શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6


છાયા રૂપે કાળી;
મારી ભીંતે ઝૂલતી આજે
કેવી દૂરની ડાળી !

કોઈ દીવાને કારણે એની
રમતી આવી રેખ,
રંગ સુગંધના સાજ ફગાવી
લીધો ભભૂત ભેખ !
ગિરધારીને ગોતવા ચાલી
મીરા શું મતવાલી ? મારી ભીંતે…

નૃત્ય એનું નીરવ પદે
ગીત એનું મૂક,
ાંગ તો ઝોલા ખાય રે કાંઈ
ભાવથી ઝૂકાઝૂક !
અણદીઠને દેખવા જાણે
જ્યોતની કોરી ઝાળી. મારી ભીંતે…

આમ તો આઘે, પણ ઝળૂંબી
પ્રાણ થકી યે પાસ,
કોરી રેખને કાળજે કોરી
અણસૂંઘેલ સુવાસ !
પડછાયામાં પ્રાણધારા કો
રેલી આજ રસાળી ! મારી ભીંતે…

પેલા બાગમાં ફૂલડે મ્હોરી
લીલમ વરણી કાય
કાળમકાળી અહીં તો એની
આવી કેવળ છાંય !
દીવડા આડે એ જ કાં જાતી,
આખું ઘર ઉજાળી. મારી ભીંતે…

– મકરન્દ દવે

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે.

‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. કવિના ઘરની દીવાલ ઉપર રાત્રે કોઈ વૃક્ષની ડાળીનો પડછાયો પડે છે. બસ, માત્ર આટલું દ્રશ્ય કવિચેતનાના ઉંડા સંસ્કારને જાગ્રત કરે છે અને આખું દ્રશ્ય આંતરિક અનુભૂતિનું મર્માળુ રહસ્ય બની રહે છે. પ્રથમ કડીમાં સુંદર ચિત્ર આપણી સમક્ષ રમતું થઈ જાય છે. અહીં ‘ભીંત’, ‘દૂરની ડાળી’ અને ‘છાયારૂપે કાળી’ શબ્દો કાવ્ય પૂરું થયે રૂપક બની રહે છે. ‘મારી ભીંતે ઝૂલતી આજે’ – પંક્તિ અટકાવીને ‘કેવી દૂરની ડાળી’ એ બીજી પંક્તિમાં મૂકતાં, ડાળી જાણે કે એક વાર ઝૂલીને અટકે છે અને ફરી વાર ઝૂલે છે એવી રમણીયતા વ્યક્ત થાય છે.

આ ભીંત પરના પડછાયાની ડાળી જોઈને કવિ જે કલ્પના કરે એ તે બૌદ્ધિક પ્રદેશથી પર આવેલા અનુભવની લાગણીને વ્યક્ત કરે છે. અલબત્ત આવી લાગણીને વ્યક્ત કરવા શબ્દોનો જ આશરો લેવો પડે છે. ડાળનો આ તો પડછાયો ! એ પડછાયો પડે છે તેનું કારણ કોઈ ‘દીપક’ ક્યાંક અજવાળું પાથરી રહ્યો છે. પડછાયાના ચિત્રમાં કોઈ સુગંધ-રંગ ન હોય. જાણે કે સંસારના બધા ભોગ વિલાસ (રંગ-સુગંધ) ત્યાગીને કોઈએ ભેખ (વૈરાગ) ન લઈ લીધો હોય એવી આ ડાળી છે ! કાવ્યની પહે૩લી કડીમાંજ પ્રતીકની ગૂઢતાનો અણસાર મળે છે તે અહીં હવે વધુ સ્પષ્ટ થતું જાય છે. ‘ભીંત’ શબ્દથી ચેતનાની ભીંત, ‘દૂરની ડાળી’ એ ભીંત પરના પડછાયાની કોઈ મૂળ વૃક્ષની લીલીછમ ડાળી સૂચવે, ‘કાળી છાયા’ થી પડછાયાની ડાળીનો અસલ ડાળી સાથેનો સંબંધ સૂચવાય છે. આ પડછાયો પડવાનું કારણ કોઈક દીવો છે ! પરમતત્વનુમ પ્રતીક બનતો દીવો, વૃક્ષની અસલ ડાળી, ભીંત, ભીંત પર પ્રકાશ અને અસલ વૃક્ષની ડાળીનો પડછાયો. જાણે કે ચેતનાની દીવાલ ઉપર પરમના કોઈ આછા પ્રકાશમાં ‘વૃક્ષ’ની ડાળીના ‘પડછાયા’ને રમાડે છે. અહીં મૂળ વૃક્ષની ડાળીનો સીધો ઉલ્લેખ કવિતામાં થતો નથી. છતાં એ કેવું અસ્તિત્વ ધરાવે છે તે જુઓ ! આ અસલ ડાળીનું પ્રતીક સ્પષ્ટ કરવા જેવું નથી. એ અસ્પષ્ટ રહે એમાં જ કાવ્યની વ્યંજના વધુ વિસ્તરણ, ઉંડાણ અને સઘનતા સાધે છે. ચેતનાના પ્રદેશમાં વિવિધ લીલાનો સંચાર એ સત્ય હોવા છતાં પડછાયા જેવો મિથ્યા જ છે. પરંતુ આ પડછાયો સત્ય ન હોવા છતાં કોઈ સત્ય સાથેનો સંબંધ અવશ્ય દર્શાવે છે. આમ, મિથ્યા તરફથી સત્ય તરફની ગતિ સિદ્ધ થાય છે.

પડછાયાની ડાળીમાં રંગ-સુગંધ નથી તેથી જાણે કે સંસારના ભોગ વિલાસ ત્યાગીને કોઈ સંન્યાસિનીએ ભેખ ધર્યો ન હોય તેવી તે લાગે છે! કવિ અહીં જ્યારે ઉપમા અલંકાર, કોઈ વિરક્ત સ્ત્રી સાથે ડાળી ને સરખાવીને યોજે છે ત્યારે કવિચિતમાં વૈરાગ્યનો ઘૂંટાયેલો ભાવ વ્યક્ત થાય છે. માત્ર વૈરાગ્યનો ભાવ જ હોત તો તે શુષ્ક રહેત. આ વૈરાગ્ય તો મીરાંનો છે ! મીરાંનો કૃષ્ણપ્રેમ અહીં વૈરાગ્યને રસપૂર્ણ અને ઉર્ધ્વગામી બનાવે છે. મતવાલી મીરાં કહીને કવિ મીરાંની મસ્તી અને સંસાર પ્રત્યેનો તેનો વૈરાગ્યભાવ સહજ રીતે વ્યક્ત કરે છે. હવે ભીંત, પડછાયાની ડાળ, દૂરની ડાળ, તેની પાછળ કોઈક દીપક – ક્રમશઃ કેવું સરસ મૃદુ ભાવભીનું ચેતનાનું સ્પંદન અભિવ્યક્તિ પામે છે? ‘પડછાયાની ડાળ’, ‘ભેખધારી’, ‘મતવાલી’ જેવા શબ્દોથી નિષ્પન્ન થતું ભાવવિશ્વ મીરાં સાથે એકરૂપ બને છે અને ચૈતન્યની ગૂઢ તથા સૂક્ષ્મ મસ્તી આપણી સમક્ષ ડાળ રૂપે નાચી ઉઠે છે. એ રીતે કવિ સ્થૂળ પડછાયાની ડાળથી આંતરસ્તરોના ગૂઢ પ્રદેશો તરફ ગતિ કરાવે છે. આ પંક્તિઓમાં શબ્દમાધુર્ય અને મૃદુતા એવાં સરસ ગૂંથાય છે કે તેમાં મીરાંના હ્રદયના ભાવોની ઋજુતા તથા વૈરાગ્ય સાથે મસ્તીની ભાત ઉપસી આવી છે. ‘રમતી આવી રેખ’ માં ર નું રેખાંકન ‘રંગ-સુગંધ’ શબ્દમાં અનુસ્વારનું અને ગ નું પુનરાવર્તન સંસારનું લીલાવૈવિધ્ય પ્રગટાવે છે તો ‘ભભૂત ભેખ’ માં કેવળ નિઃસંગ ભાવ ! ‘ગિરધારી…. મતવાલી’ પંક્તિમાં ગ અને મ ની વર્ણસગાઈ દ્વારા કૃષ્ણ મીરાંના વિરહની તીવ્રતા અનુભવાય છે. આ વિરહ અને પ્રેમનું મદીલું નૃત્ય આરંભાય છે. ડાળી ઝૂલે છે ત્યારે ! જુઓ – ‘નૃત્ય એનું… ઝૂકાઝૂક’.

પડછાયાનું હલનચલન નીરવ હોય છે. કવિ આ હલનચલનમાં ખરેખર લીન બને છે. તેમાં નૃત્ય નિહાળે છે અને મૂક ગીત સાંભળી રહે છે ! કવિચેતના અગમનો કોઈ એવો સ્પર્શ પામી છે કે આ સ્થૂળમાં પણ અગોચરનું નૃત્ય અને ગીત દ્વારા તેઓ ઐક્ય અનુભવી રહ્યાં છે. આ નૃત્ય એવું ભાવવિભોર અવસ્થામાં થાય છે કે ભાવાવેશમાં અંગેઅંગ કટકા થઈ જાય છે. ‘ઝૂકાઝૂક’ શબ્દમાં સશક્ત શરીરનો ગતિશીલ ચપળતા, ગતિશીલતા, સ્ફૂર્તિ, લય, માધુર્ય, શક્તિ અને સૌંદર્યનો સમન્વય જોવા મળે છે. આવા રાસની તીવ્ર ગતિનો ભાવ આ ઝૂકાઝૂક શબ્દ રજૂ કરે છે. સહજ રીતે થતી શબ્દ પસંદગી અને ચોટદાર અભિવ્યક્તિ કાવ્ય તત્વને બહેલાવે છે. ‘ઝ’ નો ઉચ્ચાર નશાજેવી મસ્તીનો અણસારો આપે છે. પડછાયાની આ ઝીણી ઝીણી ભાત જાણે કે કોઈ જાળીની ભાત હોય તેવી લાગે છે, કવિ તેને અણદીઠને દેખવા માટેની જ જાણે કે જાળી હોય તેવું જણાવે છે. અહીં સુંદર ચિત્ર ઉપસે છે. કોઈ સુંદરી મહેલના ગોખમાંથી પ્રિયતમને નિહાળતી હોય એવી રીતે અહીં ‘અણદીઠ’ ને નિહાળવા માટે જાણે જ્યોતની કોરી જાળી ન હોય એવી ઉત્પ્રેક્ષા જ્યારે અપાય છે ત્યારે શબ્દાતીત અનુભવ શબ્દબદ્ધ થાય છે. અણદીઠ છે એટલે જ એ અગોચર છે. તેને જોવા માટે સ્થૂળ જાળી ન ચાલે, તેને જોવા માટે જોઈએ છે સૂક્ષ્મ જાળી. માત્ર સૂક્ષ્મ પણ નહીં, પ્રકાશની જાળી ! અહીં જ્યોતની જાળી કેવું સૂક્ષ્મ અને વેધક પ્રતીક બને છે તે જુઓ. કવિચેતનાએ આવી કોઈ જ્યોતની જાળીમાંથી ડૉકિયું કર્યું છે. અને અકથ અણદીઠને ઝાંખોપાંખો જોયો છે તેનું તેજમાંથી નકશીકામ કરી ચિત્ર ઉપસાવી આપ્યું છે. આ જ્યોતની જાળીમાંથી આપણે ય ઉંચા થઈને અણદીટને જોવા મથતા હોઈએ એવું લાગે છે.

જ્યોતની જાળીમાંથી દર્શન થયા પછી ચેતનામાં એક રૂપાંતર થાય છે. પડછાયાની ડાળીમાંથી જે દૂરની અસલ ડાળી છે તે આ દર્શન પછી પડછાયાની ડાળને જોવાની દ્રષ્ટિ ઉર્ધ્વ બનતાં ‘અસલ’ અને ‘પડછાયો’ અદ્વૈતમાં પરિણમે છે. એટલે જ દૂરની ડાળી હવે પ્રાણથીયે પ્યારી બની જાય છે. જાણે કે સમગ્ર અસ્તિત્વમાં આ ડાળ ફેલાઈ જાય છે. જે રંગ સુગંધ વગરની હતી તેના કાળજામાં અણસૂંઘેલ સુવાસ પ્રસરે છે. ‘અણસૂંઘેલ શબ્દ દ્વારા ગહનનું સુગંધભર્યું રહસ્યાત્મક સૂચન થાય છે. ‘કાળજું’ શબ્દથી ‘કોરી’ રેખની જીવંતતા ધડકી ઉઠે છે. પછી તો પડછાયામાં રસાળી પ્રાણધારા – ચૈતન્યધારા રેલી રહે છે. માનવચેતનામાં જે પ્રાણધારા છે એ જ અહીં પડછાયામાં રેલાતાં પડછાયો અને કવિચેતનાનું સારૂપ્ય, ઐક્ય સ્થાપિત થાય છે. પંક્તિઓમાં વર્ણસગાઈનું માધુર્ય અણસૂંઘેલ સુવાસની જેમ ફોરી રહે છે.

આ ડાળી જે બગીચામાં ફૂલડેથી લીલમવરણી કાયાથી મહોરી છે તેની કાળી છાયા ભીંત પર આવી છે. ‘પેલા બાગમાં’ શબ્દોથી અગોચર પ્રદેશ સૂચવાય છે. એ પ્રદેશનું સૌંદર્ય ‘ફૂલડે મ્હોરી’ અને ‘લીલમવરણી કાય’ થી દર્શાવાય છે. જ્યોતની જાળીમાંથી અણદીઠને આટલો જોયા પછી કવિ એક પ્રશ્નાર્થમાં ડૂબી જાય છે. દીવડા આડે એ જ ડાળી આખું ઘર ઉજાળતી કેમ જાય છે? આ પ્રશ્નાર્થનો ઉત્તર પ્રશ્નાર્થ જ રહે છે. અને એક રહસ્યાત્મક લાગણીના અનુભવમાં આપણને છોડી દૂરની ડાળી અદ્રશ્ય થઈ જાય છે. છેલ્લી પંક્તિ સુધી પહોંચતા ભીંત, પડછાયો, ડાળી, કોઈ અગમ્ય તત્વના રહસ્યાત્મક વાહક બની રહે છે. અનુભૂતિની આ સ્વસ્થ અભિવ્યક્તિની ગતિ આ કાવ્યમાં જોઈએ તો પ્રથમ ભિંત, ડાળો, પડછાયો સૂક્ષ્મ રૂપે નજર સમક્ષ ખડાં થાય છે. પછી એ પડછાયા દ્વારા વિરક્તિ અને મીરાંના પ્રેમ સાથે સાયુજ્ય રચાય છે. પડછાયાનું હલનચલન, મૂક ગીત અને નૃત્યમાં પરિવર્તિત થાય છે અને જ્યોતની જાળી જાણે કે ‘અણદીઠ’ ને જોવા માટે રચાઈ જાય છે. આ અણદીઠની અનુભીતિ ચેતનામાં આમૂલ રૂપાંતર સાધી આપે છે ત્યારે દૂરની ડાળી પ્રાણથી યે પાસે આવીને અણસૂઘેલ સુવાસથી મઘમઘતી પડછાયામાં પ્રાણધારા રેલાવી રહે છે. અહીં સુધીની ગતિ ભીંત ડાળી પડછાયા – સ્થૂળ તત્વ દ્વારા બ્રાહ્ય તરફથી આંતરચેતનાની અનુભીતિ તરફ ગતિ કરાવે છે. અને અંતે કવિ કોઈ અગોચર પ્રદેશમાંથી પાછા ફર્યા હોય અને એ પ્રદેશની અલૌકિક મસ્તીમાં હોય તેમ અણૌકેલ પ્રશ્ન પૂછે છે કે ‘અગોચર’ એવા બાગમાં એ ડાળ ફૂલથી મહોરી છે અને અહીંતો માત્ર તેની કાળી છાયા જ આવી છે, એ મૂળ ડાળી જ દીવડા માટે આખું ઘર ઉજાળતી શા માટે જાતી હશે ? અંતે ઘર શબ્દ કેટલો સૂચક બની જાય છે?

આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી.

– રાજેન્દ્રસિંહ રાયજાદા.

(કવિલોક સામયિક, માર્ચ – એપ્રિલ ૧૯૮૧ ના અંકમાંથી સાભાર.)


6 thoughts on “શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા

  • ચાંદસૂરજ

    આ સુંદર કાવ્યના અથાગ ઊંડાણે જઈ એના ગૂઢાર્થના છીપલામાંથી મર્મના મોતીડાં નિપજાવતો આ આસ્વાદ પણ એટલોજ સુંદર છે ! આભાર એના કવિનો, એના આસ્વાદના કટોરા પાનારાનો અને અક્ષરનાદનો !

  • Pushpakant Talati

    આ રચના બહુજ ગમી
    પરન્તુઁ – તેથી વિષેશ તો તેનો આસ્વાદ પસઁદ પડ્યો.
    ખરેખર સમજે તેને માટે સમજવા લાયક અને ચિત્ત તથા મનને અનઁતનાઁ ઊન્ડાણમાઁ પ્રવાસે લઈ જતી આ પોસ્ટ માટે અક્શરનાદ નો આભાર સાથ ધન્યવાદ.

  • himanshu patel

    ખૂબ કાંતી કાંતી કરાવ્યું છે રસદર્શન અને કાવ્યનું ગૂઢ સહજ
    ઉકેલી આપ્યું.સુંદર.

  • pragnaju

    અ દ ભૂ ત કાવ્યનું ખૂબ સુંદર રસદર્શન–જેના વગર આટલી સુક્મ ગૂઢ વાત ન સમજાઈ હોત !