બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી – ડૉ. નિરંજન રાજ્યગુરૂ (ઈ પુસ્તક ડાઉનલોડ) 1


પ્રસ્તુત – હાલ અપ્રાપ્ય પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ છે, જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા‚ ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિ મુદ્રણ સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ ગૂઢ સાધનો સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિ વિધાનો અને ભજનવાણી વિશે સંશોધન કરવામાં આવ્યું છે. આજ સુધી કશે પ્રકાશિત ન થયેલું આ ગુપ્ત સાહિત્ય પ્રથમવાર સંપાદિત થયું છે. પ્રકાશન – ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર. એપ્રિલ ૧૯૯૬. મૂલ્ય. પ૦ (અ-પ્રાપ્ય)

સંતસાહિત્ય વિશે હમણાં હમણાં ઠીક ઠીક ચર્ચાઓ થઈ રહી છે. સામયિકોમાં, વર્તમાનપત્રોમાં અને વિદ્વાનો-સંશોધકોમાં સંતસાહિત્યનાં વિભિન્ન અંગો પરત્વે થોડીક જાગૃતિ આવી હોય એવું લાગે છે. લિખિત પ્રકાશિત રૂપમાં જેની અત્યંત અલ્પ સામગ્રી મળે છે એવું કંઠોપકંઠ ઉતરી આવેલું આ સાહિત્ય કાળના પ્રવાહમાં લુપ્ત થતું રહ્યું છે. જુદી જુદી સંતપરંપરાઓ, એનાં વિધિવિધાનો, એની સાધનાપદ્ધતિઓ અને એના વાણીસાહિત્ય વિશે પૂર્ણ પ્રમાણભૂત કહી શકાય એવું સાહિત્ય ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કેટલુંક સાહિત્ય તો પુરાણી જગ્યાએ મંદિરો – મટો અને સાંપ્રદાયિક અનુયાયીઓને ત્યાં હસ્તપ્રતો રૂપે છુપાયેલું પડ્યું છે. પણ એને શોધવાના, મેળવવાના પ્રકાશિત કરવાના પ્રયાસો કોણ કરે? અનેક જગ્યાઓમાં પેટી પટારાઓમાં ઉધઈ અને ઉંદરોના મુખે ક્ષીણ થતી કે ભેજને કારણે નષ્ટપ્રાય થતી અનેક હસ્તપ્રતો મેં જોઈ છે. પોતાની વિદ્યા, પોતાનું ગુપ્તજ્ઞાન બહાર પડી જશે તો ? આવા ભયને કારણે એના માલિકો આવું સાહિત્ય બહાર લાવવા નથી ઈચ્છતા અને જેને કોઈ લિખિત શાસ્ત્રોની પરંપરા નથી, જે માત્ર કંઠોપકંઠ જ અનુયાયીવર્ગમાં પરંપરાથી ઉતરી આવ્યું છે એવું આ અપૌરુષેય શાસ્ત્ર સદીઓથી ગુપ્ત રહેતું આવ્યું છે.

જુદા જુદા સંતસંપ્રદાયોમાં ગૂઢ રહસ્યમય ક્રિયાકાંડો તથા વિધિવિધાનો અને તંત્ર સાધનાનો પ્રવાહ ઘણા પ્રાચીન સમયથી આપણે ત્યાં વહેતો આવ્યો છે. સાધારણ લોકસમુદાયમાં તંત્રમાર્ગ વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે, એનો ઉગ્ર વિરોધ અને નિંદા પણ થતાં રહે છે, છતાં એ પરંપરા પણ એના અનુયાયીઓમાં જીવતી રહી છે.

શૈવ, શાક્ત, વૈષ્ણવ, બૌદ્ધ અને ઈસ્લામ વગેરે તમામ ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ઉપાસનાવિધિઓ સમન્વિત થઈને મહાધર્મ કે સનાતનધર્મ રૂપે એક વિશાળ લોકધર્મ તરીકે લોકસમુદાયમાં યાતિભેદે, પ્રદેશભેદે અને ગુરુ કે વ્યક્તિભેદે નિરનિરાળાં અવનવાં રૂપ ધારણ કરતી આ પ્રાકૃત સાધનાધારા વિશે ટીકાત્મક સ્વરૂપમાં ઘણું લખાયું હોવા છતાં એની મૂળ સાધના કે આદિ પરંપરા વિશે અત્યંત અલ્પ માત્રામાં જ, નહિવત કહી શકાય એટલી સામગ્રી માંડ મળે છે.

મહાપંથની બીજમારગી ગૂઢક્રિયાઓ, એ વિધિવિધાનો પાછળની સુવિશાળ સાધના – પરંપરા તથા ગુપ્ત મંત્રોના અર્થઘટનના ઉંદાણમાં જવાને બદલે અહીં મૂળ મંત્રો, વાણી તથા ભજનોનું જ સંકલન આપવામાં આવ્યું છે. લોકકંઠે સચવાતી આવેલી આ સંસ્કારમૂડી ક્ષેત્રકાર્ય દ્વારા પ્રાપ્ત થઈ છે.

અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવવા માટે આ પુસ્તક મોકલવા બદલ શ્રી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરૂનો ખૂબ ખૂબ આભાર. તેમના આશિર્વાદ સતત આ જ રીતે આગળ ધપવાની પ્રેરણા આપે છે.

આ પુસ્તક અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાંથી અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી – ડૉ. નિરંજન રાજ્યગુરૂ (ઈ પુસ્તક ડાઉનલોડ)