(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4


( ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે વિશિષ્ઠ લેખ.)

ભૂમિકા –

ક્ષણે ક્ષણે યન્નવંતા ઉપૈતિ, તદ્રેવ કાવ્યમ રમણિયતા. – (ક્ષણે ક્ષણે નીર નીરાળા રૂપ ધારણ કરનાર કાવ્ય ખરેખર રમણિય છે.) – કાવ્યશાસ્ત્રમ

દરેક ભાષાને પોતાનો ઈતિહાસ હોય પોતાની રમણિયતા હોય અને તે જ રીતે તેનું આગવું સૌદર્ય પણ હોય છે. અગ્નિના પ્રજ્વલિત થવાની સાથે સ્વાહાકાર સભર મંત્રોચ્ચારથી આપણું વૈદિક જીવન સમૃદ્ધ હતું. કાળક્રમે નૂતન જીવન વ્યવહાર નીતિના પરિણામે આપણે ત્યાં આ વાતાવરણ ધુંધળું બનતું ગયું. પરિણામે લોકવ્યવહાર અને સમાજજીવન મહત્વનું બન્યું. સમાજજીવનના વ્યવહારો નિભાવતા જતાં જતાં સમય મળ્યેથી વાર – તહેવારે આવા કાર્યો, દિનવિશેષ કે પર્વવિશેષ બનતા ગયા. સમૂહ જીવનમાં એક સાથે રહીને ઈશ્વરની ઉપાસના કરવાનો મારગ હવે આ લોકોની આંતરિક ખોજ હતી. આ ખોજના પરીણામે આપણે ત્યાં ગામનાં ચોરે કે રામજીના મંદિરના ઓટલે સાંજના સમયે અનેક લોકો ભેળા થતાં અને વેદ-પુરાણનું, આગમ-નિગમનું, અગમ અગોચર જ્ઞાન હોય તેને સામાન્ય લોક વ્યવહારની ભાષામાં વણીને સમુદાયની સામે રજુ કરતાં, આ રજુ કરનાર લોકો જાણતા અજાણતા કવિતા કરી બેસતા. વાણીનો ઉપયોગ પ્રભુપ્રસાદ તરીકે કરતાં. આવા લોક સમુદાયના સમુહને આરાધને ‘ભજન મંડળી’ એવું નામ આપવામાં આવ્યું.

ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આ ઉપાસનામાં બીજ, પૂનમ, એકાદશી, મૃત્યુતિથિ, વગેરેનું ખૂબ જ મહત્વ રહેતું. આવી કંઠસ્થ પરંપરા, ઉપાસના ગામે-ગામ સુધી પ્રસરતી રહી. વ્યવહારમાં રહીને પરોપકારની વૃતિ રાખવી, ભૂખ્યાને ભોજન આપવું, ગુરૂ વચનમાં શ્રદ્ધા રાખવી, સત્યનું સદા આચરણ કરવું આમ જીવનને ‘ત્યાગીને ભોગવી જાણો…..’ તે સૂત્રાત્મક રીતે લાગુ પડતું. આમ, ભજનની આ પરંપરાને આગળ જતા ‘સંતવાણી’ પણ કહેવાય. ‘સંત’ શબ્દ સતના અર્થે ધર્મ માટે વપરાયો છે તો ‘વાણી’ ને લોકવ્યવહારની ભાષા અર્થે ઘટાવી શકાય તેવું નરોત્તમ પલાણ સાહેબ માને છે.

સંતવાણી સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના બન્ને સંદર્ભે છે. સગુણ ઉપાસનામાં ‘કિર્તન’ ભજન કહેવાય, નિર્ગુણમાં અલખનો આરાધ ભજન કહેવાય. આમ ભજન-કિર્તન કહેતા સગુણ-નિગુણ બન્ને પરંપરાનો ઉલ્લેખ થયેલ જોવાં મળે છે.

ભજન પરંપરાના મૂળ નાથવાણીમાં છે. નાથવાણીનું ઉદગમ માટે આપણી વૈદિક પરંપરાની ‘વ્રાત્ય પરંપરા’ અને ‘બાઉલ’ જવાબદાર છે. એક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પુત્ર સામ્બ સૌથી પહેલો મંડળી લઈ ઓખામાં ભજન કરે છે. ત્યારબાદ આપણો મધ્યકાળ ભજનથી ભરપૂર છે. અઢારમી સદીમાં માર્ગી-રવિભાણ પરંપરા, સતરમી સદીમાં રામકબીરી, સોળમી સદીમાં રામાપીર મહાપંથી, પંદરમી સદીમાં કબીર અને નરસિંહ બન્ને એક સાથે છે.

પીર પરંપરાનો ઉદય

ભારતવર્ષ અન્તદિકાળથી અદ્યાત્મક્ષેત્રમાં સંપન્ન દેશ છે. તેમાં ગુજરાત અને રાજસ્થાનમાં દસમી સદીથી પીર પરંપરા પુરાવા પ્રાપ્ત થાય છે. પીર પરંપરા પર મુફિલમ મહાત્માનો પ્રભાવ રહ્યો છે. ઈસ્લામીક મહાત્માઓએ ઉપદેશને ‘ગિનાન’ રૂપે ૧૧મી સદીમાં વહેતો કર્યો ત્યારે ઈમામશાહ દ્રારા મુસ્લિમ પરંપરામાં ‘પીરાણા પંથ’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનમાં સંતાપથી દ્રારા સદ્દરૂદિને સહદેવ જોશી નામ ધારણ કરી આદિધરમનો અભ્યાસ કર્યો. આ ‘પીરાણા પંથ’ ને ‘સત્તાપંથ’, ‘મતિયાપંથ’ કે ‘કાકાપંથ’ના નામે ઓળખાય છે જે અમદાવાદ પાસે ‘ગીરમઠ’ ગામે આવેલ છે.

ગુજરાતના હિન્દકોમમાં માનનારો મોટો કણબી વર્ગ હતો. નવસારી, ડુમસ, ભીમપોર અને સુરત બાજુમાં પણ આ કણબી ધંધાર્થે ગયા ત્યારે ત્યાં આ પરંપરા વિકાસ પામી. બ્રાહ્મણ અને મુખી-કામડિયા ‘કાકા’ તરીકે ઓળખાય છે. અમદાવાદ અને નવસારી બાજુ કેટલાય હિન્દુ લોકો મુસલમાન પીરોની પુજા કરે છે. હિન્દુ શાસ્ત્રવિધિમાં કર્મની સથે મંત્રો બોલાય છે. તો પાટની પરંપરામાં ‘ગિનાન’ બોલવામાં આવે છે.

સગુણ સાકાર ઉપાસનામાં રામ, કૃષ્ણ, દત્ત, શિવ, અંબા, ભવાની જેવાં દેવતાની ઉપાસનાઓ થાય છે. નિર્ગુણ પરંપરા આતમજ્ઞાનથી દિપપુજા – જ્યોતપુજા કરે છે. અને અંતર મનમાં રહેલ દેવની ઉપાસના કરે છે. સોહમ શબ્દ સાથે સંકળાયેલ આત્મજ્ઞાન અને મુક્તિ તે ઉપાસનાનું ફળ છે.

આદિકાળની માન્યતા

પરબ્રહ્મ પરમાત્માને લીલા કરવા સૃષ્ટિ ઉત્પતિ કરવાનું મન થયું ત્યારે શિવજીએ પાર્વતીને સૌ પ્રથમ આ જ્ઞાન આપ્યું. આ વખતે ગુફામાં પોપટીના ઈંડા ત્યાં હતાં તેમાં રહેલ જીવ આ જ્ઞાન જાણી ગયો અને ઉડી ગયો. પોરાનું રૂપ લઈ વ્યાસની પત્ની અરણીના ગર્ભમાં પોરો પાણી સાથે ગયો. માના ઉદરમાં ૧૬ વર્ષ સુધી રહ્યો પછી બ્રહ્મ સ્વરૂપ શુકદેવના સ્વરૂપમાં અવતરીત થયો અને તેને પરમજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શ્રીમદ ભાગવત સ્વરૂપે કહેવાયું. જેમાં આ નિરંજન નિરાકાર કે અખંડ આનંદની અનુભૂતિનું ઉદ્દાત વર્ણન જોવા મળે છે. ધર્મની ઉત્પત્તિના રહસ્યને વ્યક્ત કરતું એક પદ યુધિષ્ઠિર અને માર્કડેયઋષીના સંવાદરૂપે આવે છે. ત્યારે માર્કડેય ઋષી તેને માતા કુન્તી પાસે જવાં કહે છે. યુધિષ્ઠિર આ પાસે આ નિજીયાધરમનું જ્ઞાન માગે ત્યારે માતા તેને પત્નિ દ્રોપદી પાસે જવા કહે છે. આમ યુધિષ્ઠિર દ્રોપદી પાસે આવે છે અને તેને ‘સતી, મને નિજીયાધરમ નું જ્ઞાન આપો’ તેવું કહે છે. ત્યારે સતી તેને નવધાભક્તિ નું જ્ઞાન લેવા કહે છે; નવધા ભક્તિનું જ્ઞાન, ગુરૂચરણમાં શ્રદ્ધા, ધણી પણું (હું પણું) મૂકી દેવું, નિજાર પ્યાલો પીવો, તો નિજારધરમ સમજાય. પછીથી સૃષ્ટિની ઉત્પતિના રહસ્ય અંગેનું ભજન વર્ણવે છે.

‘યુધિષ્ઠિર કહે છે રે તમે સાંભળો મોટા દેવ.
સૃષ્ટિનું થાપન કેણે કરીયું રે હા….
તેજ મંજર તો આદિ નારાયણ રે
જ્યોતરૂપી તેજ તણો છે અંબાર રે હા…
(ગુજરાતની પીર પરંપરા – ડૉ. મુકુન્દચ્ંદ્ર નાગર પૃ.૧૧)

પીર શબ્દનો અર્થ જ અવતારી પુરુષ એમ થાય છે. ચાર ચોકડીનાં રાજ્યનું મહત્વ પણ આ પરંપરાનો મોટો વિશેષ છે ચારેયની ગુરૂગાદીએ ‘નાથ’ છે. પ્રથમ ચોકડીમાં પ્રહલાદ રત્નાવલી એ પાટ કર્યો. તેના ગુરુગાદીમાં આદીનાથ છે, દ્રાપરમાં હરિશ્વન્દ્ર – તારામતી પાટમાં ચૌરંગીનાથ, ત્રેતામાં યુધિષ્ઠિર અને દ્રોપદીના પાટમાં મચ્છંદરનાથ ગુરૂગાદી છે. તો કળિયુગમાં બલિરાય અને વિદ્યાવલીના પાટમાં ગોરખનાથ ગુરૂગાદીએ બિરાજીત છે.

ગુજરાતમાં પ્રાચીનકાળથી તેજસ્વી પરંપરાનો પ્રવાહ અસ્ખલિતપણે વહેતો આવ્યો છે. આ માર્ગમાં અવતારી પુરુષો ‘પીર’ તરીકે ઓળખાય છે. સાતમી સદીમાં અજપાળપીર, ૧૧મી સદીમાં પઠાપીર, જોધલપીર, વજોપીર, ટીહલપીર, કાનપીર, મેડપીર(તેરમીસદી), રામદેવપીર, મતિયાપીર, લાલણપીર(૧૪મી સદી), ભીમપીર(૧૫-૧૬મી સદી), પાલણપીર, પાંચાળ પંથકના પીરો, સત દેવીદાસ (૧૭-૧૮મી સદી), મેધજીવો, વાલમપીર, રામનાથપીર (૧૯મીસદી) મુખ્ય પીર છે.

પરંપરાઃ-

આ માર્ગના સંતોનું સમગ્ર જીવન પરોપકાર અર્થે છે. સમાજની ઉન્નતિ માટે નાત-જાત, ભેદ-ભાવ વગર માણાસને અલખના માર્ગે દોરાય. આ પરંપરામાં ‘ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો?’ સૂત્ર જીવનમંત્ર છે. અન્નક્ષેત્ર, જીવદયાના કાર્યો અનુભૂતિની અદ્યાત્મ પ્રસાદી રૂપો પુરાણ, શાસ્ત્રનું દોહન કરી અનુભવવાણીને લોકભોગ્ય ભાષામાં ભક્તિરસ પીવડાવવો. આ માર્ગમાં જ્ઞાનમાર્ગ અવશ્યક છે પણ આ પરંપરાના પાયાની વસ્તુ ભક્તિમાર્ગ છે.

પીરોના જીવનનો અંતિમ પ્રસંગ જીવંત સમાધિનો છે. મૃત્યુ ઉપરનો વિજયનો માર્ગ કંડાર્યો છે. સમાધિ લેતી વખતે ગતગંગાના આરાધકોને આમંત્રી, બધાની હાજરીમાં કુંવારીકન્યાના હાથે નાળિયેર લઈ, પદમાસનમાં બેસી, ગતગંગા(સમુદાયના) ને ‘સીતારામ’ કરી યૌગિકક્રિયા વડે પોતાના પરમતત્વને જ્યોતિમય સ્વરૂપમાં વિલીન કરી દે છે. જ્યારે સમાધિમાં ઉતારવામાં આવે ત્યારે ‘અઘોર ગાયત્રી’ નો જપ કરવામાં આવે ત્યારબાદ ‘મોક્ષ ગાયત્રી’ બોલાય છે.

પીરની પરંપરાને જોઈએ તો તેમાં સામાન્યતઃ ૧૨ ઉદ્દાત લક્ષણો આપવામાં આવ્યા છે. તેમ નરોત્તમ પલાણ સાહેબ જણાવે છે.

૧. ઝાડ ઉછેરવા, પીપળ-વડ, તુલસી પુજા.
૨. હવાડો ભરવો, કુંડુનું પાણીનું રાખવું, એઠવાડ જીવના મોઢે જ આપવો.
૩.પંખીને ચણ, કીડીયારી પુરવી, હિંસા ન કરવી.
૪. અન્ન, વસ્ત્ર, જળ, આંગણ સ્વચ્છ રાખવું.
૫. સદમાર્ગે ચાલવું.
૬.આવકાર આપવો, આશ્રય આપવો, રોટલો આપવો.
૭. માતા-પિતા, ગુરૂ, વડિલ, બેનુ-દિકરીયુ, ભાઈ- દીકરાનું માનપાન રાખવા.
૮. વાણી વર્તનનો સંયમ રાખવો.
૯. નીંદા, ઈર્ષ્યાથી મુકત રહેવું.
૧૦. બીજાના ધર્મનો આદર કરવો. ભેદભાવ ન રાખવા.
૧૧. માપસર જમવું, ચાલવું, બોલવું, ઉત્સવો ઉજવવા.
૧૨. જાતને પ્રસન્ન રાખવી, હરિસ્મરણ કરવું.

આમ, ભજનની આ સૌથી મોટી અને મોંઘી મિરાત જેવી પરંપરા વિશે ઘણી વખત જેટલી જોઈએ તેટલી નોંધ નથી લેવાઇ પરીણામે પાટ પરંપરા અને પીર પરંપરાની સાથે ભજનની પરંપરા પણ અત્યારે યુવાનોને પ્રિયકર રહી નથી પરંતુ, આમ છતાં ભજનની સાચી અને સરળ સમજથી આ માર્ગ જીવંત બની શકે અને સૌ કોઈને આ ઉજળો પંથ અલખધણીના દર્શન કરાવવા ઉત્સુક જ છે. એટલે આપણે એવું કહેવું જ રહ્યું.

‘દરશન દ્યો ઘનશ્યામ, નાથ મોરી અખીયા પ્યાસી રે.’

– તરુણ મહેતા


Leave a Reply to himanshu patelCancel reply

4 thoughts on “(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા