આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ.. – વૈદ્ય શોભન વસાણી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4


અક્ષરનાદ પર અનેકવિધ વિષયોને લઈને મૂકાઈ રહેલા ઈ-પુસ્તકોની શ્રેણીમાં આજે શ્રી શોભન વસાણી કૃત પુસ્તક ‘આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ’ નો પ્રથમ ભાગ નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવતા અત્યંત આનંદ થાય છે.

પુસ્તક પરિચયમાં શ્રી શોભન લખે છે,

‘પ્રાચીન યુગથી આયુર્વેદની અનેક શાખાઓ એટલે કે નિષ્ણાતપદ્ધતિ – (સ્પેશ્યલાઈઝેશન)નો વિકાસ થયો છે. ચરકની કાયચિકિત્સા (મેડિસિન) અને ભગવાન ધન્વન્તરી અને સુશ્રૃતની શલ્યચિકિત્સા (શસ્ત્રક્રિયા-સર્જરી) તો મુખ્ય છે જ. ભગવાન શ્રીરામના પૂર્વજ નિમિરાજાએ ‘નિમિતંત્ર’ નામે નેત્રચિકિત્સાની શાખા ખીલવી હતી. દંતવેદકની શાખા આજે આયુર્વેદમાં હયાત છે. સૌથી પહેલી ‘કાશ્યપસંહિતા’ લખી કશ્યપઋષિએ બાળ આરોગ્ય અને બાળ ચિકિત્સા માટે; આયુર્વેદ દ્વારા સ્ત્રીચિકિત્સા અલગ દરજ્જો આપી સ્ત્રીરોગો, સગર્ભાપરિચર્યા, પ્રસૂતાચર્યા, પુંસવન પ્રયોગ દ્વારા ઉત્તમ ઈચ્છિત સંતાનપ્રાપ્તિ એ આયુર્વેદની વિશિષ્ઠ દેન છે. હજારો હાડવૈદો આપણે ત્યાં થયેલા, વ્રણચિકિત્સામાંથી મલમપટ્ટાની યુનાની મિશ્રિત શાખાના ગઈ પેઢી સુધી ઠેરઠેર દવાખાનાં હતાં. દેવવ્યયાશ્રય ચિકિત્સા મંત્રચિકિત્સાનું ઘણું મહત્ત્વ હતું. તે ચક્રદત્ત જેવા વૈદ્યોએ પણ સ્વીકાર્યુ હતું. સત્ત્વવજય–ચિકિત્સા દ્વારા માનસિક સારવારની શાખા વિકસી હતી.

ભૂતબાધા અને અતત્ત્વાભિનિવેષની નિષ્ણાત પદ્ધતિ સાથેનો આયુર્વેદનો સંબંધ જોડાયેલો આજે પણ જોવા મળશે. વાજીકરણ તંત્રનું વર્ચસ્વ તો આયુર્વેદમાં અનન્ય હતું અને છે. રસાયન વિદ્યા દ્વારા સ્વસ્થ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાનો લાભ આપણે હજારો વર્ષ સુધી મેળવ્યો હતો. રસવૈદકની શાખા મહાવૈદ્ય નાગાર્જુનથી શરૂ કરીને આજે પણ ચમત્કાર બતાવે છે. નિદાનક્ષેત્રે નાડીવૈદકની અલગ પ્રતિભા આપણે ત્યાં પાંગરી હતી, જે આંશિકરૂપે ચાલુ છે. અંગદતંત્ર-વિષવિદ્યાનો વિભાગ આજે પણ કેરલમાં વર્ચસ્વ ધરાવે છે.
એ જ રીતે કેરલ દ્વારા પંચકર્મ ચિકિત્સાનો પ્રચાર આખા વિશ્વમાં થવા માંડ્યો છે અને તે સંબંધિત ક્રિયાઓ રક્તમોક્ષણ, જલોકાવચરણ, અગ્નિકર્મ, ક્ષારકર્મ વગેરેની સ્પેશિયાલિટી પ્રચલિત છે. પ્રભાવચિકિત્સા દ્વારા પણ તાત્કાલિક અને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.

માત્ર માનવ માટે જ આયુર્વેદ સીમિત ન રહેતાં ભૂતદયાર્થે પાલતુ પશુ માટે પણ તેનો વિસ્તાર થયેલો. ગવાયુર્વેદ, અશ્વાયુર્વેદ, અજાયુર્વેદ અને ગજાયુર્વેદનો પણ વિપુલ અને ગહન વિકાસ થયો હતો. આવી અનેક વિદ્યાશાખાના નિર્માતા, વિકાસકર્તા અને આજ સુધી જીવંત રાખનાર નિષ્ણાંત સેંકડો-હજારો ઋષિઓ અને મહાવૈદ્યોને સન્માનપૂર્વક…. અર્પણ…!’

અક્ષરનાદને આ પુસ્તક પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આયુ ટ્રસ્ટ, શ્રી શોભન તથા શ્રી જુગલકિશોર વ્યાસનો ખૂબ ખૂબ આભાર.

પુસ્તક આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


Leave a Reply to RAMSH KUMAR KUMAR Cancel reply

4 thoughts on “આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ.. – વૈદ્ય શોભન વસાણી (ઈ-પુસ્તક ડાઉનલોડ)