બે ભાઈઓ… – અજ્ઞાત 11


બે ભાઈઓ વચ્ચે જમીનની વહેંચણીની વાત ચાલતી હતી. મોટા ભાઈ રામજી અને એની પત્ની સીતા વચ્ચે વાત ચર્ચાતી હતી. સીતા તેના પતિને સમજાવી હતી: “તમે જે રીતે જમીનની વહેંચણી કરવાનું કહો છો, એ રીતે જમીનની વહેંચણી થઇ છે ખરી? ગામમાં જઇને પૂછી તો આવો, આવી રીતે બે ભાઈઓ વચ્ચે જમીન કોઇએ વહેંચી છે ખરી?”

“સીતા, પણ તું સમજતી નથી? હું મોટો ભાઈ છું. મોટા ભાઈ તરીકે મારે મન મોટું રાખવું પડે કે નહી?” રામજીએ પત્ની ને જવાબ આપતા કહ્યું હતું; “નાના ભાઈને ભગવાને વસ્તી વધારે આપી છે, અને એટલે એને વધારે આપવું એ આપણી ફરજ ખરી કે નહીં?”

સીતા બોલી, “તમારા બે ભાઈઓ વચ્ચે જ સરખે ભાગે વહેંચાય, વ્યવહારની અને કાયદાની રીતે જે થતું હોય તે થાય. પણ તમે તો આપણા બે દીકરા અને નાના ભાઈના ચાર દીકરા એમ છ જણ વચ્ચે જમીન વહેંચવાની વાત કરો છો. દુનિયામાં કદી આવું બન્યું છે ખરું?” સીતા પતિની સામે આંખ માંડીને જોઈ રહી હતી.

“સીતા દુનિયામાં ભલે એવું બન્યું ન હોય આપણે કાંઈ ખોટું તો કરતા નથી ને? નાના ભાઈને વધુ જમીન આપવાની વાત કરીએ છીએ ને?” રામજી બોલ્યો.

“પણ એથી તો આપણા દીકરાઓને અન્યાય કરીએ છીએ. આપણા દીકરાઓને અન્યાય કરવાનો આપણને શો અધિકાર છે?” સીતાએ પ્રશ્ર્ન કર્યો. રામજી જરા વિચારમાં પડી ગયો હતો. સીતાની વાત પણ ખોટી નથી! મારે બે દીકરાઓને અન્યાય તો ન જ કરવો જોઈએ. જમીનની વહેંચણી જો મારે મારી રીતે કરવી હોય તો એ બન્ને દીકરાઓની સંમતિ લેવી જોઈએ.

રામજીએ બન્ને દીકરાઓ લવ અને કુશને પાસે બોલાવ્યા, અને પછી વાત મૂકી, “દીકરાઓ, હું અને લક્ષ્મણ બે ભાઈઓ. હું મોટો ભાઈ અને લક્ષ્મણ નાનો ભાઈ, બન્નેની સહિયારી જમીન સાઠ વીઘા જેટલી છે. મારે તમે બે દીકરા જ છો. નાના ભાઈને ચાર દીકરા અને એક દીકરી છે. બે ભાઈઓ વચ્ચે ભાગ પડે તો ત્રીસ-ત્રીસ વીઘા ભાગમાં આવે દીકરા લવ, દીકરા કુશ ત્રીસ વીઘામાં તમે બે ભાઈ, એટલે દરેકને પંદર વીઘા જમીન મળે. કાકાને જે ત્રીસ વીઘા મળે એમાં ચાર ભાઈ. ચાર ભાઈ વચ્ચે ત્રીસ વીઘા એટલે એક જણને ૭.૫ વીઘા મળે.” રામજીએ કહ્યું; “દીકરાઓ, મારે મન તો તમે છએ ભાઈઓ મારા પોતાના દીકરા જેવા જ છો. તોએ સાઠ વીઘા જમીન તમારા છએ જણ વચ્ચે સરખે ભાગે વહેંચાય એવી મારી મનની ઈચ્છા છે. મારે તમારી સંમતિ જોઈએ છે. બોલો તમારો શો જવાબ છે.

લવ અને કુશ થોડીક ક્ષણો માટે મુંઝવણમાં મુકાઈ ગયા હતા. એ માંની સામે જોઈ રહ્યા હતા. એમને અનુત્તર જોઈને રામજીએ ખુલાસો કર્યો. “દીકરાઓ હું મોટો ભાઈ છ્ં નાનો ભાઈ લક્ષ્મણ એક પગે અપંગ છે. શરીરે નબળો છે, વસ્તારી છે. એને થોડી વધારે જમીન મળે એવી મારી મનની ઈચ્છા છે.”

સીતાએ વચમાં કહ્યું; “લવ-કુશ, તમે બને ભાઈ જાણો તો છો જ કે તમારા બાપુજી પહેલેથી જ ધર્મરાજા છે. તેમને અન્યાય કરવા માંગે છે. મંજૂર છે તમને?

“સીતા, મારે એમને અન્યાય કરવો નથી. જે કાંઈ કરવું છે એ બન્ને ની સંમતિથી કરવું છે.” રામજીએ કહ્યું, “દીકરાઓ, મેં આજ સુધી તમને બન્નેને અને નાના ભાઈના પાંચ સંતાનોને પારકા ગણ્યા નથી, મારાં પોતાનાં જ માન્યા છે. એટલે તમને બધાને સરખી જમીન મળે એવી ઈચ્છા છે.”

લવ અને કુશે એકીસાથે જવાબ આપ્યો, “બાપુજી, તમારી ઈચ્છા એ અમારી ઈચ્છા, અમને ઓછી જમીન મળશે એનું જરા પણ દુઃખ નહીં હોય, તમારા બે નહીં, અમારા છયે ભાઈઓ વચ્ચે જમીન સરખે ભાગે વહેંચો, અમે રાજી છીએ.”

રામજી તો રાજીના રેડ થઈ ગયો, “સીતા, જોયું ને? મારા દીકરાઓ પણ મારા જેવા જ મનના છે ને? આપણું મન મોટું તો ઉપરવાળો આપનારો બેઠો છે.”

સીતાનેય મનથી તો ખુશી થઈ જ હતી. એને આવા ઉદાર દિલના દીકરાઓની માં હોવાનું ગૌરવ થયું હતું. વધારે મળશે તો દિયર અને દિયરના છોકરાઓને મળશે ને? અને એ બધા કાંઈ ઓછાં પારકા છે?

પછી તો આખા ગામ અને સગાવહાલાઓમાં વાત ફેલાઈ ગઈ કે રામજી અને લક્ષ્મણના સંતાનો વચ્ચે જમીન વહેંચાઈ, રામજીએ પોતાના બે અને લક્ષ્મણના ચાર દીકરાઓને સરખે ભાગે જમીન વહેંચી. નાના ભાઈની દીકરીનું લગ્ન મજિયારામાં કરવાનું નક્કી કર્યું. બાપદાદાના વખતનું ત્રીસ તોલા સોનું હતું, બન્ને ભાઈઓને ભાગે દસ દસ તોલા સોનું આવ્યું અને દસ તોલા નાના ભાઈની દીકરીને કન્યાદાનમાં આપ્યું. જેણે સાંભળ્યું એ બધાંને આ સાંભળીને અચરજ થયું.

કેટલાક તો ખુલ્લી રીતે ટીકા કરતા હતા, “રામજીને તો કાંઈ અક્કલ બક્કલ બળી છે કે નહીં? જમીનની કે મિલકતની વહેંચણી થાય એમાં કાંઈ ખોટું નથી, ભાઈઓ વચ્ચે જે સહિયારું કે મજિયારું હોય એના ભાગલા પડે એમાં પણ ખોટું નથી. પણ આવી રીતે તે વહેંચણી થતી હશે? રામજી એક નંબરનો મૂરખનો સરદાર છે.”

કોઈએ તો વળી કહ્યું, “ફટ રે ભૂંડા, તેં તારા બે સગા દીકરાના સુખનોય વિચાર કર્યો નહીં? નાનાને ચાર દીકરા છે – એક દીકરી છે, જેવા એનાં નસીબ – એટલે શું તારે તારા બે દીકરાઓને નુકશાન પહોંચાડવાનું? અલ્યા, મોટો કર્ણ દાનેશ્વરી થવા નીકળ્યો છે, પણ પસ્તાવાનો પાર નહીં રહે. આ તો કળજગ છે કળજગ, સગો ભાઈ પણ કટોકટીની વેળાએ પારકો બની જાય છે.”

પણ રામજી જેનું નામ, એ તો એકનો બે થયો નહીં, “હું તો મને જે સાચું લાગે એ જ કરવાનો, મારે બે દીકરા છે, એ પણ એમનું નસીબ લઈને આવ્યા હશે ને? નાનો ભાઈ વસ્તારી હોય, શરીરથી જરા નબળો હોય, એને જરા વધારે ભાગ મળે એમાં ખોટું શું છે?”

આ વાત લક્ષ્મણે જાણી ત્યારે એને ખૂબ દુઃખ થયું હતું. “આ રીતની જમીનની વહેંચણી મને મંજૂર નથી. મારે ચાર દીકરા છે એથી શું થઈ ગયું? મારે તો મારા અધિકારનું હોય એટલું જ જોઈએ છે, મારે ભાગે ત્રીસ વીઘા આવે એટલી જ, એ ત્રીસ વીઘા પર મારા પુત્રનો અધિકાર, મોટા ભાઈની વાત મને સ્વીકાર્ય નથી.”

પણ લક્ષ્મણની વહુ ઉર્મિલા કહે, “મોટાભાઈ આપે છે તો એ લેવામાં શું ખોટું છે? એ જે આપે છે એ રાજીખુશીથી આપે છે. આપણે એમની પાસે માંગ્યુ નથી કે આપણે એમની પાસેથી ઝૂંટવી લેતાં તો નથીને? છાનામાના મોટાભાઈ આપે છે એ લઈ લો. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા જશો તો મૂરખા ઠરશો મૂરખા.”

લક્ષ્મણ જવાબમાં કહે, “ભલે મને તું મૂરખો કહે, આખી દુનિયા મૂરખ કહે, હું મારા હક્કનો જે ભાગ છે એટલો જ લઈશ. મારે વધારે કશું જ નહીં જોઈએ.”

ચાર દીકરાઓ અને મા-બહેન એ છ જણાં એકરાગ થઈ ગયા હતાં, “મોટાભાઈ છે એ તમારા, એ તમને પોતાની રાજીખુશીથી વધારે આપે છે એમાં શું નવાઈ કરે છે? તમે નહીં લો તો પણ અમે લઈ લેવાનાં.” લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયાં, “હળાહળ કળજુગ તે આનું નામ, આ બાઈ અને છોકરાંઓને મારે શું કહેવું? સ્વાર્થનો જ માત્ર વિચાર કરવાનો? એમને મારે એ વાત શી રીતે સમજાવવી કે મોટાભાઈએ આપણા માટે કેટલું દુઃખ વેઠ્યું છે?”

લક્ષ્મણે ચારેય દીકરાઓ, દીકરી અને ઉર્મિલાને કહ્યું, “મોટાભાઈએ કેટલું દુઃખ વેઠીને અને કેટલો પરસેવો પાડીને આટલી જમીન ભેગી કરી છે એ તમે જાણો છો? આપણી વડીલોપાર્જિત જમીન તો પાંત્રીસ વીઘા જ હતી. પંદર વીઘા જમીન તો મોટાભાઈની પોતાની મહેનતની છે. હું તો બચપણથી જ અપંગ, શરીર નબળું, મારાથી તો ખેતીની મહેનત થઈ શકે નહીં. મોટા ભાઈએ એકલે હાથે ખેતી સંભાળી, બાપદાદાના વખતનું ત્રીસ હજારનું દેવું ઉતાર્યું અને મને પરણાવ્યો. એ દેવ જેવા મોટાભાઈના સુખનો આપણે વિચાર જ નહીં કરવાનો? એ તો મોટા મનના છે, એટલે આપે એ બધું જ લઈ લેવાનું? તમે લોકો જરા ભગવાનને તો માથે રાખો!”

ઉર્મિલાએ છણકો કરીને કહ્યું, “એમાં ભગવાનને માથે રાખવાની વાત ક્યાં આવી? આપણે એમને છેતરતાં તો નથી ને? કે એમનું પડાવી તો લેતાં નથી ને? એ આપે છે અને આપણે લઈએ છીએ. તમને ચોખ્ખી ને ચટ વાત કહી દઊં, તમે આ બાબતમાં જો આડું અવળું કાંઈ બોલ્યા છો તો મારા જેવી કોઈ ભૂંડી નથી. તમારા દીકરાઓને થોડું વધારે મળે છે તો તમારા પેટમાં શું કામ ચૂંક ઊપડે છે? છાનામાના બેસી રહો, પોતાનું શરીર તો કામ આપતું નથી અને પાછા શાહુકાર થવા નીકળ્યા છો.”

લક્ષ્મણ બિચારાનું કશું ચાલ્યું નહીં, એ મનમાં સમજી ગયો કે ક્લેશ કરવાનો કોઈ અર્થ નથી. એ એકલો મોટા ભાઈને જઈને મળ્યો, એમના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો, મોટાભાઈ અને ભાભીએ એને છાનો રાખ્યો, એ એટલું જ બોલ્યો, “મોટા ભાઈ ભાભી, તમારું તો મારી પર કેટલું બધુમ કરજ છે? આ ઋણ તો હું આવતે જન્મે પણ ચૂકવી શકું એમ નથી.”

“અરે ભલા માણસ, ભાઈ ભાઈ વચ્ચે વળી ઋણ કેવું ને ફરજ કેવી? મોટો ભાઈ પોતાની ફરજ અદા કરે એમાં તે વળી નવાઈ શી? મનમાં કશું જ લાવતો નહીં, તારા પાંચ ને મારા બે, એમાં પોતાના ને પારકા કેવા? મારે મન અને સીતાને મન બધાંય પોતાના છે, બધી આંગળી સરખી છે, કઈ આંગળીને કાપીએ તો લોહી ન નીકળે? અને કહેવત છે ને, ‘ડાંગે માર્યા પાણી જુદા ન થાય!’ આપણે ભાઈ છીએ અને ભાઈ જ રહેવાના.”

લક્ષ્મણની આંખમાં આંસુ વહે, એ કહે, “ભાઈ મને પણ ભાભી જેવી પત્ની અને તમારા દીકરાઓ જેવા સંતાનો ભગવાને આપ્યા હોત તો…”

રામજીએ લક્ષ્મણના આંસુ લૂછ્યા અને કહ્યું, એ બધી ઋણાનુબંધની વાત છે નાના, તું મનમાં કાંઈ લાવીશ નહીં, ભાઈ તો ત્રીજો હાથ હોય છે.’

પછી તો બન્ને ભાઈઓએ જમીનની અને બીજી મજિયારી ચીજવસ્તુની વહેંચણી કરી નાંખી. લોકો મોંમાં આંગળા નાખી ગયાં. આનું નામ તે મોટાભાઈ, આમ તો મોટા ભાઈઓ ઘણાં હોય છે, પણ રામજી જેવો બીજો બતાવો! ગામમાં પેલો કાનજી છે એને ત્રણ ભાઈ છે, મિલકતની વહેંચણીનો મામલો છેક કોર્ટે પહોંચ્યો છે, અને પેલો છગન અને મગન ખેતરના સેંઢાની બે ફુટ જમીન માતે એકબીજા સામે ધારીયાં ઉગામે છે. પેલો મહાદેવ નાના ભાઈની બધી જમીન પચાવીને બેસી ગયો છે.ઉપરથી નાના ભાઈ સામે ફોજદારી કરી છે. રામજી જેવો મોટો ભાઈ હોય એ નસીબ કહેવાય. ભાગ્યશાળી હોય એને જ આવો મોટો ભાઈ મળે.

– લેખક ‘અજ્ઞાત’

આપણા ગ્રામ્યસમાજ વિશેની ઘણી બાળવાર્તાઓ એવી તો સરસ અને સરળ હોય છે કે નાના બાળકોને આપવામાં આવતો સંદેશ વાર્તાના પ્રથમ શબ્દથી જ સ્પષ્ટ થઈ જાય છે અને બાળમાનસ પર સીધી અસર કરે છે. આસપાસના વાતાવરણમાંથી જ મળતી આદર્શ વાતોને – પાત્રોને ઉદાહરણ તરીકે લઈને બોધ આપવાની આ પદ્ધતિ ખૂબ અસરકારક રહી છે. આવી જ એક વાર્તા આજે પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બે ભાઈઓ… – અજ્ઞાત