સામાજિક સુગ્રથિતતા અને સરકાર – બર્ટ્રાન્ડ રસેલ, અનુ. બદરીપ્રસાદ ભટ્ટ


સામાજિક સુગ્રથિતતા જાળવવાની આરંભની પ્રક્રિયા તો સરકારની અપેક્ષા વિના વ્યક્તિગત મનોવ્યાપાર દ્વારા કાર્ય સાધવાની રહી હતી. મોટાભાગની આદિવાસી જનજાતિઓમાં આજે પણ આમ જ જોવા મળે છે. સૌ કોઈએ સ્વીકારવા પડે તેવા રીતરિવાજ તો અલબત્ત હતા જ પરંતુ તેમનું ઉલ્લંઘન કરવાનું વલણ નહોતું અને તેમના અમલ માટે પોલીસ કે ન્યાયાધીશોની જરૂર નહોતી એમ માનવું પડે. આરંભના પથ્થર યુગમાં આજે જેને અરાજકતા કહીએ છીએ તેવી દશામાં આદિવાસી પ્રજાઓ જીવતી હશે એમ લાગે છે. માનવીની પ્રવૃત્તિઓનું પર્યાપ્ત નિયમન માણસની સામાજિક મનોવૃત્તિ દ્વારા થતું હતું અને એટલે અંશે આ અવસ્થા અર્વાચીન સમાજમાં અરાજકતાથી ઊભી થઈ શકે તે સ્થિતિથી જુદી પડતી હતી. નૂતન પથ્થરયુગનો માનવી સાવ જુદો જ બની ચૂક્યો હતો; તેઓ આજ્ઞાપાલન લાદવાને માટે શક્તિશાળી હોય અને મોટા પાયા પર ફરજીયાત સહકાર પ્રાપ્ત કરી શકે તેવી સરકાર ધરાવે છે. તેમના બાંધકામ પરથી આ દેખાઈ આવે છે. આરંભની નાના પાયા પર રચાયેલી જનજાતિ પ્રાચીન અવશેષોમાં જોવા મળતા મોટા પથ્થર કે પિરામીડ રચી શકી ન હોત. સામાજિક એકમનું કદ વધ્યું તે મોટે ભાગે યુદ્ધનું જ પરિણામ હશે. બે જનજાતિ વચ્ચે એકમેકને નેસ્ત નાબૂદ કરવા માટે લડાઈ થતી હતી ત્યારે તેમાં વિજયી બનનાર જાતિને નવો પ્રદેશ મળતો ને તેથી તે પોતાની સંખ્યા વધારી શક્તી. યુદ્ધ વખતે એ કે વધુ જનજાતિ સંધિ કરી શકે તેમ દેખીતી રીતે જ લાભકારક રહેતું હશે.

જે સમાન ભયને કારણે બે જાતિ સંધિ કરવા પ્રેરાઈ હશે તે લાંબા સમય સુધી ચાલુ રહે તો સમય જતાં આ મૈત્રીભરી સંધિનું રૂપાંતર એકીકરણમાં થતું હશે. સામાજિક એકમ મોટું બને અને સભ્યો માટે એકમેકને ઓળખવાનું શક્ય ન બને ત્યારે સામૂહિક નિર્ણયો માટે કોઈક ગોઠવણ વિચારવાનું જરૂરી બને છે અને આ ગોઠવણનું જ ક્રમશઃ આજે જેને માનવી સરકાર તરીકે ઓળખે છે તેવી વ્યવસ્થામાં રૂપાંતર થાય છે. સરકાર અસ્તિત્વમાં આવે છે ત્યારે કેટલાક માણસો બીજા કરતા વધુ સત્તા ધરાવવા માંડે છે. આ માણસો કેટલી સત્તા ભોગવશે તેનો આધાર વ્યાપક રીતે કહીએ તો તે કેટલા મોટા એકમ પર શાસન કરે છે તેના પર રાખે છે. સત્તા માટેનો પ્રેમ આ રીતે શાસકોની વિજીગિષાને પ્રજ્જવલિત કરે છે. પરાજિત પ્રજાને નાબૂદ કરવાને બદલે ગુલામ બનાવી શકાય છે ત્યારે વિજયપ્રાપ્તિની ઈચ્છા દ્રઢ બને છે. આ રીતે માનવ સમાજની વિકાસના ખૂબ પ્રારંભિક તબક્કામાં જ સામાજિક સહકારની નૈસર્ગિક વૃત્તિઓ હજી ટકી રહી હોય પણ આજ્ઞાનો અનાદર કરનારને શિક્ષા કરવાની સરકારની સત્તાને કારણે સામાજિક સુગ્રથિતતાને જબરદસ્ત ટેકો મળ્યો હોય તેવા સમુદાયો અસ્તિત્વમાં આવ્યા.

સૌથી જૂના ઈતિહાસમાન્ય પ્રાચીન ઈજિપ્તના સમાજમાં વિશાળ પ્રદેશ પર અમર્યાદ સત્તા ભોગવતા રાજાઓ આપણને જોવા મળે છે. માત્ર ધર્મગુરુઓનો તેમના પર થોડોઘણો અંકુશ રહેતો. વિશાળ ગુલામ જેવી પ્રજાને રાજા યથેચ્છ રીતે પિરામિડ જેવાં રાજ્યનાં બાંધકામો માટે કામ કરવાની ફરજ પાડી શક્તો હતો. આ પ્રકારના સમુદાયમાં તો રાજા, ઉમરાવો અને ધર્મગુરુઓ જેવા સામાજિક સીડીની ટોચ પર બેઠેલા અલ્પસંખ્યક માણસો વચ્ચે સામાજિક સંબંધ વધારનાર મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જરૂર રહેતી. બાકીની પ્રજા માત્ર તાબે જ થતી હતી. પ્રજાનો ઘણો મોટો ભાગ અહીં દુઃખી હતો તેમા શંકા નથી. તેમની સ્થિતિનું તાદ્દશ ચિત્ર બાઈબલના એક્ઝોડસ નામક વિભાગના શરૂઆતના પ્રકરણો પરથી આપણને મળી શકે છે પરંતુ સામાન્ય નિયમ તરીકે જ્યાં સુધી બહારના દુશ્મનોનો ભય નહોતો ત્યાં સુધી વ્યાપક દુઃખાનુભવને કારણે કાંઈ રાજ્યની સમૃદ્ધિ વધતી અટકી નહીં તેમજ સત્તાધારી વર્ગના એશઆરામી જીવનનેય કશી આંચ આવી નહીં. આજના મધ્યપૂર્વના પ્રદેશોમાં આ પરિસ્થિતિ ઘણાં વર્ષો સુધી ટકી રહી હશે. ધર્મ અને રાજ્યસત્તા ઈશ્વરી હોવાનો સિદ્ધાંત – આ બન્ને પર તેની સ્થિરતાનો આધાર હતો. રાજાજ્ઞાનો અનાદર પાયારૂપ હતો અને બળવો કરનાર પર ઈશ્વરનો કોપ ઉતરી આવે એવો સંભવ હતો. જ્યાં સુધી ઉપરના સામાજિક સ્તરની પ્રજાને આ માન્યતાઓમાં વિશ્વાસ હતો ત્યાં સુધી બાકીની વસ્તીને તો, આજે આપણે પાળેલા પ્રાણીઓને કાબૂમાં રાખીએ છીએ એ રીતે અંકુશમાં રાખી શકાતી.

લશ્કરી જીતને કારણે ઘણીવાર પરાજિત પ્રજામાં પોતાના શાસકો પ્રત્યે સચ્ચાઈપૂર્વકની વફાદારીની ભાવના પેદા થતી હતી. રોમન પ્રજાની મોટા ભાગની જીવ વખતે આ પ્રમાણે બન્યું છે. પાંચમી સદીમાં રોમ આજ્ઞાપાલન માટે શક્તિમાન રહ્યું નહોતું ત્યારે ગોલ પ્રજા સામ્રાજ્સંપૂર્ણ વફાદાર રહી હતી. જૂના તમામ રાજ્યોનું અસ્તિત્વ લશ્કરી તાકાત પર નિર્ભર હતું પણ તેઓ જો પર્યાપ્ત કાળ સુધી ટકી રહેતાં તો આ રાજ્યો, તેમાં ભેળવી દેવાયેલા ઘણા ભાગોએ આરંભમાં હિંસક પ્રતિકાર કર્યો હોવા છતાં છેવટે અંતર્ગત તમામ ભાગોમાં એકતાની ભાવના સર્જી શક્તા હતા, મધ્યયુગમાં અર્વાચીન રાજ્યો વિકસ્યા ત્યારે ફરીથી આ જ ઘટનાક્રમનું પુનરાવર્તન થયું. ઈંગ્લેન્ડ, સ્પેન અને ફ્રાન્સમાં પાછળથી રાષ્ટ્રનો ભાગ બનનાર એકાદ પ્રદેશે અન્ય પર લશ્કરી જીત મેળવી હતી તેના પરિણામસ્વરૂપે આ દેશોએ એકતા હાંસલ કરી હતી.

(ક્રમશઃ)

– બર્ટ્રાન્ડ રસેલ, અનુ. બદરીપ્રસાદ ભટ્ટ

બર્ટ્રાન્ડ રસેલ આ યુગના મુઠ્ઠીભર માર્ગદર્શકોમાંના એક સમર્થ માર્ગદર્શક હતા. સમાજજીવન, કેળવણી, તત્વજ્ઞાન, રાજનીતિ બધા જ વિષયોમાં તેમની અપ્રતિમ બુદ્ધિ અપ્રતિહત ઢબે ચાલતી હતી. બુદ્ધિ અને લાગણી બંનેનો સુમેળ એમના લખાણોમામ હતો એવો ભાગ્યે જ કોઈ બીજામાં જગતે અનુભવ્યો છે. તેમની નિર્ભયતા અજોડ હતી એમાં પોતાની ભૂલ જોવાની નિર્મળતા હતી. તેમનું પુસ્તક ‘સત્તાધિકાર અને વ્યક્તિ’ સત્તા અને વ્યક્તિ વચ્ચેના સંબંધોને ચર્ચે છે. સંમતિ ઘણી વાર ગતાનુગતિક હોય છે પણ વિચારપૂર્વકની અસંમતિ તો વિરલ છે અને એ જ લોકશાહીનું લૂણ છે. આ શક્તિ આખરે વ્યક્તિ મારફત જ વ્યક્ત થાય છે એટલે સત્તાધિકાર અને વ્યક્તિના પરસ્પરાનુબંધો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. લોકભારતી સાણોસરા દ્વારા પ્રસ્તુત આ પુસ્તકનું બદરીપ્રસાદ મા. ભટ્ટ દ્વારા ભાષાંતર કરાયુ છે. આજે તેમાંથી પ્રાચીનકાળના રાજ્યસત્તાના વિકાસ – વિસ્તાર વિશેનો ભાગ પ્રસ્તુત છે.

આપનો પ્રતિભાવ આપો....