બદલો (બાળવાર્તા) – જગદીશ વાટુકીયા 6


ઉનાળાના દિવસો શરૂ થયાં. આકાશમાંથી સૂરજદાદા ધીમો તડકો ઓકતા હતા. લગ્નની મોસમ પણ પૂરબહારમાં ખીલી હતી. સાસરીમાંથી કહેણ આવ્યું એટલે કીડીબાઇના મામાના દીકરા મંકોડાભાઇના લગ્ન લેવાયા. કીડીઓ બધી બનીઠનીને તૈયાર થઇ ગઇ અને ગીતો ગાતી-ગાતી મંકોડાભાઇના લગ્નમાં જવા લાગી. તડકો હોવા છતાં બધી કીડીઓ નાચતી ગાતી જતી હતી. ત્યાં જ ધરતીકંપ થયો હોય તેમ કીડીઓ ગભરાઇ ગઇ. સામે જોયું તો મહાકાય હાથી પાણી પીવા તળાવ તરફ ચાલ્યો આવતો હતો. કીડીઓ બધી બૂમાબૂમ કરવા લાગી. આ અવાજ સાંભળી હાથી ઊભો રહી ગયો.

તેણે કહ્યું, “બહેનો, તમ તમારે નિરાતે જતી રહો, હું થોડી વાર ઊભો રહું છું.” પછી કીડીઓ એકબાજુ આવી ગઇ અને તેમણે હાથીભાઇને આશિર્વાદ આપ્યા ને જરૂર પડ્યે મદદ કરવાનું વચન આપ્યું.

એક વખતની વાત છે હાથી ભોજન કરવા નીકળ્યો. ત્યાં રસ્તામાં કાચીંડીબાઈ બેડુ લઇને પાણી ભરવા જતાં હતાં.

હાથી કહે, “એ કાચીંડીબાઈ, મારગમાંથી ખસી જાવ નહિતર પીલાઇ જશો.”

આ સાંભળી કાચીંડીબાઇ તો ખિજાઈને કહે, “અલ્યા એય.. નાના અમથા મગતરા જેવડા હાથીડા, તારા મનમાં સમજે છે શું? કહેવા દે મારા રાણાજીને.” એમ કહેતી કાચીંડી બેડુ પછાડતી જાય છે. ઘર જઇને કાચીંડાને કહે, “તમે શું અહીં પડયા છો? તમારી રાણીનું પેલો હાથીડો અપમાન કરે છે, મને પાણી જતાં આડો ફરે છે.” આ સાંભળી કાચીંડાએ
તો ડાળ પરથી કૂદકો માર્યો ને કહે, “ઊભી રહે હું હમણાં એની ખબર લઉ.”

આ તરફ હાથી તો એની ધૂનમાં ચાલતો હતો. કાચીંડો સામે જઇ કહેવા લાગ્યો, “કેમ મારી કાચીંડીનો રસ્તો રોકે છે?”

હાથી કહેઃ “છાનો-માનો જાને ભાઈ, હમણાં એક પગ મૂકીશ તો ચગદાઇ જઇશ.”

આટલું સાંભળતાં જ કાચીંડો રાતોચોળ થઇ ગયો ને દોડતો-દોડતો હાથીની સૂંઢમાં ચડી ગયો. તે હાથીના માથામાં બટકા ભરવા લાગ્યો. હાથીએ ધમપછાડા કર્યા પણ કાંચીડો બહાર ન નીકળ્યો તે ન જ નીકળ્યો. એ તો રોજ-રોજ હાથીનું મગજ ખાતો જાય ને હાથી દિવસે-દિવસે દુબળો પડતો જાય.

એક દિવસ પાંચમાં ધોરણમાં ભણતી બે કીડીઓ રમતી-રમતી ઘર તરફ જતી હતી. હાથીને જોઇને કાલુ-કાલુ બોલી, “કેમ મામા, મારી બેનના જેમ સાવ સૂકાઇ ગયા છો?.”

હાથી કહે “શું કરું બેટા, મારા મગજમાં એક કાચીંડો પેસી ગયો છે ને મારું મગજ ખાઇ જાય છે.” આ સાંભળી કીડીઓ કહે, “ઊભા રહેજો મામા, અમે બધાને બોલાવીએ છીએ.”

બંને કીડી બહેનો બીજી બધી કીડીઓને બોલાવી લાવી. કીડીઓ કહે, “હાથીભાઇ તમારી સૂંઢ લાંબી કરો.” હાથીએ સૂંઢ લાંબી કરી એટલે કીડીઓ સૂંઢમાં ચડી ગઇ. જોયું તો કાંચીડો બેઠો-બેઠો બટકા ભરતો હતો. કીડીઓ એકસામટી કાચીંડાને બટકાં ભરવા લાગી ને જોત-જોતામાં કાંચીડાને ખાલી ખોખું કરી નાખ્યો. પછી બહાર ઢસડી લાવી.

હાથી કહે, “હાશ, હવે મને શાંતિ થઈ. બહેનો, તમે તો આજે મારો જીવ બચાવ્યો.”

કીડીઓ કહે, “હાથીભાઇ તમે પણ અમારો જીવ બચાવ્યો જ હતો ને. એ કેમ ભૂલાય?”

– જગદીશ વાટુકીયા
(શ્રી રતનપર પ્રાથમિક શાળા, કે.વ.શાળા બગદાણા, તા.મહુવા, જિ. ભાવનગર)

આજે પ્રસ્તુત છે શ્રી રતનપર પ્રાથમિક શાળા, મુ. બગદાણા, તા. મહુવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જગદીશભાઈ વાટુકીયાની રચિત આ સુંદર બાળવાર્તા. બાળવાર્તાઓની રચના આમ તો સરળ વાત નથી પણ જગદીશભાઈની કલમ અહીં સિદ્ધહસ્ત લાગે છે. આ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રથમ રચના છે. હાથી અને કીડીના ઘણાં ટુચકા આપણે સાંભળ્યા છે, આજે માણીએ તેમની એક સુંદર વાર્તા. આ રચના અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “બદલો (બાળવાર્તા) – જગદીશ વાટુકીયા

  • gunvant

    બાળ વાર્તા લેખક ,
    શ્રી જગદિશભાઈ ,
    વાર્તા સરસ છે. વધુ કલમ અજમાવવા પ્રેરણા મળે તેવી અંતરેચ્છા સહ .
    આપના સ્ટાફ મિત્ર જિતેન્દ્રભાઈ ને યાદ.

  • જગદીશ વાટુકીયા

    આ વાર્તા લખવા માટે મને પ્રેરણા આપવા બદલ હું
    જિગ્નેશભાઇ, જિતેન્દ્રભાઇ તેમજ આપ સર્વ મિત્રોનો આભાર વ્યકત કરુ છું….

    પુષ્પકાન્તભાઇએ કહ્યું તેમ આ વાર્તા મેં પણ મારા દાદાજી પાસેથી નાનપણમાં સાંભળેલી હતી પણ પુરી વાર્તા મને યાદ ન હતી એટલે વાર્તાનો ભાવ ન બદલાય એ રીતે મેં માત્ર મારા શબ્દોમાં રજુ કરી છે.

    ગિજુભાઇએ કહ્યું છે તેમ ” વાર્તા સાંભળવી એ બાળકોનો અધિકાર છે ને વાર્તા કહેવી એ વાલીઓની ફરજ છે ” એમ મારા પ્રયત્ન આપની સમક્ષ વાર્તા મૂકવાનો છે. મારી વર્તાઓને મૌલિક બનાવવાનો અચુક પ્રયત્ન કરીશ.

    ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો……….

  • PUSHPAKANT TALATI

    સરસ વાર્તા, – શૈલી તેમજ શબ્દોની લઢણ પણ ઘણી જ સુન્દર રીતે તેમજ યોગ્ય SEQUENCE માં રજુ કરેલ છે.વાંચવામાં ઘણોજ આનન્દ આવ્યો.

    પણ આ વાર્તા જ મે રાજકોટનાં રેડીયો પરથી ઘણા સમય પૂર્વે સાંભળી હોવાનું મને ચોક્કસ પણે યાદ છે. – તે એક લોકવાર્તા તરીકે નાં રૂપમાં પ્રસ્તુત થયેલી હતી . – એટલે આ વાર્તા મને મૌલીક ન જણાણી .

    છતાં વાર્તા નો ભરપૂર આનન્દ માણવાની મજા પડી. – જગદીશભાઈ આપ તો આપનો પ્રયાસ તથા લેખનની પ્રવ્રુતી ચાલુ જ રાખશો તેવી મારી આપશ્રીને મારી નમ્ર અપીલ છે.

  • Ashok Vaishnav

    જગદીશભાઇનો પ્રયોગ મોટાંઓએ ને બહુ જ મજા પડે તેવો અને બોધ દાયક તો છે જ, પરંતુ એટલો રસદાયક છે કે નાનાંથી માંડીને મોટાંસુધી હોંશે હોંશે વેંચવાની ઉત્કટ ઇચ્છા જગાડી દે જ.
    બાળ સાહિત્ય્નો તો જેટલો વિકાસ થાય તેટલો ઓછો જ છે, એટલે જગદીશભાઇની કલમ [કીબૉર્ડ] ખુબ જ પ્રવૃત રહે અને ગુજરાતી બાળસાહિત્યને વધારે અને વધારે માતબર અને [ઇન્ટરનૅટ પર પણ] લોકભોગ્ય રહે તેવી શુભેછા.