કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી 5


આમ નિરાશ ન થા, અર્જુન
તારે કવિતા લખવી જ જોઈએ.
ઊઠ, ઉભો થા અને ચોપાસ
ક્ષિતિજ સુધી વિસ્તરેલાં
તને વીંટળાઈ વળેલા શબ્દોનું અવલોકન કર.
તેઓ તારી કલમમાંથી ટપકવા આતુર છે,
કાયર ન થા ધનંજય,
તારા સામે ડોકિયાં કરતાં કોરાકટ્ટ કાગળોને
(જે વર્ષોથી કોરાકટ્ટ હોવાનો દાવો કરે છે)
ભીંજવી દે.

હે મહાબાહુ,
જો તું કવિતા લખીશ
તો શબ્દો તને આશિર્વાદ આપતાં
લાંબો કાળ રહેનારી સૃષ્ટિમાં તારી પ્રશંસા કરશે.

અને જો તું
શબ્દોની સાથેની રમતથી
ત્રાસી જઈને કવિતા નહીં લખે તો
આ શબ્દો તને સુખચેનથી જીવવા નહીં દે.

કારણ
તેઓ તારી કલમમાંથી
પ્રસવવા અધીરા થયાં છે.
માટે હે પાર્થ,
વિલંબ ન કર…

આ શબ્દો પૂર્વે ન હતાં,
કે હવે પછી નહીં હોય – નો
ખેદ કરવો ઉચિત નથી.

શબ્દો કદી જન્મતાં કે મરતાં નથી.
તેઓ એક અર્થમાંથી બીજો
અર્થ જન્માવી શકે છે.
કવિઓએ હંમેશા
શબ્દોમાંથી
કાવ્યત્વ પ્રગટાવવાનું હોય છે.

હે પરંતપ,
તું કવિ છે,
માટે ઉઠ, ઉભો થા,
અને તારા પર નિયત થયેલું કર્મ કર.

અને હે શબ્દોને શણગારનાર ભરતવંશી,
આ મારું હિતકર વચન તું સાંભળ.
તું મને પ્રિય છે માટે જ તને કહું છું,
તું બધાં સંશયો છોડીને
મારા એકના જ શરણે આવ.
તારે એ ન ભૂલવું જોઈએ કે હું તારો પથદર્શક છું.

અને આ બધાં જ શબ્દોને
મેં પ્રથમથી જ અહીં
ક્રમબદ્ધ ઉપસ્થિત કર્યાં છે – ગોઠવ્યાં છે.
હવે તું ફક્ત છંદ નક્કી કર !
અને મહાભારત ખંડકાવ્યની શરૂઆત કર …
….

ઈતિશ્રી
અર્જુન વિષાદે
કાવ્યપુરાણે
શ્રીકૃષ્ણોપદેશઃ

– અલ્પ ત્રિવેદી

શ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના કાવ્યસંગ્રહ ‘પછી’ નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ – (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે…. આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી