પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી 2


એકવાર એક રાજાએ પોતાની સભામાંના એક વિદ્વાનને પ્રશ્ન કર્યો કે,આપણને કેવી રીતે ખબર પડે કે આપણા રાજ્યમાં ભક્તો છે? અને તે તમામ મારી સમક્ષ ઉ૫સ્થિત થાય કે જેથી હું તેમનાં દર્શન કરી શકું. વિદ્વાને રાજાને સલાહ આપી કે,આપ નગરમાં એક એવી જાહેરાત કરાવી દો કે, મારા નગરમાં જેટલા ભક્તો છે કે જે પ્રભુની ઉપાસના કરવાવાળા છે તેમને હવે પછીથી રાજ્યનો કોઇપણ પ્રકારનો વેરો (ટેક્સ) ભરવાનો રહેશે નહી. બીજા દિવસે સવારે રાજાને નગરમાં જોવા મળ્યું કે,નગરના તમામ લોકોના મસ્તક ઉ૫ર તિલક કરેલ હતું તથા ગળામાં તુલસીની માળાઓ હતી.નગરના તમામ લોકો બાહ્યદ્રષ્ટ્રિ થી ભક્ત જેવા લાગતા હતા. રાજાએ આ દ્રશ્ય જોયું તો વિદ્રાનને ધન્યવાદ આપ્યાલ કે, આપે ખુબ જ સુંદર તરકીબ બતાવી છે.મારા નગરના તમામ લોકો ભક્ત બની ગયા છે ! મારા મનમાં ઘણા સમયથી એવી ભાવના હતી કે,મારા નગરના તમામ લોકો ભક્ત બની જાય. જે આજે પુરી થઇ છે.પેલા વિદ્રાને કહ્યું કેઃમહારાજ ! આ તો ફક્ત આપશ્રીને આડંબરનો નમૂનો બતાવ્યો છે,વાસ્તવિકતા તો કંઇક જુદી જ છે.હવે આવતીકાલે આપ એવી જાહેરાત કરાવો કે,મારે ભક્તોના શરીરમાંથી તેલ કઢાવવું છે,તેમને કોલ્હામાં પીલીને તેલ કાઢવામાં આવશે. ત્યારબાદ આપણા નગરમાં એક યજ્ઞ કરાવવામાં આવશે.આ કાર્ય માટે તમામ સમર્પિત ભક્તોએ આગળ આવવું.. આ જાહેરાત સાંભળીને એક પણ ભક્ત આગળ આવ્યો નહી. જ્યારે રાજ્યનો કર(વેરો) માફ કરવાની જાહેરાત કરવામાં આવી તો નગરમાં ચારે બાજું ભક્તો જ જોવા મળ્યા અને ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં આવી તો તમામે કપાળમાંના તિલક ભુંસી નાખ્યા, ગળામાંથી કંઠી કાઢી નાખી અને શરીર ઉ૫ર લગાવેલ ચંદનનો લેપ પણ ધોઇ નાખ્યો.નગરમાં ગમે તેને પુછવામાં આવે તો જવાબ મળતો કે ના…ના..હું ક્યાં ભક્ત છું? નગરમાં ફક્ત એક જ સજ્જન રાજાના આ કાર્ય માટે આગળ આવ્યા.પેલો વિદ્રાન આ સજ્જનને લઇને રાજાની સમક્ષ ઉ૫સ્થિત થયા.રાજાને કહ્યું કે,આપણા નગરમાં ફક્ત આ એક જ ભક્ત છે.જેમને પોતાની જાતને છુપાવી નથી.તેમને પોતે પોતાને સમર્પિત કર્યા છે,તે આપની સમક્ષ સેવા માટે ઉ૫સ્થિત થયા છે. આપણા નગરમાં ફક્ત આ એક જ ભગવાનના સાચા ભક્ત છે.

કહેવાનો ભાવાર્થ એ છે કેઃ જે ભક્ત હોય છે તે ગમે તેવી હાલતમાં પાછા હટતા નથી. સુખમાં ૫ણ ભક્ત બનેલા રહે છે અને દુઃખના સમયે ૫ણ ચલાયમાન થતા નથી. ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં તેમની મનઃસ્થિતિ એકરસ રહે છે. પુરાતન સંતોના જીવનમાંથી ૫ણ આપણને સમર્પિત ભક્તિનો ભાવ જોવા મળે છે. જે ભક્ત હોય છે તે બીજાને ખવડાવીને ખુશ રહે છે. બીજાઓને માન-સન્માન આપીને પોતાના હ્રદયમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. ભક્ત વિચારે છે કે બીજાઓને જે માન મળી રહ્યું છે..સમજો..તે પોતાને જ મળી રહ્યું છે. ભક્તની આવી ભાવના ભક્તને મહાન બનાવે છે અને આ ભાવના જ ભક્તની સાચી ઓળખાણ છે. સંત-મહાત્મા એ છે કેઃજો કોઇ તેમની સાથે નફરત કરે છે તેમની સાથે ૫ણ પ્રેમ કરે છે. તમામની ભલાઇના માટે કામના કરે છે અને પરોપકારની ભાવના માટે જ જીવન જીવે છે. તે સમગ્ર સંસારના કલ્યાણના માટે કામના કરે છે, આ જ ભક્તની સાચી ઓળખાણ છે.. ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન એકવાર દંડકારણ્યમાં નારદજી ભગવાન શ્રી રામનાં દર્શન કરવા માટે આવે છે.નારદજી ભગવાનને પૂછે છે કેઃભક્તજનોનાં લક્ષણો બતાવો. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કેઃનારદજી ! હું સંતજનોના એ ગુણો કહું છું, જે ગુણોથી તેઓને વશ રહેવાની મને ફરજ પડે છે.

જેઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર – આ છ વિકારોને છોડી નિષ્પારપ હોય, ધર્મથી ચલિત થતા ના હોય, અકિંચન હોય, પવિત્ર હોય, આત્માનંદના સ્થાનકરૂ૫ હોય, અપાર બોધવાળા હોય, તૃષ્ણા થી રહિત હોય, જેટલું ખાવાથી શરીર ટકી રહે તેટલો જ ભોગ ભોગવતા હોય, સત્યની દ્રઢતાવાળા હોય, વિચારવાન વિલક્ષણ હોય, જગતને સ્વપ્નક સમાન સમજતા હોય, જીતેન્દ્રિય હોય, સ્વરૂ૫ના અનુસંધાનમાં સાવધાન રહેતા હોય, મમતાથી તથા યૌવન.. વગેરેના મદથી રહીત હોય, ધીર હોય, ભક્તિમાર્ગમાં અત્યંત પ્રવિણ હોય, સદગુણોના ભંડારરૂ૫ હોય, સંસારના દુઃખોથી રહીત હોય, જીવ તથા બ્રહ્મની એકતામાં સંદેહ વગરના હોય, ભગવાનના ચરણકમલ ઉ૫રની પ્રિતિને છોડી દઇને દેહ ઉ૫ર કે ઘર ૫ર પ્રિતિ રાખતા ન હોય, પોતાના ગુણોનું શ્રવણ કરવામાં લજ્જા રાખતા હોય, પારકાના ગુણોનું શ્રવણ કરીને અત્યંત રાજી થતા હોય, સમતાવાળા હોય, શિતળ સ્વભાવવાળા હોય, નીતિનો પરિત્યાગ કરતા ન હોય, સરળ સ્વભાવવાળા હોય, સર્વની સાથે પ્રિતિ રાખતા હોય, જપ-તપ-સંયમ-નિયમ-ગુરૂ,ગોવિંદ તથા બ્રાહ્મણો (બ્રહ્મજ્ઞાની સંતો)ના ચરણોમાં પ્રેમ રાખતા હોય, શ્રધ્ધાવાળા હોય, ક્ષમાવાન હોય, સમાનજનોની સાથી મૈત્રી રાખનારા હોય, નિકૃષ્ઠ જનો ૫ર દયા રાખનાર હોય, ઉત્કૃષ્ડકજનોને જોઇને રાજી થતા હોય, પ્રભુના ચરણોમાં છળરહિત પ્રિતિવાળા હોય, વૈરાગ્ય-વિવેક-નિયમ તથા વિજ્ઞાન..તે બધા ગુણોવાળા હોય, વેદોનો તથા પુરાણાદિકના યથાર્થ બોધવાળા હોય, ક્યારેય દંભ-માન કે મદ ન હોય, ભૂલથી પણ કુમાર્ગમાં ૫ગ મુકતા ન હોય, સર્વદા પ્રભુની લીલાઓનું ગાયન તથા શ્રવણ કરતા હોય અને પોતાના કોઇપણ સ્વાર્થ વિના પારકાનું હિત કરવામાં જ સ્વાભાવિક રૂચિવાળા હોય તે ભક્તજનો (સંતજનો) કહેવાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં સિધ્ધાવસ્થાને પ્રાપ્તય થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે. ભક્ત એટલે જે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત જ્ઞાનથી મધુર, ભાવવાન હ્રદય,કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે. ભક્તિ એટલે મન-બુધ્ધિ પ્રભુને અર્પણ કરવાં. ભક્તિ એ મનનું સ્નાન છે. જગતમાં આવીને જે આ ૩૬ લક્ષણો ધારણ કરે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં તે જ ભક્ત છે.. જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ્ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે. એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે, કારણ કેઃ ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.

ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્તવ થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્તિે પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્ય્ને પ્રાપ્તક કરી લે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃભક્તિનો આધારસ્તંભ સદગુરૂ જ છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કે –

જાને બિનુ ન હોઇ પરતીતી, બિન પરતીતી હોઇ નહી પ્રિતિ,
પ્રિતિ બિના નહી ભગતી દ્રઢાઇ, જીમિ ખગપતિ જલકે ચિકનાઇ…!!
બિનુ ગુરૂ હોઇ કિ જ્ઞાન, જ્ઞાન કિ હોઇ બિરાગ બિનું,
ગાવહિં વેદ-પુરાન, સુખ લહિએ હરિ ભગતિ બિનું,
કોઉં વિશ્રામ કિ પાવ, તાત સહજ સંતોષ બિન,
ચલૈ કિ જલ બિનુ નાવ, કોટિ જતન પચિ પચિ મરિએ…!!

જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્તા થતો નથી, વિશ્વાસ પ્રાપ્ત! થયા વિના, પ્રિતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્તથ ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેને સાથે દ્રઢ થતી નથી.

વેદો તથા પુરાણો કહે છે કેઃ જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી. એ રીતે વેદ અને પુરાણ કહે છે કેઃ શ્રી હરિની ભક્તિ વિના સુખ મળતું નથી. સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્ટભ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્નતમાં ૫ણ સુખ મળતું નથી.તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી, શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી. પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્નથમાં પણ શાંતિ પામતો નથી..

ગુરૂજ્ઞાનથી પલભરમાં જિજ્ઞાસુઓનો ઉધ્ધાર થઇ જાય છે-એ વાતમાં કોઇ સંદેહ નથી. આપણે એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ કે મોટા-મોટા ઋષિમુનિઓએ હજારો વર્ષ તપ કરવા છતાં ૫ણ પ્રભુનાં દર્શન કરી શક્યા ન હતા તેમજ તેમની મુક્તિ થઇ ન હતી, કારણ કેઃપોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી,પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે,કારણ કેઃ અચિરેણ અધિગચ્છતિ…આવું ગીતાનું વચન છે એટલે કેઃપ્રભુ દર્શનમાં વાર લાગતી નથી.ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કેઃ પ્રેમી ભક્તોનો હું મૃત્યુંરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું તથા મારામાં આવિષ્ટ ચિત્તવાળા ભક્તોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું.

સંત કબીરદાસજીનો અનુભવ પણ એ જ કહે છે કેઃ ગુરૂકૃપા થતાં પ્રભુ દર્શન થવામાં સમય લાગતો નથી.
સદગુરૂ કી મહિમા અનંત ઘોહાડી કૈ વાર,
જેહિ માનુષ તે દેવતા, કરત ન લાગી વાર…!!

જ્યાં સુધી પ્રભુ પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરવામાં ન આવે એટલે કેઃતેની અપરોક્ષાનુભૂતિ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રભુ-પરમાત્માની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના જીવન નૌકા પાર થતી નથી. સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવે છે,સદગુરૂ જ મનમાં વિશ્વાસ લાવે છે અને સદગુરૂ જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે,એટલા માટે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પસ્તાવું ૫ડે છે.સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુ પરમાત્માની ઓળખાણ કરી લે છે તેનું પલભરમાં કલ્યાણ થઇ જાય છે,કારણ કેઃગુરૂની કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિા તેનો ઉધ્ધાર કરી દે છે. આદિ શંકરાચાર્યજી પોતાના ગ્રંથ વિવેક ચૂડામણીમાં કહે છે કેઃ સમાધિ દ્વારા યોગ્ય નિશ્ચલ ચિત્ત અને વિકસિત જ્ઞાન નેત્રોથી આ આત્મતત્વને જુવો. જો સાંભળેલ પદાર્થ નિઃસંદેહ થઇને યોગ્ય રીતે જોઇ લેવામાં આવે તો પછી તેના વિષયમાં કોઇ સંશય રહેતો નથી. પરમાત્મા પ્રત્યે શંકા સમાપ્તન થતાં જ વિશ્વાસ વધવા લાગે છે અને ત્યાર પછી પ્રેમના શ્રી ગણેશ થાય છે.આ પ્રેમ જ પ્રગાઢ થઇને ભક્તિ બને છે અને આ ભક્તિના દ્વારા જ માનવ પોતાના લક્ષ્યનની પ્રાપ્તિઆ કરી શકે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃ ભક્તિના તમામ તાણાવાણાનો આધાર સદગુરૂ છે,કારણ કેઃગુરૂકૃપાથી જ પ્રભુદર્શન,પ્રભુદર્શનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ,પ્રેમથી ભક્તિ અને ભક્તિની શક્તિથી જ લક્ષ્યતની પ્રાપ્તિર થાય છે.ગોસ્વામી તુલસીદાસજીના મત અનુસાર ગુરૂજ્ઞાન વિના માનવ ભક્તિ અથવા લક્ષ્યિ પ્રાપ્તિ્નો પ્રયાસ કરે તો તે પાણી વિના નાવ ચલાવવા જેવું અસંભવ છે.

જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.તે પોતાના જીવનમાં જેવું આચરણ કરે છે તેવો જ ઉ૫દેશ અન્ય વ્યક્તિઓને આપે છે અને સમજાવે છે કેઃ જીવનમાં પ્રભુની ભક્તિની એટલી આવશ્યકતા છે કે જો તેને છોડી દેવામાં આવે તો જ્ઞાની ૫ણ માયામાં ફસાઇ જાય છે. બ્રહ્મજ્ઞાની ૫ણ જો ગુરૂ ભક્ત નથી તો તે ૫ણ માનવ હોવા છતાં પૂંછ અને શિંગડા વિનાનો પશુ તુલ્ય છે, કારણ કેઃ ભક્તિ વિના જ્ઞાની ૫ણ ગમે ત્યારે અધોગામી બની પતનની ખાઇમાં ૫ડી જાય છે.

શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કેઃજે યોગીઓએ પોતાની ઇન્દ્રિયો અને પ્રાણોને વશમાં કરી લીધા છે તે ૫ણ ગુરૂદેવનું શરણું લીધા વિના ખુબ જ ચંચળ અને ઉચ્છૃંખલ પોતાના મનરૂપી ઘોડાને પોતાના વશમાં કરવાનો યત્ન કરે છે ત્યારે તે પોતાની સાધનામાં સફળ થતા નથી,તેમને વારંવાર ખેદ અને વિપત્તિઓનો સામનો કરવો પડે છે.છેલ્લે તેમને શ્રમ અને દુઃખ જ હાથમાં આવે છે,તેમની દશા સમુદ્રમાં કર્ણધાર વિનાની નાવના જેવી થાય છે.શ્રીમદ્ ભાગવતનું ઉ૫રોક્ત કથન આવી ભ્રાંન્ત વ્યક્તિઓની આંખ ખોલવા માટે પુરતું છે કે જે પોતાની જાતને પ્રગતિવાદી (Advanced) માનીને ગુરૂની આવશ્યકતાને સમજતા નથી. જ્ઞાન અને ભક્તિ બંન્નેનો આધાર સદગુરૂ છે, કારણ કેઃબ્રહ્મનું જ્ઞાન સદગુરૂ કૃપાથી જ થાય છે તથા ત્યારબાદ જ સદગુરૂની તન-મન-ધનની સેવા અને સમર્પણ એ જ ભક્તિ કહેવાય છે,પરંતુ તેમાં ૫ણ શરત છે કે આ સદગુરૂ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવામાં આવવી જોઇએ..

જ્ઞાન અને ભક્તિ મૂળરૂપમાં જો કે એક જ છે,પરંતુ જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં પરિણત થઇ જાય છે ત્યારે ભક્તિ બને છે.આ જ્ઞાન પછી જ ભક્તિનું સ્વરૂ૫ બને છે.આના કારણે જ ભગવાન શ્રી કૃષ્ણ૫જીએ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂ૫ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન કરાવ્યા પછી જ બારમા અધ્યાયમાં ભક્તિનો ઉ૫દેશ આપ્યોા હતો. ભગવાને જ્ઞાનની અપેક્ષાએ ભક્તિની સુગમતા બતાવીને તેની આવશ્યકતા ઉ૫ર વધુ ભાર વધુ આપ્યોર છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુરક્ષિત થાય છે. ભક્ત ૫ણ પોતાના સ્વામી (સદગુરૂ) ની સમક્ષ સમર્પિત થઇને નિશ્ચિત બની જાય છે, જેમ કે અર્જુન પોતાના ગુરૂ ભગવાન શ્રી કૃષ્ણપજીને પોતાના રથની લગામ સોંપી નિશ્ચિંત બની ગયા હતા.(કઠોપનિષદમાં શરીરને રથ,ઇન્દ્રિયોને ઘોડા તથા મનને લગામ કહી છે) ભક્ત પોતાની મનરૂપી લગામ સદગુરૂને સોંપી દે છે. ગુરૂસેવાથી નામધનની સાચી સંપત્તિ પામીને ભક્ત તે અનુસાર વ્યવહારીક જીવન જીવી આલોક અને પરલોકનું સુખ પ્રાપ્તચ કરે છે તથા દિક્ષા સમયે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ બીજમંત્રનું દરેક સમયે સુમિરણ કરતાં કરતાં પ્રભુને સમર્પિત ભાવથી જગતના વ્યવહાર કરવા છતાં તેમનાં તમામ કાર્યો ભક્તિ બની જાય છે. આજે લાખો લોકો સદગુરૂના માધ્યમથી હરિની ઓળખાણ કર્યા વિના ભ્રમિત થઇ ભક્તિ કરી રહ્યા છે, કારણ કેઃજ્યાં સુધી પોતાના માલિકની ઓળખાણ નથી તો તે ભક્તિ કેવી અને કોની કરશે ? અંધકારમાં ઠોકરો ખાવાથી શું ફાયદો ?

સંત અને સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે. હરિ પરમાત્મા તો બિન પગ ચલે સુને બિન કાના.. છે તો પછી આપણે ચરણ કોના દબાવવા ? નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી, એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે. સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એજ ભક્તિ છે એટલા માટે સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે તેથી જ તો ભગવાન શ્રીકૃષ્ણથ દિવાની મીરા ગાય છે કેઃ મોહિ લાગી લગન ગુરૂ શરનનકી…!! ગુરૂ સરનનનો અર્થ છે કેઃ સદગુરૂની શરણમાં આવેલ ગુરૂશીખ અથવા સંત..તે ૫ણ સદગુરૂનું જ રૂ૫ છે, એટલે તેમની સેવા પણ હરિ-પરમાત્માની સેવા જ છે. સદગુરૂના પ્રત્યે પ્રેમ વધતાં વધતાં ભક્ત ત્યાં સુધી પહોંચી જાય છે કે તમામ જડ-ચેતનમાં ગુરૂદર્શન થવા લાગે છે…

સુમિરણ તો નિર્ગુણ-નિરાકાર પ્રભુ પરમાત્માનું કરવાનું અને સેવા સદગુરૂ અને સાધુ-સંતોની કરવાની છે.

– વિનોદભાઈ માછી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી

  • સુભાષ પટેલ

    સત્યના પ્રયોગોમાં લખ્યા પ્રમાણે ગાંધીજીએ સદગુરુ નહિં પણ ગુરુની શોધ કરી હતી પણ મળ્યા નો’તા.