બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ 2


૧. કવિતા

કોઈ લિયો આંખનું અંજન
નહીં કાળવું કાજલ
સુરમો નહીં
નહીં દરિયાજલા
અરે આંજવા
નહીં શલાકા
નહીં આંગળી
નહીં જોઈએ બાદલ,
એવો એનો ઈલમ
પાણીનું મીન
અને નભખંજન
એના અમલ અહીં
કંઈ દૂર ન
વિરાટ તે વડપર્ણ
અહીં
સોણલાં સમયપરાં-
શાશ્વત પૂનમનો વર્ણ;
જુઓ પ્રેમનો છંદ,
મધુર અકળામણ ને મનરંજન

૨. માઝમ

ઘરની હામેથી જરા ખેતરવા દૂર
ઓલી માઝમનાં વહી જાય પાણી,
કાંકરાળ મારગની ચાલ જાણે વગડામાં
ઝાંઝરની ઊછળંત વાણી.

પાંખાળવો બોલ એનો ઝીલે ઝિંગોર,
કે સીમ હાવ સૂની ને તો ય કાંઈ શોર !

વ્હેલી સવારમાંહી નાવણનો નેમ,
જલભરવાને જાઉં લેઈ માણ !
ઊગમણે વાદળિયા લોબરીની આડ ન્યાંથી
ધીરે રહી આવતો ભાણ

આછોતરી લ્હેરને અકીકનો રંગ
રે કોઈ નહીં ત્યાંય તે કેસરીયો સંગ !

ઉંડેથી આવી ચારેકોર મારી કોઈ
માછલી કાઢે રે બહાર મોઢું,
ગૌરી તે ગાય જેવી વ્હાલીને કેમ કરી
ચોખાનો ચાંદલો ચોડું?

ઓરી ને તોય હાથે ન એકને અડાય
કે વહેણમાં રમતીલી મેલી દઉં કાય.

કોઈ રે છેડો ન એનો જાણું હું
જાણું એક મારી આ આંખમાં સમાતી,
મારા નાવલિયાને પાવે કૈં લાખ
અલબેલા ગીત દૈ જાતી.

અંકાશને ય અંગ અંગ અડકંત છોળ,
નીતરતો વાયરો આ ભીને અંઘોળ.

– રાજેન્દ્ર શાહ

લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડિયાં અંતર્ગત ત્રણેક સંપુટમાં વિવિધ કવિઓની ચૂંટેલી રચનાઓનું સંકલન કરીને નાનકડી પુસ્તિકા સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રકાશન ૧૯૮૦થી શરૂ થયું દસ કવિઓનો એક એવો નાનકડો સંપુટ સંપાદિત કરાયેલો, પ્રથમ સંપુટનું શ્રી નિરંજન ભગતે, દ્વિતિય સંપુટનું શ્રી સુરેશ દલાલે તથા ત્રીજા સંપુટનું જયંત પાઠકે સંપાદન કરેલું. પ્રસ્તુત સંકલન અને સંપાદન શ્રી જયન્ત પાઠક દ્વારા ત્રીજા સંપુટમાં કરાયું છે. બંને કાવ્યરચનાઓ સબળ અને સ્વયઁસ્પષ્ટ છે. પ્રસ્તુત કાવ્યકોડિયાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની તક અક્ષરનાદને મળી છે એ બદલ સૌનો આભાર.


Leave a Reply to Ramesh PatelCancel reply

2 thoughts on “બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ

  • Ramesh Patel

    રાજેન્દ્રભાઈ શાહ…મારા વતન મહિસાના નજીકના ,કપણવંજના વતની અને તેમની કવિતાઓનું
    સદા આકર્ષણ રહ્યું છે. આપ થકી આ સાહિત્ય ઉપવનની
    સુંગંધ માણતા જ રહીશું.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • PUSHPAKANT TALATI

    બન્ને કવિતાઓ એવી કે અમારા જેવા માટે તો જાણે “ફૂલટોસ બોલિંગ” – એક પણ ટપ્પો ન પળે તે સાહજીક છે.
    આવા ઘણા જ ગહન વિષયો ઉપર તથા અઘરા તેમજ તળપદી શબ્દો ના ઉપયોગથી કંડારાયેલી આ બન્ને કવિતાઓ સમજતા તો નવા નિશાળીયાને તકલીફ પડે જ ને ?
    જો કોઈ આનો સરળતાથી આસ્વાદ કરાવે તો મજા આવી જાય. જોઈએ કોઈ વિરલાનાં મનમાં આવી ઈચ્છા જાગે છે કે કેમ ?
    ખરેખર આ કાવ્યોનું કોઈ રસદર્શન કરાવે તેવી મારી એટલે કે પુષ્પકાન્ત તલાટી ની હાર્દિક મહેચ્છા છે. તો તે માટે હું ભાષાનાં તથા સાહિત્યનાં ધુરંધરો ને આહવાન કરું છું.