આઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા 7


પ્રેમમાં પડેલા માણસ માટે અનેકવિધ લાગણીઓ અને ભાવનાઓમાં તરબોળ થવાનો – તરી જવાનો અથવા ડૂબવાનો સમય પણ આવે છે, એવો સમય જ્યારે લાગણીઓ તેના પૂરા જોર પર હોય છે – શ્વાસની ગતિ વધી જાય, અરે શ્વાસ લેવું જ મુશ્કેલ લાગે, મનની વાતો વહેઁચવા માટે કોઈક મિત્રને કહેવાનો વિચાર આવે અને મન પાછું પડે. કોલેજની કેન્ટીનમાં કોઈક સુંદરીને પોતાના પ્રેમની પ્રથમ અભિવ્યક્તિ કહેવા તત્પર યુવાનની આંખોમાં જોયેલી ઘેલછા અને મનનો ઉત્સાહ, હ્રદયમાં રહેલ ‘ન’ કારનો થડકો અને પોતાના પ્રેમને પામવાનો ઉત્સાહ – આમાથી કશુંય અનુભવ્યા વગર સમજાય એવું નથી. શબ્દો એ કોઈ પણ લાગણીને તેના જરા જેટલા પણ મૂર્ત સ્વરૂપમાં વર્ણવી ન શકે. ક્યારેક આંખોથી થઈ જતી વાતો, ક્યારેક જરૂર પૂરતા શબ્દોની આપ-લે તો ક્યારેક અનેક નકામા શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં મૂકાવા મથતા એ પ્રેમભીના શબ્દો જેણે સાંભળ્યા / સંભળાવ્યા નથી એવા લોકોની અરસિકતા વિશે શું કહેવું?

પણ આજે એ અલ્લડ પ્રેમની, યુવાનીની બેફિકર મસ્તીની અને અફાટ પ્રેમની વાત નથી કરી રહ્યો. આજે મારે કહેવું છે પ્રેમના એક એવા ધીરગંભીર સ્વરૂપ વિશે જેને સમજવું ઉપરની પરિસ્થિતિ કરતા પણ વધુ અઘરું છે – કહો કે અશક્ય છે.

એવા અનોખા અને અશક્ય પ્રેમને પામવાની મથામણ જ્યાં જ્યાં વ્યક્ત થઈ છે – એ દર્દ અને આંસુ સાથે જ આવે છે. ક્યારેક પ્રેમ ફક્ત ક્ષણિક અભિવ્યક્તિ બનીને રહી જાય છે, ક્યારેક આંખો એ લાગણીને સમજી લે છે પરંતુ હૈયુ તેને સ્વીકારી શક્તું નથી, ક્યારેક સમાજના બંધનો, ક્યારેક બદનામીનો ડર અને ક્યારેક પ્રેમને મેળવીને નિભાવી શકવાની અક્ષમતા – આ બધા જ સ્વરૂપોમાં અંતે નિષ્ફળ પ્રેમ અભિવ્યક્ત થાય એમ ગણાય છે. પરંતુ શું પ્રેમ કદી નિષ્ફળ હોઈ શકે?

ના, એક ક્ષણની અલપઝલપ દ્રષ્ટિ, નાનકડી મુલાકાત અથવા સાથે વીતાવેલા લાંબા સમય છતા એકબીજાને પામી શકવાની અક્ષમતા – આવી બધી જ પરિસ્થિતિઓ છતાંય પ્રેમ કદી નિષ્ફળ જતો નથી. એ કાયમ માટે હૈયાના એક નાનકડા ખૂણામાં સચવાયેલો રહે છે અને જ્યારે જ્યારે લાગણીઓનું નાનકડું વાદળું એ હૈયા પાસેથી પસાર થાય ત્યારે અચૂક આંખો આંસુઓનો વરસાદ આપે છે, મનના ખેતરમાં યાદોના બીજ રોપાય છે અને એમાંથી અનોખા સ્નેહનો યાદગાર પાક ઉપજે છે.

કબ્બાન મિર્ઝા – નામ કદાચ અજાણ્યું લાગે તો મગજને વધુ તસ્દી ન આપશો – એ નામ અજાણ્યું જ છે. વિવિધભારતી મુંબઈ – આકાશવાણીના એક અદના ઍનાઉન્સર એવા કબ્બાન મિર્ઝાએ ભારતીય ફિલ્મો માટે કુલ ત્રણ ગીતો ગાયા છે જેમાંથી બે ગીત તેમના નામે છે, ત્રીજા માટે તેમનું નામ લખાયું પણ નથી.

પળમાં ઉગીને આથમી જતા અને છતાંય ચમક છોડી જતા મિર્ઝા સાહેબ જેવા સિતારાઓ જૂજ હોય છે, અને આજકાલ તેમનું જે ગીત ગણગણી રહ્યો છું એ છે ફિલ્મ ‘રઝિયા સુલતાન’નું ‘આઈ ઝંઝીર કી ઝનકાર…..’

દિલ્હીના પહેલા અને એકમાત્ર સામ્રાજ્ઞી રઝિયા સુલતાન (1205-1240)ને તેમના જ એક ગુલામ જમલ-ઉદ્-દીન યાકૂત સાથે પ્રેમ હતો એમ માનવામાં આવે છે. રઝિયા સુલતાનના જ પાત્રને લઈને શ્રી કમાલ અમરોહીએ ૧૯૮૩માં હિન્દી ફિલ્મ બનાવી જેમાં ધર્મેન્દ્ર અને હેમાજી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ફિલ્મ પ્રચલિત થઈ તેના બે ગીત માટે જેના શબ્દો આપ્યા હતા જાંનિસાર અખ્તરે, સંગીત આપ્યું ખય્યામે અને ગાયક હતા કબ્બાન મિર્ઝા.

નિષ્ફળ અથવા અશક્ય પ્રેમની વાતને લઈને જે ગીત મને ખૂબ ગમે છે તેમાં આ સર્વપ્રથમ છે – અને એકમાત્ર છે. ગુલામના અવાજ માટે પસંદ કરાયેલ મિર્ઝા સાહેબના અવાજમાં એક અનોખી ચોખ્ખાઈ, એક ગજબની કશિશ છે, ભારોભાર દર્દ છે અને છતાંય તેમણે પ્રેમની ખુમારી સહેજભર પણ ઓછી થવા દીધી નથી. તેમનો અવાજ રહી રહીને મનમાં ગૂંજે છે. આજે પ્રસ્તુત છે આ જ ગીત –

આઈ ઝંઝીરકી ઝનકાર ખુદા ખૈર કરે,
દિલ હુઆ કિસકા ગિરફ્તાર, ખુદા ખૈર કરે.

જાને યે કૌન મેરી રુહકો છૂકર ગુઝરા,
ઈક કયામત હુઈ બેદાર, ખુદા ખૈર કરે.

લમ્હા લમ્હા મેરી આંખોમેં ખીંચી જાતી હૈ
ઈક ચમકતી હુઈ તલવાર, ખુદા ખૈર કરે.

ખૂન દિલકા ન છલક જાયે કહીં આંખો સે,
હો ન જાયે કહીં ઈઝહાર, ખુદા ખૈર કરે.

– જાંનિસાર અખ્તર

બીજા શે’ર વખતે ગીતનો આલાપ એટલો તો ભાવવાહી છે, ‘જાને યે કૌન મેરી રુહ કો છૂકર ગુઝરા’ એટલું તો સરસ ગવાયું છે કે આંખો ભીની થયા વગર ન રહે. ખબર નહીં કેમ પરંતુ સફળ પ્રેમની ઉજવણી કરવા કરતા આવા નિષ્ફળ પ્રેમગીતો સાથે રહેવું વધુ કેમ ગમતું હશે ?


Leave a Reply to haresh mehta Cancel reply

7 thoughts on “આઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા