કમાલની ત્રણ દીકરીઓ… – મનોહર ત્રિવેદી 5


કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા
મારા બચપણનો દોસ્તાર
સીધો સરળ ને મોજીલો, એવો જ ઉદાર.

મારા ગોરપદા નીચે
અમારી ટણકટોળીએ એને જનોઈ પહેરાવેલી
ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને…

પછી તો ભણ્યા-ગણ્યા ને વિખરાયા
આવ્યા-ગયા તડકા ને છાંયા
વૅકેશનમાં મળીએ
દુકાનોનાં પાટિયાં પર રાત ટૂંકી કરીએ
વિગત પ્રસંગો સંભારીએ ને દોમદોમ હસીએ

આ કમાલ… ત્રણ વહાલસોઈ દીકરીનો બાપ
કહેતો દીકરો હોય કે દીકરી, શો ફેર પડે છે?
પોતપોતાનું ભાગ્ય લઈને આવી છે,
ભાગ્ય લઈને ઉડી જશે, ચિડિયાં…

પહેલી દીકરી મુમતાજને લાડથી અમે મમુ કહેતાં
પહેલી હતી એટલે પરિવારમાંથી
મળેલાંય એવાં પ્યાર-દુલાર

એની શાદી વખતે યાર-રિશ્તેદારને હોંશે હોંશે
રૂબરૂ જઈને નોતરાં આપી આવેલો
મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે

લેવડદેવડ ઊઠકબેઠક ને સારેમાઠે આવજાનો વે’વાર
હિન્દુમિત્રોને ગણપતિની મુદ્રાવાળી
નિમંત્રણપત્રિકા આપેલી
હરખભેર દાવત દીધેલી

ફરીવાર મળવાનું થયું ત્યારે
એના મોઢાનું નૂર ઊડી ગયેલું જોયું
ખબર-સરખીએ આપેલી નહીં એણે
પૂછ્યું તો ખબર પડી
મમૂ ડૂબી મરી, આ ખારા સમંદરમાં,
મારી દીકરી ને તોય તાપ જીરવી ન શકી
જાણી જોઈને તને સમાચાર નો’તા આપ્યા

એની બીજી દીકરી ખુશ્બુ…
મારી પાસે ભણેલી
બસમાં અપ-ડાઊન કરી, કોલેજના ઉંબરે ચડેલી
હું કહેતો એમ, બીજાઓ પણ એને ખૂબી કહેતા

ખૂબી
આવડતનો ભર્યો ભર્યો ખજાનો
ડહાપણનો દરિયો

એક વાર અચાનક ઘેર આવી ચડી
બોલી તમે મને ખૂબી કહેતાને સર ?
બાપુએ મને ભાલ-પંથકમાં આપી છે,
ખારા પાટમાં
પાણી પી શકું તો આંસુ ન પી શકું?

એના હોઠ પરના આછોતરા સ્મિતે
સાંજને બોઝલ કરી દીધેલી

કમાલની ત્રીજી દીકરીનું નામ તો મેં જ પાડેલું
ગઝલ

તોફાની, તોરીલી, તરવરાટથી ભરેલી,
હળવી ફૂલ
એના જેવાં જ ચિત્રો ઉતારતી
કેનવાસ પર સાહજિકતાથી…

અસુંદરને સુંદરમાં રૂપાંતર કરવાની સૂઝ હતી
ગઝલમાં
જોતાં જ રહો, અનિમેષ… ફ્રેમમાં
કુબ્જા પણ કામણગારી થઈ
મ્હોરી ઉઠતી
આંખ ખસવાનું નામ તો લે !

પૂછ્યું તો
ટેકરી પરથી રમતિયાણ ઝરણું છૂટ્યું;
હું ડૂબી યે મરવાની નથી
કે મૂંગી મૂંગી આંસુ યે નથી પીવાની
હું તો તરીશ એમાં,
બાપુ કહે છે એ સમંદરમાં,
સપાટીથી તળ સુધી

બાકી દુઃખ કોના નસીબમાં નથી, કહો તો ?
જેણે અમને પરસ્પરથી અળગાં નથી થવા દીધાં
એ આ દુઃખની જ દુઆ નથી, સર ?
મેં એની પીઠ પર હાથ પસવારતા પૂછ્યું
કેનવઆસ પર હજી યે ચિત્રો ઉતારે છે,
તું ગઝલ ?

એ હસી, કશું બોલી નહીં,
જરૂર પણ ક્યાં હતી ?

– મનોહર ત્રિવેદી

ગઈકાલે ફાધર્સ ડે હતો. અત્યાર સુધી એક પુત્ર તરીકે જ આ દિવસને વિચારતા એ અનોખી વાતનો અહેસાસ જ ન થયો – ગઈકાલે મારી પુત્રીએ જ્યારે તેની મમ્મીના શીખવ્યા મુજબ ‘હેપ્પી ફાધર્સ ડે પપ્પા’ કહ્યું ત્યારે લાગણીઓની વાત અનોખી થઈ રહી. ‘તો પપ્પા હવે ફોન મૂકું’ જેવી સુંદર અને હ્રદયસ્પર્શી રચના આપનાર આપણા સમર્થ કવિ શ્રી મનોહર ત્રિવેદીની એક અનોખી રચના દીકરીઓ વિશે જ છે… કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા અને તેની ત્રણ દીકરીઓ વિશેની આ રચના હ્રદયસ્પર્શી તો છે જ – પિતા માટે એ લાગણીની સફર છે…. અને આજે પ્રસ્તુત છે એ જ સફર મનોહરભાઈના શબ્દો સાથે અને આપણી લાગણીના ઉંડાણે. રચનામાં ભારોભાર કરુણરસ ભર્યો છે, અને જાણે આપણા જ કોઈક સંબંધીની દીકરીઓ વિશે વાત થઈ રહી હોય તેમ બધું જ સહજતાથી સમજાઈ જાય તેવું સરળ છે.

બિલિપત્ર

I will lend you, for a little time,
A child of mine, He said.
For you to love the while she lives,
And mourn for when she’s dead.
It may be six or seven years,
Or twenty-two or three.
But will you, till I call her back,
Take care of her for Me?
She’ll bring her charms to gladden you,
And should her stay be brief.
You’ll have her lovely memories,
As solace for your grief.
I cannot promise she will stay,
Since all from earth return.
But there are lessons taught down there,
I want this child to learn.
I’ve looked the wide world over,
In search for teachers true.
And from the throngs that crowd life’s lanes,
I have selected you.

– Albert Edgar (1930)


Leave a Reply to Hemal VaishnavCancel reply

5 thoughts on “કમાલની ત્રણ દીકરીઓ… – મનોહર ત્રિવેદી