ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૨ 15


આ લેખનો ભાગ 1 અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

રસ્તે મારા પિતરાઈઓએ મને આગળના પ્રવાસ માટે મદદ કરી અને પૈસા આપ્યા. શહેરમાં ચાલતાચાલતા મેં સફેદ ઉંચી ઈમારતો જોઈ – એ મોગાદિશુ હતું, સોમાલીયાનું મહત્વપૂર્ણ શહેર, જ્યાં હું પહેલા મારી બહેન અને પછી માસીના ઘરે રહી, અને અંતે એક બાંધકામ થતું હતું એવી ઈમારતમાં રેતીના તગારા ઉપાડવાની નોકરી કરી. મહીનાના અંતે મને ૬૦ ડોલર મળ્યા જે મેં એક ઓળખીતા મારફત મારી માતાને મોકલ્યા પણ તેને કદી એક પેની પણ મળી નહીં. સોમાલીયાના લંડનમાં એમ્બેસેડર મહમ્મદ મારી બીજી માસીને પણ પરણ્યા અને હું ઘર સાફ કરતી હતી ત્યારે મેં સાંભળ્યું કે તેમને લંડનમાં એક નોકરની જરૂર હતી. મેં માસીને કહ્યું, ‘એમને પૂછ, હું નોકરાણી તરીકે યોગ્ય છું?’ એ મારી સામે જોઈને બોલ્યા, ‘સારુ, કાલે તૈયાર રહેજે, આપણે લંડન જઈશું.’

લંડન ક્યાં છે તે મને ખબર નહોતી, મને ખબર હતી તો એટલી કે એ ખૂબ દૂર છે, એટલે જ્યાં હું જવા માંગુ છું, હું ખુશ હતી. બીજા દિવસે તેમણે મને પાસપોર્ટ આપ્યો, મારા નામ સાથેનો પહેલો કાગળ, માસીને વહાલ કરીને હું પ્લેનમાં બેઠી. અને જેવી લંડન એરપોર્ટની બહાર અમારી ટેક્ષી નીકળી કે હું એ ખુશીની લાગણીઓમાંથી અચાનક ઉદાસ અને એકલતાની લાગણીઓમાં ગૂંચવાઈ ગઈ. મારી આસપાસ મેં અનેક બીમાર, કંટાળેલા સફેદ ચહેરાઓ જોયા. અને મારા માસીને જોયા પછી, તેની પશ્ચિમી રીતભાત અને મને કામ બતાવવાની ઉતાવળ જોઈને મારા શરીરમાંથી ઉત્સાહનું છેલ્લું ટીપું પણ નીચોવાઈ ગયું. તેણે મને ઘરના કામ શીખવ્યા, મારા આખા કુટુંબને સમાવતી ઝૂંપડી જેવો તેમનો પલંગ હતો. સવારનો નાસ્તો બનાવીને રસોડું સાફ ક્રતી, એ ચાર માળના મકાનના બધાના ઓરડા અને બાથરૂમ સાફ કરતી, લગભગ અડધી રાત સુધી હું કામ કરતી, અને એ ચાર વર્ષ દરમ્યાન મેં એક પણ રજા પાડી નહોતી. મહમ્મદની બહેનની પુત્રી સોફી અમારે ત્યાં રહેવા આવી અને તેને નજીકની શાળામાં મૂકાઈ, મારા કામમાં તેને શાળાએ લેવા મૂકવા જવાનું કામ ઉમેરાયું, અને એ દરમ્યાન શરૂઆતના એક દિવસે સોફીને શાળાએ મૂકવા ગઈ ત્યારે એક ગોરો મને તાકીને જોઈ રહેલો. તે તેની પુત્રીને મૂકવા આવેલો. સોફી શાળામાં ગઈ તે પછી તે મારી પાસે આવીને અંગ્રેજીમાં બોલવા લાગ્યો. હું ત્યાંથી ભાગી છૂટી. પછી તે મારી સામે જોઈને સ્મિત કરતો, અને એક દિવસ તેણે તેનું કાર્ડ મને આપ્યું, મારી માસીની છોકરીઓને મેં તે બતાવ્યું તો તેણે કહ્યું કે એ એક ફોટોગ્રાફર હતો. મેં એ કાર્ડ સાચવી રાખ્યું.

એક દિવસ મને ખૂબ જ દુઃખાવો ઉપડ્યો, આંખો સામે અંધારા છવાઈ ગયા, હું પડી અને બેહોશ થઈ ગઈ. મેં માસીને કહ્યું કે મારે કોઈ ડોક્ટરને બતાવવું છે. અમે જે ડોક્ટરને બતાવ્યું તેણે વિશેષ તપાસ વગર મને ગર્ભનિરોધની ગોળીઓ આપી, જે મારા માટે કોઈ કામની નહોતી, પણ જાણકારીને અભાવે મેં એ લીધા કરી અને મારું દર્દ વધી પડ્યું. દુખાવો સહન કરવાના નિર્ધારે મેં એ ગોળી બંધ કરી. ને દર્દ પહેલાથી વધુ થઈને પાછું આવ્યું. મેં માસીને કહ્યું કે મારે ખાસ ડોક્ટરને બતાવવું છે, તેમણે વિરોધ કર્યો, ‘બતાવીને શું કરીશ? એ આપણી પ્રણાલીથી – રિવાજોથી વિરોધની વાત છે. અને એ આ ગોરા ડોક્ટરો ને કહેવાની વાત નથી. એ બાબતે કાંઈ થઈ શક્યું નહીં.

મહમ્મદનો ચાર વર્ષનો એમ્બેસેડર તરીકેનો સમયગાળો પૂરો થતો હતો. મેં મારો પાસપોર્ટ એક કુંડામાં દાટી દીધો અને તેમને કહ્યું કે તે ખોવાઈ ગયો છે. તેઓ ખંધુ હસ્યા અને મને લંડનમાં મૂકીને જતા રહ્યાં. મેં મારો પાસપોર્ટ ફરી કાઢ્યો અને નાનકડા થેલામાં નાખી રોડ પર નીકળી પડી.

એક સ્ટોરમાં હું પ્રવેશી જેની માલિકણ આફ્રિકન હતી, મેં તેની સાથે સોમાલીમાં વાત શરૂ કરી અને અમે ઘણી વાતો કરી, રહેવાની જગ્યાની જરૂરત વિશે, મારી પરિસ્થિતિ વિશે મેં તેને કહ્યું અને તેણે મને એક ઓરડો અપાવ્યો અને મૅકડોનાલ્ડ્ઝમાં નોકરી પણ અપાવી જ્યાં હું વાસણો ધોતી, પોતું કરતી અને રસોડું સાફ કરતી. રાત્રે મેં મફત અંગ્રેજી શીખવતી શાળામાં જવાનું શરૂ કર્યું. એ મને ક્યારેક નાઈટક્લબમાં પણ લઈ જતી જ્યાં હું આફ્રિકન – અંગ્રેજ સ્ત્રીઓ પુરુષો સાથે વાતો કરતી, મારા માટે આ એક નવી વાત હતી, નવા વિશ્વમાં રહેવાની રીતો શીખવાનો અનુભવ.

એક દિવસ બપોરે મેં મારા પાસપોર્ટમાં ફસાયેલ પેલું કાર્ડ કાઢીને તેને બતાવ્યું અને તેણે મને પૂછ્યું, ‘તું આને ફોન કેમ નથી કરતી?’

મેં કહ્યું, ‘મારું અંગ્રેજી એટલું સારું નથી, તું વાત કર.’ તેણે વાત કરી અને બીજે દિવસે હું માઈક ગોસના સ્ટુડીયોમાં પહોંચી. દરવાજો ખોલીને અંદર પ્રવેશી ને મને થયું કે આ એક અલગ જ વિશ્વ છે, સુંદર સ્ત્રીઓના વિશાળકાય ફોટા ત્યાં લટકતાં હતાં, મેં કહ્યું, ‘આ મારા માટેની તક જ છે.’

માઈકે મને કહ્યું, ‘હું તારા થોડાક ફોટા પાડીશ. તારી પાસે ખૂબ સુંદર દેહલાલિત્ય છે.’

બે દિવસ પછી હું પાછી સ્ટુડીયોમાં આવી અને મેક-અપ વાળી યુવતિએ મારા પર કામ શરૂ કર્યું. જાતજાતની ક્રીમ, પાઊડર, બ્રશ અને અન્ય પ્રવાહીઓ મારા ચહેરા પર ફરવા લાગ્યા.

“હવે” એ સહેજ આઘી ખસી અને મને કહ્યું, “તું અરીસામાં તારી જાતને જો.”

‘વાહ’ મેં મારી જાતને કહ્યું, ‘મારી તરફ તો જો!’

હું માઈક પાસે ગઈ જેણે મને એક ટેબલ પર બેસાડી, તેણે કહ્યું, “વારિસ, હોઠ ભીડીને, ચહેરો ઉંચો રાખ… વાહ ખૂબ સુંદર.” કેમેરા, લાઈટ્સ, વાયર, બેટરી, ફોકસ જેવા અનેક શબ્દોનો મને પરિચય થયો. ક્લિક… ફ્લેશ અને ફોટો. માઈકે મને એક પોલેરોઈડ આપ્યો. એમાં જે સ્ત્રી ઉપસીને આવી એ અદભુત હતી, હું માંડ મારી જાતને ઓળખી શકી. હું વારિસ નોકરાણીમાંથી વારિસ મોડેલ બની.

થોડાક દિવસ પછી એ ફોટો જોઈને મોડેલિંગ એજન્સીની એક સ્ત્રીએ મને તેનું કાર્ડ મોકલ્યું. એ શું બોલતી હતી એ મને ખબર નહોતી પડતી પણ તેણે મને ટેક્સી માટે થોડાક રૂપિયા આપ્યા અને હું એ સરનામે પહોંચી જ્યાં પિરેલી કેલેન્ડર માટે ફોટોશૂટ થવાનું હતું. એ મને ત્યાં પહોંચીને ખબર પડી. મેં પૂછ્યું, ‘એ શું છે?’ ફોટોગ્રાફર ટેરેસ ડોનોવને મને તેના ગત વર્ષોના કેલેન્ડર બતાવ્યા, જેમાં દરેક પાના પર અનોખો ફોટો હતો. તેણે કહ્યું કે આ વર્ષે ફક્ત આફ્રિકન સ્ત્રીઓ આ કેલેન્ડરમાં હશે. તે પછીથી મેં એ આખીય પ્રક્રિયા વ્યવસાયિકની જેમ પૂરી કરી અને જ્યારે કેલેન્ડર આવ્યું ત્યારે હું તેના મુખપૃષ્ઠ પર હતી.

વારિસ ડીરી

વારિસ ડીરી

મોડેલ તરીકેની મારી કારકીર્દી ચાલી નીકળી. હું પેરિસ, મિલાન અને ન્યૂયોર્કમાં કામ કરી આવી. હું પહેલા કરતા ખૂબ ઝડપે પૈસા બનાવવા માંડી. એક ઘરેણા બનાવતી કંપની માટે સફેદ આફ્રિકન વસ્ત્રો પહેરીને મેં ફોટો પડાવ્યા. મેં રેવલોન માટે જાહેરાતો કરી, એ પછી તેમના નવા પરફ્યૂમ માટે જાહેરાત કરી. એ જાહેરાતની ઘોષણા હતી, ‘From the heart of Africa comes a fragrance to capture the heart of every woman.’

૧૯૮૭માં જેમ્સ બોન્ડ કડીની ફિલ્મ ધ લિવિંગ ડેલાઈટ્સમાં મેં અભિનય કર્યો, રેવલોનની જાહેરાતોમાં મેં સિન્ડી ક્રોફર્ડ, ક્લાઊડીયા શિફર અને લૌરેન હ્યુટન સાથે કામ કર્યું. આ સાથે હું જાણીતા ફેશન સામયિકો જેવા કે Elle, Glamour, Italian Vogue, માં ચમકી. પણ આ બધી ચમકદમક સાથે પેલું દુઃખ સદાય મારી સાથે રહેતું. મને બાથરૂમમાં દસ મિનિટ થતી અને મહીનાના અમુક દિવસો તો ભયાનક જ રહેતા અને એ દિવસો દરમ્યાન હું કાંઈ પણ કરી શક્તી નહોતી. મને થયું કે મારે આ ગોરા ડોક્ટરોને મારી વાત કરવી જ પડશે નહીંતો આમ સહન કરતાં કરતાં જ હું મરી જઈશ. મેં ડોક્ટરને કહ્યું, ‘હું સોમાલીયાથી આવું છું અને…’ તેણે મને વાક્ય પૂરું પણ કરવા ન દીધું અને નર્સને કહી મારા વસ્ત્રો બદલાવડાવ્યા. જો કે મારી ભાષા સમજી શકવાના અભાવે નર્સને કહીને એક સોમાલી જાણતા આફ્રિકન યુવકને તેમણે હોસ્પીટલમાંથી શોધી કાઢ્યો.

ડોક્ટરે તેને કહ્યું, ‘આ છોકરીને કહે કે તેના અંગો વધુ પડતા સીવાઈ ગયા છે અને તે હજુ સુધી જીવે છે એ મોટી વાત છે, તેનું તરત ઓપરેશન કરવું પડશે.’

પેલા સોમલી યુવકને એ ગમ્યું નહીં, એ મને કહે, ‘તારા પરિવારને ખબર છે તું શું કરવા જઈ રહી છે? આ આપણી પ્રથાની વિરુદ્ધ છે, સંસ્કૃતિની વિરુદ્ધ છે. એ એક સાધારણ આફ્રિકન યુવાનનો પ્રતિભાવ હતો. પણ હું એ ઓપરેશન કરાવી શકું એ સુધીમાં તો એક વર્ષ પસાર થઈ ગયું. ઓપરેશન પછી ડોક્ટરે મને કહ્યું, સોમાલીયા, ઈજિપ્ત સુદાન અને અનેક આફ્રિકન દેશોમાંથી અહીં વસેલા પરિવારની સ્ત્રીઓ અહીં આવે છે, મોટેભાગે તેમના પરિવારને ખબર નથી હોતી, કોઈ તો ગર્ભવતિ પણ હોય છે, અને તેમને બચાવવા હું મારાથી બનતું બધું કરું છું.’ ત્રણ અઠવાડીયામાંતો બાથરૂમની મારી મિનિટો ક્ષણોમાં બદલાઈ ગઈ. આ એક અનોખી સ્વતંત્રતા હતી.

૧૯૯૩માં બીબીસીએ મારા જીવન પર – એક સુપરમોડેલના જીવન પર ફિલ્મ બનાવવાની વાત કરી, મેં તેમની સામે શરત મૂકી – જો તેઓ સોમાલીયામાંથી મારી માતાને શોધી આપે તો. તેઓ સંમત થયા. તેમને મેં આફ્રિકાના – સોમાલીયાના નકશા પરના એ સ્થળો બતાવ્યા જ્યાં મારો પરિવાર ભટકતો રહેતો. અમારા પરિવારના પારંપરિક નામ પણ મેં તેમને કહ્યાં અને મારી માં હોવાના દાવા સાથે અનેક સ્ત્રીઓ નીકળી આવી, જેમાંથી કોઈ મારી માં નહોતી. બીબીસીના ગેરીએ એક ઉપાય સૂચવ્યો, પાસવર્ડ – અમારો પાસવર્ડ હતો મારું બાળપણનું નામ – અવધૂલ – નાનકડું મોઢું જે મારી માં મારા માટે વાપરતી. મારી માં શોધવા જે સ્ત્રીઓને સવાલો પૂછાતા તેમાંનો એક હતો મારું બાળપણનું નામ. એક સ્ત્રીને મારું બાળપણનું નામ ખબર નહોતું પણ તેણે કહ્યું કે તેને એક વારિસ નામની દીકરી હતી જે લંડનમાં સોલાલીયાના એમ્બેસેડરના ઘરે કામ કરતી.

ડેઝર્ટ ફ્લાવર ફિલ્મ

ડેઝર્ટ ફ્લાવર ફિલ્મ

અમે ઈથિયોપિયાના એડિસ અબાબા એરપોર્ટ પર ઉતર્યા, અને ઈથિયોપિયા – સોમાલીયાની સરહદે આવેલા રેફ્યુજી કેમ્પ ધરાવતા ગલાદી નામના નાનકડા ગામડા તરફ જવા એક નાનકડું બે એન્જિનનું પ્લેન ચાર્ટર કર્યું. અને પ્લેનમાંથી ઉતરતાં જ મને રણમાંની દોડના મારા દિવસો યાદ આવ્યા, એ ગરમ હવા અને રેતીએ મારા બાળપણની યાદ અપાવી. એ સ્ત્રી મારી માતા નહોતી, પણ એક વૃદ્ધ અમને મળવા આવ્યા જેણે કહ્યું કે તે મારા પિતાના ટોળા સાથે જ ભટકતા ટોળામાંથી છે, અમારા પરિવાર વિશે તેમને ખબર નહોતી, તે શોધી શકે તેમ હતાં, પણ તેમની પાસે ગેસ ભરાવવાના પૈસા નહોતા. બીબીસીએ બધી વ્યવસ્થા કરી આપી અને એ પોતાની ગાડી લઈને ઉપડી ગયા. ત્રણ દિવસ થયા પણ તેના કોઈ સમાચાર નહોતા. અચાનક એક દિવસ એ ગાડી પાછી આવી. ગેરીએ મને કહ્યું કે એ માણસ કહે છે કે તારી માતા તેની સાથે છે. એની ગાડીમાંથી ઉતરતી એક સ્ત્રીને મેં જોઈ, અને તેના સ્કાર્ફ ઉતારવાના હાવભાવ પરથી મેં કહ્યું, ‘હા, આ જ મારી માં છે.’

હું મારી માંને મળી. મારો નાનકડો ભાઈ અલી પણ તેના ખોળામાં હતો. મેં તેને ઉંચક્યો તો તે કહે, ‘મને મૂકી દે, હવે હું નાનો નથી, મારા લગ્ન થવાના છે.’

‘લગ્ન? તારી ઉંમર કેટલી છે?’

તે કહે, ‘લગ્ન કરવા જેટલી.’

એ રાત્રે અમે એ ગામના એક પરિવારના ઝૂંપડામાં સૂતા, જ્યાં માં અંદર સૂતી અને હું મારા ભાઈ સાથે બહાર સૂતી, મને મારા બાળપણની યાદ આવી. મેં માંને કહ્યું, ‘તું મારી સાથે આવીશ?’ તે કહે, ‘ના, તારા પિતા વૃદ્ધ થયા છે, તેમને મારી જરૂર છે. હું અહીં જ રહીશ. આ મારી જન્મભૂમી છે. તારે કંઈક કરવું જ હોય તો સોમાલિયામાં એમ એવું ઘર મને અપાવ જેમાં મારે થાક ઉતારવો હોય – શાંતિ જોઈતી હોય ત્યારે હું જઈ શકું.’

મેં કહ્યું, ‘હું તને ખૂબ ચાહું છું માં, હું પાછી આવું જ છું.’

૧૯૯૭માં યુનાઈટેડ નેશન્સ તરફથી સ્ત્રીઓના જનનાંગોને કાપી નાંખવાની ક્રૂર પ્રથાનો વિરોધ કરવા અને તેને રોકવા મને આમંત્રણ અપાયું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એ બાબતની ગંભીરતા દર્શાવતા જે આંકડા અપાયા એ જોઈને ખબર પડે એ એ ફક્ત મારી જ તકલીફ નહોતી. આફ્રિકાના ૨૮થી વધુ દેશોમાં આ ક્રૂર પ્રથા ચાલે છે. આફ્રિકન લોકો જ્યાં વસે છે તેવા અમેરિકા અને યુરોપના ભાગોમાં પણ તે હવે શરૂ થયું છે. એક દિવસમાં ૬૦૦૦થી વધુ સ્ત્રીઓ આજે પણ આનો ભોગ બને છે. અત્યાર સુધી લગભગ ૧૩ કરોડ સ્ત્રીઓ પર આ અત્યાચાર થઈ ચૂક્યો છે. કાતર, ચાકૂ, બ્લેડ કે ધારદાર પથ્થરથી ગામડાની સ્ત્રેીઓ આ કામ કરે છે. નાનકડી બાળાઓ પર થતો આ અત્યાચાર મારે બંધ કરાવવો છે. ઘણા મિત્રોએ કહ્યું કે આ પ્રક્રિયા પવિત્ર પ્રક્રિયા લેખીને કુરાનમાં તેના મૂળ શોધતા કટ્ટરવાદી લોકો તારા પર હુમલો કરી શકે છે પણ મેં શોધ્યું કે પવિત્ર કુરાન અથવા પવિત્ર બાઈબલમાં આવા કોઈ ઉલ્લેખો નથી. અને આ ક્રૂર ક્રિયા અટકાવવા હું મારાથી બનતું બધું કરી છૂટવા માંગું છું. હું સ્વીકારૂં છું કે આ મુશ્કેલ છે અને તેમાં જીવનું જોખમ છે, પણ જે દિવસે ઈશ્વરે મને સિંહના મોઢામાંથી બચાવી તે દિવસે કદાચ તેણે મારા માટે વિચાર્યું હશે, તેને હું પૂરું કરીને જ જંપીશ. હું જોખમ લેવા તૈયાર છું કારણકે મેં આખું જીવન એ જ કર્યું છે.

–  વારિસ ડીરીના જીવન પર આધારિત

સંદર્ભ –

રીડર્સ ડાયજેસ્ટ સામયિક

ધ ડેઝર્ટ ફ્લાવર (ફિલ્મ અને પુસ્તક)

બિલિપત્ર – અલ જઝીરા ચેનલ પર વારિસનો ઈંટર્વ્યુ

[youtube=http://www.youtube.com/watch?v=ojRYxEseWa0&NR]


Leave a Reply to Anil ValaCancel reply

15 thoughts on “ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૨

  • Tank Binal

    કોઈ પણ સ્ત્રી પર આવો અત્યાચાર …………
    મારી પાસે શબ્દો નથી ……….
    સહન કરવા માટે પણ હિમત હોવી જોઈએ
    હું તમને સલામ કરું છું.

  • M.D.Gandhi, U.S.A

    આજના જમાનામાં દુનિયાના જમાદાર એવા અમેરીકાનું પણ કાંઈ નહીં ચાલતું હોયને………….અહીં રહેતાં સોમાલીયાના રહેવાસીયોને બોલાવીને સમજાવી શકે છે, માર્ગદર્શન આપી શકે છે, જેનાથી આ ક્રુર પ્રથા સંપુર્ણ બંધ તો નહી થાય પણ ઓછી તો જરૂર કરી શકે છે, અમ જોવા જાવ તો આપણા દેશમાં પણ “ભૃણહત્યા” સંપુર્ણ ક્યાં બંધ થઈ છે…દુનિયામાં સ્ત્રીઓ ઉપર જુલમો તો થતાંજ રહે છે….

  • khemji

    બાપ રે ખુબજ ખતરનાખ વાર્તા ચે.
    વારિસ ડીરી ખુબજ હિમતવાળી સ્ત્રી કહેવાય !!!!!!!!!!!!!!!!!!!

  • Ankita

    સાચેજ વેરીશ જેટલી બહાદુર અને સહનશીલ સ્ત્રી મેં હજી શુધી નથી જોઈ, આટલા બધા દુખ સહન કાર્ય પછી પણ….. આવું ઉમદા કામ કરવા બદલ લાખો સલામ , આપે અહી આવો ઉમદા લેખ મુક્યો એ બદલ,આભાર , ફરી એક વાર વેરીશ ને અને તેમના કાર્ય ને સલામ , ઈશ્વર કરે તેઓ તેમના કાર્ય માં સફળ બને.

  • ushapatel

    જેીગ્નેશ ભાઈ ..ઉપરોક્ત બઁને લેખો વાઁચ્યા અને હ્જેીય લખતાઁ કમકમા આવે ચ્હે તો જેના ઉપર આ વેીતિ હશે તેમને સ્થિતિ કેટલેી દયનેીય હશે…૨૧મેી સદેી નહેીઁ આ જોતાઁ તો ઈતિહાસનેી આવેી કોઈ સદેી નહેીઁ હોય્…આટલેી ક્રુર મજાક નહેીઁ તો બેીજુ શુઁ કહેવાય્..?ખરેખર એ નાબુદ થવેી જ જોઈ એ.