સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2


દક્ષ અને શિવનો વિરોધ તથા દક્ષયજ્ઞના ધ્વંસનો મર્મ ન સમજવાને લીધે આપણે દક્ષની હાલત દયાજનક કરી મૂકી છે. વૈદિક જગતનો આદિ યજ્ઞકર્તા અને ગૌરવશીલ પ્રજાપતિ મિથ્યાભિમાનનું પૂતળું બની ગયો છે. દક્ષે શિવનું અપમાન કર્યું, સતીએ અગ્નિસ્નાન કર્યું અને વીરભદ્રે દક્ષનો નાશ કર્યો – આ કથામાંથી આપણે એક જ સૂર તારવ્યો છે – શિવનિંદા કરવાથી કેવા હાલહવાલ થાય એ દર્શાવવા જ જાણે આ કથા રચવામાં આવી છે. દક્ષ એટલે આવા અધઃપતનનો દાખલો. શિવે કૃપા કરી દક્ષના મસ્તકને સ્થાને યજ્ઞ પશુનું મસ્તક ચોંટાડીને તેને સજીવન કર્યો પણ તેથી તો દક્ષની સ્થિતિ લોકમાનસમાં વધુ કફોડી થઈ ગઈ. બકરાના મોઢાથી દક્ષની વિરૂપતા વધી ગઈ. આજે પણ શિવાલયમાં દર્શન કરવા જતાં ઘણાં કટ્ટર શિવભક્તો મોઢેથી બેં બેં કરી બકરો બોલાવે છે, તેનાથી, આવા ઉદગારથી શિવ પ્રસન્ન થાય છે એમ તેઓ માને છે. એક તત્વસભર કથાને કેટલી નીચી હદે લાવી શકાય તે આવી બાલિશ માન્યતા બતાવે છે.

દક્ષ અને શિવ સામસામે છેડે છે. કર્મરત દક્ષમાં શિવનેત્ર નથી. અને શિવનેત્ર છે ત્યાં કર્મને સ્થાન નથી. દક્ષ જ્યારે કાર્યના પૂર્ણબિંદુએ પહોંચે છે ત્યારે શિવનેત્ર ઉઘડે છે. દક્ષ માટે તે પ્રલયની ઘડી છે. ફળ આવતાં ફૂલ ખરી પડે એવી આ સાફલ્યની વેળા છે. અદિતિ અને દક્ષના સંબંધ વિશે જે વૈદિક દ્રષ્ટિ છે તે દક્ષ અને શિવ દ્વારા જુદી રીતે વ્યક્ત થઈ છે. અદિતિને યજુર્વેદમાં ‘ઉભયતા શીર્ષ્ણા’ (વજુ. ૪-૧૯) બંને બાજુ મસ્તક ધરાવનારી કહી છે. તે મારે છે અને જિવાડે છે અથવા તો મારીને જિવાડે છે. શિવ પણ દક્ષનું મસ્તક છેદીને તેને નવા રૂપે જીવંત કરે છે.

દક્ષ અને શિવ વચ્ચે કેવી રીતે વિરોધ થાય છે તેનું અચ્છું દર્શન ભાગવતમાં (૪-૨) આપવામાં આવ્યું છે, કથા છે

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ?

મૈત્રેયે જવાબમાં એક પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું કે પૂર્વે પ્રજાપતિઓના યજ્ઞમાં મહર્ષિઓ, દેવગણો અને મુનિઓ મળ્યા હતા. ત્યાં સૂર્ય સમાન તેજસ્વી દક્ષનું આગમન થયું. બ્રહ્મા અને શિવ સિવાય સહુએ ઉભા થઈ તેનો સત્કાર કર્યો. દક્ષે બ્રહ્માને નમી આસન લીધું પણ શિવે ઉભા થઈ તેનું સ્વાગત ન કર્યું એ તેનાથી સહન ન થયું. તેણે સભાસદોને કહ્યું કે પોતે અજ્ઞાનથી કે અદેખાઈથી નહીં પણ સત્પુરુષોના આચરણ વિશે કહેવા માંગે છે.

શિવે ઉભા થઈને વંદન તો ન કર્યા પણ સ્વાગતના બે વેણેય ન ઉચ્ચાર્યા? આ શું યોગ્ય છે ? પોતાના જમાઈ તરીકે શિવ શિષ્ય જેવા ગણાય. તેની પાસેથી દક્ષ વડીલ તરીકે આદરમાનની આશા તો રાખે ને? પછી શિવના અવિનય માટે દક્ષે ઘણાં આકરા ને કડવાં વેણ સંભળાવ્યા. શિવને દેવોની સાથે યજ્ઞભાગ નહીં મળે એવો શાપ આપ્યો. આમ છતાં શિવ તો એવા જ પ્રશાંત રહ્યાં પણ શિવના મુખ્ય ગણ નંદીશ્વરથી ન રહેવાયું. તેણે દક્ષને તથા દક્ષને અનુમોદન આપનાર બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તેઓ તત્વથી વિમુખ થજો, ભેદબુદ્ધિ અને આસક્તિને વશ કરી તેઓ વેદનો સ્થૂલ અર્થ કરી કર્મકાંડમાં રચ્યાપચ્યા રહેજો અને અવિદ્યાથી ગ્રસ્ત બનીને આત્મસ્વરૂપ ભૂલી પશુ જેમ વિચરજો. નંદીશ્વરે બ્રાહ્મણકુળને એવો શ્રાપ આપ્યો તેથી મહર્ષિ ભૃગુએ શિવભક્તોને બ્રહ્મદંડ સમો શ્રાપ આપ્યો કે તેઓ સતશાસ્ત્રથી વિમુખ થઈ પાખંડી થજો. શુચિતાહીન, બુદ્ધિહીન બની શિવદીક્ષામાં પ્રવેશ કરી તેઓ મદિરા, ભાંગ, ગાંજો પીનારા થજો.

આમ બંને બાજુથી શ્રાપની ઝડી વરસી ત્યારે શિવ જરા ઉદાસ બની ત્યાંથી ચાલ્યા ગયા. પ્રજાપતિઓ પછી તે યજ્ઞ પૂરો કરી પોતપોતાને સ્થાને ગયા.

દક્ષ શિષ્ટાચારી છે. તે દરેક રીતે અર્થદક્ષ (ઑર્થોડૉક્સ) છે. સંસારમાં જે કાંઈ વહેવાર પરાપૂર્વથી ચાલે છે તેનું પાલન કરવાનો આગ્રહી છે. આટલું હોય તો ઠીક, પણ તે બીજા પણ પોતે માન્ય કરેલા નિયમો મુજબ ચાલે એ જોવા માગે છે. તેનો માપદંડ છે બ્રાહ્ય આચાર. શિવ મૂર્તિમંત સદાચાર હોવા છતાં તે તેના અંતરમાં ડોકીયું કરવા તૈયાર નથી. દક્ષને જોઈ શિવ ઉભા ન થયા કારણ? જેની દ્રષ્ટિમાં ઉંચ નીચ કે નાનો મોટો નથી તે શા માટે ઉભા થાય? શિવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં સ્થિતિ છે, કૃતિ નથી એટલે તે નથી ઉભા થતા, નથી બોલતા, બહારનો કોઈ વહેવાર તેમને બાંધી શક્તો નથી. અને દક્ષ તો શાસ્ત્રસંમત, પૂર્વમાન્ય આંકેલા માર્ગે જ પગલું મંડાય છે કે નહીં એ સિવાય કશું જોઈ શક્તો નથી. દક્ષ છે શાસ્ત્રબદ્ધ, શિવ છે સ્વતંત્ર સ્વતંત્ર. શાસ્ત્રમાંથી મુક્તિ મળે ત્યારે શિવલોકના દર્શન થાય. પણ એ દર્શન કાંઈ શાસ્ત્રોનો ઉચ્છેદ કરવાથી થતાં નથી, શાસ્ત્રોનો મર્મ પામવાથી થાય છે.

નંદીએ દક્ષને શ્રાપ આપ્યો અને ભૃગુએ નંદીને શ્રાપ આપ્યો તે શાસ્ત્રની મર્યાદા અને મર્યાદાના ઉલ્લંઘનમાં રહેલાં ભયસ્થાનો બતાવે છે. આજે પણ આપણે સમાજમાં શું જોઈએ છીએ? નંદી અને ભૃગુનો શ્રાપ કામ કરતો દેખાય છે. એક તરફ શાસ્ત્રોની પારાયણો, મંત્રોના પુરશ્ચરણો અને ક્રિયાકાંડની ધમાલમાં આત્મતત્વ વિસારે પડે છે. બીજી તરફ સર્વ શાસ્ત્રોને પાણીમાં પધરાવી, સર્વ મર્યાદાઓને તોડીફોડી સ્વેચ્છાનુસારનું ઉન્મત નૃત્ય ચાલે છે. દક્ષના અનુયાયીઓ અને શિવના અનુચરો પાસેથિ સાચો અને સૂક્ષ્મ માર્ગ મળવો દુર્લભ છે. ત્યારે માર્ગ કોણ બતાવશે ? જેણે દક્ષ અને શિવનો સંબંધ જોડી આપ્યો તે સતી પાસે આપણે અધ્યાત્મની દીક્ષા લેવા જવું પડશે. સતી એક એવી તેજરેખા છે, જે યજ્ઞમાં જાતને હોમીને યજ્ઞથી પર તત્વનો પરિચય કરાવે છે. સતીના અગ્નિપ્રવેશથી જે મન હાહાકાર મચાવે છે તેને આપણે કહેવું પડશે કે તારે જ પહેલું યજ્ઞકુંડમાં હોમાવાનું છે.

દક્ષપુરાણોમાં એક વિશેષણ વારંવાર આવે છે, ‘દક્ષો દુહિતૃવત્સલ’, – દક્ષને પોતાની પુત્રીઓ ઘણી પ્રિય છે. પોતાની વૃત્તિઓ તથા કૃતિઓનું જ બરાબર જતન કરે તે દક્ષ છે. ચન્દ્ર રોહીણી પ્રત્યે આસક્ત થઈ બીજી પત્નિઓની અવજ્ઞા કરતો હતો ત્યારે દક્ષે તેને શ્રાપ આપ્યો હતો. સૌર્યશક્તિ કે ચાન્દ્રશક્તિ, દિવસનું જાગ્રત મન કે રાત્રિનું અજાગ્રત મન આ તમામ પ્રત્યે દક્ષ સદા ધ્યાન આપે છે. આ બધી મનની શક્તિઓથી પર જે છેક મનસાતીત ભૂમિ સુધી જાય છે તે સતી છે. તેને મૂર્ધા સુધી જતી સુષુમ્ણા કહી શકાય, કારણ કે સાક્ષાત શિવ સાથે સાયુજ્ય પામ્યા વિના તે વિરમતી નથી.

મૂર્ધાનો પ્રદેશ દક્ષના અધિકારથી પર છે. તે કૈલાસ છે, સર્વ નિયમોથી પર શિવની રમણભૂમિ છે, જેને કોઈ નિયમ, ધર્મ લાગૂ ન પડે તે નંગધડંગ શિવ સાથે દક્ષ પોતાની કન્યા પરણાવે કે? સહુથી નાની સતીના લગ્ન તેણે શિવ સાથે કમને કર્યા છે. ભાગવત કહે છે કે ‘અનિચ્છન અપ્યયાં બાલાં.’

અનિચ્છાએ આ ભૂતેશને પુત્રી પરણાવી.પિતામહ બ્રહ્માનો આદેશ હતો એટલે શું થાય? પણ સતી તો શિવને વરી શિવનું અર્ધું અંગ જ બની ગયાં. તેમને હવે ન યજ્ઞની જરૂર પડી, ન યજ્ઞફળની. સતી ‘શિવસંગે સદારંગે આનંદમગના.’ અને છતાં તેમનો એક હ્રદયતંતુ પિતા સાથે જોડાયેલો છે. કદાચ દક્ષની બહાર દેખાતી કર્મઠતા અને કઠોરતાની અંદર ઉંડે ઉંડે છુપાયેલી કોમળતા તેમણે જોઈ લીધી છે, એક પુત્રીને નાતે.

શિવની ઇચ્છા વિરુદ્ધ જઈને સતી પિતાને ઘેર યજ્ઞ સમયે આવે છે. અહીં એક એવા દૈવતનો પરિચય થાય છે જે સ્વેછાએ યજ્ઞમાં પ્રવેશ કરે છે. બીજા દેવોને તો આવાહન કરો ત્યારે આવે પણ સતી સ્વયં ચાલી આવે છે. સતીના આગમનથી અને તેના અગ્નિપ્રવેશથી યજ્ઞનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. અગ્નિના બે સ્વરૂપ છે – યજ્ઞિય અને ગુહ્ય. યજ્ઞિય સ્વરૂપ તો બ્રાહ્ય યજ્ઞકાર્યમાં જોઈ શકાય છે પણ ગુહ્ય યજ્ઞકર્તાની નાભિમાંથી પ્રગટ થાય છે. નાભિ, હ્રદય, મૂર્ધા આ અમૂર્ત અગ્નિના સ્થાન છે. સતી આવા ગુહાનિહિત અગ્નિનું પ્રાગટ્ય દર્શાવે છે. દક્ષના બ્રાહ્ય યજ્ઞનો આ અંતરાગ્નિ જાગતાં વિનાશ થઈ જાય છે. આમ પણ સતી તેની આત્મજા છે ને.

વેદની અદિતી એ જ પુરાણમાં સતી રૂપે જન્મી છે. અદિતિ વિશે વેદમંત્ર છે.

અદિતિઃ હિ અજનિષ્ટ દક્ષ યા દુહિતા તવ,
તાં દેવ અન્વજાયન્ત ભદ્રા અમૃતબન્ધવઃ
(અદિતી જ દક્ષ પ્રજાપતિની પુત્રી થઈ જન્મી હતી એ અદિતી વડે કલ્યાણ અને અમૃતના બંધુ દેવો જનમ્યા છે.)

દક્ષ યજ્ઞમાં સતીએ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિઃ કહીને પોતાની આહુતિ આપીને દક્ષના કર્મ અને શિવની સમાધિનો યોગ સાધી આપ્યો. પછી શિવ દ્વારા દક્ષ અને મહર્ષિઓને જે નવજીવન મળ્યું તે કલ્યાણમય, અમૃતમય બની રહ્યું.

– મકરન્દ દવે

(‘ગર્ભદીપ’ માંથી સાભાર.)


2 thoughts on “સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે

  • જયેન્દ્ર ઠાકર

    શિવરાત્રિના પ્રસંગે આ સુદંર વિચાર્ણા પ્રસ્તુત કરવા બદલ આભાર. એક પ્રશ્ન છે કે સતી=અદિતિ એટલે આદી શક્તિ કે નહી?

  • shirish dave

    અદિતિ એ સર્જન શક્તિ છે જે બ્રહ્મ સ્વરુપ છે. અને સતિ એ તેનું વૈશ્વિક સ્વરુપ. જેમ શિવ એ બ્રહ્મ સ્વરુપ છે અને રુદ્ર એ વૈશ્વિક સ્વરુપ (વિશ્વરુપ) છે. શિવ અવ્યક્ત છે. તેમ અદિતિ પણ અવ્યક્ત છે. રુદ્ર એ વિશ્વનું વ્યક્ત સ્વરુપ છે તેમ સતિ વૈશ્વિક શક્તિનું વ્યક્ત સ્વરુપ છે.

    વ્યક્તની ઉપાસના કરવી કે અવ્યક્તની એ એક વિવાદ હતો.

    સરખાવો કૃષ્ણ અને ઈન્દ્રની વાતને .

    શ્રી કૃષ્ણે કહ્યું ઈન્દ્ર દેખાતો નથી. ગોવર્ધન તો દેખાય છે. માટે ગોવર્ધન ની ઉપાસના કરો. યોગાનુયોગ પુષ્કળ વરસાદ થયો. શ્રી કૃષ્ણ ગાયોને અને સૌને ગોવર્ધન પર્વત ઉપર લઈ ગયા. બધાનો પૂરથી બચાવ થયો. આ બાબતને લોકભોગ્ય બનાવવા ઈન્દ્ર અને કૃષ્ણ વચ્ચે નો વિવાદ ઘુસેડ્યો. વાસ્તવમાં કૃષ્ણ આવા વિવાદમાં માનતા હોય તેવા સંવાદો આગળ ઉપર મળતા નથી. પણ સંભવ છે કે આવો કોઇ વિવાદ અમુક સમયે પ્રચલિત હોય.

    દક્ષના યજ્ઞ વિષે પણ આવું જ હોઈ શકે. વેદમાં સામાન્યરીતે વ્યક્તને લગતી રુચાઓ છે. પણ દરેક વ્યક્તની પાર્શ્વ ભૂમિકામાં અવ્યક્ત અભિપ્રેત છે. અને તેથી બ્રહ્માણ્ડને એક મહાદેવ ગણી તેને રુદ્ર સ્વરુપે કલ્પવામાં આવ્યું છે. રુદ્ર યાગની રુચાઓ આ વાત પ્રસ્થાપિત કરે છે.

    દક્ષે રુદ્રને તો આમંત્રણ આપેલું જ. રુદ્રનું શરીર અગ્નિનું બનેલું છે. પણ શિવને નહીં આપેલું. વાયુ પુરાણ જે સૌથી પ્રાચીન છે તેમાં આવી વાત આવે છે. સતિને શિવ આમ સમજાવે છે કે મને દક્ષે રુદ્ર તરીકે તો આમંત્રણ આપેલું જ છે.

    હવે આ તો બધી દંત કથાઓ છે. અને તેથી તેમાં બધા તાળાઓ મળે નહીં. પણ એક વાત એ છે કે બધી ગડબડ વ્યક્ત અને અવ્યક્ત ની છે. દક્ષ અને શિવની વાતો વ્યાપક છે. તેથી તેમાં ઐતિહાસિક તત્વ એ હોઇ શકે કે એક સ્ત્રી કે જેને (પહેલેથી કે પાછળથી) શક્તિનો અવતાર મનાતી હોયતે યજ્ઞનો વિરોધ કરવા ગઈ હોય અને આકસ્મિક રીતે કે જાણી જોઇએને યજ્ઞ કુંડમાં પડી હોય. તેથી ત્યાંના રાજા વિરભદ્રએ તે યજ્ઞનો અને દક્ષનો પણ નાશ કર્યો હોય તેથી તે યજ્ઞ અધુરો રહ્યો હોય.

    ચાલો સહુ સંપીને રહીએ. તે પછી અવ્યક્ત ને પણ વ્યક્ત સમાન ગણો એમ નક્કી થયું હોય.

    આ બનાવમાં ખાસ ફિલોસોફી નથી. ઐતિહાસિક બનાવમાં રુપક, દંત કથા ની ભેળસેળ કરવામાં આવી છે.