. વળી મારે લગભગ આઠ કલાક ઊંઘવા પણ જોઇએ જ. આ દૃષ્ટિએ જોતા ભાષા વિકાસના આ કાર્ય માટે જોઇએ તેટલો સમય કાઢી શકતો નથી પરંતુ મારા ઘરે ટીવી નથી અને ખોટો સમય વેડફતો નથી. જો થોડોક પણ સમય મળે તો મારું કામ કરી નાખું છું (જો કે મારી પત્ની આ વાત સાથે સહમત નથી :))

6. તમે જે સિસ્ટમ વાપરો છો તેનું કન્ફિગરેશન શું છે?

હું વિન્ડોઝ ૭ વાપરું છું.

7. સામાન્ય રીતે તમે કઈ કઈ વેબસાઈટ્સની મુલાકાત સતત લેતા રહો છો?

હું ભારત, ગુજરાત અને અમેરિકાના સમાચારોની વેબસાઇટની મુલાકાત લેતો રહું છું અને જ્યારે નવરાશની પળો હોય ત્યારે ગુજરાતી સાહિત્યની વેબસાઇટની મુલાકાત લઉં છું.

8. ગુજરાતી ભાષાની કઈ કઈ વેબસાઈટ્સ તમને ગમે છે?

રીડગુજરાતી, અક્ષરનાદ, ટહુકો, ગાગરમાં સાગર, લયસ્તરો, વિવેકભાઇ, મહેન્દ્રભાઇ શાહના કાર્ટુન વગેરેની વેબસાઇટ મને ગમે છે.

9. OCR અંગ્રેજીની જેમ ગુજરાતી માટે ધાર્યું પરિણામ આપી શક્તા નથી, તેનું કારણ શું હોઈ શકે? એનો કોઈ ઉકેલ જણાય છે?

 આ વિષયમાં હજી ચાંચ બોળી નથી એટલે તેનો જવાબ આપવો અઘરો છે. તેનો ઉકેલ તો ખુબ જ સહેલો છે. ગુજરાતી ભાષાને ચાહનાર કોઇ સોફ્ટવેર એંજીનિયર જો આ દિશામાં સક્રિય થાય તો કંઇ જ અશક્ય નથી. હા, આ સોફ્ટવેર બનાવતા વાર લાગે પણ અશક્ય તો બિલકુલ જ નથી.

10. અક્ષરનાદ પર આપને કોની સાથે પ્રકારની મુલાકાત જોવી ગમશે?

અક્ષરનાદ પર ગુજરાતી ભાષા સાથે સંલગ્ન કોઇ પણ વ્યક્તિ સાથેની મુલાકાત જોવી ગમશે.

11.  ભાષાપ્રેમીઓની સહાય જો આપને મળે તો ક્ષેત્રમાં કોઈ મોટું કાર્ય થઈ શકે એમ તમને લાગે છે?

ભાષાપ્રેમીઓની સહાય જો મળે તો ગુજરાતી માટે માત્ર થોડાક વર્ષો પુરતાં જ નહી પરંતુ આવનારી પેઢીઓ માટે પણ ગુજરાતીની જાળવણી માટે ખુબ જ મોટું કાર્ય થઇ શકે છે. અત્યારના સંજોગોમાં મને લાગે છે કે જે વ્યક્તિને ગુજરાતી વ્યાકરણની ચોપડીની બે લીટી વચ્ચેનું જ્ઞાન હોય તેવા વ્યક્તિઓ જો પોતાનું જ્ઞાન ઇન્ટરનેટ પર લખીને કે ઓડિયો રેકોર્ડ કરીને કે કાગળ પર લખીને તેને સ્કેન કરીને જો ઠાલવવા મંડે તો ભવિષ્ય માટે કોઇ પણ વ્યક્તિને તે ખુબ જ ઉપયોગી થઇ પડશે. રતિલાલભાઇએ ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્‌ ગોમંડળ ઓનલાઇન કરીને એક અતિશય મોટી સેવા કરી છે. જુગલકિશોર ભાઇ પણ પોતાનું ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન અવારનવાર પોતાના બ્લોગ પર મુકે છે. જો આ દિશામાં પ્રયત્ન થાય તો ભવિષ્યની પેઢીને એ અત્યંત ઉપયોગી થઇ પડશે. વળી ગુજરાતના દરેક નાના મોટા શહેરો અને ગામડાઓ સાથે કેટલીયે સત્યકથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે કારણ કે તે માત્ર સાહિત્યિક મુલ્ય જ નહી પરંતુ ઐતિહાસિક મુલ્ય પણ ધરાવે છે. જો આ દરેક કથાઓ ઇન્ટરનેટ પર મુકવામાં આવે તો ભવિષ્યની પેઢી માટે એ અત્યંત ઉપયોગી થઇ પડે. ટુંકમાં ગુજરાતીને લગતું કોઇ પણ જ્ઞાન કોઇ એક વ્યક્તિ પુરતું સિમિત ન રહેતા જો દરેક વ્યક્તિને સહજ રીતે મળી શકે તેમ થાય તો ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને ખુબ જ ઉપયોગી થઇ પડશે.

12. ક્ષેત્રના ભવિષ્ય માટે અને વધુ સગવડો વિકસાવવા વિશે આપની શી યોજનાઓ છે?

હાલના થોડાક વર્ષોમાં તો મારા સોફ્ટવેરને વધારે સારું બનાવવા પ્રયત્ન કરીશ અને પછી ગુજરાતી સ્પેલચેકરની ક્ષતિઓ દુર કરવાનો પ્રયત્ન કરીશ.

વિશાલભાઈની વેબસાઈટ : http://vishalon.net


Leave a Reply to niranjanCancel reply

13 thoughts on “શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત..

  • MARKAND DAVE

    ખૂબ સુંદર વિચારો વ્યક્ત થયા છે. શ્રીજિગ્નેશભાઈ, શ્રી વિશાલભાઈની માફક આપની સાહિત્ય સેવાઓને પણ હું બિરદાવું છું.

  • Pushpakant Talati

    આ ઘણોજ સરસ અને ઉમદા તેમજ ‘કાબિલ-એ-દાદ’ પ્રયત્ન છે. આ પ્રમાણે આપણે શ્રી વિશાલભાઈ મોણપરા જેવા મૌન સેવાધારીઓ ને ચોક્કસ પણે બિરદાવવા જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઇ પણ સારું કાર્ય કરે તો તેના કાર્યની તેમજ તે વ્યક્તિની જાણ સર્વને થવી જ જોઈએ અને જો ન થાય તો તે આપણે કરવી જ જોઇએ તેવું મારું ખાસ અને દ્રઢ પણે માનવું છે.

    આપશ્રી નાં આ પ્રયત્નને હું ખરા દિલથી આવકારું છું તેમજ બિરદાવું છું. – ધન્યવાદ

    પુષ્પકાન્ત તલાટી નાં દરેક ને હાર્દિક ‘”જયશ્રી ક્રુષ્ણ'” તથા ‘”જય સ્વાનિનારાયણ'” .

  • Atul Jani (Agantuk)

    ગુજરાતીમાં ફોન્ટ તો ઘણાં ઉપલબ્ધ હતા. વિશાલભાઈએ યુનીકોડમાં સગવડો વિકસાવીને ઈન્ટરનેટ ક્ષેત્રે ગુજરાતીને પ્રસારવામાં સિંહફાળો આપ્યો છે.

    સ્પેલ ચેકર બની ગયાં પછી આપ ક્ષતી સહિત ગુજરાતીને સાર્થ ગુજરાતીમાં રુપંતરરીત કરવાનું સોફ્ટવેર બનાવી આપશો તો શુદ્ધ ગુજરાતી પ્રસરાવવામાં અમૂલ્ય યોગદાન ગણાશે.

  • M.D.Gandhi, U.S.A.

    શ્રી વિશાલભાઈ,

    આજ રોજ “અક્ષરનાદ.કોમ” ઉપર તમારી મુલાકાત વાંચી. બહુ આનંદ થયો.

    મારું નામ મનસુખલાલ ગાંધી છે અને હું અમેરીકામાં લોસ એન્જલસમાં રહું છું. તમારી વેબસાઈટ http://service.vishalon.net/pramukhtypepad.aspx નો હું ઘણા વખતથી ઉપયોગ કરું છું અને મારા ખ્યાલ મુજબ, આ વેબસાઈટથી વધારે સારી કોઈ બીજી ગુજરાતી વેબસાઈટ નથી. તમારી વેબસાઈટમાં જે “અંગ્રેજી કી બોર્ડની મદદથી અંગ્રેજીમાં લખતાં જઈએ અને ગુજરાતી લખાતું જાય” તે પધ્ધતિ અતિ ઉત્તમ છે, જ્યારે બીજી ઘણી વેબસાઈટનો ઉપયોગ કરવો હોય તો કી બોર્ડની બધી કી જે અલગ અલગ ગુજરાતી શબ્દ બનાવે તે યાદ રાખવી પડે.{“Google”માં ગુજરાતીનો ઉપયોગ કરવો હોય તો પણ બહુ માથાકુટિયું કામ છે, તમારી વેબસાઈટ જેટલી સહેલી નથી.} મારા ઘણા બધા મિત્રોને પણ મેં આ વેબસાઈટ વાપરતા કરી દીધા છે. તેમાં પણ “ફોન્ટ”ની સાઈઝ તથા બધી જાતના “ફોર્મેટ” વગેરે બહુજ ઉત્તમ છે. તમને ઘણા ઘણા અભિનંદન.

    mdgandhi21@hotmail.com

  • jagdish48

    મારો બ્લોગજગતમાં પ્રવેશ અક્ષરનાદ અને વિશાલભાઈને કારણે જ છે. ઉપર જતાં સુધી તો એ ઋણ ઉતરી નહી શકે. બંન્નેનો ખુબ ખુબ હૃદયથી આભાર.
    (છાનુંછપનું – વિશાલભાઈ, આજે તો તમારે ત્યાં મોકો છે, પત્નીને પટાવી લો ને !)

  • kaushal

    આભાર જીગ્નેશભાઈ વિશાલભાઈ સાથે ની વાતચીત કરતાં લેખ બદલ.

    મારે લગભગ ૨૦-૨૫ દિવસ પહેલા જ વિશાલભાઈ સાથે મારે વાત થયેલ હતી આ ગુજરાતી યુનિકોડ માટૅ. તેઓ ખુબ જ ઉમદા વ્યક્તિ છે અને બહુ સરસ માહીતી મને આપી હતી. આભાર વિશાલભાઈ ને અને આવી બીજી પ્રગતિ કરતા રહે આગળ. જય સ્વામિનારાયણ.

  • ASHOK M VAISHNAV

    ભાઇશ્રી વિશાલ મોણપરાએ ભારતીય ભાષાઓની, ખાસ તો ગુજરાતીની, સિધું જ જે તે ભાષામાં, અંગ્રેજીમાં જ ટાઇપ કરતાં હોઇએ તેમ ટાઇપ કરી શકાય તે માટેનું સૉફ્ટવૅર બનાવીને બહુ જ અમૂલ્ય કામ કર્યું છે, તે વિષે કોઇ જ બેમત ન હોઇ શકે.

    તેમને મારા, અને સહુ ગુજરાતી (ભારતીય), શત શત અભિનંદન્.

  • Jayshree

    વિશાલ સાથેની મુલાકાત વાંચવાની મઝા આવી..!!

    આ કોમેંટ જે ગુજરાતીમાં લખી શકાય છે, એ વિશાલને જ આભારી છે..!