ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5


ભમ્યા કર્યું છે વળી ને ભમીશ,
પૃથ્વી પરે દેશવટે ગયા સમો.

* * *

મરે છે મરે છે મરે છે રાત દિન
પૂરતું મરતાં નથી આવડતું માનવીને.

* * *

પૂરા વહે જે જનતાની અગ્રીણો
તે પંગતે હો સહુથી ય છેલ્લા
ને બ્રાહ્મણો, સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

* * *

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું
રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

* * *

આંહી લોકે લખલખ જનોમાંય એકાકી રહેવું,
મૂંગા મૂંગા સહન કરવું ના હવાનેય કહેવું.

* * *

મળી ત્યારે જાણ્યું, મનુજ મુજશી પૂર્ણ પણ ના
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

* * *

આશક્તિ આત્મહત્યાની તેને આશા કહે જનો
મૃત્યુથી ત્રાસતા તોયે જિંદગી અર્ક મૃત્યુનો.

* * *

પી જાણે હલાહલો હોઠથી જે,
હૈયે તેણે અમૃતો છે પીવાનાં.

* * *

અન્નનાં ભક્ષનારા તે થશે ભક્ષ જ અન્નના;
ખાઈ ખાઉધરાં સૌને, બૂખ્યાંને અન્ન ખોજશે.

* * *

બાળકને જોઈ જે રીઝે રીઝે બાળક જોઈ જેને
વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હ્રદય હ્રદયનાં વંદન તેને.

* * *

પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે.

* * *

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા;
આનંદ માગું હું અપૂર્ણતાનો.

* * *

નથી મેં કોઈની પાસે વાંછ્યું પ્રેમ વિના કંઈ,
નથી કે કોઈમાં જોયું વિના સૌંદર્ય કૈં અહીં.

* * *

બારણાં બંધ હું જ્યારે કરું છું, ચિત્તમાં રહ્યું
કોક ત્યાં બોલી ઉઠે છે, ‘કોણ બહાર રહી ગયું.’

* * *

જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહો તે જ સમાધિયોગ.

* * *

મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી તને.

* * *

મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહિં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુળ શૃંખલામાં.

* * *

ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક હાથ,
બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું.

* * *

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

* * *

પરાગ જો અંતરમાં હશે તો,
એ પાંગરીને કદી પુષ્પ ખીલશે;
મનોરથો સ્વપ્ન મહીં હ્શે તો
સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.

* * *

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું મૂળ વસુંધરાની.

– ઉમાશંકર જોશી

(લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકણિકાઓ’માંથી સાભાર.)

ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ….