જીવનની પ્રયોગશાળાઓ – વિનોબા


તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે.

આશ્રમોને મેં ‘લેબોરેટરીના પ્રયોગ’ કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો ‘કંડિશન્ડ’ પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.

આશ્રમ અને આરોહણ (ભૂદાન આંદોલન) એક જ કાર્યક્રમની બે યોજનાઓ છે. જેમ પહેલાં શુદ્ધ વિજ્ઞાન શોધાય અને ત્યાર પછી એ સમાજ પર લાગુ થાય છે. એનાથી વ્યાવહારિક વિજ્ઞાન (એપ્લાઈડ સાયન્સ) વિકસે છે. આમ બંને પરસ્પર પૂરક છે. આપણી આશ્રમયોજના સામાજિક કાર્યનું પૂરક અંગ છે, ત્યાં જે ચિંતન ચાલશે એનાથી બહારનાં કામોને સ્ફૂર્તિ મળશે. એનું સ્વરૂપ સ્ફૂર્તિ સ્થાનનું હશે. બહાર ચાલનારા કાર્યો આશ્રમો માટે કીર્તિસ્થાન છે. વિચારની કીર્તિ આચારમાં પરિણમે. જેવી રીતે શુદ્ધ વિજ્ઞાનની કીર્તિ વ્યવહારમાં વપરાય છે એ જ રીતે.

આશ્રમોએ ‘પાવર હાઊસ’ (શક્તિ કેન્દ્ર)નું કામ કરવાનું છે. આપણું મુખ્ય કામ છે આખા જનસમાજને અહિંસક, શક્તિશાળી, આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ, નિર્ભય, નિર્વેર બનાવવાનું. જ્યાં પોતાને ‘પાવર’ અનુભવાતો હશે ત્યાં જ આવા પાવર હાઉસ બની શક્શે.

મેં હિંદુસ્તાનના ત્રણ ખૂણે ત્રણ અને વચમાં પણ બીજા ત્રણ આશ્રમો સ્થાપ્યા. જો એમાં પ્રાણ હોય તો આખા ભારતમાં ફેલાવવા એ પર્યાપ્ત સાધન છે. શંકરાચાર્યે જ્યારે એકમેકનો સંપર્ક અસંભવ હતો એવા જમાનામાં ચાર ખૂણાઓમાં ચાર આશ્રમો સ્થાપ્યા. આ આશ્રમોએ દીપકનું કામ કર્યું. એમણે ભારતની ભારે સેવા કરે. એટલે આજનાં આવાગમનનાં સાધનો ભારે સહજપ્રાપ્ય છે, તેવા કાળમાં છ આશ્રમો સ્થાપ્યા એ કોઈ મોટી વાત નથી. આ આશ્રમોનું અધિષ્ઠાન પરમેશ્વરની ભક્તિ ન હોય તો એ આશ્રમો કોઈ પણ કામ નહીં કરી શકે.

સમન્વય આશ્રમ, બોધગયા
બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર
પ્રસ્થાન આશ્રમ, પઠાણકોટ
વિસર્જન આશ્રમ, ઈંદોર
મૈત્રી આશ્રમ, આસામ
વલ્લભનિકેતન, બેઁગલોર

આ છ આશ્રમોના હેતુ નિરનિરાળા,

સમન્વય આશ્રમ, બોધગયા

સમન્વય આશ્રમ (૧૮ એપ્રિલ ૧૯૫૪) માટે બોધગયાનું ક્ષેત્ર પસંદ કર્યું એમાં એક દ્રષ્ટિ છે. ભારતીય સંસ્કૃતિ અને જીવનનો વિકાસ સમન્વય પદ્ધતિથી થયો છે. બ્રહ્મવિદ્યાનો આધાર અને જીવમાત્ર માટે અહિંસાનો વિચાર આ બે વાતો એના પાયામાં છે. આ દર્શનોનું અધ્યયન અને પ્રત્યક્ષ જીવનમાં એનો પ્રયોગ થાય એ જ અપેક્ષા આ સમન્વય આશ્રમ પાસેથી છે.

ત્યાંના શાંકર મઠ પાસેથી આશ્રમ માટે જમીન મળી. આ સ્થાન સામે જ બુદ્ધ મંદિર છે. શાંત અને એકાંત સ્થાન છે. તો મને થયું કે આ સમન્વયનું સારું સ્થાન બની શકે. બોધગયામાં ચીન, જાપાન, તિબેટ, શ્રીલંકા વગેરે અનેક દેશમાં બુદ્ધ મંદિરો છે, તો એમની સાથે પણ સંપર્ક થઈ શકે. બોધગયામાં જે યાત્રી કે ભિક્ષુ સાંભળવા આવે એમનો સંપર્ક કરવો, એમના અનુભવો સાંભળવા, ભારતીય ઢંગે એમનું આતિથ્ય કરવું તથા આંતરરાષ્ટ્રીય સંબંધો વધારવા – આવો કાર્યક્રમ મેં બોધગયા માટે આપી દીધો. આ પ્રકારનું કામ ત્યાં થયું પણ છે. બુદ્ધ પૂર્ણિમાને દિવસે ત્યાં યાત્રાનું આયોજન કરવા પણ મેં કહ્યું છે.

બોધગયાનું ક્ષેત્ર અત્યંત સ્વચ્છ અને નિર્મળ રહે, શરીર પરિશ્રમની જેમ સ્વચ્છતાને પણ નિત્ય યજ્ઞ માનવા કહ્યું.

બિહારના ભૂદાનમાં કામમાં લાગેલા કાર્યકર્તાઓ માટે બોધગયા એક વિરામસ્થાન બને. ત્યાં જઈને એમની થોડી ઝાઝી વિરતિ પ્રાપ્ત થાય. મનને કોઈક શાંતિ મળે.

આશ્રમના સ્થાયી સાધકો માટે અતિરેકી જીવન નહીં, પરંતુ સમત્વયુક્ત જીવન મેં સૂચવ્યું હતું. દાનના પૈસાનો ઉપયોગ સાધકોની જીવનયાત્રા માટે ન થાય. એ તો ઉત્પાદક પરિશ્રમ દ્વારા ચાલે. મકાન વગેરે માટે ઉત્પાદક પરિશ્રમના દાનનો જ આગ્રહ નથી રાખ્યો. કારણ કે આપણે આદર્શ પરિસ્થિતિમાં કામ નથી કરી શક્તા તે હું જાણું છું.

તદુપરાંત આસપાસના ક્ષેત્રની સેવાથી તો બચી જ ન શકાય. આપણું એ ક્ષેત્ર મોટું ન માનવું, નાનકડું જ માનવું. દીવડો નાનકડૉ હોય તો પણ એના નાનકડા ક્ષેત્રનો અંધકાર તો મટી જ જાય છે. આસપાસના લોકોની સેવા ગુણવિકાસની દ્રષ્ટિએ કરવી.

પાણી માટે આશ્રમમાં કૂવો ખોદવાનું શરૂ કર્યું તો જમીનમાંથી એક સુંદર બુદ્ધમૂર્તિ મળી. આને હું આકસ્મિક ઘટના નથી માનતો. બિહારની યાત્રામાં બુદ્ધની ભાવનાનું જે સતત ચિંતન ચાલ્યું એનું આ પરિણામ છે. જાપાની ભિક્ષુ અને સાધુ એ મૂર્તિને દંડવત પ્રણામ કરે છે, તો આપણને તો એ હક્ક એમનાથી પણ વધારે પ્રાપ્ત થયેલો છે કારણ કે બૌદ્ધ લોકો તો બુદ્ધને એક પુરુષ જ માને છે. જ્યારે આપણે તો બુદ્ધને રામ-કૃષ્ણ સાથે અવતારોમાં સ્થાન આપ્યું છે. સમન્વય આશ્રમના કાર્યને આશીર્વાદ આપવા સાક્ષાત આ મૂર્તિ અહીં હાજર થઈ છે. પુરાણા ભક્તોના જીવનમાં આ પ્રકારના મૂર્તિલાભના કિસ્સા આવે જ છે. એવી જ આ ઘટના છે. એની ત્યાં સ્થાપના થઈ. આ કામ માટે ભગવાનના આશીર્વાદ મળ્યા એનો મને ભારે સંતોષ થયો.

બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર

ભારતનો જેટલો ઈતિહાસ હું જાણું છું, તદનુસાર વ્યાપક ક્ષેત્રમાં સ્ત્રીશક્તિ જગાડવાનું કામ પહેલવહેલું ભગવાન શ્રીકૃષ્ણે કર્યું. ત્યાર પછીના યુગમાં મહાવીર સ્વામીએ મોટા પ્રમાણમાં સ્ત્રીઓને દીક્ષા અપાવી. ત્રીજો વ્યાપક પ્રયત્ન મહાત્મા ગાંધીએ કર્યો અને આ કામમાં થોડું અનુદાન ‘બાબા’નું પણ છે. સ્ત્રીઓની સામૂહીક સાધના માટે બ્રહ્મવિદ્યા મંદિરની સ્થાપના – બાબાનું આ અલ્પ, થોડુંક અમથું અનુદાન ગણાશે.

નાનપણમાં મારો વિચાર બ્રહ્મવિદ્યા પ્રત્યેનો હતો. આપણા કાર્યોમાં એની ઉણપ અનુભવાતી હતી. બાપુ ગયા પછી તો એ વધારે અનુભવાઈ અને મનમાં વિશ્વાસ બેસી ગયો કે આ ભૂમિકા ઉપર નહીં પહોંચીએ તો આ ઉપર ઉપરની ચીજો ટકશે નહીં; ખાસ કરીને ભારતમાં તો નહીં જ ટકે કારણ કે ભારત તત્વજ્ઞાનની ભૂમિ છે. બ્રહ્મવિદ્યાની પૂર્તિ કર્યા વગર આપણો વિચાર અખંડ પ્રવાહમાં નહીં વહે. એનો નિર્ણય મારા મનમાં થયો અને મારી શક્તિનો વિચાર કર્યા વગર બ્રહ્મવિદ્યા મંદિર શરૂ કરવાનું નક્કી કર્યું. શક્તિ કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે, મારામાં એટલી શક્તિ નહીં હોય, પરંતુ મારામાં એ વિચારની ભક્તિ તો ચોક્કસ છે જ. એ ભક્તિ પર શ્રદ્ધા રાખી બ્રહ્મવિદ્યા મંદિરની સ્થાપના કરવામાં આવી. (૨૫-૩-૧૯૫૯)

આશ્રમની કુલ વ્યવસ્થા બહેનોના હાથમાં હોવી જોઈએ એવું મને લાગ્યું. આ ઝંખના પણ મારા મનમાં હતી. સ્ત્રીઓની સાધના હંમેશા ગુપ્ત રહી છે. એનો પ્રભાવ કોઈ ને કોઈ વ્યક્તિ પર જરૂર પડ્યો છે. પરંતુ એ સાધના પણ પ્રગટ થાય એ ખૂબ જરૂરી છે. વિશ્વશાંતિ એકલા પુરુષો નહીં કરી શકે. આ યુગની એ માંગ છે. બુદ્ધે સંન્યાસના ક્ષેત્રમાં સ્ત્રીને પ્રવેશ આપવામાં ખતરો માન્યો હતો, પરંતુ એ પુરાણો જમાનો હતો. મને તો આ વાતમાં ખતરો લાગે છે કે પુરુષની સાથે સ્ત્રીને (બ્રહ્મવિદ્યામાં) સ્થાન ન હોય, તો બ્રહ્મવિદ્યા અધૂરી રહે છે. એ બ્રહ્મના ટુકડે ટુકડા થાય છે. સ્ત્રીઓના હાથમાં સંચાલન સોંપીને ઉલટું હું એ બ્રહ્મના ટુકડા નથી થવા દેતો.

પ્રાચીન કાળમાં સ્ત્રીઓએ વ્યક્તિગત ભૂમિકામાં શક્તિ પ્રગટ કરી, જેના પરિણામે આજે આપણને સામૂહિક રીતે એ શક્તિ પ્રગટે એની પ્રેરણા મળી રહી છે. ભવિષ્યનો યુગ મુખ્યતયા સ્ત્રીઓનો યુગ છે. સ્ત્રીઓની આધ્યાત્મિક શક્તિ પેદા થવી જોઈએ. સ્ત્રીઓ શાસ્ત્રકાર બને, ત્યાં સુધીની અપેક્ષા હું રાખીશ. સમાજ પર જેમનો પ્રભાવ હતો એવી મહાન ભક્ત સ્ત્રીઓ ભારતમાં થઈ ગઈ, પરંતુ તેઓ શાસ્ત્રકાર નહોતી. અત્યાર સુધી બ્રહ્મવિદ્યાનું જે શાસ્ત્ર બન્યું છે તે પુરુષોએ બનાવ્યું છે, એ એકાંગી બન્યું છે. એમાં સંશોધન થાય અને સંશોધિત બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ સુધરે તે મટે એમાં પૂરતી ગુંજાઈશ છે. સ્ત્રીઓ બ્રહ્મચારિણી હશે, શાસ્ત્રકાર હશે, સામૂહિક રીતે કામ કરશે તો ચિત્ર બદલાશે.

મેં બ્રહ્મવિદ્યા મંદિરની બહેનોને કહેલું – ૨૫મી માર્ચે જ હું બ્રહ્મવિદ્યાનું નામ લઈને ઘર છોડીને નીકળી પડ્યો હતો. આજે પણ એ જ નામે જીવી રહ્યો છું. હવે સમૂહ સાધનાના વિચારપૂર્વક બહેનોનું બ્રહ્મવિદ્યા મંદિર પણ શરૂ કરી રહ્યો છું. કેટલા ઉંડાણપૂર્વક આ ચીજનું ચિંતન કરી રહ્યો ઉં, એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો. ઘર છોડતી વખતે ચિત્તમાં જેટલી ઉત્કટતા હતી આજે એનાથી ઓછી નથી અનુભવી રહ્યો. પરંતુ હવે બ્રહ્મવિદ્યાનો સંકલ્પ નથી રહ્યો. પૂર્ણ થયો એટલે એ છૂટી ગયો કે આમ જ ખરી પડ્યો, ભગવાન જાણે! પરંતુ હવે જે તીવ્રતા છે તે સામૂહિક સમાધિની છે. એ દિવસોમાં પણ સમૂહની ભાવના હતી, સામૂહિક રૂપે કાંઈ સેવાકાર્ય કરાય, આવી કાંઈક કલ્પના હતી. પરંતુ આજે સામૂહિક સમાધિની તીવ્ર ભાવના છે.

– વિનોબા ભાવે

(‘અહિંસાની ખોજ – વિનોબાની જીવન ઝાંખી વિનોબાના શબ્દોમાં’ માંથી સાભાર.)

બિલિપત્ર

હું એક પ્રયોગી છું, અહિંસાની ખોજ કરવી એ મારું જીવનકાર્ય રહ્યું છે. મારી આદરેલી પ્રત્યેક કૃતિ, હાથમાં લીધેલાં સઘળાં કામ આ જ એક પ્રયોગ ખાતર થતાં રહ્યાં છે અને થઈ રહ્યાં છે. અહિંસાના પૂર્ણ પ્રયોગ માટે હકીકતમાં તો દેહમુક્ત જ થવું પડે. પરંતુ જ્યાં સુધી એ સ્થિતિ ન આવે ત્યાં સુધી શક્ય હોય તેટલું દેહ, સંસ્થા અને પૈસાથી અલગ રહીને કામ કરવાની મારી વૃત્તિ રહી. આ જ ખોજમાં કે અહિંસાની સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા કેવી રીતે સ્થપાય.

– વિનોબા