સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 14


સાદુ જીવન જીવવાના મહામંત્રો –

‘જીવન’ એ એક શબ્દના જ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે ભિન્ન ભિન્ન અર્થો અને અલગ અલગ કિંમત હોય છે. મારા માટે તેનો અર્થ છે ખૂબ જ જરૂરી હોય તે સિવાયના બંધનોને, વધારાની જરૂરતોને ફગાવી દેવી, શાંતિ માટે બધી જ ગૂંચવણોને ફગાવીને જીવવું, અને જે તમારા માટે ખરેખર અગત્યનું છે તેના માટે જ જીવવું. ઝેનહેબિટ્સના સર્જક લિઓ બબૌતાના બ્લોગ પરની યાદીને સરળ કરીને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે જે જીવનને સરળ કરવાની કેટલીક રીતો બતાવે છે.

આનો સામાન્ય અર્થ થાય છે કે જીવનની રોજીંદી ઘટમાળમાંથી જરૂરી વસ્તુઓ માટે, વ્યક્તિઓ માટે, પ્રવૃત્તિઓ માટે સમય કાઢવો અને તેની સામે બિનજરૂરી, નકામી પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ અને ક્રિયાઓને રદબાતલ કરવી, જેથી જીવનને તેના મહત્તમ આનંદ સાથે અને એવી પ્રવૃત્તિઓ સાથે જીવી શકાય જે તમને ગમે છે, જે કરવાથી તમને આનંદ મળે છે. અવ્યવસ્થિત જીવનમાંથી એવી ક્રિયાઓને ફગાવી દો જે તમને ગમતી નથી પણ કરવી પડે છે, અને અંતે જે વધશે એ બધું તમારી પસંદનું જ હશે. હવે અહીં એ વાત પણ સ્પષ્ટ છે કે અમુક ક્રિયાઓ એવી પણ હોઈ શકે જેને તમે સતંદર ફગાવી શક્શો નહીં, એવી પ્રવૃત્તિઓનો સમય બને તેટલો ઓછો અને બને તેટલો વધુ ઉત્પાદક બનાવવાનો પ્રયત્ન કરો.

જો તમે તમારા જીવનને ગમતી પ્રવૃત્તિઓથી ધમધમતું કરવા માંગતા હોવ તો આ તેના માટે એક શરૂઆતનું પગલું થઈ શકે છે.

એવા મિત્રો માટે જેમને આ આખી યાદી ખૂબ લાંબી લાગતી હોય, ફક્ત બે મુદ્દાઓનો કાર્યક્રમ ધ્યાનમાં રાખો,

  • તમારા માટે જીવનમાં અગત્યનું શું છે તે નક્કી કરો – શોધી કાઢો.
  • બીજુ બધું ફગાવી દો.

જો કે આ બે મુદ્દાનો કાર્યક્રમ ખૂબ અસ્પષ્ટ છે તેથી તેનો જીવનના વિવિધ વિભાગોમાં ઉપયોગ કરી શકાય તે માટે એક યાદી બનાવવાનો આ પ્રયત્ન છે. આ યાદી સંપૂર્ણ નથી. કોઈના પણ જીવનને વ્યવસ્થિત રીતે આયોજિત કરવા માટેની કોઈ યાદી તેના સિવાય બીજુ કોઈ બનાવી શકે જ નહીં, પણ તેમાં મદદરૂપ જરૂર થઈ શકે, અને આ યાદી એવો જ પ્રયત્ન કરે છે. આ યાદીને ખૂબ લાંબી હોવાથી કંટાળાજનક અને ક્યારેક બિનજરૂરી પણ અનુભવાશે, પણ એમ નથી. એક સાથે યાદીનો ઉપયોગ કરી જીવનને એક જ દિવસમાં આયોજિત કરી શકાય એવો કોઈ ચમત્કાર આ યાદી કરી શક્શે નહીં. એક સમયે એક મુદ્દો ઉપાડો, અને તેને પૂરી પ્રામાણિકતાથી અમલમાં મૂકો, તેના અમલ વિશે સંતોષ થાય પછી બીજા મુદ્દા પર જાઓ.

  • જીવનની સૌથી અગત્યની ચાર કે પાંચ પ્રાથમિકતાઓની યાદી બનાવો.
  • તમારી જવાબદારીઓની પણ આવી જ ટૂંકી યાદી બનાવો, અને એમાંથી જે પ્રથમ યાદીમાં ન હોય તેને અવગણો.
  • તમારા સમયને ઓળખો, જે સમયનો ઉપયોગ કરીને તમે નક્કી કરેલી પ્રાથમિકતાઓ પૂરી ન કરી શક્તા હોવ તેવા સમયને ઓળખીને તેનું ફરીથી રોજીંદુ આયોજન કરો.
  • ધંધાકીય કામની યાદીને વધુ સરળ અને પ્રાથમિકતાઓને ઓળખીને આયોજીત કરો.
  • કૌટુંબીક કામની યાદીને વધુ સરળ અને પ્રાથમિકતાઓને ઓળખીને આયોજીત કરો.
  • ‘ના’ બોલતા શીખી જાઓ.
  • નકામા કોમ્યુનિકેશનને ઓળખીને તેને બને તેટલું ઓછું કરવાનો પ્રયત્ન કરો.
  • મિડીયા – ટીવી, ઈન્ટરનેટ, રેડીયોના વપરાશને લધુત્તમ કરવાનો પ્રયત્ન કરો અને એ સમયનો નક્કી કરેલી પ્રાથમિકતાઓ માટે ઉપયોગ કરો.
  • નિરુપયોગી કાર્યો અને પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાઓ – તેમને અવગણતા શીખો.
  • મોટામાં મોટા કાર્યથી શરૂઆત કરો, અઘરી લાગતી વાત કે પ્રવૃત્તિથી શરૂ કરો.
  • સામયિકના સંપાદકની જેમ તમારા જીવન અને ઘરમાંથી વધારાની વસ્તુ – પ્રવૃત્તિઓ દૂર કરો, મિનિમલિસ્ટ બનો.
  • તમારા ટેબલ, ડ્રોઅર અને શેલ્ફને પણ એ જ રીતે ‘એડિટ’ કરો.
  • તમારી ડિજીટલ વસ્તુઓ, કોમ્પ્યુટર અને વિશેષતઃ પાસવર્ડ વગેરેનું લઘુત્તમિકરણ કરો.
  • સાદગીનો અર્થ તમારા માટે સમજાવતું પોતાનું એક વાક્ય વિચારી તેને સતત સામે રાખો.
  • ખરીદીની આદતોને નિયંત્રિત કરો. આનાથી ઘણો સમય વેડફાતો બચશે, અને પૈસા બચશે તે નફામાં.
  • એ જ રીતે દિવસમાં વપરાતો નકામો સમય પણ વેડફાતો બચાવો.
  • તમને ગમતા – તમે જેને પ્રેમ કરો છો તેવા લોકો સાથે એ બચેલો સમય વીતાવો.
  • થોડોક સમય પોતાની જાત સાથે વીતાવો.
  • જીવનનું સરવૈયું સતત જોતા રહો.
  • ધીરેથી જમો
  • ધીરેથી ડ્રાઈવ કરો
  • દરેક પ્રવૃત્તિમાં, સંબંધમાં સતત હાજર રહો.
  • તમારા જીવનને – દરેક પ્રવૃત્તિને સુનિયોજીત કરો.
  • પ્રાથમિકતાઓને પામવાની પ્રવૃત્તિઓને રોજીંદી ટેવ બનાવો.
  • ઈ-મેલ ઈનબોક્સ ખાલી અથવા તો લઘુત્તમ રાખો.
  • ઓછું પણ જરૂરી ખરીદવું, ઓછું પણ જરૂરી ઈચ્છવું અને જીવનને સરળ બનાવવું એ મહામંત્ર બનાવો.
  • ઘરમાં ફક્ત અત્યંત ઉપયોગી વસ્તુઓ જ રાખો.
  • ‘પૂરતું’ એ શબ્દનો અર્થ જાણો.
  • અઠવાડીક સરળ ભોજનયાદી બનાવો અને તેનું પાલન કરવાનો બનતો પ્રયત્ન કરો.
  • આરોગ્યપ્રદ ભોજન ખાઓ, એ સાદું હશે પણ ઉપયોગી નિવડશે.
  • સતત શરીરને કસરતમય રાખો.
  • આયોજન કરતા પહેલા નકામી ચીજો – પ્રવૃત્તિઓ દૂર કરો
  • બધી વસ્તુઓની ઘરમાં એક નક્કી જગ્યા હોય છે, અને બધા સંબંધોની જીવનમાં.
  • આંતરીક સરળતાને શોધો, બ્રાહ્ય સાદગી આપોઆપ ઉભરશે.
  • તાણમાંથી મુક્ત થવાના ઉપાયો શોધી કાઢો – જે તમે એવા સમયે વાપરી શકો.
  • સ્વ અભિવ્યક્તિના માર્ગ શોધી કાઢો.
  • તમારા લક્ષ્યોને સરળ કરો અને એક પછી એક ટૂંકા લક્ષ્યો – એમ ક્રમમાં ગોઠવો.
  • મલ્ટી ટાસ્ક – અનેકવિધ પ્રવૃત્તિઓને એક સાથે કરવાનું ટાળો.
  • વિપરીત સંજોગોમાં પણ ત્વરીત સ્વસ્થતા ધારણ કરી શકાય તેવી ઝડપી પદ્ધતિઓ વિકસાવો.
  • તમારા વિવિધ દસ્તાવેજોને આયોજીત રીતે ફાઈલ કરો, અને એ ફાઈલોની જગ્યાઓની એક યાદી બનાવી હાથવગી રાખો.
  • જીવનને વધુ ઉત્સાહથી અને ઉમંગથી જીવો.
  • પોતાની કે પોતાની પ્રવૃત્તિઓની જાહેરાતો ન કરો – તમારા કાર્યને – કર્મને બોલવા દો.
  • સવારના અને સાંજના – દિવસની શરૂઆતના અને અંતના રોજીંદા આયોજનો કરો.
  • રોજ સવારે લેખનની પ્રવૃત્તિ વિકસાવો, કંઈ નહીં તો ડાયરી લખો. એ માટે વહેલા ઊઠવું પડે તો તેમ પણ કરો.
  • ક્યારેક ‘કંઈ ન કરતા’ પણ શીખો.
  • ગુણવત્તા પર ધ્યાન આપો, સંખ્યા પર નહીં.
  • તદ્દન સાદો – નિર્ભેળ આનંદ આપતી નાની નાની પ્રવૃત્તિઓ શોધી કાઢો, રોજની પ્રવૃત્તિઓમાં તેને સ્થાન આપો.
  • તમારી આર.એસ.એસ ફીડ અને ઈ-મેલ સબસ્ક્રિપ્શન બને તેટલા ઘટાડી દો – (પણ અક્ષરનાદ સબસ્ક્રાઈબ કરો.)  🙂
  • તમારી આવક માટેની જરૂરતોની વ્યવસ્થા સરળ અને યાંત્રિક થાય તેમ કરો (જો કે આ કરવું સરળ નથી.)
  • સાથે લઈને જતા હોવ તેવી વસ્તુઓ બને એટલી ઓછી રાખો.
  • તમારા બજેટને આયોજિત કરો અને તેનું પણ શક્ય એટલું સરળીકરણ કરો.
  • ફરવા અથવા કોઈ કામસર બહારગામ જાવ ત્યારે બને તેટલો ઓછો સામાન રાખો.
  • જીવનની રોજીંદી અગત્યની પ્રવૃત્તિઓ વચ્ચે વચ્ચે ટૂંકા વિરામ પણ રાખો.
  • કાર્યસ્થળની બને એટલા નજીક રહો.
  • કોઈ પણ પ્રવૃત્તિ કરો – પોતાની જાતને પૂછો કે શું આ મારા જીવનમાં સરળતા લાવશે? જો જવાબ ‘ના’ હોય તો તે પ્રવૃત્તિ અવગણો.

ભાવાનુવાદ – જીજ્ઞેશ અધ્યારૂ, આભાર – મૂળ કૃતિ લિઓ બબૌતા (ઝેનહેબિટ્સ)

બિલિપત્ર

ઉસ વક્ત મુઝે અપની મુફલિસી પર બડા રોના આયા,
મેરી બેટીને જબ કહા, મુજે એક દરજા ઔર પઢના હૈ.
– તાહા મન્સૂરી


Leave a Reply to Lina SavdhariaCancel reply

14 thoughts on “સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ