અક્ષરનાદ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ 6


ગંગાસતીના ભજનોની ટી-સીરીઝ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઑડીયો સી.ડી અક્ષરનાદ દ્વારા તદ્દન મફત ભેટ સ્વરૂપે આપવા ઉપલબ્ધ છે. આ માટે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા કહેવાયેલું. આ પ્રશ્નોત્તરી ઉત્તરો સહિત તૈયાર કરી આપવા માટે શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂનો આભાર. આ સ્પર્ધામાં બધા પ્રશ્નોના ઉત્તરો આપવા ફરજીયાત હતા. સ્પર્ધાને સરસ પ્રતિસાદ મળ્યો તે બદલ સર્વે વાચકમિત્રોનો આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. પ્રશ્નોના સાચા જવાબ તથા વિજેતા મિત્રોના નામ નીચે દર્શાવ્યા મુજબ છે.

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર….” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– દાસી જીવણ

સતગુરૂ વચનના થાવ અધિકારી…” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– ગંગાસતી

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી …” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– નરસિંહ મહેતા

હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને….” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– પ્રીતમદાસ

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– કવિ દાદ

રામબાણ વાગ્યા હોય ઈ જાણે….” ભજનના રચયિતાનું નામ જાણો છો ?
– ધનો ભગત

અમરેલીના પ્રખ્યાત સંતકવિનું નામ જાણો છો ?
– મહાત્મા મૂળદાસજી

સૌરાષ્ટ્રની મીરાંનું બિરુદ મળ્યું છે એવા સંત ભજનિકનું નામ જાણો છો ?
– દાસી જીવણ
* અક્ષરનાદ પરના સંતવાણી વિચારગોષ્ઠિ વખતના શ્રી ભાણદેવજીના વક્તવ્યને આધારે ઘણાં મિત્રોએ ગંગાસતી – સૌરાષ્ટ્રની મીરાં એવો ઉતર આપ્યો છે, જો કે ઝવેરચંદ મેઘાણીથી લઈને અન્ય અનેક વિદ્વાનો દાસભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરતા હોવાને લીધે દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાં ગણાવે છે. સ્પર્ધા પૂરતું બંને ઉત્તરો માન્ય રાખ્યા છે.

ભજન લોકવાણીનો અંતિમ પરિપાક છે, અને એ સંતસાહિત્યનું ફોરમતુ ફૂલ છે” એમ કોણે કહ્યું છે?
– ઝવેરચંદ મેઘાણી

આપણા ચાર સંત કવયિત્રીઓના નામ જાણો છો?
– અહીં અનેક સંત કવયિત્રીઓના નામ આપી શકાય, જેમ કે ગંગાસતી, મીરાંબાઈ, સતી તોરલ, લોયણ, પાનબાઈ, દેવળદે, અમરમાં, વગેરે.

આરાધ અને પ્રભાતી ક્યા સમયે ગવાય છે? બંને ગાવા માટેનો નિશ્ચિત સમય જણાવો. –
શ્રી નિરંજન રાજ્યગુરૂના પુસ્તક “સતની સરવાણી – કંઠસ્થ પરંપરાના ભજનો” અંતર્ગત સંકલિત કરાયેલા 108 ભજનોના સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે, “રાત્રિના બારનો સમય થાય. અલખ ઘણીની જ્યોતસામે થાળઘરાય, આરતી-ઘૂપ થાય-ઠાકરથાળી-કોળી પાવળના મંત્રોની સાથે નિર્ગુણ-નિરકાર જ્યોત સ્વરૂપી અલખપુરુષની આરાઘના કરતાં આરાઘ પ્રકારનાં ભજનો શરૂ થાય.” અને “પાંચ વાગ્યાનો સુમાર થાય અને શરૂ થાય પ્રભાતી. ‘જા જા નિંદરા હું તને વારું છું નાર ઘુતારી રે……..’, ‘જાગોને જશોદાના જાયા વાણલાં રે વાયાં….’, ‘જાગીએ રઘુનાથ કુંવર પંછી બન બોલે….’, જેવા પ્રભાતના પહોરનું વર્ણન કરતાં પ્રભતી રાગનાં ભજનો પછી પ્રભાતિયાં ગવાય. ‘હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા….’, ઝૂલણા છંદમાં રચાયેલા પદો: ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે’…”

તમારું સૌથી પ્રિય ભજન કયું? શા માટે?
આ પ્રશ્નના ઉતરમાં મિત્રોએ અનેક ભજનો વિશે અને તેમને શા માટે પ્રિય છે તેના વિશે લખ્યું છે, જે અંતર્ગત નેધરલેન્ડ્સથી એક વડીલ લખે છે, “મારું સૌથી પ્રિય ભજન છે ગંગાસતીનું ” વિજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ ” કેમેકે આ ક્ષણભંગુર જીવનમાં અધ્યાત્મ પથ પર ચાલી તુરીયાવસ્થામાં પહોંચી હરિનામના મોતીડાને પરોવી લેવાની એક ખૂબ ઉંડી વાત તેઓ પાનબાઈને સમજાવતાં આપણને પણ સમજાવે છે.”

આ સ્પર્ધાના ત્રણ વિજેતા મિત્રો છે,

ચંદ્રકાંત જોગીયા (નેધરલેન્ડ્સ)

નરેન્દ્ર જે પટેલ (ભરૂચ, ગુજરાત)

હિતેશભાઈ સટોડીયા (ભાવનગર)

સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અક્ષરનાદને લીધે મને પણ આ ક્ષેત્રમાં વધુ જાણકારી મેળવવાની તક મળી, આપણી ભજનપરંપરાની સરગમને, એક માધ્યમ બનીને ભજનભૂખ્યા ભેરૂઓ સુધી આ સરવાણીને વહેંચવાની તક મળી તે બદલ ખૂબ આનંદ છે. આ પ્રશ્નોત્તરીમાં એક કે બે જવાબો સાચા ન આપી શક્યા હોય એવા અનેક મિત્રો છે, તેમને ફક્ત એ જ કહેવાનું કે આ સ્પર્ધાને બહાને પરંપરાગત સંગીત વિશે આપણા જ્ઞાનને ચકાસવાની તક મળી તે મોટી વાત છે. પ્રશ્નોત્તરીના ઘણાં ઉતરો ડૉ. નિરંજનભાઈની વેબસાઈટ આનંદઆશ્રમ.કોમ અથવા અક્ષરનાદ પરથી થોડીક શોધને અંતે મળી રહે તેવા હતાં. વિજેતાઓને તેમની ભેટ મોકલવા માટે ઈ-મેલ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને એકાદ અઠવાડીયામાં તેમને ઑડીયો સી.ડી. (સૌજન્ય ટી-સીરીઝ) મળી જશે.

– જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક,
અક્ષરનાદ.કોમ


Leave a Reply to PRAFUL SHAHCancel reply

6 thoughts on “અક્ષરનાદ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ

  • Pushpakant Talati

    ” વિજેતાઓને તેમની ભેટ મોકલવા માટે ઈ-મેલ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને એકાદ અઠવાડીયામાં તેમને ઑડીયો સી.ડી. (સૌજન્ય ટી-સીરીઝ) મળી જશે.”

    ઉપરોક્ત સમાચારથી ઘણી જ ખુશી થઈ છે. દરેક વિજેતાઓ ને મારા હાર્દિક અભિનન્દન. – તેમજ આવા સરસ તથા રુચીવર્ધક પ્રયાસ બદલ ‘અક્ષરનાદ’ ના પ્રયાસને પણ હું બિરદાવું છું .

    જો કે વિજેતાઓ ને તો આ Audio C.D. (ઓડીયો સી ડી) પ્રાપ્ત થશે જ પરન્તું ઘણા એવ પણ હશે કે જેઓ આ પ્રાપ્ત કરવા ઈચ્છા ધરાવતા હશે.

    મારી એક નમ્ર અરજ છે કે “અક્ષરનાદ” નાં VISITORS ને આ સરસ સીડી CONCESSIONAL ભાવે તથા original CD મેળવી શકે તો તે ઉત્તમ કામ થશે. – વળી આ ઓડીયો સીડી એવી પ્રકારની છે કે તે દ્વારા આપણા અસલ સંસ્કારોની તથા આપણી અસલ સંસ્ક્રુતિની ઝલક પણ મેળવી શકાય. આ પ્રકારની સામગ્રી જો concessional rate થી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે એક પ્રકારની સેવા જ ગણી શકાય. તો તે બાબત શક્ય હોય તો યોગ્ય કરવા મારી વિનંતી છે.

    આશા છે કાંઈક જરૂર થશે જ.

  • SANJAY C SONDAGAR

    વિજેતા મિત્રો ને ખુબ ખુબ અભિનદન .. જિગ્નેશ ભાઈ ખુબ સરસ પ્રયાસ હતો ભજન પરંપરા ને જાણવનો.