૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક 35


(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..

(૪) ઓફિસના પાર્કિગમાં મહેશ ચેરમેન સાહેબની મર્સિડીઝ જોઈને મનમાંને મનમાં હસ્યો. એના મને આજે આ ગાડી એકદમ તુચ્છ હતી કારણકે આજે જ એણે નવુ લ્યુના ખરીદ્યું હતું.

(૫) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

(૬) “એય, આજે હું ઘરે જઇશ. નાહીશ ડોલ ભરીને, સરસ કપડા પહેરીશ. કાલથી ભાઇની દુકાનમાં નોકરી કરીશ.. ભાભી હવે વઢશે તો કહી દઇશ કે હવે તો ડાહ્યો થઇ ગયો છું. ભાઇ હવે મને મારશે પણ નહિ. ડોકટર કહેતા હતા રોજ દવા પીશ તો ધરે જવા મળશે. હું રોજ દવા પીવુ છુ. એટલે હુ આજે ઘરે જઈશ.” પાગલખાનામાં બધાંને ભેગા કરીને મિતેશે જાહેર કર્યુ.

પાછળથી ડૉકટરે આવીને પીઠ થાબડીને કહ્યુ, “મિતેશ, તારૂ ઘરે જવાનુ પાકું પણ પછી આ લોકોને તારા વિના સૂનું લાગશે એનુ શું? આ તારી બાજુના બેડ વાળો રતનતો સવારનો રડે છે અને ૧૦ નંબરના બેડવાળા શાંતિકાકાએ તો કશું ખાધું નથી.”

મિતેશે જાહેર કર્યુ, “એમ, તો તો કોઇને દુઃખી શું કામ કરવા? હું અહીં જ રહી જઇશ.”

(૭) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”

એણે હસીને કહ્યું, હા મમ્મી..”

(૮) પરમાર સાહેબે એક પછી એક ફાઇલો ખોલીને તેમા વચ્ચે મૂકેલી ૫૦૦ની નોટને ભેગી કરીને પોતાના પાકીટમાં મૂકવા માંડી. એક ફાઇલમાંથી પૈસા ન નીકળ્યા. એ ફાઇલ એમણે પાસ કરી દીધી અને બાકીની કાલ માંટે પેન્ડિંગ રાખી. આજે એમને શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો ઉપવાસ હતો.

(૯) “આ સાલા ભીખારીઓ વગર મહેનતે કમાવાના ધંધા માંડયા છે.” સુરેશભાઇ છણકો કરીને આગળ વધ્યા. કપાયેલા બન્ને પગ પરનું કપડુ સરખુ કરતા કરતા પ્રસરી ગયેલા કેન્સરનાં દર્દનો ઉંહકારો ભરીને તે બોલ્યો, “ભગવાન એનું પણ ભલુ કરજો.”

(૧૦) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”

ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”

(૧૧) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(૧૨) શાંતિલાલ ૭૫ વર્ષે પણ રોજ અચૂક મંદિરે જાય. ભજનમાં બેસે અને પાછા આવે. ગઇકાલે મુખ્ય ભજનિક સવિતાબેન ગુજરી ગયા.

શાંતિલાલે હવે મંદિરની જગ્યાએ ઘરેજ પૂજા કરવાનું ચાલુ કર્યું.

(૧૩) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(૧૪) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.

(૧૫) ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવી જોઇએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો કંયાથી હોય પણ કોઈએ પાણી સુધ્ધાનું પૂછ્યુ નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેસી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ આવીને હિંમત રાખવાની એકની એક વાત કર્યા કરી. લગભગ ૧૨ વાગ્યા સુધી સગાવ્હાલાઓએ એને ભવિષ્યમાં શું કરવુ તેના અભિપ્રાય આપી દીધા. અંતે ૧ વાગે તે એકલી રૂમમાં આવી અને સહજ રીતે બોલી ઉઠી… “હાંશ !”

(૧૬) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

(૧૭) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’

શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”

(૧૮) રજનીભાઈએ સ્વભાવ મુજબ આ વખતે પણ ટ્રેનની મુસાફરીમાં બાજુ વાળા મુસાફર સાથે મિત્રતા કરી દીધી. આ વખતે બાજુમાં હતો ૨૫ વર્ષનો મયંક.

રજનીભાઈએ પોતાનાથી ત્રણગણા નાના મંયક સાથે પ્રેમ અને છોકરીઓની વાતો શરૂ કરી. શરૂઆતમાં તો એ શરમાયો પણ પછી થયું કે કાકા પણ આપણા જેવા જ છે. બે કલાક સુધીની વાતો પછી ધીમેથી આંખ મીંચકારી રજનીભાઈએ ગર્લફ્રેન્ડ માટે પૂછ્યું, બિન્દાસ્ત મયંકે મોબાઇલમાં રહેલા પર્સનલ ફોટા બતાવ્યા. રજનીભાઇને જોરથી ઉધરસ આવી. ગળુ ખંખેરી એ બાથરૂમ તરફ વળ્યા અને ઘરે ફોન જોડીને કહ્યું, “આરતી, હું વળતી ટ્રેનથી ઘરે પાછો આવી રહ્યો છું.”

(૧૯) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”

કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”

માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

(૨૦) અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થનાર આઝાદ સ્વ. તિલકરામ જોષીના ફોટા સામે દીવો કરીને પ્રણામ સાથે તેમનો પ્રપૌત્ર અનિલ એરપોર્ટ જવા નીકળ્યો. એને બ્રિટનમાં સારી નોકરી મળી ગઈ. રહેવાનું, જમવાનું અને પરમેનેન્ટ રેસીડન્સી…

હાર્દિકભાઈ યાજ્ઞિક રચિત ૨૦ માઈક્રો ફિક્શન લઘુવાર્તાઓ અત્રે પ્રસ્તુત છે. એકથી પાંચ લીટીની સીમારેખામાં આવતી આ પ્રત્યેક વાર્તા પોતાનામાં એક આગવું ભાવવિશ્વ ધરાવે છે અને છતાંય તેના કદની લઘુતા તેની અસરકારકતાને જરાય અસર કરતી નથી એ જ તેની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to gopalCancel reply

35 thoughts on “૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક

  • Rajesh Ruparel

    sorry , Gujarati Saahitya no jabardast ras hova chataan mane
    Gujarati favatun nathi – lakhavanu. Pahelaan pan tamari vaarta vaancheli . Visarjan vaali pan SAVE nathi kari shakyo bani shakey to farithi baakini baddhi j mokalsho to gamshe. I am from Mumbai & Cell No. is 9322251620.I read above that this is the third part so please send me the others too. Thanks in advance.

  • નિમિષ દલાલ

    મેં તો ત્રીજી શ્રેણી જોઇ પહેલી બે પહેલા વાંચવા માટે ખોલી.. મજા આવી ગઈ.. હું પણ લેખન કરું છું આનાથી થોડી લાંબી વાર્તાઓ લખુ છું પણ મને હંમેશા રસ એવોજ રહ્યો છે કે ઓછા શબ્દોમાં ઘણું કહેવાય એવું લેખન સારું.. હવે તમારી બાકીની બે શ્રેણી વાંચીશ.. આભાર ગુજરાતીમાં આ ફોર્મ નો પરિચય કરાવવા બદલ..

  • PRIYAVADAN P. MANKAD

    Good laghuEST kathas. I liked Nos 2, 5, 14(best], 18 and 20. These are real laghukathas. Congrats to Hardikbhai and thanks to Aksharnaad for bringing such good laghukathas to the readers. Govind diyo bataai………….!

  • mehul soni

    લઘુમાં પણ કેટલો વિસ્તાર થોડામાં ઘણું એવી આ વાર્તાઓ દિલથી ગમી વારંવાર વાહ કહેવાનુ મન થાય છે. હાર્દિકભાઈ……વાહહહ

  • Divya Rana

    હાર્દિકભાઇ અદભુત અવર્ણિય છે તમારિ તમામ રચનાઓ.. સાચે જ જોરદાર મજા આવિ ગઇ.

  • Jigna Vora

    ખુબ સરસ્. તારુ લખાન વન્ચિ ને ખુબ ગર્વ થયો. આજે પુ. પપ્પા હોત તો ખુબ ખુશ થયા હોત્. I am very very proud of you. keep it up the great job. right now I have tears in my eyes…. unable to express my feelings….awasome…speachless…

  • Heena Parekh

    અરે વાહ…બિંદુમાં સિંધુ…..મજા આવી ગઈ ટચુકડી વાર્તાઓ વાંચવાની. અભિનંદન હાર્દિકભાઈ.

  • રાજુ પટેલ

    હાર્દિક ભાઈ, તમને ૨૦=૨૦ સલામ….દરેક વારતા દીઠ એક….!! કમાલ કરી તમે તો— મહિનાઓ થી નેટ પર ભટકું છું પણ આ ફોર્મમાં હેમિંગ્વે સાહેબ સિવાય કોઈ એ કંઈ ઉકાળ્યું હોય એવું લાગ્યું નહીં. અને અચાનક તમારી આ કૃતિઓ જોઈ……વાહ..!! તમે અન્ય આવી લાઘુકૃતિઓ રચી છે…? ક્યાં વાંચવા મળે…? અને તમારા ધ્યાન માં આ વિધામાં અન્ય કોઈએ નોંધનીય કામ કર્યું છે…? કોને…? કૃપયા જણાવશો…

    • hardik yagnik

      ખુબ આભાર …. અક્ષરનાદ ઉપર મેન પેજ ઉપર સાહિત્યકાર અનુક્રમ ઉપર ક્લિક કરતા મળતા લીસ્ટમાં મારુ નામ્ર છેલ્લેથી ત્રીજુ દેખાશે. જેની પર ક્લિક કરવાથી મારી અનેક રચનાઓ વાંચવા મળશે…
      આભાર
      હાર્દિક

  • Kishore Patel

    I have seen this type of story for the first time and I am spellbound! Till date I was under impression that one needs a big canvas to write short story.Hardikbhai, you have changed the definitions of story! You have gone ahead of poetry! You are the pioneer of this type and your work shall be noted down in the history of Gujarati short stories as a landmark!

  • Darshna Suraj

    ભાઈ
    આ રાત્રે ૧૨ વાગ્યે તારી વાર્તા વાંચી ફોન કરવા મોબાઈલ હાથ માં લીધો ત્યાં તારા જીજાજી એ રોકી…તારી એક ‘હાશ કેહતી વિધવા વાળી વાર્તા વાંચી મારી સામે કેટલી એ સ્ત્રિયો ના ચેહરા આવી ગયા…સમજ નથી પડતી તારા વખાણ કરુ કે પછી આટલી કડવી હકીકત માટે ઠપકો આપુ…મોટી બેન હોવાનો ગર્વ થયો !!
    જય અંબે !

  • durgesh oza

    હાર્દિકભાઈ .તમારો પ્રયાસ તેમ જ કૃતિઓ બેય ખુબ જ સરસ. અભિનંદન. મને જે પ્રિય છે ને ઈશકૃપાએ એ મને જેમાં હથોટી ને વધુ રસ છે તે લઘુકથા હી વાંચવાની મજા આવી આને અતિલઘુકથાકહી શકાય. લઘુકથા મારો પ્રિય પ્રકાર છે ને એ મારું બાળક છે એવી લાગણી છે. ૧૯૯૧થી લઘુકથા લખવાની શરુ કરી. તમને અભિનંદન તેમ જ શુભકામનાઓ.

  • Hemal Vaishnav

    This guy..H.Yagnik is simply..simply great.Under Aksharnaad,i have read other micro fiction stories but none of them comes close in compare to Mr.Yagnik’s stories. In the tsunami of english wave,future of Gujarati is totally secure as long as writers like hardikbhai is there…carry on man carry on…

  • deepak solanki

    હાર્દિકભાઇ આપની આ રચના ખૂબ જ સરસ છે. મે પહેલી વખત આટલી સરસ ટૂંકી પણ ચૌટદાર રચના વાંચી… ખૂબ ખૂબ અભિનંદન.. અક્ષરનાદને પણ અભિનંદન કે આટલી સરસ કોપી પેસ્ટ ન થઇ શકે તેવી રીતે રચના મૂકી..

  • સુભાષ પટેલ

    હાર્દિકભાઇ યાજ્ઞિકે હૃદયને સ્પર્શી જાય તેવો કટાક્ષમય લેખન-યજ્ઞ કર્યો છે. એકદમ ગમી જાય તેવું લખાણ છે.

  • Pushpakant Talati

    ખરેખર ખુબ જ સરસ તેમજ સુંદર પ્રસ્તુતિ છે.
    આજનાં આ સુપરફાસ્ટ જમાનામાં સમયની ખેંચ તથા અભાવ માં જીવતા લોકો માટે આ ‘ગાગર માં સાગર’ અથવા ‘બિન્દુમાં સિન્ધુ’ ની જેમ આ લઘુ / ટુંકી યાને શોર્ટ વાર્તાઓ ઘણી જ લાભકારક તેમજ આનન્દદાયક થઈ રહે તેમ હોવાથી આ પ્રકારની વાડી ખેડવા જેવી ખરી. – આ પ્રયોગ માટે લેખકને ધન્યવાદ તેમજ આ દિશા માં હજુ વધુ ને વધુ આગળ વધે તેવી શુભ કામના સાથે ફરીથી આભાર. –
    પુષ્પકાન્ત તલાટી ની હાર્દિક શુભેચ્છા.

  • khorasia hasmukh p.

    kharekhar adbhut microfiction varta chhe. hu lekhak nathi pan aa varta vanchi,samji ne mane lekhak na hovano pastavo thayo, karekhar panch lityni vat ma gajab ni vato, chotdar rite chhupayeli chhe, have hu kayam aksharnadni mulakat leto rahish, thank you.

  • Suresh Shah

    ગમ્યુ. આભાર.

    સચોટ અસરકારક, મૂળ સંદેશ તીરની માફક વીંધે છે.
    હાર્દિકભાઈને અભિનંદન.

    – સુરેશ શાહ, સિંગાપોર

  • vimala

    ભષા-સહિત્યમાં લાઘવની અદભૂત રજુઆત ….અતિ સુંદર….ધન્યવાદ હર્દિકભાઈને અને અક્ષર્નાદ ને.