મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2


ગણમાન્ય વ્યક્તિઓને સન્માનવા એ આપણી પરંપરા રહી છે. એ સંદર્ભે લાડીલા શાયર – કવિ શ્રી મુસાફિર પાલનપુરીને જ્યારે સાંઈઠ વર્ષ થયા ત્યારે ષષ્ઠિ-પૂર્તિ-ઉત્સવ ઉજવવા જેવું કશુંક મિત્રોના મનમાં સળવળ્યા કરતું હતું, પણ સંજોગાધિન એ કાર્ય આરંભી ના શકાયું ! ગત વર્ષે જ્યારે મુસાફિર ભાઈને પાંસઠમું બેઠું ત્યારે ખાસ કરીને સહ્રદયી મિત્ર ડો. શ્રી સુરેન્દ્ર ગુપ્તાએ કવિની જન્મ-તિથિનો ઉત્સવ ઉજવવાની ખાસ હઠ લીધી અને દબદબાપુર્વક કાર્યક્રમની રૂપરેખા પણ મિત્રો સમક્ષ રજુ કરી, પરંતું કલાકારોની જન્મજાત ધૂની કેફિયત પ્રમાણે મુસાફિરભાઈએ ત્યારે કોઈ ખાસ મૂડ ન દર્શાવ્યો ને વાત હવામાં રહી ગઈ ! કલાકારની આવી નિર્લેપતાનોય આદર થવો જ ઘટે !

હવે જ્યારે ૨૧, જુન ૨૦૦૮ને મુસાફિરભાઈ છાસઠમાં પ્રવેશ કરે છે ત્યારે કવિ-શાયરનો જન્મોત્સવ જરા આગવી રીતે મનાવવા ડો. શ્રી સુરેન્દ્રભાઈ ગુપ્તા તથા અમો મિત્રોએ કવિને સંમત કર્યા છે. અમો સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.

ઉપરોક્ત ભૂમિકા સાથે અમો મિત્રોએ એવું વિચારેલ કે આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિનું સમગ્ર પ્રકાશન ખર્ચ એક-બે મિત્રો ઉપાડીલે અને તેવું થઈ શક્યું છે. પાલનપુરના ડો. શ્રી સુરેન્દ્ર ગુપ્તા તેમજ મુંબઈ સ્થિત પાલનપુરી સ્વજન શ્રી પીયૂષભાઈ કોઠારીએ સંપૂર્ણ પ્રકાશન સૌજન્ય દાખવ્યું છે. પણ વાત રહી કવિના જન્મદિનની ઉજવણી આગવી રીતે કરવાની ! કવિ અને સમાજના સંબંધો વચ્ચે શ્વસતો સાચો કલાકાર હંમેશા દશાંગુલ ઉર્ધ્વગતિધારી હોય છે. કલાકારના રથની ચારેકોર સત્યમ, શિવમ, સુંદરમની ગૂંજ હોય છે. પ્રશ્ન એટલો જ છે કે કયો સમાજ મન, હ્રદય અને બુધ્ધિથી કલાકારને પામી શકે છે? અને જે સમાજ તેમ કરી શકે તે સમાજ કલાકારને ખોંપી પણ શકે છે. સમાજના સુસંસ્કૃત હોવાની સાહેબી આને જ કહીશું ને, વારુ !

આખરે નક્કી થયું કે કવિ મુસાફિરના ૬૬મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ઉક્ત પુસ્તિકાનું વિમોચન કરવું ને સમાજને એમાં હોંશભેર વાચક-ભાવક તરીકે સામેલ કરવો, વળી નક્કી કર્યું કે વિમોચન દિને ઓછામાં ઓછા છાસઠ હજાર રૂપીયાની પુસ્તિકાઓ સહ્રદય મિત્રોમાં વિતરણ કરવી ! ક્રિકેટ-યુગમાં કવિતા પુસ્તિકા વિતરણની આ નવી દિશા શુભેચ્છક મિત્રોના સહકારથી અમો ઉઘાડી શક્યા છીએ તેનો પરમ સંતોષ છે. સર્જનયાત્રાના રથે બિરાજમાન કવિ મુસાફિર પાલનપુરીનું શબ્દપ્રેમીઓએ હંમેશા હર્ષભેર અભિવાદન કર્યું જ છે, ત્યારે આપને સૌ કવિના છાસઠમાં જન્મદિને શતમ જીવેમ શરદઃ પાઠવીએ.

– પુસ્તકની પ્રસ્તાવનામાંથી સાભાર.

મૂળ વાત રૂપિયા – પૈસા, ઉત્સવ – ઉજવણી, વિમોચન કે વિતરણ કરતાંય મનુજ અવતારે ક્યાંક આપણને સત-શબદનું અજવાળું લાધે એ પરમ-કામના સહ આજે પ્રસ્તુત છે શ્રી મુસાફિર પાલનપુરીના ૧૫૧ શે’રના સંકલનનું સુંદર પુસ્તક “૧૫૧ હીરા”. પુસ્તકના ઇ-સંસ્કરણ માટે પરવાનગી આપવા બદલ શ્રી મુસાફિર પાલનપુરીનો આભાર. અક્ષરનાદને આ ઇ-પુસ્તક ડાઊનલોડ વિભાગ માટે ભેટ આપવા બદલ વીણેલા મોતી.કોમના મિત્ર શ્રી જિજ્ઞેશ પારેખ, ‘માનવ’ નો ખૂબ ખૂબ આભાર.

પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ. ડાઊનલોડ વિભાગ સાથે આજકાલ થોડીક ટેકનીકલ તકલીફો ચાલી રહી છે, અને તેને દૂર કરવાના ઉપાયો થઈ રહ્યા છે, કદાચ જો પુસ્તક ડાઊનલોડ કરવામાં કોઈ સમસ્યા જણાય તો થોડા કલાકો પછી ફરી પ્રયત્ન કરવા વિનંતિ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ)