મુનિ અને ઉંદરડી – પંચતંત્રની વાર્તા 19


ગંગા કિનારે એક મુનિ ઝૂંપડી બાંધીને રહેતા હતા. ખૂબ તપસ્યાને અંતે તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી અને આસપાસના વિસ્તારોમાં મહાન તપસ્વી તરીકે તેમની નામના હતી.એક દિવસ સવારે તેઓ ગંગાસ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપી રહ્યા હતાં ત્યારે તેમની ઉપર આકાશમાં એક બાજ પોતાના તીક્ષ્ણ નહોર વાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો. મુનિએ તે જોયું.

તરફડતી ઉંદરડીને જોઈને તેમને દયા આવી, એટલે તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવીને પેલા બાજ તરફ ફેંક્યો, તેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને મુનિથી થોડેક દૂર જમીન પર પડી.ઉંદરડીએ કિનારે આવી રહેલા મુનિને આજીજી કરીને કહ્યું, “ભગવન, આપ મને આપની સાથે લઈ જાઓ, મને અહીં જ મૂકીને જશો તો બીજુ કોઈ પ્રાણી પક્ષી મારો નાશ કરશે.”

મુનિને ઉંદરડી પર દયા આવી. તેમને થયું કે આ ઉંદરડીને પોતાની સાથે ક્યાં ફેરવવી? એ વિચારે તેમણે ઉંદરડીને પોતાના તપોબળથી અને મંત્રસિદ્ધિથી કન્યા બનાવી દીધી અને તેને પોતાની કુટીરમાં લઈ ગયા, પોતાની પત્નિને તેમણે કહ્યું, “લે આ કન્યા, આપણે કોઈ સંતાન નથી તેથી આ કન્યાને દીકરી તરીકે ઉછેર.”મુનિપત્ની દીકરી પામીને ખુશ થઈ ગઈ. કન્યા પણ મુનિ અને મુનિ-પત્નીને માતાપિતા માની તેમની સેવા કરવા લાગી.

આમ કરતાં કન્યા મોટી થઈ ગઈ. એક દિવસ ઋષિપત્નીએ કહ્યું, “સ્વામી, હવે આને પરણાવવી જોઈએ, આને માટે સારામાં સારો વર શોધી કાઢવો જોઈએ.”

મુનિએ કહ્યું, “આપણી આ પુત્રીને હું સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું. એમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે?” આમ વિચારીને તેમણે સૂર્યદેવનું ધ્યાન ધર્યું, આવાહન કર્યું. સૂર્યદેવ આવ્યા. મુનિએ કન્યાને બોલાવીને સૂર્યદેવ બતાવ્યા, પછી પૂછ્યું, “બેટા તને આ પતિ તરીકે સ્વીકાર્ય છે?”કન્યા નાક ચડાવતા બોલી, “ઊંહું, આ તો બહુ જ ગરમ અને દઝાડે એવો છે, પિતાજી મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય તેવો વર શોધી લાવો.”

મુનિએ વિચાર્યું, “સૂર્ય કરતાંય વાદળ મહાન છે કારણકે એ સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈને ઝાંખો પાડી દે છે.” મુનિએ વાદળનું આહવાન કર્યું, વાદળ કન્યા સામે હાજર થયું, કન્યા તેને જોઈને મોઢા પર અણગમો લાવીને બોલી, “આ તો કાળો અને પોચટ છે.”

મુનિએ વિચાર્યું, “વાદળ કરતાંયે બળિયો પવન છે, એ ગમે ત્યારે આવીને બધું હતું ન હતું કરી નાંખે છે.” આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો. તેમણે પવનને બતાવી દીકરીને પૂછ્યું, “દીકરી, આ તને પસંદ છે?” પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલી, “આ તો બહુ જ ચંચળ છે, એનું તો કંઈ ઠામ ઠેકાણું ય ન મળે.”

મુનિએ તપોબળથી પહાડને પ્રગટ કર્યો, કેમ કે પહાડ એવો સ્થિર છે કે ગમે તેવો પવન પણ તેને હલાવી શક્તો નથી. પણ તેને જોતા જ કન્યા બોલી, “આ તો કદરૂપો અને લૂખો-સૂકો છે, આવા બેડોળને તો હું નહિં જ પરણું.”

મુનિએ પહાડને પૂછ્યું, “પર્વતરાજ, તમારા કરતાંય વધારે તાકાતવાન કોઈ છે ખરું ? ત્યાં તો પહાડ બોલ્યો, “મારાથી વધુ તાકાતવાન તો ઉંદર છે, એ મારા મજ્બત દેહને પણ ચારે બાજુથી ખોદીને કાણાંવાળો બનાવી દે છે.”

મુનિએ અંતે ઉંદરનું આવાહન કર્યું, એટલે તે ઝટપટ ત્યાં આવી ગયો. કન્યા તો ઉંદરને જોતા જ રાજી રાજી થઈ ગઈ. મુનિ કંઈ પૂછે એ પહેલા જ તે બોલી ઉઠી, “પિતાજી મને તો આ જ વર ગમે છે, કેટલો ચપળ, રૂપાળો અને જોરાવર છે.”

મુનિ પણ સમજ્યા કે વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ મળે પણ તે પોતાના મૂળ સ્વભાવને ત્યજીને શ્રેષ્ઠનો સ્વીકાર કરી શકે નહીં. મુનિએ કન્યાને ઉંદરડી બનાવી દીધી અને મૂષકરાજ સાથે પરણાવીને વિદાય કરી.

– પંચતંત્ર (પંડિત વિષ્ણુશર્મા)

ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક સરસ અને બોધપ્રદ બાળવાર્તા.

બિલિપત્ર�

અજ્ઞાનીઓ માટે ઘડપણ એ પાનખર છે, અને જ્ઞાનીઓ માટે લણણીની મોસમ. દ્રષ્ટિકોણ કેટલો બધો ફરક આપી જાય છે !


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “મુનિ અને ઉંદરડી – પંચતંત્રની વાર્તા