ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast) 7


મુક્તક

હવે શબ્દને સાજ શૃંગાર કરીએ,
ગઝલ ગાઈ લઈએ ને તહેવાર કરીએ.
વસંતો નો પગરવ થવાનો છે નક્કી,
મહેકતો બધા સાથ વહેવાર કરીએ.

ગઝલ

થઈ શક્યા ક્યારે નિખાલસ હું તમે ને આપણે,
આમ તો કહેવાયા માણસ હું તમે ને આપણે.

માન મોંઘો મરતબો, કીર્તિ શ્રીમંતાઈ છતાં,
એક પડછાયાના વારસ હું તમે ને આપણે.

લાગણી સંબંધ આંસુ પ્રેમ ને સોગંધ સૌ,
કંઈ ભજવીએ રોજ ફારસ હું તમે ને આપણે.

ક્યાં કદી બદલી શક્યા બદલાવ આવ્યા ને ગયા,
કંઈ સદી જૂનું આ માનસ હું તમે ને આપણે.

આ સમય તો કેટલો દોડી ગયો આગળ દીના,
ના, તસું પણ ના ખસ્યા બસ, હું તમે ને આપણે.

ઉર્મિગીત

રાજ, અમે તો તડકો વીણ્યો ફળીયેથી
કર્યાં છાંયડા અળગા, ઉંચકી લીધો તળીયેથી
રાજ, અમે તો…

ફાંટ ભરીને લાવ્યા એને આંગણીયે પધરાવ્યો,
તડકો સોનાવરણો, એને જોવા સૂરજ આવ્યો,
સહેજ વળીને જુએ છાપરું, એને નળીયે નળીયે થી
રાજ, અમે તો…

ચમકી ઉઠી સવાર આખી, ડોલી ઉઠ્યા વૃક્ષો,
સોનેરી છે કે છે ખાખી, બોલી ઉઠ્યા વૃક્ષો,
આંખેથી ગટગટ પીધો ને ચાખ્યો આંગળીયેથી,
રાજ, અમે તો…

ગઝલ

કોઈ ખાલી ઘડો ભરું છું હું,
મૌનને શબ્દમય કરું છું હું.

હા, વસંતો કદી ભૂલી પડશે.
જાળ ટહુકાની પાથરું છું હું,

રાત સૂરજની કંજુસાઈ છે,
થોડો અજવાસ કરગરું છું હું.

પ્યાસ નજરે પડે તો જોવી છે,
આઈનો ઝાડ ઉપર ધરું છું હું.

દીના કવિતાનો માર્ગ છે વિકટ,
શબ્દ શબ્દે ડરું છું હું.

[audio:http://aksharnaad.com/images/idpd/dr%20dina.mp3]

વડોદરામાં ગાયનેકોલોજીસ્ટ એવા ડૉ. શ્રી દીનાબેન શાહ અક્ષરપર્વમાં આમ તો શ્રી સોલિડ મહેતા સાહેબને મળવા આવ્યા હતાં પણ અમારા સૌના આગ્રહે તેમણે તેમની રચના પ્રસ્તુત કરવાની સહર્ષ સંમતિ આપી. આજે પ્રસ્તુત છે તેમના જ સ્વરમાં તેમની ત્રણ રચનાઓ, જેમાં બે ગઝલ તથા એક ગીતનો સમાવેશ થાય છે. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ ડૉ. દીનાબેનનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Janak GajeraCancel reply

7 thoughts on “ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast)

  • Daxesh Contractor

    એક પડછાયાના વારસ હું તમે ને આપણે…
    ખુબ સરસ ગઝલ … હું તમે ને આપણે – જેવો મજાનો રદીફ લઈ સુંદર કવિકર્મ થયું છે. . સાથે ઓડિયો પઠન હોવાથી વધુ મજા પડી ..

  • Manoj Shukla

    સરસ રચનાઓ…..
    તડકો વીણ્યો ફળીયેથી..ને આંખેથી ગટગટ પીધો ને ચાખ્યો આંગળીયેથી,
    ગમ્યું.
    મારી એક ગીત રચનાનું મુખડું અને અંતરો અહીં લખું છું,-

    લઈ ખિસ્સામાં તડકો, કોઈ નિકળે છાંયે છાંયે તો પણ તિમિરની છાતીમાં ફ્ડકો, રખે કશે જો અડકો, લઈ ખિસ્સામાં તડકો.

    તડકાનું તગતગવું ટેરવે ટશીયો થઈને ફૂટે
    જણે પંખી ટહુંકો વનના પાન પાનને ગુંથે,
    ઊંચા થઈ બેસી કિરણોની પાંખે નભને પ્રકાશ થઈને અડકો,
    લઈ ખિસ્સામાં તડકો.