મારી કોટડીમાં સામાન ઘણો.. – નીનુ મઝુમદાર 2


એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે, એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે, એકમાં ઘોર નિરાશા

બાલપણાની શેરી લઈ પેલી, ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા, પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો..

પાર વિનાની ભૂલ પડી છે, કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ, ભાવિના કૈંક ચિતારો

સર્જનનો ઈતિહાસ ભર્યો છે, ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે, ઉભરાયો વ્યર્થનો મેળો
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો,
મારી કોટડીમાં સામાન ઘણો..

– નીનુ મઝુમદાર
(‘નિરમાળ’માંથી સાભાર)

સાહિત્યમાં વ્રજ, અવધિ, મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ તથા સંગીતમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત તેમજ રાગદારીનો અભ્યાસ જેમણે મેળવ્યો તેવા શ્રી નીનુ મઝુમદારની ઉપરોક્ત રચના કઈ કોટડી વિશે વાત કરે છે એ સમજવું ભાવક માટે જરાય મુશ્કેલ નથી. અર્થ સાવ સરળ અને સહજ છે. જીવનને એક કોટડી ગણી એમાં ભરેલા સામાનને, એના વિવિધ સ્વરૂપોને કવિ પ્રસ્તુત પદ્યરચનામાં અસરકારક રીતે વર્ણવે છે.


Leave a Reply to Ashok VaishnavCancel reply

2 thoughts on “મારી કોટડીમાં સામાન ઘણો.. – નીનુ મઝુમદાર