શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast) 1


ગઝલ ૧. – તું

તીર છે ના કમાન છે તું,
વય વગરની જબાન છે તું.

તાકવાથી તકાય છે ક્યાં,
લક્ષ્યવેધી નિશાન છે તું.

રંગ રૂપે ઉઘાડ પામે,
વૃક્ષ જેવી મહાન છે તું.

ઝાડમાં જળ બની રહી ગઈ,
માછલીનું બયાન છે તું.

સાંભળે કે ન સાંભળે પણ,
સાફ દિલની અઝાન છે તું.

પાર પામ્યો વિકલ્પ સૉલિડ,
એટલે પ્રાણવાન છે તું.

ગઝલ ૨. – તું

ઉકેલે ફરી એ જ ઉદ્વેગને તું,
કદી મન કળાવા ન દે કોઈને તું.

સરેઆમ ઉભા રહી વૃક્ષ નીચે,
પ્રતીક્ષા કરીએ હજી હું અને તું.

મિલનની પળોમાં થતો ભાસ એવો,
નથી રાસ આવી ખરેખર તને તું.

બધી લાગણી ક્યાંક ભેળાઈ ગઈ છે,
હ્રદયની કરે રાવ કોની ક’ને તું.

તને દાદ આપું દુબારા કહીને,
નવા રંગ રૂપે ગઝલ જો બને તું.

ભલે વાત દિલની કહે ના કહે તું,
કહે વાત સૉલિડ ગમે છે મને તું.

ગઝલ ૩. – તું

રોજ મીરાં થાય છે તું,
ચોકમાં ચર્ચાય છે તું.

મીણ માફક ઓગળીને,
રાતભર ઢોળાય છે તું.

સાત દરિયા પાર કરવા,
સામટી વીંઝાય છે તું.

કલ્પના ઘેઘૂર થઈ ગઈ,
પ્રેમથી શું પાય છે તું.

હું ગઝલ જો ગણગણું તો,
કેમ ઝબકી જાય છે તું.

લોક મનથી એમ માને,
રંક સૉલિડ રાય છે તું.

[audio:http://aksharnaad.com/images/idpd/solid%20mehta%201.mp3]

અક્ષરપર્વમાં ગઝલસંધ્યા જો આયોજિત કરવી હોય તો સૌપ્રથમ કોને આમંત્રણ આપીએ એવા મારા સવાલના જવાબમાં શ્રી અલ્પભાઈએ સૌપ્રથમ જે નામ કોઈ ખચકાટ વગર પૂરી ખાતરીથી આપેલું એ હતું શ્રી સૉલિડ મહેતા સાહેબનું. અને થયું પણ એવું જ, આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવાની હા પાડ્યા પછી શ્રી જશવંતભાઈ મહેતા અને શ્રી દીનાબેન શાહને પણ તેમણે સાદર શામેલ કર્યા અને અક્ષરપર્વને ઘરના જ ઉત્સવની જેમ પોતીકી રીતે ભાગ લઈને ચાર ચાંદ લગાવનાર શ્રી સૉલિડભાઈ મહેતાની ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં આજે માણીએ. અક્ષરપર્વમાં આટલા સરસ અને ઉમદા સહયોગ બદલ સૉલિડભાઈને આભારના કયા શબ્દો વડે નવાજવા? શબ્દો એ અભિવ્યક્તિમાં કાયમ ઓછા જ પડવાના.

અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ શ્રી સૉલિડભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

One thought on “શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast)