પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૫) 3


૨૧. મારા ભાગનો વરસાદ – નીરવ પટેલ

કોઈએ વાવ્યાં વોટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યા એક્વેરિયમ
કોઈએ સીંચ્યા કમોદ-જીરાસરનાં ધરુવાડિયાં
તો કોઈએ પકવ્યાં કલદાર પાણીને પાઊચમાં ભરી
કોને ખબર મારા ભાગનો વરસાદ
કોના ખેતરમાં વરસતો હશે
કોને ખબર મારા ભાગની ફસલ
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો
મેં વાવેલાં ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના
મારે સપને? કોને ખબર?

– નીરવ પટેલ

૨૨. રેઈનકોટ.. – બકુલ ત્રિપાઠી

એક હતો રેઈનકોટ
અને આપણે બે,
પછી એક ટીપું, પછી સહેજ ઝરમર
પછી મન મૂકી વરસી પડ્યો મેહ.
‘તું જ ઓઢ ને!’
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને,
બદતમીઝીની હદ આવી ગઈ
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી નૂરજહાંએ
હું નહીં, હું નહીં, કરતાં કરતાં આપણે
કેટલું નાહ્યાં, કેટલું નાહ્યાં !
યાદ છે તને?
સારું થયું ને કે..
બે હતાં આપણે
ને રેઈનકોટ એક.

– બકુલ ત્રિપાઠી

૨૩. કવિ અને વરસાદ – સુરેશ દલાલ

બહાર વરસાદ પડતો હતો,
ન્હાનાં બાળકની જેમ ઊભા ઊભા ન્હાવાનું મન થાય
એટલો બધો ધોધમાર
જાણે કે પ્લાસ્ટિકના રેઈનકોટની અપેક્ષાએ
શહેરનાં મકાનો પણ ન છૂટકે ન્હાતાં હતાં
વૃક્ષોને અંગે અંગે લીલો રંગ ઊતરતો હતો
દેડકાનો અવાજ પણ ભીનો થઈ ઊઠ્યો
ત્યારે
શહેરનો કવિ ટેક્સીના સંરક્ષણ હેઠળ
‘The poetry review’ ના પાનાં ઉથલાવતો
ક્યાં જઈ રહ્યો હતો ??

– સુરેશ દલાલ

૨૪. શ્રાવણ – પ્રિયકાન્ત મણિયાર

મન મારું આજ તો
સામે પડ્યું દર્પણ તેલ-ઝાંખું,
ના કાલની રાતથી નીંદ લેતાં
વરસી રહ્યાં શ્રાવણ અભ્ર છાનાં

શું નીર ઢોળે મનફાવતું તો,
ને સ્નાન વેળા કદી કોઈ કારણે
ચોંટી જતાં લપ્પડ કેશે થાય
અહીંતહીં એમ જ તો બધે થયું

પરુ ભરેલા કદી કોઈ કાનમાં
જ્યાં નાખતા અંગુલિ પચપચે યથા
અહીં પડે કાદવથી ભરેલા
રસ્તા પરે શ્રાવણ નીરધારા,

હલેચલે ના શું હવા હવાયલી !
થોડુઘણું જો ફરકી રહે તો
જાણે ન હો ધ્રૂજતી ગાય કો ઊભી,
ભીનાં મકાનો, ભીનું આખું આભ,
છે રોષથી કેવલ ચિત્ત કોરું;

ક્યારે ઊગ્યો સૂર્ય? અને નમી ગયો
ક્યારે?

– પ્રિયકાન્ત મણિયાર

૨૫. રંગ રંગ વાદળિયાં – સુન્દરમ

હાં રે અમે ગ્યાં ‘તાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે
અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે ઊડ્યાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યા
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યા
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કંકુમના ક્યારે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં
છલકતી છોળે,
દરિયાને હીંડોળે
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ચાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યા
તારાના તરંગે,
રઢિયાળા રંગે
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે આવ્યાં
હો રંગ રંગ અંગે
અનંત રૂપરંગે
તમારે ઊછંગે, કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.


Leave a Reply to Gopal Parekh Cancel reply

3 thoughts on “પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૫)