હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ 2


હે ગુલબદન ! તારું વદન જોતાં ધરાતો હું નથી
મયથી ભરાયે જાઉં છું, છલકાઈ જાતો હું નથી.

હું પ્રેમનું એવું અલૌકિક છું ઝરણ હે બેકદર !
અવહેલનાની આગમાં બાળ્યો બળાતો હું નથી.

ગંગા મહીં સદભાવનાની એટલો પાવન થયો
કે વેરથી વા ઝેરથી વટલાઈ જાતો હું નથી.

માટી તણી કબરે ભલે આ બીજને દાટો તમે,
ફોરીશ થઈને ફૂલ કૈં દાટ્યો દટાતો હું નથી.

મુજ ભાવનાની ભવ્ય ભરતીમાં તણાયે જાઉં છું,
કૈં જાળમાં અક્કલતણી ઝાલ્યો ઝલાતો હું નથી.

આ કોઈ બીડે આંખડી, કો’ દ્વાર બંધ કરી રહ્યાં,
શું આટલો છું તેજ કે જીરવી શકાતો હું નથી?

હે નર્તકી જેવા જમાના ! થા ખુશી કે થા ખફા
નાચીજ નખરાં કાજ કૈં વેચાઈ જાતો હું નથી !

છે કોઈની મીઠી નજર ને કોઈની એવી દુઆ
કે ઈન્દ્ર-વજ્રાઘાતથી સહેજે ઘવાતો હું નથી.

ઈન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો ‘જટિલ’
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી.

– જટિલ વ્યાસ

(કાવ્યસંગ્રહ ‘સંસ્પર્શ’માંથી સાભાર)

આ નવ શે’રની ‘ગાગાલગા’ ના આવર્તન ધરાવતી ગઝલ સુંદર, સાદ્યાંત આસ્વાદ્ય અને ખૂબ જ ચોટદાર છે. વિશુદ્ધ પ્રેમ, પ્રણયની સચોટ ભાવોર્મિઓ, માનવમનની નિર્લેપતા અને ખુમારી જેવા ભાવોને પ્રસ્તુત ગઝલના શે’રમાં સુંદર રીતે પ્રગટ કરાયા છે. સામાન્ય રીતે આટલા બધા શે’ર ધરાવતી ગઝલના બધા શે’ર અસરકારક ન પણ હોય એ શક્ય છે, પરંતુ આ નવ શે’રની ગઝલમાં એક પણ શે’ર એવો વધારાનો કે અસર વગરનો લાગતો નથી અને એ જ આ ગઝલની આગવી વિશેષતા પણ છે.

બિલિપત્ર

ખરે જે જગા ટપ દઈ શબ્દ પાકો

સમજ, ત્યાંથી છે મૌનનો બસ ઈલાકો.

 – સુધીર પટેલ


Leave a Reply to vimalaCancel reply

2 thoughts on “હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ