સદાશિવ આશરો એક તમારો… – મૂળશંકર પ્રેમજી જોશી 13


સદાશિવ આશરો એક તમારો
ભોલેનાથ આશરો એક તમારો…ટેક

જળ સ્થળ ને જડ ચેતન સહુમાં
વાસ સદા છે તમારો,
પામર પ્રાણી હું કંઈ નવ સમજ્યો
ખેલ અજબ છે તમારો રે… સદાશિવ.

અજબ અલૌકિક રૂપ તમારું ને
ભાલમાં ચંદ્ર રૂપાળો,
કરમાં કમંડલ ત્રિશૂળ ડમરુ
છે યોગી વેશ તમારો રે… સદાશિવ.

જગ હિત કાજે ઝીલ્યાં જટામાંને
ગંગાનો ગર્વ ઊતાર્યો,
મૃત્યુના દૂતને મોકલ્યો પાછો
માર્કંડેયને ઉગાર્યો રે… સદાશિવ.

દેવ ને દાનવ સાથે મળીને
સાગર મથવાનો ધાર્યો
રત્નો નીકળતા રાજી થયા સહુ
કહેતા કે ભાગ અમારો રે… સદાશિવ.

વિષ હળાહળ નીકળ્યું ત્યારે
વિષ્ણુને કહે કે ઉગારો
વિષ્ણુ કહે કાર્ય કઠિન છે
શંભુનું શરણ સ્વીકારો રે… સદાશિવ.

અમૃતની નહીં આશ તમને
ઝેરનો ભાગ સ્વીકાર્યો
સરળ સ્વભાવ ને ભાવ તમારો
ભક્તોના દુઃખ હરનારો રે… સદાશિવ.

દાનવ માનવ દેવ સહુને
આપતા આપ સહારો
બાળ તમારો જાણીને મુજને
ભવ જળ પાર ઊતારો રે… સદાશિવ.

– સ્વ. શ્રી મૂળશંકર પ્રેમજી જોશી.

મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ ‘દિવ્યપ્રભા હિન્દુ લોજ’ શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. સાંસારિક જવાબદારીઓ નિભાવવાની હતી એટલે કમાવા માટેનો આ માર્ગ તેમણે અપનાવ્યો, પરંતુ બાળપણથી પ્રભુભક્તિમાં રસતરબોળ મન અહીં પણ પ્રભાવ બતાવવા માંડ્યું. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં – વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે.

શ્રી મૂળશંકરભાઈ જોશીની મુખ્ય રચનાઓમાં ‘શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી…’, ‘હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી…’, ‘છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય…’, ‘શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું…’, ‘નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર…’, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…’ જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આ ભજનોનો સંચય એવી દિવ્યપ્રભાવ શિવસ્તવન મુક્તાવલીની પુસ્તિકા શ્રી મૂળશંકરભાઈ જોશીની દીકરીના પુત્ર શ્રી વિનયભાઈ ઓઝાએ અક્ષરનાદને પાઠવી છે.

આપણા સૌ માટે આ ગર્વની અને ભક્તિની ઘડી છે. આવા અપ્રાપ્ય સંચયો ઑનલાઈન મૂકવા મળે છે એ અક્ષરનાદનું સદભાગ્ય છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં ટાઈપ થઈને ઉપલબ્ધ થાય ત્યાં સુધી એમાંથી ભજનોનો પ્રસાદ લઈએ. એ જ અંતર્ગત આજે પ્રસ્તુત છે ઉપરોક્ત શિવભજન. નવા વર્ષની, વિ. સં. ૨૦૬૮ની અક્ષરનાદની પ્રથમ પોસ્ટ શિવાર્પણ.


Leave a Reply to sureshCancel reply

13 thoughts on “સદાશિવ આશરો એક તમારો… – મૂળશંકર પ્રેમજી જોશી

  • Gajanand trivedi

    Old is gold.all the bhajans of muljibhaijoshi,s are excellent excellent And excellent.thanks jigneshbhai to get this things available on net.

  • shirish dave

    વાંચી શકાતું નથી, સ્પેસની જગ્યાએ ચોરસ ચોરસ આવે છે તેથી ક્લીસ્ટ લાગે છે.

  • manibhai patel

    મારાઁ જાણીતાઁ બે-ત્રણ ભજનના રચયિતાનુઁ
    નામ આજે જ જાણ્યુઁ.હવે મારાઁ સ્વજનોને એ
    જણાવીશ .ખાસ કરીને આજે શ્રેી.પઁચમભાઇનો
    અને આ કૃતિ મૂકનારનો આભાર માનુઁછુઁ……
    શઁભુ શરણે પડી…..હે કરુણાના કરનારા………
    હરિ તારાઁ નામ છે હજાર,,કયા નામે લખવી..
    લિ.ગુણાનુરાગી…..મનવઁતનાપ્રણામ.

  • jadeja kedarsinhji m

    શિવ ની સમાધી

    મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમધી ધરે..

    સ્થંભ બની બ્રહ્મા વિષ્ણુના, મદ ને મહેશ હરે
    દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

    દેવી ભવાની જનની જગતની, ગુણપતિ ગુણ થી ભરે
    કાર્તિક કેરી કીર્તિ સવાઇ, નવખંડ નમનું કરે…

    સિંહ મયુર ને મુષ્ક મજાનો, નંદી કચ્છ્પ કને
    ભુત પિશચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

    નારદ શારદ ઋષિગણ સઘડા, કોટી કોટી દેવો ઉચરે
    સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

    મ્રુત્યુંજય પ્રભુ છે જન્મેજય, સમર્યે સહાય કરે
    “કેદર” કહે ના ધારીછે સમાધી, એતો ભક્તના રદય માં ફરે..

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    kedarsinhjim@gmail.com

  • મહેશ ત્રિવેદી

    આ બધી રચનાઓના રચયિતા ની ખબર જ નહોતી……મુળશંકર દાદાને મારા દાદી અને માતુશ્રી પાસે થી નાનપણ મા સાંભળેલી અને એ બધી ‘અનામી;’ રચનાઓજ માનતો હતો આજે ખબર પડી દાદાને શત શત પ્રણામ

  • અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી

    જીગ્નેશભાઈ,

    ખૂબજ સુંદર રચના અને તેના રચિયતાનો પરિચય આપી ખૂબજ ઉત્તમ કામ કરેલ છે, આજ ના સમયમાં આવા વડલા શોધ્યા જડતા નથી… જેને નામ નહિ પણ કામ કરી અને તેની સુવાસ સદા ફેલાવી છે… ઈશ્વર તેમના કુટુંબીજન પર સદા કૃપા વરસાવે તે જ પ્રાર્થાના..

  • PRAFUL SHAH

    I THANK AND CONGRATULATE YOU AND JOSHI AND HIS FAMILY TO BRING THIS FACT OF WRITER-COMPOSITER,SINGER OF THIS VERY FAMOUS BHAKTI-BHAJANS. I ON MANY OCCASSIONS HEAR FROM MY WIFE AND OTHER LADIES. I LOVE MANY OUT OF THIS COLLECTION OF 63 . NOW I WILL WAIT TILL YOU DOWN LOAD THE SAME ON ASKSHARNAAD.COM. BHAJANS NOT KNOWN TO US.
    I APPRECIATE HE OR HIS FAMILY HAS NOT THOUGHT OF COPY-RIGHT. IS UNIQUE NOW A DAYS. NEEDS CONGRATULATIONS.SHIVA-ARPAN IS TRUE..

  • Harshad Dave

    આજના કોપીરાઈટનાં યુગમાં કોઈ બે પંક્તિ લખે અને મનમાં, તનમાં અને જનમાં ફુલાઈ જાય છે અને તેની નકલ કરવાના હક્કો પોતાને (કર્તાને) સ્વાધીન રાખે છે. જયારે અમર કથા, કીર્તન, ભજન રચનારા દિવંગત નામી-અનામી સર્જકોની અત્યંત લોકપ્રિય રચનાઓ ઉપર સર્વાધિકાર અસુરક્ષિત રાખીને તેઓ વિશ્વમાં અમર થઇ ગયા છે…એવા સરળ ભાવ અને સ્વભાવ ધરાવનારાઓને વંદન. ભાગ માગે તે માનવી અને હળાહળ સ્વીકારે તે જગતના સ્વામી. સમસ્ત જગતના સાત અબજ માનવીઓમાં આવો ભાવ અને આવી ભાવના વ્યાપે એજ આ નૂતન વર્ષે વંદના…-હદ.

  • gopal h parekh

    ભજન સૌના સ્વજન, આજે એક એવા સ્વજન સાથે ભેટો થયાનો અપોૂર્વ આનઁદ, જિગ્નેશ તે તો આજની ઘડી રળિયામણી બનાવી, પ્રભુ રોજની ઘડી રળિયામણી સૌની બનાવે.