પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ 12


એક લેખક સતત એવી કૃતિઓ લખી શકે જે સંપાદક અને વાચક એમ બંનેને ગમે એ અનેરી ઉપલબ્ધી કહેવાય, સામાન્ય રીતે અક્ષરનાદ પર અનેક લેખકોની કૃતિઓ મળતી હોય છે અને એક-બે વધુ તો ત્રણેક કૃતિઓ પછી એક પ્રકારનો લેખન સંકોચ અથવા આંતરીક ઉદાસીનતા વ્યક્ત થાય છે. અક્ષરનાદ પર એવા વાચકોની / નવોદિત લેખકોની અનેક કૃતિઓ હશે જેની સંખ્યા બે-ત્રણથી વધી નથી. પોતાની કૃતિઓનું સ્તર વધુ ઉંચુ લઈ જવાની અભિલાષાએ લેખન છોડી બેઠેલા અથવા તો ઓછા પ્રતિભાવોના કારણે હતાશ થયેલ અનેક મિત્રો માટે નિરાશ થવાને કોઈ કારણ નથી. અક્ષરનાદ પર જેમના લેખ સતત મળતા રહે છે અને પ્રસ્તુત થતા રહે છે તેમાં નિમિષાબેન દલાલ શામેલ છે. અહીં આજે તેમની દસમી કૃતિ છે.

અક્ષરનાદ પર કોઈ પણ લેખક વિશે / કૃતિઓ વિશે કોઈ નિયમ રાખ્યો નથી. કોઈ પણ વાચકની પ્રથમ કૃતિ તો અહીં મહદંશે મૂકાય જ છે, એ પછી પણ સતત વિકસતા અનેક મિત્રોને મંચ આપી શક્યાનો અનહદ આનંદ પણ છે જેમાંથી આજે ઘણાં પ્રસ્થાપિત નામ થઈ રહ્યા છે. આજની આ સુંદર વાર્તાઓ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

(૧)

‘ઉવાં… ઉવાં…’ નાના બાળકનાં રડવાનાં અવાજે હું અટકી. આમતેમ નજર કરી પણ રાત્રિના સૂમસામ રસ્તા પર બાળક હોવાના કોઇ ચિહ્નો મને ન દેખાયા… પણ નજીકની કચરાપેટીમાં હલન ચલનનો ભાસ થયો. કચરાની બદબૂ સહન ન થવાથી મેં નાક ઉપર રૂમાલ ઢાંકી તેમાં નજર કરી. મારા આશ્ચર્ય વચ્ચે એક તાજું જન્મેલું બાળક તેમાં રડતું હતું. ભૂખ્યું લાગતું હતું. કોણ જાણે કેટલા સમયથી એ ત્યાં રડતું હતું ! મેં તરત એ બાળકને કચરાપેટી માંથી બહાર કાઢ્યું. આજુ-બાજુના કચરાને લીધે બાળક ગુંગળાતું હતું. તેને લઈને હું મારી સંસ્થા પર આવી. જ્યાં આવી રીતે ત્યજાયેલાં અનેક બાળકોને અમે ખૂબજ પ્રેમ થી ઉછેરતા. મેં એ બાળક આઈમા ને સોંપ્યું. આઈમા એને નવડાવી, દૂધ પાઈને મારી પાસે લાવ્યા. બાળક ખૂબ જ સોહામણું હતું. એણે એક મનમોહક સ્મિત સાથે મારી સામે જોયું. મેં પ્રશ્નાર્થ નજરે આઈમા સામે જોયું. એમની પાંપણ ભીંજાઈ ને મને મારા સવાલનો ઉત્તર મળી ગયો. એ ત્યજાયેલું બાળક એક બાળકી હતી.

(૨)

દર્શન તેના મિત્ર રજતને સમજાવી રહ્યો હતો. જેની પત્નીને ડોક્ટરે રક્તપિત્ત હોવાનું નિદાન કર્યું હતું અને હજુ રોગની શરુઆત હતી એટલે નિયમિત દવાઓ અને કાળજી થી મટી જશે એમ કહ્યું હતું. રજત ઘરેથી એની કાળજી ને દવાઓ કરવા ઈચ્છતો હતો ને દર્શન તેને લેપ્રસીની હોસ્પિટલમાં મુકી આવવા કહેતો હતો. “જો રજત હું તારી લાગણી સમજું છું. તું ભાભીને ખૂબ પ્રેમ કરે છે તે પણ જાણું છું. પણ આ એક ચેપી રોગ છે રજત. તું પણ તો મારી જેમ સંયુક્ત કુટુંબમાં રહે છે.. તારા ભાઇ નાં નાના નાના બાળકો છે. ભલે અત્યારે એ રોગની શરુઆતનો તબક્કો છે પણ કાળજી નહી લેવાય તો એની શું અસર થાય જાણે છે ? ધીરે ધીરે માણસના આંગળા ખરી જાય.. અંગો કદરૂપા થઈ જાય.. તેમાં પરૂ થાય.. ઘામાં જીવડાં પડે.. તેમાંથી વિચિત્ર વાસ આવે… તું પોતે સેવા કરતાં કંટાળશે રજત.. મારું માન એમને લેપ્રસીની હોસ્પિટલમાં દાખલ કરી દે. નિયમિત દવા અને કાળજીથી તે એકદમ સ્વસ્થ થઈ જશે.” દર્શન બોલતો હતો ને રજત વિચારતો હતો. જો પોતાને આ રોગ થયો હોત તો… પત્નીને દૂર મોકલતા તેનું મન નહોતું માનતું.

એક દિવસ દર્શન બાથરૂમમાં નહાવા ગયો હતો. ગીઝર બગડેલું હોવાથી તેની પત્ની ગરમ પાણીનું ભરેલું તપેલું લઈ આવતી હતી ને તેને ઠોકર વાગતાં તપેલા માંથી પાણી દર્શનનાં પગ પર ઢોળાયું. એની પત્ની એકદમ ગભરાઈ ગઈ પણ દર્શનને દાઝ્યા નો કોઇ અહેસાસ થયો હોય એમ લાગ્યું નહીં. ડો.ને બતાવતાં ડોક્ટરે કહ્યું, “આ રોગની શરુઆત માં ચામડી સંવેદનો ગુમાવી બેસે છે. તમને રક્તપિત્ત ની શરુઆત છે….” દર્શનના પગ નીચેથી ધરતી ખસી ગઈ…

(૩)

સ્મિતાએ પોતાના ઉદર પર હાથ ફેરવ્યો. એક અદભૂત આનંદ પ્રાપ્ત થયો. આજથી સાત મહિના પછી તે એક સંપૂર્ણ સ્ત્રી બનશે. પોતાનું બાળક, પોતાનો અંશ, પોતાના શરીરથી બંધાયેલો પિંડ.. કેટલું સંતોષ જનક હતું આ ! દરેક સ્ત્રી માટે આ અનુભવ લગભગ સરળ હતો. પણ પોતાને માટે ? પોતાને માટે કદાચ આ એટલું સરળ નહોતું.

એક બાળકીના પિતા એવા વિધુર સંદીપ સાથેના સુખી લગ્નજીવનના આઠ વર્ષ પછી પણ તે અધૂરી હતી. અને આજે … ? આજે તે એક પૂર્ણ સ્ત્રી બનવાના રસ્તા પર હતી. પોતાનો અંશ ન હોવા છતાં સંદીપની દીકરીને પોતે જેટલો પ્રેમ કર્યો તેટલો પ્રેમ શું સંદીપ આ બાળકને કરી શકશે ? જ્યારે સંદીપને સ્મિતાએ પોતાની પ્રેગ્નન્સીની વાત કરી ત્યારે સંદીપનો પિત્તો ગયો.. તેણે સ્મિતાને ખરાબ ચાલચલનની કહી. સ્મિતા રડી પડી. સંદીપે કહ્યું કે પોતે તેની સાથે લગ્ન કર્યા તે પહેલાં વ્યંધત્વનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી સ્મિતા ને પોતાનું બાળક ના થાય. સ્મિતાના પેટમાં કોનું બાળક છે તેમ પૂછતાં સ્મિતાએ જણાવ્યું કે સંદીપે ઓપરેશન કરાવ્યાની વાત પોતે જાણે છે અને તેથી જ તેણે સ્પર્મ બેંકમાંથી….

(૪)

હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સોની દોડાદોડી ચાલતી હતી. નજીકમાંજ યાત્રાળુઓની બે બસો અને એક ટ્રકનો ગમખ્વાર અકસ્માત થયો હતો. ઘાયલો અને મૃતકોથી હોસ્પિટલ ભરાવા માંડી હતી. દર્દીઓની ઓળખ કરવા એમના સામાન ફંફોસવામાં આવ્યા. એક વૃદ્ધ અને એક વૃદ્ધાને સીરીયસ કંડીશનમાં આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તરત ટ્રીટમેંટ શરૂ કરી. બંને અર્ધબેભાન અવસ્થામાં હતાં. ડો.એ નામ પૂછ્યું. નર્સે જવાબ આપ્યો.

“સદાનંદ. સદાનંદ ઝવેરી ” બાજુના બેડ પરની ડોશીના શરીરમાં આ નામ સાંભળી સળવળાટ થયો. એ બબડી,

“સ..દ્દુ.. એ સદ્દુડા… તું છે ?” ડોક્ટર્સ અને નર્સને નવાઈ લાગી કે આ ડોશી શું બબડે છે પણ જાણે ‘સદ્દુ’ સાંભળતાંજ એ ડોસાના શરીરમાં પણ થોડો સંચાર થયો.

“અરે ચંપાડી તું ? ”

“હા સદ્દુ … હું..” બંને એ કણસતાં કણસતાં પરાણે એકબીજાની સામે જોયું. બંધ થઈ જતી આંખોને પણ પરાણે ખોલી. નજર મળતાંજ બંને ના ચહેરા પર એક ઓળખીતું સ્મિત આવી ગયું અને એ સ્મિત ત્યાંજ સ્થિર થઈ ગયું.

(૫)

સ્મિતા

આજે મારા પર ગુસ્સો ઠાલવીને તેં સાબિત કરી દીધું કે તું રોમા નથી સ્મિતા જ છે.

તારો ગુસ્સો વાજબી છે. તને વેચવાનો અપરાધ મેં કર્યો. માબાપ વગરનો હું અનાથ અપરાધ ના માર્ગે વળી ગયો હતો. તારા જવાથી તારા પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. હું એ વખતે ગામમાં જ હતો. મારા કાકાના કહેવાથી થોડા દિવસ તેમની કાળજી લીધી ત્યારે તેમના પ્રેમથી મારા જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. મેં તારા માતા-પિતાની મરતાં સુધી સેવા કરી. અને એમની ઈચ્છા મુજબ તેમની અસ્થિઓ નું તારા હાથે વિસર્જન કરાવવા તને શોધતો હતો.

રીપોર્ટરની નોકરી કરતાં એક દિવસ આ શહેરમાં હું પબ્લિકમાં ઈંટર્વ્યુ લેતો હતો ત્યારે મારી નજર તારી પર પડી હજુ હું તને બોલાવું એ પહેલાં તો તું ટોળામાં ખોવાઈ ગઈ.. એ રાતે મેં એક જાણીતો સુરીલો અવાજ સાંભળ્યો. એ તારો હતો. મેં ગામમાં ક્યારેક તને ગાતી સાંભળી હતી. મારી હોટલની સામેની જ હવેલીમાં તને જોઇ મારી ખુશીનો પાર નહોતો. રોજ રાતે મહેફીલ પૂરી થતાં મેં તને મળવાની કોશીશ કરી પણ …

મેં ધીરજ રાખી ને અંતે આજે તેં સ્વીકાર્યું કે તું જ સ્મિતા છે. તારી જે અમાનત હું વર્ષોથી સાથે લઈને ફરુ છું એ આજે તને સોંપુ છું. આ બેઉ કળશમાં તારા માતા-પિતાનાં અસ્થિઓ છે. એમની મરજી પ્રમાણે ત્રિવેણી સંગમ પર જઈ એ અસ્થિઓનું વિસર્જન કરી એમનાં આત્માને શાંતિ અપાવજે.

રૂપેશ.


Leave a Reply to AvaniCancel reply

12 thoughts on “પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ

  • ashvin desai

    નિમિશા દલાલ ખુબ જ તુક સમયમા સુન્દર લેખિકા તરિકે ઉભરિ આવ્યા તે ખુબ જ આવકારદાયક ઘતના બનિ .
    એમનિ શૈલિ , અવલોકન , વિશય્વૈવિધ્ય અને નિશ્થા હેરત પમાદે તેવા ચ્હે . એમનો મોતો ગુન સમ્પુર્ન આશાવાદિ ચ્હે , તેથિ એમના વિવિધ પાત્રો પન કોઇ હતાશાવાદિ નથિ .
    બ્રુહદ ગુજરાત એક તેજસ્વિ લેખિકાને હરખ્થિ પોન્ખે એ સર્વથા ઉચિત ચ્હે . શુભેચ્ચ્હાઓ સાથે , અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Pankaj Brahmbhatt

    ખુબજ સરસ પ્રયત્ન. ભગવાન તમને વધુ સફલતા અપાવે.

  • urvashi parekh

    ખુબજ સરસ વર્તાઓ છે.
    કેટ્લા ઓછા શબ્દો માં કેટલી મોટી વાતો.
    નીમીષાબેન, ખુબ ખુબ અભીનન્દન.

  • hansa rathore

    પહેલી વાર્તા મનને ઘાયલ કરી ગઈ..બીજી વાર્તા એ નગ્ન સત્યનુ દર્શન કરાવ્યુ..૩ જી વાર્તા સનાતની પુરૂસના પાસાંને દેખાડી ગઈ.. પહેલો અધુરો પ્રેમ..ને જાતે સમજેલી જવાબદારી,,..આંખ ભીંજાઇ, પણ મન તૃપ્ત પણ થયું