યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 10


“મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી.
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી.
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે,
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી?

યુસુફ બુકવાલાની આ પંક્તિઓ છે, જે હવામાં ગુંજી રહી છે અને તરુલતાબેનના કાને પડી રહી છે. એમને પોતાના દિયર સુમંતરાય પાસેથી શેની અપેક્ષા હતી… માત્ર પ્રેમ અને લાગણીની અને એમણે શું મેળવ્યું એ તો ભગવાનજ જાણે. એમણે કદી કલ્પના પણ કરી નહોતી કે જે દિયરને સસરાને આપેલું વચન નિભાવવા માટે એમણે પેટે પાટા બાંધીને, દીકરા પેઠે રાખીને, ભણાવી ગણાવીને વકીલ બનાવ્યો એ જ એમને કાનૂની નોટીસ મોકલશે. એણે આવીને કહ્યું હોત કે ભાભી મને દુકાનમાં ભાગ જોઇએ છે તો એમણે હોંશથી આપી દીધો હોત પણ સીધી કાનૂની નોટીસ? નોટીસ મોકલી એથી એમનું દિલ ભારે થઈ આવ્યું. દિયરને નોટીસ આપવા લાયક બનાવવા માટે એમણે શું નહોતું કર્યું? પતિની માંદગી અને દિયરના ભણતરના ખર્ચાને પહોંચી વળવા જ્યારે એમણે પોતાના સગા દીકરાને ભણતો ઉઠાડી દુકાને બેસાડી દીધો હતો ત્યારે શાળાના પ્રિંન્સિપાલે પોતાને કેટલું સમજાવી હતી, “આમ ન કરો. તમારો દીકરો ખુબ હોંશિયાર છે. એ ઘણો આગળ જશે ને તમારું નામ રોશન કરશે.” પણ પોતે સસરાને આપેલું વચન નિભાવવા માગતી હતી. એમણે જવાબ આપ્યો હતો, “સુમંતરાય પણ એમના દીકરા જેવો જ છે ને એ આગળ આવશે તો પણ પોતાનું નામ રોશન થશે જ.”

આમ તો જ્યારે પણ સુમંતરાયનો કાગળ આવે ત્યારે એ બે-ત્રણ વાર એ કાગળ વાંચ્યા કરતાં પણ આજે એ નોટીસ એક વાર પણ એમણે વાંચી નહોતી. સુનીલે એમને વાંચી સંભળાવી હતી. એ સાંભળી તરુલતાબેન વિચારમાં પડી ગયા. દસ દિવસમાં રૂપિયાની સગવડ કેવી રીતે કરવી. થોડી વાર વિચાર્યા પછી એમણે સુનીલને કહ્યું, “દીકરા, ગામથી કેશવકાકાને તેડાવ. કહે કે બે દિવસમાં આવી જાઓ.” શાંતિલાલ વકીલને મળવા જવાના હતા એમને રોક્યા અને કહ્યું, “સુમંતરાયને કાગળ લખી નાખો કે આવતી અમાસે હિસાબ જોઇ સમજીને રૂપિયા લઈ જાય.”

શાંતિલાલ અચંબો પામી ગયા. “પણ તરૂ, આટલા ઓછા દિવસમાં તું રૂપિયાની સગવડ કેવી રીતે કરશે?”

“હું કહું એમ કરોને. એ વકીલસાહેબને એનો હિસાબ કરાવી દઈશું પછી છે કંઈ? છેલ્લાં પંદર વરસના ચોપડા તપાસીને જરા નફા-નુકશાનની ગણતરી કરીને મને જણાવી દેજો. અને હા એમાં એ વકીલસાહેબને ભણાવવાનો, પરણાવવાનો કે એવો કોઇ પણ હિસાબ બાદ નથી કરવાનો. ભગવાનને માથે રાખી હિસાબ કરજો.”

એમના સસરાના વખતથીજ ઘરમાં તરૂલતાબેનનું ચલણ હતું. એ આઠ ચોપડી ભણેલા હતાં અને શાંતિલાલ નાનપણથીજ પોતાના બાપુ સાથે દુકાને બેસતાં. દુકાનનો હિસાબ એમને ઠીક આવડતો. એમના દીકરા સુનીલને પણ એમણે ધંધામાં એમજ પાવરધો કરેલો. શાંતિભાઈ દુકાને જવા નીકળ્યા અને તરૂલતાબેન ભૂતકાળમાં ખોવાઈ ગયાં.

પોતે પરણીને આવ્યાં ત્યારે નાનો દિયર બે વરસનો હતો. સાસુ તો એને એક વરસનો જ મૂકીને પરલોકવાસી થઈ ગયેલાં. એની સંભાળ રાખવાજ અમૃતલાલે એમના મોટા દીકરા શાંતિલાલને જલ્દી પરણાવી દીધેલા. ત્યારથી એને પ્રેમથી મા સમાન મમતા આપીને ઉછેર્યો હતો. સુમંતરાય પણ એને ભાભીમા જ કહેતા. સસરાની કાપડની દુકાન હતી પણ મુડીના અભાવે એટલી મોટી ઘરાકી લઈ શકાતી નહોતી. છતાં એ આવકમાંથી ઘરખર્ચ નીકળી જતો હતો. જ્યારથી પોતાના સસરાએ ગામના વાડીપડાનું ખેતર અને જમીન ગણોતરાધારાના કોઇ કાયદા નીચે ગુમાવ્યા ત્યારથી એમણે મનમાં નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને નાના દીકરા સુમંતને વકીલ બનાવવો છે. મોટો શાંતિ દુકાન સંભાળશે અને નાનો સુમંત વકીલ બનશે. પોતાની આ ઈચ્છાએ ઘરમાં બધાંને કહ્યા કરતા. એમણે એના ખાસ મિત્ર કેશવને પણ કહ્યું હતું કે જો શાંતિ સુમંતને ન ભણાવી શકે તો તું એને ભણાવજે. આવતા ભવે હું તારુ એ ઋણ ચુકવી દઈશ. કેશવજી ગામના ખમતીધર ખેડુત અને અમૃતલાલના ખાસ મિત્ર હતા. અમૃતલાલે પોતાની મરણપથારીએ કેશવજીકાકાની હાજરીમાં વહુ પાસે પાણી મુકાવી વચન લીધું કે એ સુમંતને વકીલ બનાવશે.

“બા, મેં બસના કંડક્ટર જોડે કેશવદાદાને કાગળ મોકલી દીધો છે.” સુનીલના અવાજે એમની વિચારસમાધિ ટુટી. બે દિવસ પછી કેશવકાકા આવ્યા.

“કાકા, આજે ખરેખર તમારી પાસે હાથ લાંબો કરવો પડે એવો વખત આવ્યો છે. આ મકાન મારા નામ પર છે એનો દસ્તાવેજ તમારે ત્યાં ગીરો મૂકું છું. અને આ દાગીના સુનીલની વહુ માટે મારી માએ આપ્યા હતાં એ…. આમ તો બહુ એની એટલી કિંમત નથી પણ એના બદલામાં આવતી અમાસ પહેલાં મને સીત્તેર-એંસી હજાર રૂપિયા જોઇએ છે.” તરૂલતાબેને કેશવકાકાને કહ્યું.

કેશવકાકાએ કહ્યું, “હા દીકરી, એ તો મળી જ જશે પણ આ કાગળીયાં અને દાગીના તારી પાસે જ રાખ. અમાસ પહેલાં તને રૂપિયા પહોંચી જશે.”

“એ ના…ના… કાકા રૂપિયા તો લેવા છે પણ જણસ અને ઘર ગીરો મુકીને. મારા દીકરા અને મારા વરે મારા નામે મૂકેલ ઘર અને મારા પિયરના દાગીના લો તોજ રૂપિયા લઉં.”

નાછૂટકે કેશવકાકાએ એની વાત માનવી જ પડેલી. તરૂલતાબેન બહુજ સ્વમાની. જ્યારે સુમંતને ભણાવવા સસરાની જમીનનો ટુકડો વેચ્યો ત્યારે એમણે એ જમીન નહી વેચવા માટે કહ્યું હતું. ત્યારે પણ એમની વાત તરૂલતાબેને નહોતી માની અને સુમંતરાયના લગ્ન માટે ખોરડું વેચી ને ભાડાના મકાનમાં ગયા ત્યારે પણ કેશવકાકાએ રૂપિયા ધર્યા હતાં પણ તરૂલતાબેને કહ્યું હતું, “ના કાકા, હજુ એવો વખત આવ્યો નથી કે મારે તમારી પાસે રૂપિયા લેવા પડે. જ્યારે પૈસે ટકે સાવ ખલાસ થઈ જઈશ ત્યારે તમારી પાસે હાથ લાંબો કરતાં શરમાઈશ નહીં. એ વખતે જે આપવું હોય તે આપજો. પણ અત્યારે નહી.”

આમ દરેક વખતે તરૂલતાબેન કોઈ વસ્તુની બદલીમાં જ રૂપિયા લેતાં. આ તો કાપડની દુકાન બહુ ચાલતી નહોતી અને સુનીલને ઓઈલએંજિન બનાવવાની લાઈન હાથ લાગી ગઈ અને એ ફળી એટલે એ કમાવા લાગ્યો. વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા તરૂલતાબેનને દીકરાએ શહેરના છેવાડે આવેલી સોસાયટીમાં નવો બંગલો અપાવ્યો હતો ત્યારે દિયર-દેરાણીને રહેવા બોલાવી પાંચ-પાંચ જોડી કપડાં અને સોનાનો અછોડો આપ્યાં હતાં. ત્યારે બંને કેવા ખુશ થયા હતાં! અને આજે….

અમાસને દિવસે સુમંતરાય અને એની પત્ની રેવતી આવ્યાં. આગલી રાતે આવીને હોટલમાં ઉતર્યા હતા. બીજે દિવસે બધાં ઘરના વરંડામાં બેઠા અને તરૂલતાબેન બારણું આડું રાખીને અંદર બેઠા બેઠા વાત સાંભળતાં હતાં. એમણે અંદરથીજ કહ્યું, “વકીલસાહેબને હિસાબ બતાવી દો.” શાંતિલાલે નાનાભાઈને બધાં સરવૈયા બતાવ્યાં. પૂરા એક કલાક સુધી બધા હિસાબો ઝીણવટભરી નજરે જોયા પછી ફાઈલો બાજુ પર મુકી ત્યારે તરૂલતાબેને અવાજ કર્યો, “હવે વકીલસાહેબને કહો કે તમારો કેટલો ભાગ થાય છે?”

સુમંતરાયે બધી ગણતરી કરીને કહ્યું, “આ બધા સરવૈયાનો હિસાબ કરીએ તો….. મારે ભાગે લગભગ એંસીહજાર રૂપિયા આવે.”

“પણ કાકા તમે તો માત્ર બેજ ભાગ પાડ્યા. મારો ભાગ ક્યાં?” સુનીલે કહ્યું.

ત્યાંજ તરૂલતબેનનો ઘાંટો સંભળાયો, “ખબરદાર છોકરા વચ્ચે બોલ્યો છે તો. અત્યાર સુધી તેં સેવા કરી છે એમ માનજે.”

“પણ બા, આ બધા તો મારી મહેનતના રૂપિયા છે.” સુનીલે  વિરોધ કર્યો.

“કહ્યુંને કે વચ્ચે નહીં બોલવાનું. તારામાં હવે કમાવાની તેવડ નહી હોય તો હાથમાં ચૂડી પહેરી મઠમાં બેસી જા. તારી માં હજુ કોઈના વાસણ કપડાં કરી પેટ ભરી શકશે. કેશવજીકાકા, કાંતિલાલ વકીલને ત્યાં તમારા દીકરાઓએ કહી રાખ્યું છે એટલે એ એમની ઓફિસમાં બેઠાં હશે. ત્યાં બધા કાગળ પર વકીલસાહેબની સહીઓ કરાવી ત્યાંને ત્યાં રોકડા ચૂકવી પહોંચ લઈ લેજો. આ વાતનો અહી છુટકારો થાય છે.” આમ કહી તરૂલતબેને દરવાજો બંધ કરી દીધો.

બધાની રજા લઈ સુમંતરાય અને રેવતી ઉઠ્યાં. “જરા ભાભીને મળતો જાઉ….” સુમંતરાય બોલ્યા.

“એ હવે ફરી કોઇ વખત વાત ચાલો વકીલસાહેબની ઓફિસે જઈને ત્યાં બધું પતાવી દઈએ.” કેશવકાકાએ કહ્યું અને બધા ત્યાંથી નીકળી ગયા.

કાંતિલાલ વકીલની ઓફિસમાં બધા દસ્તાવેજો વાંચી સહીઓ કરાવી એંસી હજારની પહોંચ લખાવી જ્યારે બહાર નીકળ્યા ત્યારે નીકળતા નીકળતા કેશવજીકાકાએ સુમંતરાયને કહ્યું, “જો દીકરા, હું તારા બાપનો લંગોટીયો ભાઈબંધ. એકજ ગામમાં સાથે મોટા થયા અને એકજ ભાણે જમ્યાં છીએ. હવે જ્યારે એ નથી ત્યારે હું તારા બાપની જગ્યાએ કહેવાઉ. એટલે જ્યારે તું આ ઘરથી છૂટો થાય છે ત્યારે આ ડોસાની બે વાત સાંભળતો જા. તને ખબર નહીં હોય પણ તારા મોટાભાઈ શાંતિ, એને ટી.બી. થયેલો ત્યારે તારી મા સમાન ભાભીએ તને કાગળમાં એક હરફેય નહોતો લખ્યો. રખેને ભાઈની ચિંતામાં તારુ ભણતર બગડે. જ્યારે છ મહિના સુધી શાંતિને હોસ્પિટલમાં રહેવું પડ્યું ત્યારે સુનીલ મેટ્રિકમાં ભણતો હતો. એને ભણતો ઉઠાડીને દુકાને બેસાડી દેવો પડ્યો. દુકાનમાંથી કોઇ ખાસ આવક નહી, મંદવાડના મોટા ખર્ચા, તને ભણાવવા માટે મોકલાતી મોટી રકમ, આ બધુંય તારી ભાભીએ ચીથરે આંસુ લુછીને કર્યું હતું. તને પરણાવવા ખોરડું વેચ્યું ને હોંશથી તારા લગન પતાવ્યા ત્યારે ભઈલા ઘરમાંતો હાંલ્લા કુસ્તી કરતાં હતાં. આ તો સુનીલ એકલાની કાળી મજુરી અને મહેનતે બે પાંદડે થયા.

હવે આમ જુઓ તો અમૃતરામજીની આ દુકાન પ્રોપ્રાયટરશીપ કહેવાય. વકીલાતનું ભણ્યો છે એટલે એ તો તને ખબર જ હશે. છેલ્લાં દસ વરસ થી ઈન્કમટેક્ષને ચોપડે આ દુકાન એકજ માલિકની છે અને એ છે સુનીલ શાંતિલાલ. આ કાંતિલાલ વકીલ વકીલાતની લાઈનનો ખેલાડી ગણાય છે. એણે તો કહીજ દીધું હતું કે સુમંત આ કેસ જીતી જાય તો એ વકીલાત છોડી દેશે. પણ ના, તારી સગી જનેતા જેવી ભાભીએ તારા મરતા બાપને હાથમાં પાણી લઈ વચન દીધું હતુ કે તને ભણાવી ગણાવીને વકીલ બનાવશે અને તારી દરેક ઈચ્છા પુરી કરશે. એણે શું દુ:ખ સહન કર્યા છે તે હું જાણું છું. પણ જવા દે આ વાતો તને નહી સમજાય. તું તો શહેરમાં જઈને રૂપિયાનો ગુલામ થઈ ગયો છે તને માની લાગણીની કિંમત નહીં સમજાય. જે ભાભીને ખોળે તું રમ્યો છે એનું મોઢુંય તને હવે જોવા નહીં મળે. સગા દીકરાને રખડાવીને એણે તને આ રૂપિયા ચૂકવ્યા છે. એના દાગીના ગીરો મુકીને… જાઓ દીકરા, આટલું જ કહેવાનું હતું જે મેં તને કહી દીધું.” પંચોતેર વરસના કેશવજીકાકા જરાક અટક્યા અને પછી બોલ્યા, “ભગવાન જો મને પૂછે કે આવતો અવતાર તારે કયા ઘરમાં જોઈએ છે તો હું બેધડક કહું કે હું તરૂલતાવહુની કુખે અવતરું એવી દયા કરજે….. જા દીકરા સુખી થજે..” અને ખભા પર લટકતા ખેસથી આંખો લુછી કાકા દાદરો ઉતરી ગયા.

– નિમિષા દલાલ

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ

    • Rajubhabhi

      નિમિશાબેન ત્મારિ વ|ર્તા ખુબ જ સરસ લાગી. શાબાશ.

  • PRAFUL SHAH

    THANKS AND CONGRATULATION FOR ALL YOUR SHORT STORIES. A LADY CAN WRITE, HOW A LADY CAN BEHAVE AND DESTROY THE WHOLE FAMILY LIFE… MAN CAN BE CRUEL BUT A LADY, A CREATION OF GOD, I DOUBT ?
    BUT NOW A DAYS IT HAPPENS AND SO STORIES ARE WORTH TO READ. I READ ALL FOUR AND THANK YOU HEARTILY FOR NICE CARVING LIFE SCATCHES..AND AKSHARNAAD TO PUBLISH TO ENJOY IN GUJARATI IN USA.THANKS

  • નિમિષા દલાલ

    આભાર સર્વે વાચકોનો. અને એ માટે અભિપ્રાય આપવાનો.. હવે પચ્હેી આગળ પણ આપનો આવોજ સહકાર મળશે એવેી આશા

  • Hemal Vaishnav

    આવી જ વાર્તા શ્રી ગિરીશભાઈ ગણાત્રા લિખિત “ગોરસ કથામાળા “માં “નોટીસ” શીર્ષક હેઠળ છપાએલી છે.(વાર્તા નંબર ૩).આપની વાર્તામાં ફક્ત પાત્રોનાં નામોનો જ ફર્ક છે.બાકી પાત્રોનાં સંવાદો પણ મહદ અંશે સરખા છે.સાચો લેખક/લેખિકા કોણ ?

  • PUSHPAKANT TALATI

    નિમિષા બહેન ;
    ઘણીજ સરસ પ્રસ્તુતી. – આખી વાર્તા વાંચી હું પણ કોઈ ભુતકાળમાં સરી પડ્યો. – કદાચ આ તમારી કલ્પના હશે પણ મેં આ હકિકત જોયેલી છે અને અનુભવેલી પણ છે. – બસ ફક્ત નામો જ change કરવાથી આ વાર્તા મે જોયેલી ખરી હકિકત બની જાય છે. – આબેહુબ વર્ણન તથા પ્રસંગો નઝર સામે તાદશ્ય થઈ ઉઠ્યા. –
    અન્હિનંદન – હાર્દિક અભિનંદન.