ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1


શ્રાવણસુધા

અતીત: પંથાનં તવ ચ મહિમા વાડમનસયો
સ્તદવ્યવૃત્યા યં ચકિતમભિધતે શ્રુતિરપિ
સ કસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:
પદે ત્વર્વાચીને પતિત ન મન: કસ્ય ન વચ: ૨.

શ્લોક અર્થ – આપનો મહિમા મન અને વાણીની પહોંચથી પર છે. બ્રહ્મથી ભિન્ન સમગ્ર પ્રપંચના નિષેધ દ્વારા જેનું શ્રુતિ પણ સંકોચપૂર્વક પ્રતિપાદન કરે છે, તે સગુણ કે નિર્ગુણનો મહિમા કોનાથી ગાઈ શકાય તેવો છે ! સગુણના કેટલા ગુણ છે ? અને નિર્ગુણને કોણ વિષય બનાવી શકે છે? પરંતુ અર્વાચીન સ્વરૂપમાં કોનું મન પ્રવિષ્ટ થતું નથી અથવા વાણિ પહોંચતી નથી?

પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે.

શ્લોકની પ્રથમ પંક્તિમાં તેઓ કહે છે કે હે પ્રભુ ! તમારો મહિમા અમારા મન અને વાણીની પહોંચથી પર છે. ભક્ત કવિ પુષ્પદંત લોકોમાં બહુ ચર્ચિત એવા બે સ્વરૂપોની વાત કરે છે. કહેવાય છે કે ભગવાનના બે સ્વરૂપ છે,

૧. સગુણ અને
૨. નિર્ગુણ સ્વરૂપ

ખાસ કરીને ગુજરાતમાં ભક્તિનું વિશેષ મહત્વ છે, લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે તમે કોની ભક્તિ કરો છો? તમે સગુણમાં માનો છો કે નિર્ગુણમાં? ભગવાનનું કયું સ્વરૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? આમ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ વિશે અનેક જિજ્ઞાસાઓ થઈ રહી છે. આ વિષય રસમય હોવાથી જરા વિસ્તારથી સમજીએ.

શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે? ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે. જેમ કે વ્યવહારમાં એક જ વ્યક્તિ છે, તેની સામે તેની પત્ની આવે તો તે વ્યક્તિ પતિ બની જાય છે, તેની સામે પુત્ર આવે તો તે જ વ્યક્તિ પિતા બની જાય છે અને જ્યારે આ જ વ્યક્તિ ઓફિસમાં જાય ત્યારે કંપનીનો કર્મચારી બની જાય. આમ એક જ વ યક્તિ પતિરૂપે, પિતારૂપે, કર્મચારી રૂપે વગેરે અનેક રૂપે ઓળખાવા છતાં વ્યક્તિ તો એક જ રહે છે. એવી રીતે ભક્ત ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપે જુએ કે સગુણ સાકાર રૂપે જુએ તો પણ ભગવાન તો એકના એક જ રહે છે. સગુણ શબ્દનો અર્થ થાય છે ગુણ સહિતના ભગવાન, અહીં ગુણ એટલે કરુણા, દયા, કૃપા કરનાર, પાપ દૂર કરનાર, સૃષ્ટિને બનાવનાર ચલાવનર અને સંહાર કરનાર વગેરે જ્યારે નિર્ગુણ શબ્દનો અર્થ થાય છે બધા જ ગુણોથી રહિત જે અસ્તિત્વ માત્ર છે.

ગંધર્વરાજ પુષ્પદંત અહીં જણાવે છે કે ભગવાન તમારા આ બન્ને સ્વરૂપો વિષે સ્તુતિ કરવી કઠિન છે કારણ કે સ્તુતિ કરવા માટે મન અને વાણી બે જ તો મુખ્ય સાધનો છે જે બન્ને સ્વભાવથી જ મર્યાદિત છે, વળી આપનું સગુન સ્વરૂપ તો અત્યંત ગુણોથી ભરેલું છે. તેના વર્ણનનો પાર ન આવે. ભગવાનના અન્ંત ગુણોમાંથી કોઈ પણ ગુણ છૂટી જાય તો ભગવાનનું અપમાન ગણાય. વ્યવહારમાં જેમ કોઈ એક વ્યક્તિ શાસ્ત્રીય રાગનો જાણનાર સંગીતજ્ઞ હોય, સારો ક્રિકેટર પણ હોય, સારી રસોઈ બનાવવાનું પણ જાણતો હોય, એક આદર્શ પતિ તરીકેની ભૂમિકા પણ નિભાવી શક્તો હોય એવા વ્યક્તિ વિશે વાત કરતા તમે જ્યારે તેના એક કે બે ગુણો વિશે જ જાણતા હોવ અને પ્રસંશા કરો તો વાસ્તવમાં એ વ્યક્તિને તમે અન્યાય કરો છો એ જ રીતે ઈશ્વરના સગુણ સ્વરૂપની સ્તુતિ ભગવાનના એક જ સ્વરૂપની મર્યાદિત સ્તુતિ ગણાય જે એક અર્થમાં તેમનું અપમાન ગણાય. વળી ભગવાનના નિર્ગુણ સ્વરૂપને તો કોઈ વિશેષ ધર્મ નથી કે જે વર્ણનનો વિષય બની શકે.

વેદની ઋચાઓ કે શ્રુતિઓ પણ કંઈક ભયભીત આશ્ચર્યચક્તિ થઈ અને ઈશ્વરના સ્વરૂપને આ નથી.. આ નથી.. એમ ન ઈતિ ન ઈતિ નિષેધરૂપે વર્ણવે છે. શ્રીમદ ભાગવતમાં પણ એવું વર્ણન આવે છે કે શ્રુતિમાતા પણ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં અસમર્થ રહી તેથી શ્રુતિની વેદની ઋચાઓએ વ્રજગોપીનું રૂપ ધારણ કર્યું અને સર્વ વેદના સારરૂપ શ્રીકૃષ્ણ સાથે લીલાઓ કરી. પુષ્પદંત મહારાજ સુંદર તર્ક આપતા કહે છે કે જ્યારે વેદ કે જે જ્ઞાન પ્રાપ્તિનું અંતિમ પ્રમાણ છે તેના શબ્દો પણ જો ઈશ્વરનો મહિમા ગાવામાં અસમર્થ સાબિત થતા હોય તો પછી અમારા જેવા વિશે તો શું કહેવું? આમ ગંધર્વરાજ એક તરફ ભગવાનના મહિમાનું ગાન કરવામાં પોતાની મર્યાદા – અલ્પતાનો સરળતાથી સ્વીકર કરે છે તો બીજી બાજુ તે જ પરમાત્માની મહાનતા સિદ્ધ કરી સ્તુતિ કરે છે… હે ભગવાન, હે અનંતગુણ સાગર, આપની સ્તુતિ કરવામાં અમારા શરીર, મન, વાણીરૂપી સાધનો ટાંચા – મર્યાદિત સિદ્ધ થાય છે. આવું હોવા છતાં વિચક્ષણ કવિરાજ કહે છે કે ભગવાન, તમે ભક્તો પર કૃપા કરવા તેના મનને હરી શકે તેવા કોઈ સુરમ્ય રૂપે પ્રગટ થાવ છો. ભક્તો પર અનુગ્રહ કરવા માટે જ તો ઈશ્વર અવતાર ધારણ કરે છે.

ભગવાનનું સાકાર સ્વરૂપ એટલા માટે પ્રગટ થાય છે કે ભક્તો તેમની સાથે મિત્રતા, નિકટતા કેળવે, પ્રેમ કેળવી તેમની સાથે જોડાઈ શકે. પિતા ગમે તેટલો મહાન હોય પણ પોતાની મહત્તા તે પોતાના નાનકડા બાળક સામે પ્રગટ કરતો નથી. બાળક પાસે તો પિતા પોતાના વાત્સલ્યપૂર્ણ પિતૃત્વને જ પ્રગટ કરે છે. ક્રિકેટ સમ્રાટ સચિન તેંડુલકર પણ જ્યારે નાના બાળક સાથે રમતા હશે ત્યારે નાનકડા લાકડાનું બેટ અને રબ્બરનો દડો લઈને ક્રિકેટ રમતા હશે, બાળકને રમાડતા શીખવાડતા પણ હશે. તેમ ભગવાન પન ભક્તના ભાવોને આધીન થઈને મનોહારી, સુંદર, આકર્ષક સ્વરૂપે પ્રગટ થાય છે. સગુણ, નિર્ગુણનો મહિમા ગાવો અઘરો છે પણ આ અર્વાચીન નવીન સાકાર સ્વરૂપમાં તરણેન્દુ શેખર, ભુજંગ ભૂષણ, ગંગાવિરાજિત જટા મુકુટધારી ત્રિનેત્રાદિ સ્વરૂપમાં કોના મન અને વાણી નથી આકર્ષતા? કોઈ વિચારશીલ, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યને સુંદર વિગ્રહના દર્શન થાય તો તે લીલા વિગ્રહથી મોહિત થઈ મનમાં તેનું ચિંતન અને વાણીથી તેનું ગુણકથન તો આપોઆપ જ થવા લાગે છે.

તેથી પુષ્પદંત મહારાજ બીજા શ્લોકમાં ભગવાનનો મહિમા અવર્ણનીય છે તેમ કહી, ઈશ્વરની મહાનતા બતાવી અને સાથે સાથે સ્તુતિ કરવા માટેની પોતાની અસમર્થતા દર્શાવી, સગુણ નિર્ગુણનું વર્ણન નહીં કરવાનું કહેતાં ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છાથી પરમાત્માના અર્વાચીન એક એક વિગ્રહની લીલાઓની સ્તુતિ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.


Leave a Reply to vijay joshiCancel reply

One thought on “ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી