ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ 2


લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે તેટલું જ, ક્યારેક તો શબ્દથી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે, સ્વર સાથેનો શબ્દ તે જ લોકવાંગ્મય, ઉચ્ચારાતો લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય જેમાં શબ્દ સૂર અને તાલ મળે એટલે ભાવ ઉત્પન્ન થાય.

લોકજીવનના દરેક ક્ષેત્રમાં માનવીએ સંગીતનો સહારો લીધો છે, લોકસંસ્કૃતિને – લોકજીવનને સુમધુર કરનારું તત્વ હોય તો તે છે લોકસંગીત. એમાં તમામ માનવભાવો સ્વરબદ્ધ થયા હોય છે, લોકસંગીતનો ઉદભવ જ માનવ સંવેદનાઓના ઉદભવ સાથે થયો છે, જ્યારે આદિ માનવીએ પોતાના હ્રદયના ભાવોને વ્યક્ત કરવા સૂરનો સહારો લીધો ત્યારે સ્વયંભૂ સ્વર, લય, તાલ અને શબ્દાવલીનું સહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટ થયું લોકસંગીત.

મીઠી-મધુરી કર્ણપ્રિય લોકધૂનો જે યુગોથી લોકોના કંઠમાં-તન-મન-પ્રાણમાં વસી રહી છે, અને તેના મોહક માદક સ્વભાવને કારણે ક્યારેય ભૂલી શકાય નથી એનો પ્રારંભ ક્યારે થયો હશે, એનો ઉદભવ કોણે કર્યો હશે તેનો કોઈ જ ઈતિહાસ આપણને મળતો નથી. પણ ઝરણાંના કલકલ મધુર ધ્વનિ, પક્ષીઓના કલબલાટ, પશુઓની ત્રાડો, પવનના સૂસવાટા, મેઘગર્જના, દરિયાના હિલ્લોળનો સંબંધ જેમ નાદ સાથે છે તેમ લોકસંગીત પણ આ પ્રકારના જુદા જુદા ધ્વનિસંકેતો દ્વારા જન્મ પામ્યું છે.

સંગીતના ઈતિહાસમાં લોકસંગીત આદિ સ્થાન ધરાવે છે. ભારતીય સંગીતનો ઈતિહાસ સામવેદ જેટલો જૂનો છે પણ એ સામવેદની રચના થઈ હશે એની પહેલાં પણ લોકજીવનમાં લોકસંગીતના સ્વરો વહેતા હશે એવું માનવામાં આવે છે. લોકસંગીતમાંથી જ શિષ્ટ-શાસ્ત્રીય સંગીતનો જન્મ થયો છે.

લોકસંગીતના લક્ષણો

લોકસંગીતના મુખ્ય લક્ષણોમાં કૃત્રિમતાનો અભાવ, સહજ, સરળ તદ્દન ઓછા સ્વરો દ્વારા પ્રગટ થતું માધુર્ય, નૈસર્ગિક, પ્રાકૃતિક સ્વર અને તાલનો સમન્વય પરંપરાગત રીતે ઉતરી આવેલો સંસ્કારવારસો, પ્રદેશે પ્રદેશે વૈવિધ્ય, યુગોથી સચવાતા આવેલા સ્વરોનું સંયોજન અને પ્રસંગ કે ભાવને અનુકૂળ તાલ, રાગ, ઢાળ જેવા તત્વો ગણાવી શકાય. સાધારણતયા ત્રણથી માંડીને ચાર, પાંચ, છ કે સાત સ્વરોમાં (લોકગીતોમાં તો બહુધા પાંચ કે તેથી ઓછા સ્વરોમાં) લોકસંગીત સીમિત હોય છે. એની સાથે જોડાઈ હોય છે સંઘગાન રૂપે લોકનૃત્ય અને લોકવાંગ્મયની રચનાઓ.

કોમળ, સરળ, ઢાળ, સહજ તાલ અને લયનું રહસ્ય હોય એવા લોકસંગીતની અભિવ્યક્તિ આકર્ષક હોય છે. લોકસંગીત એ અભ્યાસ કે રિયાઝનો વિષય નથી. લોકોને જન્મથી જ મળ્યું હોય છે. એ સ્વરો ઉત્તેજક નહીં પણ ઉત્સાહપ્રેરક હોય છે અને એમાં કોઈ ચોક્કસ શાસ્ત્રીય બંધારણ હોતું નથી. એકનું એક ગીત પ્રદેશે-પ્રદેશે કે સમયે સમયે જુદા જુદા રાગ, તાલ, ઢાળમાં ગાઈ શકાય અને છતાં એ તમામ રાગ પરંપરિત હોય, સર્વભોગ્ય એવું આ સ્વરસંયોજન વારસાગત રીતે જ ઉતરી આવ્યું હોય છે તેથી તેને શીખવા કોઈજ પ્રકારનો અભ્યાસ કરવો પડતો નથી.

ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અઘરા આરોહ – અવરોહ જોવા મળતા નથી. લોકસંગીતનું સંગીત આરોહનું નહીં અવરોહનું સંગીત છે. શાસ્ત્રીય રાગોમાં આરોહી સંગીત હોય છે જ્યારે સૌરાટ્રના લોકગીતોમાં બહુધા અવરોહી સંગીત મળે છે. એમાં પણ પ્રધાનતા સ્વરની નહીં પણ ઊર્મિ કે ભાવનાની હોય છે. લોકવાંગ્મયનો પૂરેપૂરો અર્થ અને ભાવ લોકસંગીતના સથવારે જ સ્ફૂટ થાય છે.

સૌરાટ્રની લોકસંસ્કૃતિના અભ્યાસી અને મરમી સંશોધક શ્રી જયમલ્લભાઈ પરમારે ‘આપણી લોકસંસ્કૃતિ’માં લખ્યું છે – ‘લોકસંગીતમાંથી ગાયન, વાદન અને નર્તનની ત્રણેય પાંખો વિકસી છે એટલે લોકસંગીતમાં રાગ છે પણ એનું શાસ્ત્રીય સ્વરૂપ નથી, સ્વરો છે પણ નિયમબદ્ધ થયેલા શાસ્ત્રીય રાગના પૂર્ણ સ્વરો નથી, વાદ્યો છે પણ એના સ્વર કે તાલના શાસ્ત્રીય ચોક્કસ બંધારણ નથી…’
આપણા લોકસંગીતમાંનું સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં જુદાં પ્રકારનું છે. કુદરતી રીતે ખૂબ જ આકર્ષક લાગતું આ ધ્વનિ માધુર્ય સમૂહગાનને કારણે જળવાયું છે. એક જ ધૂનમાં અનેક ગીતો ગાઈ શકાય કે એક ગીતને અનેક ધૂનમાં ગાઈ શકાય એવી સરળતા એમાં કોઈ બંધન – ચોક્કસ સ્વરલિપિ – નિશ્ચિત બંધારણ નથી એ કારણે છે. શબ્દ અને સ્વરોનું આવર્તન એ લોકસંગીતનો પ્રાણ છે. સંગીતનો લય સાચવવા, તાલ સાચવવા ‘એ..’, ‘એ.. જી.. રે..’, ‘હે.. જી.. રે..’, ‘રે..’, ‘લોલ..’, ‘માણાં રાજ..’, ‘હાં.. હાં.. હાં..’ જેવા સ્વરો લોકગીતોમાં ઉમેરવામાં આવે છે. સામવેદમાં જેને વર્ણસ્તોભ, પદસ્તોભ અને વાક્યસ્તોભ તથા ક્યાંક ક્યાંક માત્રાસ્તોભને નામે ઓળખવામાં આવ્યા છે તેવા પ્રયોગો લોકસંગીતમાં અનેક જગ્યાએ જોવા મળે છે.

ગુજરાતના લોકસંગીતમાં અનેક જાતની વિશિષ્ટતાઓનો તથા અનેક પરંપરાઓનો સમન્વય થયેલો જોવા મળે છે. શૈવ, શાક્ત, વૈણવ, બૌદ્ધ, જૈન, ઈસ્લામ એમ અનેક ધર્મ-પંથ-સંપ્રદાયોના આગવા સંગીત સંસ્કારોનો લોકસંગીત પર પ્રભાવ પડ્યો છે.

સામાન્ય રીતે ગુજરાત – સૌરાષ્ટ્રના લોકસંગીતમાં સારંગ, માઢ, પીલુ, કાફી, ધનાશ્રી, કેદાર, ભીમપલાસી, બિહાગ વગેરે શાસ્ત્રીય રાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીય રાગોના શુદ્ધ બંધારણ મુજબના તમામ સ્વરો લોકગીતોમાં પ્રયોજાતાં નથી.

કેરવા, ધમાર, ત્રિતાલ, હીંચ, દાદરા, દીપચંદી, લાવણી, ખેમટો, તેવરા, મણિયારો, દોઢિયો જેવા તાલ લોકસંગીતમાં પ્રયોજાય છે. લોકસંગીતના આ તાલ પણ નિયમબદ્ધ હોતા નથી. એની ચોક્કસ આટલી જ માત્રાઓ એમ જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્ચિત હોય છે તેની સરખામણીએ લોકસંગીતના તાલોની માત્રામાં વધઘટ જોવા મળે છે. લોકગીતના શબ્દો અને ભાવ મુજબ એમાં માત્રાની વધઘટ થાય, ગાયકની પ્રકૃતિ અનુસાર પણ લોકસંગીતનો વાદક તાલમાં વધઘટ કરી શકે છતાં પરંપરા અનુસાર એ સ્વૈચ્છિક બંધનમાં પણ હોય, જે ગાયકને અને નર્તકોને એક ચોક્કસ લયમાં જાળવી રાખે.

લોકવાદ્યો

ગુજરાતમાં લોકસંગીત માટે ચાર પ્રકારનાં લોકવાદ્યોનો ઉપયોગ થાય છે.

૧. આનદ્ધ વાદ્યો – ચર્મવાદ્યો ઢોલ, પખવાજ, તબલાં, ખંજરી, ડફ, ડોલક, ડાક, ડમરું, નગારું, ત્રાંસા અને બોબત વગેરે ચામડાથી મઢેલા તાલવાદ્યો.

૨. સુષિર વાદ્યો પાવો, જોડીયા પાવા, બંસી, શરણાઈ, શંખ, શિંગી, ભુંગળ અને મદારીની મોરલી વગેરે

૩. તંતુવાદ્યો એકતારો – રામસાગર, સારંગી, તંબૂર, સુંદરી, રાવણહથ્થો, જંતર, દેશી સિતાર વગેરે..

૪. ઘન વાદ્યો મંજીરાં, ઝાંઝ, કાંસીયા, કરતાલ, પટપટી, ઘૂઘરા, દાંડિયા, ઝાલર, ઘડો, ઘંટ વગેરે…

લોકસંગીતની વર્તમાન પરિસ્થિતિ

ગુજરાતમાં આજે લોકસંગીત ઉપર શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ફિલ્મસંગીત અને પશ્ચિમના મનોરંજક સંગીતે રીતસરનું આક્રમણ કર્યું છે. ધીરે ધીરે સમૂહગાન ઘસાતું ગયું, લોકનૃત્ય વિસરાયા, લોકગીતોનાં ધંધાદારી ગાયકોએ આધુનિક પશ્ચિમી સંગીતના સાધનોનો ઉપયોગ શરૂ કર્યો અને પરંપરાગત લોકસ્વરને સ્થાને નવા સ્વરો, કંઠની હરકતો ને કરામતોની કસરત શરૂ કરી છે. એકાદ જાણીતા ગાયકની નબળી નકલખોરી હજારો કલાકારો કરવા લાગ્યા છે, પરિણામે મૂળ, પરંપરિત રાગ, તાલ, ઢાળ, ઢંગ વિસરાતા ચાલ્યા છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ, પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે એવા સમયે લોકસંગીત કે ભક્તિસંગીતના યોજાતા કાર્યક્રમોને ‘ડાયરો’ એવું નામ અપાય છે. ડાયરો એટલે લોકસંગીતનો એવો કાર્યક્રમ જેમાં કંઠ, કાવ્ય અને કહેણીના ત્રણે અંગોનો સમાવેશ થતો હોય. લોકગીત, લોકવાર્તા, દુહા-છંદ, ભજન-સંતવાણી, લોકજીવનની મર્મીલી વાતો, હાસ્યરસના ટૂચકા, લગ્નગીતો, રાસ, રાસડા, ગરબા, ગરબી, ધાર્મિક ઐતિહાસીક, સામાજીક કે પૌરાણીક કથાઓ – લોકવાર્તાઓની વીર, શૃંગાર, હાસ્ય અને કરૂણ રસ સાથેની વર્ણનાત્મક લોકશૈલીમાં રજુઆત થતી હોય, ચારણી ડિંગળી છંદો અને વ્રજભાષાનાં કવિત સપાખરાં, છપ્પય, રેખતા, સવૈયા, ત્રિભંગી, ચર્ચરી, હરિગીત, ઝૂલણાગજગતિ, રેણંકી વગેરે છંદોની બુલંદ કંઠે રજુઆત થાય. ડાયરો શબ્દ મૂળ અરબીભાષાનો છે. દાઈરહ માંથી ‘દાહીરા’ દાયરા અને ‘ડાયરા’. એના વિવિધ અર્થો શબ્દકોશોમાં નોંધાયા છે જેમાં મુખ્ય છે – ૧. અંગત માણસોનું મંડંળ, ૨. કુંડાળુ વળીને બેઠેલા માણસોનું મંડળ ૩. ડાહ્યા માણસોનો સમુદાય, ૪. નાનો સરખો દરબાર, ૫. નાત જમણ, ૬. વ્યસની માણસોનું ટોળું.

છેલ્લા પંદરેક વર્ષથી ડાયરાના કાર્યક્રમનું સ્વરૂપ, કંઠ, કાવ્ય કહેણીની રજુઆત બદલાઈ ગઈ છે. એકના એક ગીતો લોકપ્રિય કલાકારે ગાયા હોય તેની નબળી નકલખોરી લોકસંગીત ઉપર સુગમ-શાસ્ત્રી -ફિલ્મી મનોરંજક સંગીતનું આક્રમણ, વિદેશી વાજિંત્રોનો પ્રવેશ, સંતવાણી-ભજનો-લોકગીતોની રજુઆત વખતે વચ્ચે બેન્જો, ઈલે. ઓર્ગનથી ફિલ્મીગીતોની તરજો વગાડવામાં આવે, શુદ્ધ લોકસંગીતને બદલે ઘોંઘાટીયું મનોરંજક હલકું ઉછાંછળું લોકભોગ્ય સંગીત, પરંપરિત રચનાઓને બદલે ફરમાશુ કવિઓ દ્વારા લખાવેલાં જોડકણાંની રજુઆત, એકના એક દુહા છંદ લોકગીતો ને ભજનોની તદ્દન વિકૃત રજુઆત, ધંધાદારી તત્વનો વિકાસ, લોકસાહિત્યને નામે ડિંગળી કે વ્રજભાષાનું સાહિત્ય, શૃંગાર વર્ણન, બનાવટી વીરરસનું વર્ણન, ખૂબ જ ઉંચા તરડાયેલા અવાજે હલકી જોક્સ કે ઓઠાંની રજુઆત, મિમિક્રી, ગઝલ-કવ્વાલી ને ફિલ્મી ગીતોની રજુઆતો થતી રહેએ. આજે ડાયરા માત્ર મનોરંજન અને અર્થ ઉપાર્જન માટે જ થાય છે. ડાયરાઓમાં અમુક મર્યાદિત રચનાઓ જ પ્રસ્તુત થતી રહે છે. કલાકારોનું દારિદ્ર આપણને દેખાઈ આવે. એકનું એક ગીત, ભજન, દુહા, છંદ, પ્રસંગ દરેક કલાકાર રજૂ કરતા હોય છે. પ્રદેશ વર્ણનના બે ચાર દુહા અને વર્ષાઋતુના બે પાંચ છંદ જ સાંભળવા મળે. ક્યારેય પછાત જાતિઓનાં, માલધારીઓનાં, ખેડૂતોનાં ગીતો નથી ગવાતાં. ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે ભેદરેખાને સમજ્યા વિના ‘પ્રવીણ સાગર’, ‘અવતાર ચરિત્ર’, ‘નાગદમન’, ‘બિડદ શણગાર’, ‘વિભા વિલાસ’, ‘પાંડવયશેન્દુ ચન્દ્રિકા’, ‘કાગવાણી’ ના છંદ-કવિતો, વ્રજભાષાના સાહિત્ય કે રામચરિતમાનસની ચોપાઈઓને ‘આ અમારું લોકસાહિત્ય’ એમ કહીને આપણા કલાકારો રજૂ કરતા હોય ત્યારે આપણું હૈયું કકળી ઉઠે. લોકગીત એટલે એવી ગીત રચના કે જે કંઠોપકંઠ પરંપરાથી સેંકડો વર્ષોથી લોકકંઠે જળવાતી આવી હોય. જેનો કોઈ કર્તા નિશ્ચિત ન હોય, જેમાં અનેક પાઠાંતરો રૂપાંતરો શબ્દાંતરો થતા રહેતાં હોય, પ્રદેશ મુજબ જાતિએ જાતિએ, સમયે સમયે, સ્થળે સ્થળે એ ગીત ગવાતું હોય પણ એમાં પાઠાંતરો શબ્દો બદલાય છતાં પણ તાલ, ઢાળ, ઢંગ લગભગ પરંપરિત જ હોય. જન્મથી માંડીને મનુષ્યના મૃત્યુ સુધીની જીવનકાળ દરમ્યાન જીવનચક્ર મુજબ સમયે સમયે લોકગીતો ગવાતાં રહે. આખ્યાનો, કથા, હાલરડાં, બાળગીતો, રાસ-રાસડા, ગરબા, ગરબી, વિલાપગીતો, મરશિયા, રાજિયા, છાજિયા, મણિયારો, વ્રતજોડકણાં, વ્રતગીતો, લગ્નગીતો, ભજન, સ્તવન, કીર્તન, પદ, પ્રભાતિયાં એમ ભારતીય જીવન પ્રણાલી મુજબના સોળ સંસ્કારો વખતના ગીતો, હાલરડાથી માંડીને મરશિયા સુધીના પ્રસંગ પ્રસંગના ગીતોનો એમાં સમાવેશ થતો હોય.

આજે ગુજરાત – સૌરાષ્ટ્રની આગવી લોકસંસ્કૃતિ કે લોકસંગીતનું પ્રતિનિધિત્વ કરતા કલાકારો કે કલાકારોની મંડળીઓ જે કલા રજૂ કરે છે તેમાં નૈસર્ગિક સ્વરૂપ જળવાયું નથી, પણ દર્શકો અને શ્રોતાઓને મનોરંજન કરાવવાના હેતુથી એમાં અનેકવિધ ફેરફારો કરવામાં આવે છે. સ્વર, તાલ, ઢાળ, કે લોકનૃત્યોમાં અનેક જાતનાં પરિવર્તનો આવ્યાં છે. મિશ્ર ગાયકીની પધ્ધતિ અસ્તિત્વમાં આવી છે, જેમાં રચના લોકપરંપરાની – લોકસંગીતની હોય પણ સુગમસંગીત, ફિલ્મીસંગીત અને રાગદારી સંગીતનું મિશ્રણ કરવામાં આવે છે જેથી શુદ્ધ રાગ પણ બંધાય નહીં અને લોકસંગીત મરી જાય.

આવા સમયે જરૂર છે ‘લોકવિદ્યા સંશોધન ભવન’ની, ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍથનિક આર્ટસની જેમાં ગુજરાતના તમામ પ્રકારના ગ્રામીણ પરંપરિત સૂર, તાલ, ઢાળ, ઢંગ- નૃત્યનું દ્રશ્ય – શ્રાવ્ય ધ્વનિઅંકન થતું હોય, અને તેની કલાનો સર્વાંગી અભ્યાસ કરી જગત સામે એના મૂળ પરંપરિત પ્રસ્તુત કરવામાં આવે. ભૌગોલિક પરિમાણ મુજબ દરિયાકાંઠાની જાતિઓમાં, વનવાસી આદિવાસી જાતિઓમાં, રણ વિસ્તારની જાતિઓમાં મોટા શહેરોની આજુબાજુના ગામડાંઓમાં અને દૂરના ગામડાઓમાં સચવાયેલી સામગ્રી તથા વ્યવસાય મુજબ માલધારી, ખેડુત, માછીમાર, ખલાસી, દરિયાખેડુ, મજૂર, વ્યાપારી એમ વિવિધ વ્યવસાયો કરતી લોકજાતિઓમાં સચવાયેલી લોકવિદ્યાઓ-લોકસંસ્કૃતિ-લોકવાંગ્મય અને લોકસંગીતની સામગ્રીનું સંકલન – સંશોધન – સંમાર્જન – સંપાદન – સંરક્ષણ થતું હોય અને પછી એનું આંતરવિદ્યાકીય મૂલ્યાંકન પદ્ધતિથી પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થતું હોય, જ્યાંથી મળે ગુજરાતી લોકસંગીત વિશેના અભ્યાસ-સંશોધનોનો સંપૂર્ણ ઈતિહાસ જેમાં સામવેદમાં લોકસંગીત વિશે શું લખાયું છે? લોકસંગીતનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? પ્રાચીન સંગીતવિષયક ગ્રંથો કેટલા? પંડિત ઓમકારનાથજીના સંગીત વિષયક પુસ્તકોમાં લોકસંગીત વિશેની વિચારણા. ભારતીય શાસ્ત્રીય સંગીતકારોના લોકસંગીત વિષયક મંતવ્યો, ગુજરાતના રાજાઓ દ્વારા પ્રકાશિત થયેલાં સંગીત વિષયક ગ્રંથો, અંગ્રેજ વિદ્વાનો દ્વારા લખાયેલા પુસ્તકોમાં ગુજરાતી લોકસંગીત વિશે – ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર, કનુભાઈ જાની, જોરાવરસિંહ જાદવ, પુષ્કર ચંદરવાકર, અમુભાઈ દોશી, ખોડીદાસ પરમાર, ડૉ. હસુ યાજ્ઞિક વગેરે વિદ્વાનો દ્વારા થયેલી વિચારણા અંગેના તમામ સંદર્ભો મળતા હોય… પણ આવા સપનાં ક્યારે સાચાં પડે?

– ડૉ. નિરંજન રાજ્યગુરુ
(સદસ્ય – રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હી, ગુજરાતી ભાષા સાહિત્ય એડવાઈઝરી બોર્ડ, સદસ્ય – પ્રસારભારતી – ઑલ ઈન્ડીયા રેડીયો, રાજકોટ કાર્યક્રમ માર્ગદર્શક કમિટી, સદસ્ય – ગુજરાતી સાહિત્ય પરિષદ, મધ્યસ્થ સમિતિ અમદાવાદ, ટ્રસ્ટી – ‘આદ્યા અભિનવ અકાદમી’ ગોંડલ, મેનેજિંગ ટ્રસ્ટી, સતનિર્વાણ ફાઉન્ડેશન, નિયામક – આનંદ આશ્રમ ગૌસેવા ગૌસંવર્ધન ગૌશાળા, ઘોઘાવદર)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ

  • harshad dave

    વાચકો માટે વાચવાલાયક, અભ્યાસુઓ માટે અભ્યાસપૂર્ણ, સંશોધકો માટે સંશોધન કરવા જેવો, સંગીતપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ એવો માહિતીપ્રદ અને ગંભીરતા સાથે લખાયેલો આ લેખ ખરેખર સંક્ષેપમાં સર્વાંગ સંપૂર્ણ છે. અભાર અને અભિનંદન. …હર્ષદ દવે.