નિત્ય વસંત… (એક અનોખો પ્રેમપત્ર) – હરિન્દ્ર દવે 9


તમે અત્યંત સુંદર છો, પણ માફ કરજો જો કહું તો, કે આ દુનિયા મને એથી પણ વધુ સુંદર લાગી છે.

તમારી સાથેની એ છેલ્લી મુલાકાત પછી કેટકેટલી વસંતો વીતી ગઈ છે. મારી કહેવાની આ રીત તમને ગમી નહીં, જીંદગીને મેં હંમેશાં તેની સુંદર બાજુએથી જ નિહાળી છે. હું એમ પણ કહી શક્યો હોત કે આપણી એ મુલાકાત પછી ઘણી પાનખરો પસાર થઇ ગઇ છે, પણ કોણ જાણે કેમ મને પહેલો વિચાર વસંતનો જ આવ્યો.

તમને આ પત્ર લખી રહ્યો છું, લાગે છે કે દુનિયા કેટલી નાની છે?

આપણે ફરી એક વાર મળી ગયા, આપણે પ્રથમ વાર મળ્યા ત્યારે મેં આપણા પ્રેમને બકુલ ફૂલની ઉપમા આપી હતી. આ વાત આજે સારી લાગે છે. આટઆટલા વરસો પછી સ્મૃતિજળનો થોડોક છંટકાવ થતાં એ પ્રીતિના પુષ્પની સૌરભ ચોમેર પ્રસરી રહી છે.

તમે પ્રથમવાર મળ્યા ત્યારે જેટલા સરળ લાગતા હતા એવા તમે આજે નહીં રહ્યા હો! વરસો વીતી ગયા છે તેની અસર મારા પર પડી છે એમ તમારા પર પણ પડી હશે. હું તમને ફરીવાર મળવાનો છું એ વાતે જ મારા મનમાં તમારી નવી તસ્વીર ઊભી થવા લાગી છે.

આ અરસામાં તમારા વિશેની ઘણી ઘણી વાતો મારા સુધી પહોંચી છે, સાંભળ્યું છે કે તમે સુંદર કાવ્યો રચો છો. તમારા કાવ્યોમાં તમે એવું જ વાતાવરણ ઊભું કરો છો, જેવું વાતાવરણ એકવાર તમે તમારા પ્રેમથી મારી આસપાસની દુનિયામાં રચ્યું હતું. તમે એવા જ શબ્દો અને એવી જ ભાવનાનું એક નાજુક વસ્ત્ર વણી રહો, જેના બંધનમાંથી હું આજે આટાઅટલા વરસો પછી પણ મુક્ત નથી બની શક્યો.

મેં તમારા એ કાવ્યો તો હજી સુધી વાંચ્યા નથી. પરંતુ, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમારી સૌથી વધુ સુંદર રચનાઓ તમારા પ્રેમકાવ્યો જ હશે.

સાંભળ્યું છે કે તમે હવે ખૂબ જ દિલચશ્પ રીતે વાતો કરો છો. મારી સામે તો એ હોઠ કવચિત જ ખૂલતા, ત્રૂટક ત્રૂટક વાક્યોમાંથી અર્થનું અનુસંધાન શોધવા માટે વાણીની જે આડબીડ કેડી પરથી મારે પસાર થવું પડ્યું હતું એ હું હજી ભૂલ્યો નથી.

તમારી આંખોમાં કહે છે હજીએ જ ઊંડાણ છે, જે વડે પહેલી જ મુલાત વખતે તમે મને હૃદયમાં ઊતારી લીધો હતો. મારા માટે સૌથી મોટું આશ્વાસન તો એ છે કે તમારા હોઠ પરનું સ્મિત જેમનું તેમ જળવાઇ રહ્યું છે. એટલું જ નહીં, પણ તેમાં હવે નવો સંકેત પણ ઉમેરાયો છે.

હું ફરી પાછો કવિતા કરવા – તમારા ક્ષેત્રમાં પદપ્રવેશ કરવા બેસી ગયો. હું એ કહી રહ્યો હતો કે તમે ઘણાં સુંદર હતાં, પણ તમારા સોગંદ, આ દુનિયા મને એથીયે વધુ સુંદર લાગી.

આપણે છૂટા પડ્યા એ દિવસ તમને યાદ છે?

પહેલા પરિચયે આપણા બંનેના દિલની જે કુમાશ પ્રકટી હતી તેની પાછળ રહેલા મિજાજીપણાને પણ પછીના દિવસોએ ઠીક્ઠીક બહેલાવ્યું હતું. આમ સાવ મામૂલી વાત હતી; પણ તમે જીદ ન છોડી; મેં મનાવ્યા નહીં. હું કૉલેજ છોડી, શહેર છોડી ચાલ્યો જવાનો હતો, જેના ભાવિનો દોર કઇ દિશાએ વહેતો મૂકાવાનો છે એના ભાન વિનાનો વિધાતાના હાથમાંના પતંગ સમો હું તમને છેલ્લી વાર મળ્યો ત્યારે તમે ખૂબ ઉદાસ હતા.

તમારી ઉદાસીનતા તમારા વસ્ત્રપરિધાનમાં પણ દેખાતી હતી. હંમેશાં ચમકીલાં વસ્ત્રોનો આગ્રહ રાખી રહેલા તમે ત્યારે માત્ર શ્વેત વસ્ત્રો પહેરીને મને મળવા આવ્યા હતા. તમે તમારી રીસમાં એટલા જ અટલ હતા, ને હું મારી જિદમાં એટલો જ અડગ. અને બંને જાણતા હતા કે બંને ખોટા છીએ, સાચો છે માત્ર આપણો પ્રેમ.

મેં એટલું જ કહ્યું હતું કે તમારો સંગાથ પામી હું કૃતાર્થ થયો હોત, પણ તમારી શુભેચ્છાઓ પામીને તો હવે ભાવિ માટે વધુ આશા જાગી છે. તમને મારા એ શબ્દોમાં કટાક્ષ લાગ્યો હતો. હું પણ સહજ રીતે જ એ શબ્દો બોલી ગયો હતો પણ એમાં કેટલી બધી સચ્ચાઇ હતી તેનો ખ્યાલ તો એ પછી વીતેલા વસમા દિવસોમાં તમારા એ શુભેચ્છાના શબ્દોએ મારા દિલને જે આશ્વાસન પહોંચાડ્યું તેનાથી આવી શક્યો !

મને કહેવા દો કે આ દુનિયા ઘણી સારી છે.

તમે મને માત્ર વિરહનું દર્દ આપ્યું, આ દુનિયાએ એ દર્દ મને સ્હેજે યાદ ન આવે એવું વાતાવરણ રચી દીધું. મને એટએટલી મુસીબતો અને ઘટમાળ ના એવા એવા ચક્કરો ની ભીંસમાં આ દુનિયાએ રાખ્યો હતો કે તમારી યાદ પણ ન આવે એવા દિવસો ઊગ્યા અને આથમ્યા.

તમારી યાદ ન આવે એવા દિવસો.

આ દિવસો કેવા હોઇ શકે તેની તો કલ્પના જ કરવી રહી. આવા દિવસો માટે આ દુનિયાનો હું આભારી છું. એ માટે જ મને દુનિયા સુંદર લાગી છે.

મને દુનિયાએ હતાશ નથી કરી દીધો, લડતા અને ઝૂઝતા શીખવાડ્યું છે.

તમારાથી છૂટા પડ્યા પછી જિંદગી તરેહ તરેહની રાહગુજર પરથી પસાર થઇ છે.

આજે ફરી એના એ રસ્તા પર આવી ઊભો છું જ્યાંથી એકવાર ચકરાવા પર ચડી ગયો હતો. તમે પણ એ દિવસો પછી જિંદગી કઈ રીતે વિતાવી એ હું જાણતો નથી, પણ ફરી એકવાર આપણે મળી ગયા છીએ.

મને શ્રદ્ધા છે કે ફરીવાર હું તમને મળીશ ત્યારે ગમે તે મોસમ હશે તોયે વસંતનો વૈભવ જ સર્વત્ર પ્રસરી ગયો હશે. તમારા હોઠ પરના સ્મિતમાં કે મારા હ્રદયના વેરાન બની ગયેલા ઉપવનમાં…

– હરિન્દ્ર દવે

આજની યુવાપેઢી માટે પ્રેમપત્રો હવે જાણે વીતેલા યુગની નિશાની હોય એવું વાતાવરણ સર્જાયું છે, મોબાઈલ, ઈન્ટરનેટ અને ઝડપી પરિવહનના આ યુગને કારણે પ્રેમીઓ વચ્ચેના અંતર સમૂગળુ મટી ગયું હોય એમ અનુભવાય છે, પરંતુ હજુ હમણાં જ વીતી ગયેલા સમયમાં પ્રેમપત્ર એક અગત્યની મૂડી હતી, એ લખીને પ્રિયપાત્રને પહોંચાડવાની સમગ્ર ઘટના હૈયાના ધબકારની ગતિને અનેકગણી વધારતી તો તેનો ઉત્તર અને પ્રત્યુત્તર પણ એવા જ વમળો હૈયામાં પ્રસરાવતાં. વિરહ થયો છે એવા પ્રિયપાત્રને વર્ષો પછી ફરી મળવાનું થયું ત્યારે તેમને પત્ર લખ્યો હોય એ પ્રકારની પ્રસ્તુતિમાં આ કૃતિ લખાઈ છે. શ્રી હરિન્દ્ર દવેની કલમની સુંદરતા તો એમાં પ્રગટે જ છે, એક પ્રેમી હ્રદયની વાત પણ અહીં સુપેરે કહેવાઈ છે. સમર્પણ સામયિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાંથી પ્રસ્તુત કૃતિ અહીં પ્રસ્તુત કરાઈ છે.


9 thoughts on “નિત્ય વસંત… (એક અનોખો પ્રેમપત્ર) – હરિન્દ્ર દવે

  • gopal

    ૧૯૬૩માઁ પ્રકાશિત થયેલો આ પત્ર આજે પણ તાજો જ લાગે છે, જોકે હવે પત્ર લખવાની ટેવ ભૂલાતી જાય છે ત્યારે આ પત્ર વાઁચવાની મજા કઁઇ ઓર છેજાણે હમણાઁ જ લખાયો હોય તેવો તાજો

  • મિહિર શાહ

    વિરહની વેદના એન દુનિયાની ઠોકરો છતાં પ્રેમીએ હકારાત્મક સ્વર જાળવી રાખ્યો એ બહું જ ગમ્યું.

    એ દીવસો જ ઓર હતા. પ્રેમ પત્ર લખવો એ એક કળા હતી. કાગળ પર પ્રેમીના હસ્તાક્ષર જોઇ ને પ્રેમિકા અક અદ્ભુત રોમાંચ અનુભવતી. પ્રેમિકાની ફોરમ કાગળ દ્વારા પ્રેમીનાં શ્વાસોચ્છ્વાસમાં પ્રસરાયેલી રહેતી. પ્રેમમાં ધીરજ હતી. પ્રેમનાં ફળ પોતાના સમયે પાકતાં અને મીઠાં અને ટકાઉ હતાં. પ્રેમી/પ્રેમિકાની શાહીમાંથી ઝરતો એક-એક શબ્દ સમજી વિચારીને લખાતો. દરેકેદરેક શબ્દમાંથી લાગણી અને આત્મીયતા નીતરતી. અગાઉથી છાપેલાં કાર્ડ નહોતાં. કે નહોતી એસએમએસની શાયરી. નહોતાં હૃદયનાં આકારનાં લાલ રંગનાં ગુલાબી દોરી વાળા ચમકતાં ગુબ્બારા જેની આવરદા પ્રેમ જેટલી જ હતી. નહોતું સસ્તું વૅલેંટાઇનના કાર્ડની કીંમત જેટલું “આઇ લવ યુ”.

    હરીંદ્રભાઇનો કાગળ વાંચીને મનનાં દર્પણ પર પ્રેમી-પ્રેમિકાની છબી પ્રત્યક્ષ રૂપે અંકીત થઇ ઉઠી.

    અક્ષરનાદને આ લેખ પ્રકટ કરવાં બદ્દલ અને મારી પત્નીને આ લેખ ચીંધવા બદ્દલ આભાર.

  • La'Kant

    આ હરીન્દ્ર દવે ની કૃતિ ” એક અનોખો પ્રેમ-પત્ર’ વાંચીને !!! “બ્લીસ્સ” -બેહીસ્ત એટલે શું?નો રોકડો અનુભવ આપી ગયેલી વ્યક્તિ ફરી પાછી આવી મળે … એવી સઘન ઈચ્છા જાગી.. !!! . શબ્દોના ન,ઉપવન,જંગલો ઉગી નીકળે એટલી સરસ માવજત મારા મન નીં અને અંતરતમની કરી છે,,,, એક ” શબ્દ-સ્વામિની”- ” શબ્દ-સખી ” કહી સંબોધી ,નવાજી હતી., તેવી નોખી – અનોખી .મૈત્રી ની વ્યાખ્યા બની રહી તે પત્ર-મિત્ર, છે તો અહી જ ,ક્યાંક જ આસપાસ જ …મુંબઈ માં જ. પણ……તેની મજબૂરી લાચારીના કુન્ડાળામાંથી બહાર નીકળવાનો માર્ગ સ્વયમ અવરોધી રહી છે!તેણીના પક્ષે સ્વાભિમાનની સ્વ-બદ્ધ માન્યતા ની પરે જઈ વિચારી શકવાની ક્ષમતાનો અભાવ….કમી….જ તેણીને નડે -કનડે છે…
    મને પણ ગુપ્ત-સુપ્ત મનોવ્યાથા, સૂક્ષ્મ અસમંજસ ની પીડા સતાવે તો છે જ ….સંપર્ક-ચક્ર ફરી ચાલુ થાય , એવા પ્રયત્નો તો ઘણાય કરાયા છે જ,
    પણ કારગર નથી નીવડ્યા . કોઈ સક્ષમ પ્રામાણિક કલમને એક હરીન્દ્ર દવેની સફળ પ્રસિદ્ધ નવલકથા જેવું કંઈક નીપજાવી સર્જન કરવાની ઈચ્છા હોય તો , સંપર્ક સૂત્ર ફેસ બુક્પર ઉપલબ્ધ છે જ . કોન્ટેક્ટ કરી શકે છે.
    હજી ગઈ કાલેજ યુ.એસ. વાસી ચંદ્રકાંત શાહ ની એક સરસ કૃતિ…
    ‘બ્લ્યુ “જીન્સ”વાળી…” જયશ્રીબેન ના ” ટહુકો.કોમ” પર કાવ્ય પઠન દ્વારા માંણી….રસ હોય તે ચોક્કસ ફરી એક વાર અનુભવ કરી માંણી લે…”પ્રેમ’
    એટલે સહુની આજની મોડર્ન વ્યાખ્યા -વર્ણન…”
    -લા’કાન્ત /અ૪-૯-૧૨

  • Harshad Dave

    આ પ્રેમપત્ર નથી…પ્રેમ કાવ્ય છે…લાગણીની ઉત્કટતાની અશક્ય જણાતી અભિવ્યક્તિ માટેનો સુંદર પ્રયાસ…તેનો આભાસ માત્ર પામવાથી આપણને તેનો સ્પર્શ થાય…તાદાત્મ્ય અનુભવાય…મેં હરીન્દ્ર દવેના બે-ચાર પુસ્તકોના અનુવાદ કર્યા છે તેમાં પણ એ સૌરભ ફેલાયેલી છે…ભલે પછી એ પુસ્તક નંદિતા, ગાંધીની કાવડ, મોટા અપરાધી મહેલમાં હોય કે પછી વસિયત હોય! રાજકારણ કે ત્રાસવાદના વિષયવસ્તુ પડછે પણ પ્રેમની અભિવ્યક્તિ કેવી રીતે સંભવ બને એ તેમાં ચિત્રિત થયું છે. હરીન્દ્રભાઈને પહેલી વાર મળીએ ત્યારે પણ તેમણે એવી રીતે વાત કરી હતી કે જાણે અમે વર્ષોથી એકમેકને જાણતા હોઈએ. ના, અમે જાણીબુઝીને અળગા નહોતા ચાલ્યા અને અમને પ્રેમનો સ્પર્શ થયાનો વહેમ પણ નહોતો, એ નર્યો નીતર્યો પ્રેમ જ હતો જે છેક સુધીની મુલાકાતોમાં અનુભવતો હતો. …હર્ષદ દવે. (હદ)

  • ravi

    “તમે અત્યન્ત સુન્દર ચ્હો પણ માફ કરજો જો કહુ તો આ દુનિયા મને એથી ય વધુ સુન્દર લાગી.” મને આ વાક્ય ખુબજ ગમ્યુ..