પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર – અનુ. હર્ષદ દવે 10


પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર –

હું જાણું છું,
તેણે શીખવું જ પડશે
કે માનવ બધા સાચા નથી હોતા.
પરંતુ તેને એ પણ શીખવજો કે
કોઈ દુષ્ટ હોય તો કોઈ મહાન પણ હોય છે;
સ્વાર્થી રાજકારણી સામે સમર્પિત નેતા પણ હોય છે…
હું જાણું છું,
તેમાં સમય લાગશે
પરંતુ જો તમે શીખવી શકો તો તેને શીખવજો કે
આપકમાઈના એક ડોલરની કીમત પાંચ પાઉન્ડ
કરતાં અનેકગણી વધારે છે…
તમે તેને ગુમાવતા શીખવાનું શીખવજો…
વિજયના આનંદને માણતા પણ (શીખવજો)
પુસ્તકોનાં વિસ્મયો…
સાથોસાથ
આકાશનાં પંખીઓનાં, સૂર્યમાં મધમાખીઓના,
અને લીલીછમ ટેકરી પરના પુષ્પના
શાશ્વત રહસ્ય પર વિચારવા માટે તેને
ફુરસદની થોડી પળો પણ આપજો.
તેને શીખવજો કે શાળામાં
છળકપટ કરવા કરતાં નિષ્ફળ થવું
એ અનેકગણું સન્માનજનક છે.
ભલે બધા તેને સાવ ખોટો કહે તો પણ
તેને પોતાનાં વિચારોમાં શ્રદ્ધા રાખતા શીખવજો
તેને નમ્ર લોકો સાથે નમ્ર
અને કઠોર સાથે કઠોર થતા શીખવજો.
જયારે સૌ એકબીજાનું આંધળું અનુકરણ કરતાં હોય ત્યારે
મારા પુત્રને તેને ન અનુસરવાની શક્તિ આપવાનો પ્રયત્ન કરજો…
તેને સહુની વાતને ધીરજથી સંભાળતા શીખવજો…
તે સાથે સત્યની કસોટીએ પારખી સાંભળેલી વાતો થકી
કામની વાત સમજતા શીખવજો અને અનેક વાતો થકી
કેવળ સારી વાતને અપનાવતા પણ શીખવજો.
જો તમે શીખવી શકો તો તેને
તે ઉદાસ હોય ત્યારે કેવી રીતે હસવું તે શીખવજો…
તેને શીખવજો કે અશ્રુ સારવામાં નાનમ નથી.
તેને નિંદા કરનારની વાતને હસી કાઢતા શીખવજો
તથા બહુ મીઠું બોલનારાઓથી સાવધ રહેતા પણ શીખવજો…
ગમે તેવાં કપરા સંજોગોમાં પણ
તેને પોતાની બુદ્ધિને અને શક્તિને ભરોસે રહેતા શીખવજો
અને તેનાં હૃદયની તથા આત્માની લાગણીને
પૈસા ખાતર તે ક્યારેય ન અવગણે તે શીખવજો.
જો તે એમ માનતો હોય કે તે સાચો છે
તો તે નીડરતાથી ઊભો રહી સામનો કરે અને
તોફાની ટોળાંનાં અવાજથી દબાય નહિ એ તેને શીખવજો…
તેને સૌમ્યપણે શીખવજો પરંતુ
તેની આળપંપાળ ન કરશો કારણ કે
અગ્નિમાં તપીને જ કંચન શુદ્ધ થાય છે.
તેનામાં અધીર થવાની હિંમત
અને બહાદુર થવાની ધીરજ
આવે તેમ કરજો
તેને પોતાની જાત પર અનન્ય શ્રદ્ધા રાખતા શીખવજો
કારણ કે
તેથી જ તેનામાં માનવજાત પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગશે.
આ એક મહાન આદેશ છે
પરંતુ જોઈએ કે તમે કેટલું કરી શકો છો…
તે સુંદર છે, નાનકડો છે, વહાલો છે
મારો પુત્ર.

અનુવાદ – હર્ષદ દવે.
(સ્ટુડન્ટ કંપની સેક્રેટરી –ઓગસ્ટ ૧૯૮૮માંથી સાભાર)
(૧ માર્ચ ૧૯૮૯, રંગતરંગ માસિકમાં પ્રકાશિત)

અબ્રાહમ લિંકન અમેરીકાના ૧૬માં રાષ્ટ્રપતિ હતા, પણ એથી વિશેષ તેઓ એક અગ્રગણ્ય વિચારક અને સમાજ સુધારણાના પ્રખર હિમાયતી હતા. તેમના પુત્રના શાળા પ્રવેશ વખતે તેના શિક્ષકને તેમણે લખેલો પત્ર એક અનોખો દસ્તાવેજ છે. આ પત્રનો અનુવાદ શ્રી હર્ષદભાઈ દવેએ કર્યો છે અને અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યો છે. અક્ષરનાદ પર જેમની મહદંશે કાવ્યરચનાઓ જ આવી છે તેવા શ્રી હર્ષદભાઈએ કરેલ કેટલાક સુંદર અનુવાદોને આપણે સમયાંતરે માણી શકીશું. આ અંતર્ગત આજે માણીએ તેમની પ્રસ્તુત અનુવાદિત કૃતિ.


10 thoughts on “પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર – અનુ. હર્ષદ દવે