‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ 1


[પુસ્તક “ઈશ્વર પરમારઃ બહુઆયામી સર્જક” જાન્યુઆરી ૨૦૧૨, સંકલનઃ- શ્રી હરેશ ધોળકિયા, પ્રકાશક – ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમૅન્ટ ૨૩, અંબિકા સોસાયટી, હૉસ્પિટલ રૉડ, ભૂજ – કચ્છ ૩૭૦૦૦૧]

મૂળ રેવા, કચ્છના પણ વ્યવસાયને કારણે – જો કે ખરેખર તો એમ કહેવું જોઇએ કે ભેખ લઇને – દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઈશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ (કચ્છ) દ્વારા પ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંકલિત પુસ્તિકા ‘ઈશ્વર પરમારઃ બહુઆયામી સર્જક’ ને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બે મત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા ‘ખૂણે બેસીને કામ કરતા સર્જકો’નાં કામનો સીધો સંપર્ક સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજ સાથે, સાધી આપે છે.

પિતા દામજીભાઇ અને માતા રામકુંવરબેનના પુત્ર ઈશ્વરલાલ પરમારનો જન્મ ૬ ઑક્ટૉબર ૧૯૪૧ના રોજ કચ્છના રેહા ગામમાં થયો હતો. કૌટુંબીક વ્યવ્સાય ખેતી, નાના પાયાનો વેપાર અને બાંધકામની ઠેકેદારી, પરંતુ ઇશ્વરલાલના ભાગ્યમાં તો ભેખધારી શિક્ષકના થવાના લેખ લખાયા હતા એટલે અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યા બાદ બી.ઍડ. ગુજરાતી અને હિન્દીમાં કર્યું. તે પછીથી તો ઍમ.ઍડ. અને હિન્દીમાં ઍમ.ઍ. પણ કર્યું. તેમનાં પત્ની આરતીબેન પણ શિક્ષક હતાં અને તેમની પુત્રીઓ પણ શિક્ષણ જગતમાં જ છે.

તેમનો ડૉક્ટરૅટ માટેના વિષય – સ્વાતંત્ર્ય પૂર્વેના ૧૯૩૭-૪૭ના દાયકામાં અને સ્વાતંત્ર્યેતર સન ૧૯૬૭-૭૭ના દાયકામાં થયેલ ગુજરાતી સામાજીક નવલકથાઓમાંનાં શેક્ષણિક નિર્દેશોની સમીક્ષા – માં આપણે તેમનાં વ્યાવસાયિક વ્યક્તિત્વના શિક્ષણને સમાંતર જ સાહિત્ય સર્જનના અભિગમની ઝલક જોઇએ શકીએ છીએ.

જો કે તે પછીથી શ્રી ઈશ્વરભાઇ જેટલા શિક્ષક રહ્યા છે તેટલા જ સંશોધક અને તેટલા જ સાહિત્ય સર્જક રહ્યા છે. અહીં ‘તેટલા’માં ભેખધારી, રચનાત્મક, મૌલિક, પ્રતિબધ્ધ, પ્રયોગાત્મક જેવા વિવિધ આયામને આ ત્રિમૂર્તિ પ્રતિભામાં સમાવવા પડશે.

આ પુસ્તિકામાંની તેમની સાથેની પ્રશ્નોત્તરીમાં તેમણે કહ્યું છે તેમ લગભગ દસ વર્ષની ઉંમરે જ ‘કોઇ લખાણ નીચે પોતાનું નામ હોય એવી મુગ્ધ મરજી’ના સળવળાટે તેમનામાં સાહિત્ય સર્જનનાં જે બીજ રોપ્યાં તેનો અંકુર ‘મીની માસીએ લાડવા ખાધા’ એ કવિતાનાં સ્વરૂપે ‘જનશક્તિ’મા બાળ વિભાગમાં પ્રસિધ્ધ થયો. તે પછીથી પોતાના શિક્ષણકાળ અને વ્યાવસાયિક કાળ દરમ્યાન સંજોગો અને તકોના વા-વરસાદે આ છોડ વટવૃક્ષ થતો ગયો.

તેમનું સાહિત્ય સર્જન બાળ સાહિત્ય, બાળ ઉછેર સાહિત્ય, બાળ સાહિત્ય સમીક્ષા, શિક્ષણ સાહિત્ય, ચરિત્ર આલેખન, લઘુકથાઓ જેવી અનેક પ્રશાખાઓમાં વિસ્તરેલ છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકોનાં સહસંપાદન, પાઠ્યપુસ્તક સહપરામર્શન અને પ્રશિક્ષણનાં પુસ્તકોમાં સહલેખનની ભૂમિકાઓમાં પણ તેઓનું સહજ યોગદાન રહેલ છે.

બાળસાહિત્ય માટેના તેમના રસ અને અનોખી મૌલિકતા માટે તેઓ “માલીપા વસતા મસ્તીખોર માસૂમોને રીઝવવાના રિયાજ” ને કારણભૂત ગણે છે. જે કંઇ લખાયું છે તે “સહજમાં લખાતું ગયું છે” તે કથનમાં તેમની સ્વાભાવિક વિનમ્રતા અને નૈસર્ગીક રચનાત્મકતા છતી થતી રહે છે. બાળવિકાસની સાથે સાથે બાળ ઉછેર સાહિત્ય ક્ષેત્રે પણ તેટલી જ સહજતાથી તેમનું પ્રદાન જોવા મળે છે. તેમની શૈલિ બાળકોને સમજ પડે તેવી રસાળ અને ભાષા સરળ છે. ટૂંકા પણ અર્થસભર વાક્યો, વિશિષ્ટ ધ્વનિપ્રકારના પ્રયોગોથી તેમનાં બાળસાહિત્યનું મળતું અભિનવ પરિમાણ તેમના શબ્દો – “બાળકને વાર્તા વંચાવવાની હોય, બલ્કે કહેવાની હોય” – માં જોઇ શકાય છે. તેમનાં બાળસાહિત્યની સૂચિમાં ૧૨ બાળવાર્તા, ૭ બાળસાહિત્ય સમીક્ષા અને ૫ બાળઉછેરનાં પુસ્તકો જોવા મળે છે.

ડૉ. પરમાર તેમની વ્યાવસાયિક જીવનચર્યાનું દસ્તાવેજીકરણ પણ તેમની સર્જનાત્મકતાને કારણે [કે કદાચ તેની મદદથી] કરી શક્યા છે. શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રોનાં તેમનાં પુસ્તકોમાં તેમની શિક્ષક અને સંશોધક તરીકેની ઓળખ છતી થઇ રહે છે. તેમની ભાષામાં અહીં એક અભ્યસ્ત અધ્યાપકની બોલી સાંભળવા મળે છે અને તેથી તેમનાં દ્ર્ષ્ટિબિંદુને સમજવામાં ખચકાઇને વાચકને વિરૂધ્ધ વિચારને ચાળે ચડી જવાની તક જ નથી મળતી. તેમના પી.એચડી. માટેના મહાનિબંધપરથી નિતારીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક “સામાજીક નવલકથામાં શિક્ષણ” વિષે શ્રી રઘુવીર ચૌધરીનો પ્રતિભાવ ડૉ. ઇશ્વર પરમારની શિક્ષણ – કેળવણી સાહિત્ય સર્જકતાનું સુરેખ ચિત્રણ કરી આપે છે – “આ શોધનિબંધ એની શાસ્ત્રીય પધ્ધતિ અને લાઘવતાના ગુણે ધ્યાન ખેંચતો રહેશે. અન્ય શોધકર્તાઓમાટે નમૂનારૂપ લેખાશે. અહીં જે ભાષા શક્તિ છે, એના મૂળમાં માત્ર શિક્ષકની હેસિયત નથી, એક વિવેચકની સજ્જતા છે જે સાચી સહૃદયતાથી આદ્ર થયેલ છે.”

ડૉ. ઈશ્વરભાઇ પરમારે બાળસાહિત્ય અને શિક્ષણ / કેળવણી સાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્ય પ્રકારો પણ એટલું જ વિશદ કામ કરેલું છે. તેમનાં લેખનમાંનો લાઘવ તરફનો ઝોક તેમની લઘુકથાઓને સ્વરૂપે પ્રગટ થયો છે. કદાચ લઘુકથાનાં અતિસૂક્ષ્મ ભાવજગતને વાચકનાં મન પર અમીટ છાપ રૂપે અંકિત કરવા માટે તેમણે પુરાકલ્પન જેવાં માધ્યમનો તો જરૂર પડ્યે વિવિધ રસાલંકારોનો સુપેરે પ્રયોગ કર્યો છે. ‘દીઠી અમે દ્વારામતી’માં કૃષ્ણ અને દ્વારકા વિષેનાં કાવ્યોનું સંપાદન હોય કે કૃષ્ણનાં કાર્યક્ષેત્રના પરિચય જેવું ‘કરૂણાસાગર દ્વારિકાધીશ’ હોય, શ્રી ઇશ્વરભાઇ તેમની અંગત લાગણી કે માન્યતાને પશ્ચાદભૂમાં રાખીને કથા વસ્તુને સુયોગ્ય માર્મિક ચોકસાઇથી આલેખે છે.

આ પુસ્તિકા ડૉ. ઈશ્વર પરમારનાં સાહિત્ય સર્જનના સર્વાંગી અને સર્વગ્રાહી મૂલ્યાંકનની દિશામાં ‘નાનકડો પ્રયાસ’ છે તેવી પ્રકાશકો પાસેનાં શક્ય સાધનોની અને સંપાદકની સ્વસ્વિકૃત મર્યાદાને ધ્યાનમાં લેવા છતાં પુસ્તિકાને અંતે સમાવિષ્ટ ડો. પરમારનાં સાહિત્યસૂચિમાંના પુસ્તકોના પ્રકાશકો, પ્રકાશન વર્ષ, કિંમત જેવી વિગતોની ખોટ વર્તાય છે. જો આ માહિતિ સમાવાઇ હોત તો આ પુસ્તિકા ડૉ. પરમારના સંદર્ભ ગ્રંથ ઉપરાંત તેમનાં સાહિત્ય સુધી પહોંચવાનો સેતુ પણ બની રહેત.

તેમનાં ત્રિવિધ સાહિત્યને આટલાં ટુકાણમાં મૂલવીને યુવાન અને નવોદિત વિવેચકો –
પૂજા કશ્યપ સોની,  (“ડૉ. ઈશ્વરભાઇ પરમારઃ બાળસાહિત્યકાર”),
પલ્લવી કે શાહ, (“ડૉ. ઈશ્વર પરમારનાં કેળવણી વિષયક પુસ્તકો”) અને
મોના લિયા,  (“ડૉ. ઈશ્વર પરમારની અન્ય સાહિત્યકૃતિઓ”)
– એ ગાગરમાં સાગરને બખુબી સમાવવાનું કઠીન કામ દેખીતી સરળતાથી પાર પાડ્યું છે.

ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમન્ટ જો આ પુસ્તિકાને ઇ-પુસ્તકનું સ્વરૂપ આપીને ડીજીટલ પ્રસાર માધ્યમો દ્વારા પ્રસિધ્ધ કરે તો તેમના આ અને અન્ય પ્રયોગો અને પ્રવૃતિઓને ખુબ જ વ્યાપક અને બહોળો પ્રસાર તેમ જ પ્રચાર મળી શકે.

સંપર્ક –

[ડૉ. ઈશ્વર પરમાર, સિધ્ધનાથ સામે, દ્વારકા ૩૬૧ ૩૩૫ સેલફૉનઃ +૯૪ ૨૭ ૨૮ ૪૭ ૪૨]


Leave a Reply to Heena ParekhCancel reply

One thought on “‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ

  • Heena Parekh

    બહુ વર્ષો પહેલા ઈશ્વરભાઈની દીકરી સાથે ભુજમાં મુલાકાત થઈ હતી. આ પુસ્તક વાંચ્યું નથી.