અંધ ગુરુ – સિધ્ધાર્થ ભરોડિયા 8


(મિત્રો, આ લેખમાં જે પાત્ર ની વાત છે એ વાત આપણા ગુજરાત ના પ્રસિધ્ધ સહિત્યકાર ચંદ્રવદન સી. મહેતાએ બહુ જ સારી રીતે એમના એકાંકી નાટક દ્વારા કરી છે. મારો આ લેખ લખવાનો ઉદ્દેશ્ય બ્રાઈલ નો પરિચય કરાવવા નો નહોતો, અલગ હતો. મારે તો એક પાત્ર ઉપસાવવું હતું મારી વાત કરવા માટે. સી.સી. સાહેબ ના જેટલા શબ્દો યાદ હતા એના આધારે જ લુઈ બ્રાઈલ નુ પાત્ર ઉપસી શક્યું છે.)

Louis Braille

નમસ્તે !!

આપ, આપ તો વિદ્વાન દેશના વાસી. સંજીવની વિદ્યા, અશરીરી વિદ્યા, પળમાં માણસ અંતરધ્યાન થઈ જાય !! દરેક વિદ્યાના જનમદાતા. લિબર્તી, ઈક્વાલિતી અને ફ્રાતરનીતિમાં માનવા વાળી પ્રજા. ભારત!! ભારત નામ સાંભળતા જ આદર થી મસ્તક નમી પડે છે. ધન્ય થઈ ગયો આપને મળીને. મારૂ નામ લુઈ, લુઈ બ્રાઈલ. અઢારસોનવમાં મારો જન્મ. એ પછી બોનાપાર્ત વોતર્લૂ માં હાર્યો. કુર્વે મારુ ગામ, પારિસ ની પાસે જ છે.

ના ના, હું જનમ થી અંધ નહોતો. પિતાજી ની ઘોડાના જીન સિવવાની દુકાન હતી. નાનપણમાં હું બહુ જીદ્દી હતો. પિતાજી જીન સિવતા બેઠા હતા, મેં જીદ કરી મને સિવવા દો. પિતાજીએ ના પાડી. એમના હાથ માંથી સૂયો ખેંચવા લાગ્યો. ખેંચાખેંચમાં સૂયો મારી એક આંખમાં વાગી ગયો. એક આંખ ત્યારે જ ચાલી ગઈ. બીજી, પહેલી આંખ ના ઈલાજ વખતે ઈન્ફેક્શન થી જતી રહી. બસ, ત્યાર થી બિલકુલ અંધારુ, અંધારુ જ અંધારુ.

આખા દેશમાં, પારિસ માં માત્ર એક જ સ્કૂલ હતી જ્યાં મારા જેવા આંધળા ભણી શકે. મહામહેનતે પિતાજીએ મને સ્કૂલમાં દાખલ કરાવ્યો. ત્યાં હું ભણ્યો અને પછી ત્યાં જ હું શિક્ષક બન્યો.

મારુ મન બેચેન રહેવા લાગ્યુ. કાંઇક ખૂટતુ હતું. હું જે ભણ્યો, જે ભણાવતો હતો એ બરાબર હતું? ના, કાંઈક ખૂટતું હતું.

કોલોનલ બાર્બિએંને મળવા એમની છાવણીમાં ગયો. એમણે મને સમજાવ્યું કે તેઓ સૈનિકોને ગુપ્ત સંદેશા મોકલવા માટે કઈ રીત અપનાવે છે. કાગળમાં ચિપિયાથી નાના નાના છિદ્રો કરી સાંકેતિક ભાષા મને સમજાવી. બસ, મારે બીજુ શું જોઈએ. એમની જ ભાષાને મેં સુધારી. મારી જ લિપિ મેં બનાવી લિધી. છિદ્રોની જગ્યાએ સંકેતોને મે ઉપસાવ્યા. આંગળી લગાડતા જ ખબર પડે શું લખ્યું છે.

મારી લિપિ મારી સ્કૂલમાં મેં ભણાવવાની વાત કરી. મને ના પાડી દેવામાં આવી. સરકારી માન્યતા ન મળી. અભિમાન અને મદથી ભરેલા વિદ્વાનોએ વિરોધ કર્યો. પણ એક નાની બાળકી મારી પાસે ભણવા આવતી હતી, જુલિયેટ, એને તો આ લિપિ મેં શિખવી જ દીધી.

એક વિદ્વાનોની સભામાં મારી પરીક્ષા લેવામાં આવી. એક કવિતા મને આપી. મેં એને મારી લિપિમાં લખી. જુલિયેટને બોલાવવામા આવી. એક પણ ભૂલ વગર બાળકી કવિતા વાંચી ગઈ. તાળીઓથી મારૂ સ્વાગત થયું. પરિણામ આપની સામે છે. દુનિયાના દરેક દેશમાં મારી લિપિ મારા જ નામથી (બ્રેઇલ લિપિ) પ્રખ્યાત છે! આંધળાના જીવનનો સહારો બની છે.

ઘણા ફાઉંડેશન, સોસાયટી મારા નામથી બન્યા છે. તમે લોકો કદાચ દાન પણ આપતા હશો.

મિત્રો, અમને અંધ લોકોને અજવાળા સાથે કોઇ મતલબ નથી હોતો. આથી જ અમારી સ્કૂલના ઓરડાઓ માં અંધારુ જ રહેતું. અંધારામાં રહી રહી ને ટી.બી થઈ ગયો. અઢારસો બાવનમાં, તેંતાલિસ વરસની ઉમરમાં મારે દુનિયા છોડવી પડી. જ્યારે હું વિદાય લઈ રહ્યો હતો ત્યારે એ જુલિયેટ જ હતી મારી પાસે જે મારો હાથ પકડીને ઉભી હતી. હું એને રોતી છોડીને ચાલી નિકળ્યો.

મિત્રો, હું અહી મારો પરિચય દેવા નથી આવ્યો. હું જાતે આવ્યો નથી પણ મને મોકલવામાં આવ્યો છે. આ લોકની જેમ અમારા પરલોક માં પણ બધા મને ઓળખે છે. ત્યાં બધા મને “અંધ ગુરુ” નામ થી જાણે છે.

આજે ત્યાંના લોકો પણ પરેશાન છે. જથ્થાબંધ રીતે અહિના લોકો મરી મરીને ત્યાં જઈ રહ્યા છે. નવા આવેલા લોકો ફરિયાદ કરે છે, પૃથ્વી પરની પ્રજા આંધળી થઈ ગઈ છે. ચારે દિશામાં અંધકાર છવાઈ ગયો છે. મને કહેવામા આવ્યું, જાવ અને જુઓ શેનો અંધાપો છે.

પહેલા તો હું મારા દેશ ફ્રાંસ ગયો. મારા ગામમાં ગયો, બધું બદલાઈ ગયું. મારું ઘર ન મળ્યુ. પારિસ ગયો, અમારી સ્કૂલ જોઈ. દરેક વિષયનુ જ્ઞાન આપવામા આવે છે, અંધો માટેનું કોમ્પ્યુટર જોયું, ખુશ થયો. મારા પૂતળા જોયા. મારી કબરની મુલાકાત કરી નીકળી પડ્યો ભારત તરફ. રસ્તામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ફર્યો. એક નવો અંધાપો જોયો. આંધળા લોકો એ.કે.૪૭ લઈને જ્યાં ત્યાં ફરતા હતા. એક આંધળાને પૂછ્યું, “આ તે કેવું આંધળાપણું? એણે એ.કે.૪૭ મારા તરફ જ તાકી. મને લાગ્યું આ મારો કેસ નથી. આ અમારા લોકના એક વડીલબંધુ મહમ્મદનો કેસ છે, એમને જ કહેવું પડશે. હું ત્યાંથી નિકળી ગયો.

અત્યારે હું આપની સામે છું. આપની ખૂબ જ ઇજ્જત કરું છું. પણ માફ કરજો, અહીં પણ હું અંધકાર જ જોઈ રહ્યો છું. કોઇ ધન પાછળ અંધ, કોઇ નામ પાછળ, કોઇ સત્તા માટે તો કોઇ ધર્મ પાછળ. લોભ, લાલચ, મિથ્યાભિમાન, સ્વાર્થ, ઈર્ષા, કયો નથી આંખ ફોડવાવાળો રોગ? આનો ઈલાજ તો મારી પાસે નથી. બસ, લખી લઉં છું. મારા સાથીઓ ને બતાવીશ. રામ અને કૃષ્ણની તો ઉંમર થઈ છે. કદાચ એ કાંઈ ન કરી શકે, પણ મારા પૌત્રની ઉમરનો ગાંઘી છે, એ કંઇક કરી શકશે. હું જરૂર ગાંધીને કહીશ, એ જરૂર આવશે.

મને સાંભળવા માટે આપ નો આભાર!! મેર્સિ!! બોકુ!! બાય બાય!!

– સિધ્ધાર્થ ભરોડિયા

અંધ લોકોને ભાષા અને બ્રેઈલ સ્વરૂપે સંવાદનું એક માધ્યમ આપનાર લૂઈ બ્રેઈલની ઓળખાણની સાથે સાથે તત્કાલીન સમસ્યાઓને સાંકળી લઈને, જીવનના મૂલતઃ સારને રજૂ કરતી એક વાત અનોખા અને આગવા સ્વરૂપે રજૂ કરતી આ વાત અક્ષરનાદના વાચકમિત્ર શ્રી સિદ્ધાર્થભાઈ ભરોડિયાની કલમે અવતરી છે અને મિત્રો સાથે વહેંચવા માટે તેમણે એ પાઠવી છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા માટે સિદ્ધાર્થભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


Leave a Reply to PRAFUL SHAHCancel reply

8 thoughts on “અંધ ગુરુ – સિધ્ધાર્થ ભરોડિયા

  • PRAFUL SHAH

    HEARTY CONGRATULATIONS ON YOUR NOT ONE BUT TWO ARTICLES-LAL BHADUR SASHTRIJI AND BLIND GURU..VERY NICELY WRITTEN.
    REGARDING LAL BHADURJI, HIS BROTHER WAS A POSTMAN WORKING AT THE SAME TIME, TOLD BY FRIEND TANDON OF MIRJAPUR. ..IT IS VERY TRUE WE AND MANY MORE ARE BLIND IN ONE OR THE OTHERWAY. WE LOST A GREAT MAN AND WE ARE UNDER GOING NEHRU-GANDHI VANSH-WE LOST SARDAR, SUBHAS AND MANY IS OUR IL-LUCK

  • SB

    વોરાભાઈ, હર્ષદભાઈ,હાર્દિકભાઈ,વિમળાબેન અને શુકલાજી આપ સહુને પ્રણામ.
    લેખ તમોને ગમ્યો એ બદલ બધાનો આભાર.

  • vimala

    Luis braille je rah batave chhe te dekhto mans apnave ne dekhta chhata andh aankho ne diviy chakshu bakshe ej aasha.
    ek pragna chakshu shu kari shake te amaru kutumb jane chhe. lekh mate aabhar.

  • Harshad Dave

    પ્રજ્ઞાચક્ષુની વાત અને દુનિયા જ અલગ છે પરંતુ ચક્ષુવાળાની પ્રજ્ઞાને લૂનો લાગી ગયો છે તેનો શો ઉપાય? એ માટે લુઈ બ્રેઈલ પ્રયત્ન કરે છે અને દેખતા માટે અંધત્વ નિવારણ યજ્ઞ કરે છે! જાગો ગ્રાહક જાગો માં એકલા ગ્રાહકની જ વાત છે પરંતુ દરેક ક્ષેત્રે પ્રવર્તમાન અંધાપો દૂર કરવાવાળાની રાહ જોવી પડશે? રાહ જોઈએ તો કોઈ નહિ આવે, માટે આપણે આપણાથી જ પ્રારંભ કરવો રહ્યો. કૃષ્ણ અર્જુનને દિવ્ય ચક્ષુ આપી શકે, આપણે આપણા ચક્ષુને દિવ્ય બનાવવા રહ્યા. -હદ. (શ્રી વિ.કે વોરાજીનો પ્રતિભાવ વાંચ્યો …સાચી વાત છે…પરંતુ વાહ વાહ..કેમ? )