બે ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 3


૧). કોઈ તારું નથી…

સાવ જૂઠું જગત કોઈ તારું નથી.

મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?

છે બધું મનઘડંત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,

આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી,

છેક સુધી સતત કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,

બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ એય બેચાર પળ,

કે અહીં હરવખત કોઈ તારું નથી.

૨). અધૂરી લાગે છે….

શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,

આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે.

એ રંગ કયો આંખે ઘૂંટ્યો? ભીતરથી જાય નહીં છૂટ્યો,

એ રંગભાતને શું નિસ્બત હર ભાત અધૂરી લાગે છે.

એમાં થોડું જો સ્મિત ભળે આખો અવસર અજવાળી દે,

આ હું પદ કેવું ખટકે છે? સોગાત અધૂરી લાગે છે.

જે મૌન અહીં ઘૂંટી હરપળ, જે રાત દિવસ ભીતર ખળભળ,

એ વાત વિનાની તો સઘળી રજૂઆત અધૂરી લાગે છે.

સઘળું છોડીને આવી છે, મનગમતા સૌને લાવી છે,

આખરની પળ, આખરવેળા…. કાં રાત અધૂરી લાગે છે?

ક્યાં ખોટ કશાની છે ઘરમાં, જીવું છું જાણે અવસરમાં,

આ કોણ યાદ આવ્યું મિસ્કીન કે જાત અધૂરી લાગે છે?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ આપણી ભાષાના એક ખૂબ જાણીતા – માનીતા કવિ છે. તેમના ‘છોડીને આવ તું…’ ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ૨૦૦૫ નો પ્રથમ પુરસ્કાર અને હરિન્દ્ર્ર દવે પારિતોષિક મળ્યાં છે. તો તેમનો બીજો ગઝલસંગ્રહ ‘કોઈ તારું નથી’ પણ એવો જ મનનીય અને સુંદર ગઝલોનો ગુચ્છ છે, જેમાંથી આજે બે ગઝલ અહીં ઉદધૃત કરી છે. બંને ગઝલો અને તેના પ્રત્યેક શે’ર સાંગોપાંગ, સીધી ચોટ કરીને ભાવકના હ્રદયને સ્પર્શે એવા સુંદર અને અર્થપૂર્ણ છે. આ જ પુસ્તકમાં તેમણે કેટલાક સુંદર મત્લા પણ આપ્યા છે, જેમાંથી કેટલાક આજે અહીં લીધાં છે.

આવીને રોજ હોઠથી પાછું વળી ગયું,

એ નામ અંતે લોહીમાં જ ઓગળી ગયું.

હર પળે ભોંઠો મને પાડી ફરી લલચાવતો

આ એક ચહેરો કેટલા ચહેરાને મળતો આવતો.

નીકળી જવા ચહું છું દૂર તારી આશથી,

જળને મથું છું પાડવા છૂટું ભિનાશથી.

ચેન થઈ રહેતી નથી તો દર્દ થઈ સચવાય છે,

કોઈ પણ રીતે કદી ક્યાં યાદ અળગી થાય છે?


Leave a Reply to Jagdish PandyaCancel reply

3 thoughts on “બે ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  • Jagdish Pandya

    રાજેશભાઇ,
    ખુબજ સુન્દર આ બન્ને ગઝલ વાન્ચિને આનન્દ થયો.
    તમારા બન્ને પ્રકાશનો કેવિ રિતે મેલ્વિ શકાય? જરા જનાવશો?
    (અન્ગ્રેજિ ટાઈપંમાથિ ગુજરાતિ અક્શરોમા પતિવર્તન કરવાનુ હજિ ફાવતુ નથિ, માફ કરજો)

  • La' kant, 'KAINK'

    Just ,Yesterday only…I quoted ” CHHODINE CHALYO AAV TU’ (my fav. lines for’KHOJI /SADHAK’ of spiritual aspects of life..).’ KOI TARU NATHI’ pan realistic lagati vaat …Biji Krutima Perfection ane oonchi Chijona shokhin…Aadatee/Hevaayaa ne lagbhag biju ghanu badhu ‘ADHURU’ lagej lage!!!
    . Ane,Yaadnee peedaato lagabhag samvedansheel loko bhogavtaaj hoy chhe..’.Naamnu LOHEEMA OGALEE JAVU..’. pan chotdaar lagee aa kshane…AA B H AA R…
    —La’Kant ‘ KAINK’