આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast) 8


શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ની ‘સકલ કવિતા’ માંથી શ્રી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક સ્વ. શ્રી છીપા તથા શ્રી સ્નેહરશ્મિના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન સ્વ. શ્રી એફ. આર. છીપા દ્વારા તથા સંગીત સંચાલન શ્રી અમિત ઠક્કર દ્વારા કરાયું છે. અક્ષરનાદને આ આખુંય આલ્બમ મોકલવા બદલ શ્રી સિદ્ધાર્થ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહની બધી રચનાઓ સમયાંતરે આપણે માણીશું. આજે એ જ સંગ્રહમાંથી માણીએ એક સુંદર રચના …. ‘આજ પધારે હરિ’ ઑડીયો સ્વરૂપે. સ્વર શ્રી નયન પંચોલીએ આપ્યો છે

[audio:http://aksharnaad.com/images/idpd/snehsur%209.mp3]

સુણી મેં ફરી, તે જ કથા,
દિવ્ય કથા,
આજ પધારે હરિ.

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ,
આવે ક્ષિતિજ તરી,
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી,
ઝીલો, ઝીલો, ઝીલો, ફરી ના આવે ….
સન્મુખ આવે હરી , આજ પધારે હરિ.

અમૃત વર્ષા ચહુદિશ હો,
છલકે ઘટઘટમાં,
આવી રમે હરી માનવ ઉર દલમાં,
વિકસિત માનવ ઉર દલમાં.
પળ મંગલ મંજુલ આ ચાલી,
ભરી લો ભરી, જીવન પ્યાલી,
પિયો, પિયો, પિયો, સુખદ સુહાગી,
પ્યાલી રસની ભરી, આજ પધારે હરિ.

સુણી મેં ફરી, તે જ કથા,
દિવ્ય કથા,
આજ પધારે હરિ

– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’


Leave a Reply to P U ThakkarCancel reply

8 thoughts on “આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast)

  • P U Thakkar

    સ્વર આપનાર શ્રી નયનભાઇ પંચોલી અને સંગીત સંચાલન શ્રી અમિતભાઇ ઠક્કરના નામો વાંચીને હું આકર્ષાયો. પછી મેં પહેલાં કવિતા બે વાર શાંતિથી વાંચી. ગીત સાંભળવાની ઉતાવળ કરી નહીં. અને વિચાર્યું કે, આ ગીતના શબ્દો તો અછાંદસ છે!! આ કેવી રીતે સંગીતબધ્ધ કરી શકાયા હશે ? ફરીથી ત્રીજીવાર હું વાંચી ગયો.. અને પછી મેં એક સાહસ કર્યું જેને વ્યર્થ અને અત્યંત હાસ્યાસ્પદ જ કહી શકાયઃ- મેં આ શબ્દોને સંગીતમાં ઢાળવાનો પ્રયત્ન કરી જોયો..કોઇ રીતે મેળ ના ખાધો..અલબત્ત મારી તો લાઇન જ નથી.. પણ મને તો આ અશક્ય જ લાગ્યું. અને એમ કરતાં મને તરત જ આ ગીત સાંભળવાની તાલાવેલી પણ લાગી..ગીત સાંભળ્યું અને બીજીવખત પણ તરત જ એકદમ ધ્યાનથી સાંભળ્યું. સાંભળતા સાંભળતા એમ લાગ્યું કે, આ શબ્દોના રચયિતાએ આ ગીતનો ઢાળ આ મિત્રોને (સ્વ. શ્રી એફ. આર. છીપા સહીત) કહી દીધો લાગે છે!!

    નયનભાઇ પંચોલી સ્વરની સારી પકડ ધરાવે છે – એમ ઘણાંના મોંઢે સાંભળેલું. નયનભાઇને સાંભળવાનો મોકો તો પહેલીવાર જ મળ્યો.

    નયનભાઇના પિતાશ્રી માન.શ્રી અમુભગત અસારવાના અમુભગત તરીકે જાણીતા હતા-છે. એક સારા ગરબા ગાયક તરીકે પ્રસિધ્ધિ પામેલા. તેમને ઘણાં વર્ષો પહેલાં ઘણી વાર સાંભળેલા છે. ગરબાની રમઝટ ત્યારે કલાના નામે નહીં પણ ભક્તિનતા નામે થતી.. માતાજીના ભક્તો તરીકે શ્રી જીતુ ભગતની અને અમુ ભગતની સંગતિના ગરબા (મોટાભાગેઃરાયપુરમાં) સાંભળવા એ એક અવિસ્મરણીય લ્હાવો રહેતો. આ ભક્તો માતાજીની ભક્તિમાં ગુલતાન થઇ માતાને સાચા દિલથી અને ભાવથી પોકાર કરે જેને બધા ગાયકી કે ગરબા કહે, પણ સાંભળનારા ઝંકૃત થયા વિના રહે જ નહીં. સાયકલો લઇને આવા ભગતોના ગરબા સાંભળવા નવરાત્રિમાં અમે મિત્રોની ટોળીમાં જુદે જુદે સ્થળે ફરતાં; એવા ૩૮ વર્ષ અગાઉના એવા એ માહોલની યાદો નયનભાઇના અવાજે ઝંકૃત કરી દીધી!! વારસમાં અને લોહીમાં જ જે(નયનભાઇ)ને સૂરોની પકડ મળી હોય, પછી તો પુછવું જ શું!!

    એ જ રીતે, સંગીત સંચાલન સંભાળનાર અમિતભાઇને પણ વાયોલિનવાદક પિતાશ્રી કિરીટભાઇનો સંગીતનો ભવ્ય વારસો લોહીમાં જ મળ્યો છે. કિરીટભાઇના આ દિકરાએ ‘બાપ કરતાં બેટો સવાયો’ કહેવતમાંના ગણિતને ફરી ગણવું પડે એમ કરી નાંખ્યું છે!

    માન. નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના ૧૦-૧૨ દિવસ પહેલાં જ વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા એક મુરબ્બી વડીલની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તેના કાર્યક્રમમાં ઓર્ગન વગાડતાં નાની ઉંમરના લાગતા ઉસ્તાદને સાંભળીને જ પુછવાનું મન થઇ ગયું હતું કે, આ વાદ્યકાર કોણ છે? ખબર પડી કે કિરીટભાઇના દિકરા અમિતભાઇ છે.

    એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે. ધરતીકી શાન, તું હૈ મનુકી સંતાન, તેરી મુઠ્ઠીયોંમે બંધ તૂફાન હૈ રે.. ૧૯૫૪ ની સાલનું આ ફિલ્મી ગીત..એક સરકારી સમારંભના આરંભે રજુ થાય પછી તે સમારંભ ચાલુ થાય એવું આયોજન હતું. આ ગીત રજુ કરનાર ગૃપ બહારગામથી આવે તેમ હતું ને તેમનું આવવા-જવાનું ભાડુ જ બહુ થાય તેમ હતુ. સરકારી નાણા આપણા ખિસ્સામાંથી એક એક પાઇ જતી હોય એવા જતનથી વાપરવા- એવો નાણાંકિય ઔચિત્યનો સિધ્ધાંત નોકરીમાં દાખલ થતાં જ બધાને શીખવાડવામાં આવે છે. તે ન્યાયે અમદાવાદમાં ક્યાં કલાકારોની કમી છે? કોઇકને શોધી કાઢવાનું નક્કી થયું. કિરીટભાઇ ઠક્કર તે માટે મળી આવ્યા. સસ્તાની શોધનો કદાચ તેમને અણસાર આવી ગયો હતો. તેમણે કહ્યું સામાન્ય રીતે આવી રીતે અમે જતા નથી, પણ કોઇકનું માન રાખવા આવી ગયા છીએ. કિરીટભાઇનો રોલ એ હતો સંગીત સાથે સંબંધ ધરાવતા ના હોય તેવા સરકારી કર્મચારીઓ(મારી સાથીઓ)ને આ ગીત ગાતા શીખવાડવાનું હતું. અને સાજીંદા તેમના, એ રીતે, આ ગીત સસ્તું કરવામાં કામ કરવાનું હતુ. પછી એ ગીત સમારંભના આરંભે લાઇવ રજુ થાય તેવું આયોજન હતું. કિરીટભાઇને એ ગીત મેં કોમ્પ્યુટરની મદદથી સંભળાવ્યું અને ગાયકો (સરકારી કર્મચારીઓ) સોંપ્યા. કિરીટભાઇએ માત્ર એક જ વાર આ ગીત સાંભળી લીધું. અને કી-બોર્ડ પર તેમણે જે રીતે સૂર પકડી લીધેલા..કે ના પૂછો વાત. હું તો તેમને વાયોલિન વાદક તરીકે જ જાણતો હતો પણ પછી ખાતરી થઇ ગઇ કે, અમને મળી આવેલા અચ્છા સંગીત નિર્દેશક જ છે અને અમારો સસ્તાનો પ્લાન ઉંધો નહીં પડે!! તે અદભૂત ઘટના નોકરીના વહીવટી કામમાં મદદરૂપ સાબિત થયેલી છે. તેમાં અમારી મદદ કિરીટભાઇની કલા અને સૂઝ મારફતે ભગવાને અમને કરેલી છે. પછી સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે રેકોર્ડીંગ સ્ટુડિયો સંભાળતા અમિતભાઇની કલામાં કેટલી બધી શુભેચ્છાઓ ભરેલી હોય !!

    સંગીતના બંને ઉસ્તાદોને સલામ !!

  • Atul Jani (Agantuk)

    હું જોડણીની વાત કરું તે વ્યાજબી ન ગણાય – પરંતુ

    હરી માટે ભગવદગોમંડળ શું કહે છે, અને હરિ માટે ભગવદગોમંડળ શું કહે છે ?

    http://bhagwadgomandal.com/

    અહીં હરિ છે કે હરી તે નક્કી ન થવું જોઈએ?

    • AksharNaad.com Post author

      આપની વાત બિલકુલ વ્યાજબી છે.

      જોડણી સુધારી લીધી છે…. સૂચન બદલ આભાર …

      આપે દર્શાવેલ લિન્ક કામ ન કરતી હોવાથી હટાવી દીધી છે.

      આભાર
      સંપાદક

  • Suresh Jani

    સુંદર .
    એક અફસોસ થાય છે આવી સુંદર રચના ફરી સંભાળવી હોય તો કોમ્પ્યુટર ની જરૂર પડે છે.
    અભિનંદન

    • AksharNaad.com Post author

      શ્રી સુરેશ ભાઈ,

      શ્રી સિદ્ધાર્થભાઈએ આ આલબમ સાર્વત્રિક વહેંચવા માટે આપ્યું છે. આપને જોઈએ તો ઈ-મેલમાં આ ગીત મોકલી આપીશ, જેથી આપને દર વખતે સાંભળવા માટે કોમ્પ્યુટરની જરૂર ન પડે.

      આભાર,
      સંપાદક