બે ઢીંગલી ગીતો – સંકલિત 7


૧. ઢીંગલી.. – ધનસુખલાલ પારેખ

રૂડી ને રૂપાળી, મારી ઢીંગલી રે લોલ !
શાણી ને સુંવાળી, મારી ઢીંગલી રે લોલ !

મીઠું મીઠું હસે, મારી ઢીંગલી રે લોલ !
સૌને હૈયે વસે, મારી ઢીંગલી રે લોલ !

ગોરા ગોરા ગાલ, મારી ઢીંગલી રે લોલ !
ઓઢણી છે લાલ, મારી ઢીંગલી રે લોલ !

રાજાની રાણી, મારી ઢીંગલી રે લોલ !
મમ્મીએ વખાણી, મારી ઢીંગલી રે લોલ !

કદી નહીં રુએ, મારી ઢીંગલી રે લોલ !
મારે ખોળે સૂએ, મારી ઢીંગલી રે લોલ !

– ધનસુખલાલ પારેખ

૨. મારી ઢીંગલી… – જયંત શુક્લ

મને મારી ઢીંગલી બહુ પજવે !
એ તો વહેલી સવારે આખું ઘર ગજવે !

દાતણ કર્યા વગર, દૂધ પીવા માંગે,
કજીઓ કરીને એ તો દૂર દૂર ભાગે,
એને દોડું પકડવા, સહુ મને ખીજવે… મને.

જાતે ના’વા એ તો ખૂબ પાણી ઢોળે,
લઈ ડોલ નાની ને કપડાં એમાં બોળે,
એને મારું તમાચો, તો મને લજવે… મને.

માથું ઓળાવે પણ ફૂલવેણી માગે,
જાતે કપડાં પહેરતા ખૂબ વાર લાગે,
એના લઈને રમકડાં આખું ઘર સજાવે… મને.

– જયંત શુક્લ

બાળક એટલે આજ, એની જરૂરીયાત કાલ પર ઠેલી શકાય જ નહીં. આવા ગીતો બાળકને લયબદ્ધ – તાલબદ્ધ બનાવે છે, શ્રવણ શક્તિ અને અભિનયશક્તિનો વિકાસ કરે એ, શબ્દભંડોળ વધારે છે, લાગણીઓનો અનુભવ આપે છે અને સૌથી વધુ તો બાળકોને જ્યારે સમૂહ વચ્ચે ગાવાની તક મળે ત્યારે તેમની શરમાળવૃત્તિ – સંકોચ દૂર થાય છે. ભાવોને પ્રગટ કરવાનું એ માધ્યમ છે, ભાષાને ભાવમય અને રસમયા કરવાનું કામ આવા સુંદર ગીતો સહજતાથી કરી આપે છે. બાળકની કલ્પનામાં વસતા ઢીંગલા ઢીંગલી જેવા મિત્રોની સાથે તેમની વાતચીતને, તેની કાલી ભાષામાં ગવાયેલા ગીતને પણ અભિવ્યક્ત કરવાની આપણી ભાષાએ પૂરી વ્યવસ્થા આપી છે. એનો પૂરાવો આજે પ્રસ્તુત કરેલા આ ઢીંગલી ગીતો છે. શ્રી ધનસુખલાલ પારેખ અને શ્રી જયંત શુક્લની પ્રસ્તુત ખૂબ સરસ રચનાઓ બાળકના આ નિરાળા મિજાજને આબેહૂબ ઝીલે છે. પ્રસ્તુત બંને ગીતો શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા સંચય પામેલ બાળગીતોનો સંગ્રહ, ‘ડૂગડૂગિયાં’માંથી લેવામાં આવ્યા છે.

બિલિપત્ર

એક બે ત્રણ, હોંશે હોંશે ગણ,
ચાર અને પાંચ, ફરી ફરી વાંચ,
છ, સાત, આઠ, થાય એના પાઠ,
નવ અને દસ, આટલું હમણાં બસ.


7 thoughts on “બે ઢીંગલી ગીતો – સંકલિત

  • Harshad Dave

    બાળકોના શબ્દકોશમાં પજવણી શબ્દ ન હોય. એ તો અ-બાળકોના રોષમાં હોય! બાળકો મનની મોજ મુજબ બધી ક્રિયાઓ કરતાં હોય છે આપણે બીજાનો ખ્યાલ રાખીને. ‘આમ કર મા’, ‘આમ જ કર’, ‘ના’, ‘નહિ’, ‘રહેવા દે’, અંધારામાં ઊભો/ઊભી રાખીશ, બાથરૂમમાં પૂરી દઈશ, તને ખાવા નહિ મળે, બહાર નહિ લઇ જાઉં, જેવા શબ્દોનું રૂપાંતર ‘રુદન’, ‘હઠ ‘, ‘જિદ્દ’, ‘મારવું’, ‘સામા થવું’, ‘ભાગી જવું’. ‘સામે દલીલો કરવી’, ‘ન સમજવું’ મા થઇ જાય ત્યારે તેમાં બાળકોનો દોષ નથી હોતો. ‘યશોદા મૈયા કા કરે?’ સમસ્યા ઊભી ન થાય તે માટે તાલીમ લેવી જોઈએ, બાળ માનસશાસ્ત્ર સમજવું પડે. અહીં પ્રથમ કવિતામાં ઉકેલ છે બીજી કવિતામાં ઉદભાવતા પ્રશ્નોનો!-હદ.