બે ગઝલ – હર્ષદ દવે 2


પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક ‘અલગ’ રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે ‘રંગતરંગ’ માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના ‘અટાણે’ પ્રાકૃતિક તત્વોમાં પણ ‘બળિયાના બે ભાગ’ જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.

અલગ…!

એકદમ ઝબકે અને ઝોકું અલગ !
ઝાટકો વાગે અને ડોકું અલગ !

ખાય ‘સોપારી’ પછી પેટી મળે,
હાથ બંને જોડશે, મ્હોરું અલગ !

સનસનાટી ખચ્ચ કરતી ખૂંપતી,
આંખ મીચાતી અને જોણું અલગ !

ચીસ કચડાતી રહે કેવી અલગ !
હાથ-પગ નોખા પડે, દોટું અલગ !

એક ઝબકારો, ધડાકો, ખળભળે,
જીવ છટકે, ફક્ત આ ફોફું અલગ !

અટાણે…!

વાયરાને નૃત્ય કરવું છે કટાણે !
ફૂલડાને ધ્યાન ધરવું છે અટાણે!

કોણ સમજાવે હઠીલા વાયરાને?
નાસમજ, નાદાન, અકડુ છે અટાણે!

પર્ણ મધુકરને કહે, ‘કોશિશ કર તું.’
‘ના, નથી ફુરસદ મને, શું છે અટાણે?’

વૃક્ષ આપે સાંત્વના, ‘ગમગીન થા માં’,
‘ધર્મ તારો, કર્મ કરવું છે અટાણે !’

‘પ્રેમથી ફેલાવ સૌરભ આ જગતમાં’,
‘એ જ સાચું ધ્યાન તારું છે અટાણે!’

– હર્ષદ દવે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “બે ગઝલ – હર્ષદ દવે