આપઘાત – આશિષ આચાર્ય 14


આજે પ્રસ્તુત છે વર્તમાન સમયના યુવાનની વ્યથાને અક્ષરદેહ આપતી એક ટૂંકી વાર્તા. અક્ષરનાદને આ સુંદર વાર્તા મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમદાવાદના શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમની કલમે આપણને આમ જ સુંદર કૃતિઓ મળતી રહે. – જિજ્ઞેશ અધ્યારૂ

* * * * *
‘મલય, આજે ભૂલ્યા વિના સોનીને ત્યાંથી મારું મંગળસૂત્ર લેતા આવજો અને ઓફિસ જતી વખતે જ લઈ લેજો. કાલની જેમ ઓફિસેથી આવતી વખતે લાવવાનો મોહ ન રાખતા’ ઓફિસ જવા માટે મલય પંડ્યા તૈયાર થઈ રહ્યો હતો અને સારિકા રસોડામાં ટિફિન ભરતાં ભરતાં મલયને યાદ અપાવી રહી હતી. પગમાં મોજાં પહેરી રહેલા મલયને સારિકાને ચીડવવાનો મોકો મળી ગયો, ‘મંગળસૂત્ર લઈને ઓફિસમાં જઉં અને પછી શ્યામાને પહેરાવી દેવાની ઇચ્છા થઈ જશે તો…? કેવી મસ્ત લાગે છે…’ ૭ વર્ષનાં લગ્નજીવનમાં મલય સારિકાને અવારનવાર આવી રીતે છેડતો. પતિના સ્વભાવથી પરિચિત સારિકા પણ ખોટો છણકો કરતી, ‘શ્યામાને પહેરાવી દેશો તોય હું તમારો પીછો નહીં છોડું. એ ચિબાવલી આવી હોત તો તેમને ખબર પડત કે પત્ની કોને કહેવાય, …અને હવે આ ટિફિન લઈને જાવ એટલે મને કંઈ સૂઝ પડે. હજી તમારા કુંવરને ઉઠાડવાના છે અને એને તૈયાર કરીને સ્કૂલે મોકલવાના છે.’ ‘તારી વાત સાચી છે, ઘણી વાર મને થાય છે કે તું ન હોત તો મારું શું થયું હોત…’ સારિકા જ્યારે બનાવટી ગુસ્સો કરતી ત્યારે મલયને પ્રેમ ઉભરાઈ જતો. મલયે સારિકાને રસોડામાં જ બાથમાં ભરી લીધી. શરમાઈ ગયેલી સારિકા મલયના બાહુપાશમાંથી છટકવા મથતી હતી, પરંતુ આજે સારિકાને આમ જોયા જ કરવાની મલયને ઇચ્છા થતી હતી. પછી સારિકાએ મીઠું મલકીને મલયને વિદાય કર્યો. મલય હંમેશાં પાથેયને વહાલ કરીને જ ઘરની બહાર નીકળતો હતો. નાનકડા બેડ પર ૪ વર્ષનો પાથેય આરામથી સૂઈ રહ્યો હતો. પાથેય ઊઠી ન જાય તેનું ધ્યાન રાખીને મલયે તેના નાજુક અને સુંવાળા ગાલ પર નાનકડું ચુંબન કર્યું. મલય ઘરેથી નીકળ્યો પછી સારિકા પાથેયને સ્કૂલે મોકલવાની તૈયારીમાં જોતરાઈ ગઈ.

ઓફિસમાં પહોંચીને મલયે સૌથી પહેલાં શર્ટના ખિસ્સામાંથી મંગળસૂત્રની કોથળી કાઢી બેગમાં મૂકી અને ‘નેઇલ પોલિશ’ કરી રહેલી શ્યામા સામે જોઈ સારિકા યાદ આવતાં મનમાં હસીને કામની શરૂઆત કરી. પાથેયનો જન્મ થયો તેના પછીના મહિનાથી મલય રવિ કન્સ્ટ્રક્શન કંપનીમાં જોડાયો હતો. કુશળ અને શ્રેષ્ઠ કર્મચારી તરીકે કંપનીમાં મલયની સારી છાપ હતી કારણ કે કામમાં ગુંથાયેલા રહેવાની મલયની ખાસિયત હતી. મધ્યમ બાંધાનું છતાં કસાયેલું શરીર અને ગૌરવર્ણનો મલય સ્વભાવે હસમુખ હતો એટલે કોઈની પણ સાથે જલદી ભળી જતો અને સામેની વ્યક્તિને પણ તેની ‘કંપની’ ગમતી. આ જ કારણસર બોસથી લઈને પટાવાળા સુધીના તમામ સાથે તેને સારો મનમેળ હતો. પટેલકાકા, ચંદુલાલ, રમણ ભાવસાર, ચંદ્રેશ બારોટ, મહેશ વ્યાસ, વિષ્ણુ જોશી, સમીર શાહ તેના સહકર્મચારીઓ. રોજ સવારની ચા, બપોરનું ભોજન અને સાંજની ચા – બધામાં આ ટોળકી સાથે જ હોય. પટેલકાકા ઉંમરમાં બધાથી મોટા, એટલે સૌ તેમને માન આપે.

મલયની કામગીરીને કારણે બોસ તેને વધારે મહત્ત્વ આપતા હોવાથી રાજુને મલય પ્રત્યે જરા પૂર્વગ્રહ રહેતો. મલય એ જાણતો હતો છતાં કશું જ ન જાણતો હોય તેમ રાજુને પ્રેમપૂર્વક બોલાવતો. રોજની જેમ આજે પણ મલય ફાઇલોમાં ખોવાયેલો હતો અને તેની મંડળી લંચ માટે તેની રાહ જોઈને બેઠી હતી. છેલ્લા અડધા કલાકથી ‘બસ, પાંચ મિનિટ, બસ, પતી જ ગયું છે,’ કહી કહીને મલયે બધાને બેસાડી રાખ્યા હતા. ૩ વાગ્યા સુધીમાં ફાઇલ ક્લિઅર કરવાનો બોસનો હુકમ હતો એટલે મલય કામ પૂરું કરી રહ્યો હતો. મલયને કામ કરતાં જોઈને રાજુ દાઢમાંથી બોલ્યો, ‘ઇન્ક્રીમેન્ટમાં આ વર્ષે મલય બાજી મારી જશે. પંડ્યાસાહેબ, અમારી માટે થોડું રાખજો, એટલી મહેરબાની કરજો. આમેય બોસને તો એમ જ છે ને કે ઓફિસમાં એક પંડ્યા જ કામ કરે છે, બાકીના તો મફતનો પગાર લે છે.’ માર્ચ મહિનાની શરૂઆત હતી એટલે ઓફિસમાં ચર્ચા માટે ‘ઇન્ક્રીમેન્ટ’ હોટ ટોપિક હતો. પગારવધારો કેટલો આવશે, કેટલા ટકા આવશે, ક્યારે આવશે, પ્રમોશન મળશે કે નહીં, એ વિશે કર્મચારીઓમાં ક્યારેક ગહન ચર્ચાઓ તો ક્યારેક આવી હળવી મજાક થતી રહેતી હતી.

પોતાના પર કોમેન્ટ પાસ થઈ એટલે ઊંધે કાંધ ફાઇલ તપાસી રહેલા મલયે રાજુ સામે જોયું. પછી સહેજ મલકીને બોલ્યો, ‘ઇન્ક્રીમેન્ટ તો જેટલું મળે એટલું ઓછું જ પડે, પણ આ વર્ષે મંદીને કારણે ઇન્ક્રીમેન્ટમાં બહુ ભલીવાર નથી, એવું સાંભળ્યું છે. પછી, સાચું-ખોટું રામ જાણે,’ મલયની વાત સાંભળી બધાના ચહેરા પરથી રોનક ઊડી ગઈ. મલય કંઈક જાણતો હશે તેમ માની બધા તેને ઘેરી વળ્યા. ‘…પણ, કેટલા ટકા આવશે એ ખબર છે? આવશે તો ખરું ને… કે પછી હરિ… હરિ…??’ અધિરા સ્વભાવના પટેલકાકાએ ઉત્સુકતાથી સવાલો પૂછી નાખ્યા. બધાની ગંભીર મુખમુદ્રા જોઈ મલયે ફાઇલ બંધ કરી અને પટેલકાકા સામે જોઈ બધાને ઉદ્દેશીને બોલ્યો, ‘ઇન્ક્રીમેન્ટના ટકાની તો ખબર નથી, પણ મંદીના નામે પાંચ-સાત જણાને છૂટા કરવાનું સંભળાય છે. એ લીસ્ટમાં કોણ-કોણ છે એય ખબર નથી.’ પટેલકાકા સહિતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો. છટણીના લીસ્ટમાં પોતાનું નામ તો નહીં હોય ને? તેવા ભાવથી પટેલકાકા, રમણ ભાવસાર, ચંદ્રેશ બારોટ, ચંદુલાલ, મહેશ વ્યાસ, સમીર શાહ અને વિષ્ણુ જોશી એકબીજા સામે તાકી રહ્યા. રાજુ મલય સામે ઇશારો કરી દાઢમાંથી બોલ્યો, ‘જે લોકો સાહેબોની ગુડબુકમાં હશે એ લોકોને ક્યાં ચિંતા જ છે, ચિંતા આપણા જેવાને થાય કે કાઢી તો નહીં મૂકે ને…’ રાજુનો ટોન્ટ સાંભળી મલયને ગુસ્સો આવવાને બદલે ચંદ્રેશ અકળાઈ ગયો, ‘રાજુ, બંધ કર તારો બકવાસ… શાંતિ રાખ.’ ઓફિસમાં એક પ્રકારનું મૌન છવાઈ ગયું. દરેકના ચહેરા પર નોકરી ગુમાવવાનો ભય સ્પષ્ટ વંચાતો હતો. બધાને આટલા બધા ગંભીર જોઈને પટેલકાકાએ તત્ત્વજ્ઞાન રજૂ કર્યું, ‘ભઈ, આટલા બધા શું ગભરાઈ ગયા છો! જે થવાનું હશે તે થશે. ચિંતા કરવાથી કંઈ નોકરી બચી જવાની છે…!’ એટલામાં પટાવાળો જગદીશ આવ્યો અને ‘મલયભઈ, સાહેબ બોલાવે છે…’ કહી તમાકુ મસળતો મસળતો પાછો જતો રહ્યો.

મલય ઊભો થયો અને બોસની કેબિન ભણી આગળ વધ્યો. કેબિનનો દરવાજો ખોલી મલયે અંદર આવવાની પરવાનગી માગી. બોસે તેને અંદર બોલાવી સામેની ખુરશી પર બેસવા ઇશારો કર્યો. મલય ખુરશી પર ગોઠવાયો. બોસના આવા અકળ વર્તનથી થોડો મૂંઝવણમાં હતો. થોડી વાર બેઠા પછી મલયે પૂછ્યું, ‘શું કામ હતું, સર?’ બોસે મલય સામે એક અછડતી નજર કરી અને કહ્યું, ‘જુઓ મિસ્ટર મલય, અત્યારે આપણે મંદીનો સામનો કરી રહ્યા છીએ, એ તો તમે જાણતા જ હશો…’ મલયના જવાબની રાહ જોયા વિના જ તેમણે બોલવાનું ચાલુ રાખ્યું, ‘મંદીને કારણે કંપનીને સારી એવી ખોટ જઈ રહી છે. આપણે દર વર્ષ જેવું ઇન્ક્રીમેન્ટ આ વર્ષે નહીં આપી શકીએ. ઉપરથી કંપનીનો ખર્ચ ઘટાડવા માટે હેડ ઓફિસથી ઓર્ડર આવ્યો છે.’ બોસ બોલતા હતા અને મલય સાંભળતો હતો, પરંતુ બોસ તેને આ બધું શા માટે કહે છે, તે તેને સમજાતું નહોતું. મલયે પૂછ્યું, ‘હું કંઈ સમજ્યો નહીં, સર’ ‘હેડ ઓફિસમાંથી ઓર્ડર આવ્યો છે કે પાંચ-સાત માણસોને છૂટા કરીએ તો કંપનીના લાખ રૂપિયા બચી જાય, એટલે આપણે…’ બોસે વાક્ય અધૂરું મૂક્યું,

પરંતુ મલય તેનો પૂરો અર્થ સમજી ગયો. મલયને ધ્રૂજારી છૂટી ગઈ. બોસ પોતાની ખુરશી પર બેઠા અને ડ્રોઅરમાંથી એક કાગળ કાઢીને મલય સામે મૂક્યો. ‘હેડ ઓફિસથી લીસ્ટ પણ આવ્યું છે, એમાં તમારું નામ પહેલું છે. મિસ્ટર મલય, કંપનીને હવે તમારી જરૂર નથી. આઇ એમ સોરી.’ બોસની વાત પર મલયને વિશ્વાસ નહોતો બેસતો. તેણે કાગળ હાથમાં લીધો અને વાંચ્યો. લીસ્ટમાં પોતાનું જ નામ પહેલા ક્રમે જોઈ મલયના હોશ ઊડી ગયા. આંખ સામે અંધારા આવી ગયા. બોસે ફરી બોલવાનું શરૂ કર્યું, ‘…પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને બે મહિનાનો પગાર મળશે’ બોસનો તદ્દન પ્રોફેશનલ એપ્રોચ જોઈ મલય સ્તબ્ધ થઈ ગયો હતો. આટલી રૂક્ષતાથી વાત કરતા આ જ બોસે ગયા વર્ષે કંપનીના સ્થાપના દિનની પાર્ટીમાં મલયને ‘બેસ્ટ એમ્પ્લોઇ’નો એવોર્ડ આપ્યો હતો અને ‘કંપનીને મલય પંડ્યા જેવા બાહોશ અને કુશળ કર્મચારીઓની જ જરૂર છે. મલય કંપનીની શાન છે…’ એવા વખાણ કર્યા હતા.

મલયને ટર્મિનેશન લેટર આપી, કશું જ બન્યું ન હોય તેમ બોસ પોતાના કામમાં પરોવાઈ ગયા. મલય ટર્મિનેશન લેટર હાથમાં લઈને બેસી રહ્યો હતો. લેટર વાંચતાં વાંચતાં તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ‘કાલનું શું થશે…?’ તેની ચિંતામાં મલયે આંખ બંધ કરી અને સારિકા અને પાથેયના ચહેરા તેની આંખ સામે તરવરી ઊઠ્યા. હજી ગઈ કાલે રાત્રે જ બંને વચ્ચે ભવિષ્યની ચર્ચા થતી હતી. મલયે તેને કહ્યું હતું કે આ વર્ષે સારા પગારવધારાની આશા રાખતી નહીં. મંદીને કારણે ઇન્ક્રીમેન્ટ બહુ ઓછું હશે. ચિંતામાં મલયના કપાળ પર કરચલી ઊપસી આવી હતી. સારિકાએ તેનો પ્રેમાણ હાથ મલયના માથા પર ફેરવ્યો અને કહ્યું, ‘કશો વાંધો નહીં. આ વર્ષ નીકળી ગયું તેમ આવતું વર્ષ પણ નીકળી જશે… તમે જરાય ચિંતા કરતા નહીં, હું છું ને તમારું ઘર સાચવવાવાળી…’ પછી મલયને હસાવવા બોલી, ‘તમે તમારી પેલી શ્યામાની ચિંતા કરો…’

મલય કશું જ બોલ્યા વિના ખુરશી પરથી ઊભો થયો અને કેબિનનો દરવાજો ખોલીને બહાર આવ્યો. મલયનો ઉતરી ગયેલો ચહેરો જોઈને સાથી કર્મચારીઓ કૂતુહલવશ તેની સામે તાકી રહ્યા હતા. તમામ રીતે હારી ગયો હોય તેમ મલય પોતાના ટેબલ પાસે આવી ખુરશી પર બેઠો. પટેલકાકાએ મલયના ખભે હાથ મૂકી પૂછ્યું, ‘ભઈ, શું થયું? કેમ આમ લેવાઈ ગયો છે?’ મલયે માંડ માંડ પકડી રાખેલો લેટર પટેલકાકાને આપ્યો. લેટર વાંચીને પટેલકાકા પણ દુઃખી થઈ ગયા. ‘જોયું, સારા કર્મચારીની ય સંસ્થાને જરૂર નથી રહી. મંદી તો આવે ને જાય, સારા માણસો બીજી વાર ન મળે.’ પટેલકાકાની વાત સાંભળી અન્ય કર્મચારીઓ વાતનો સાર પામી ગયા. મલયના ખભે હાથ મૂકી ચંદ્રેશ બોલ્યો, ‘અરે યાર, આ છેલ્લી નોકરી થોડી છે, બીજી મળશે…’ચંદ્રેશની વાતમાં સૂર પુરાવતાં પટેલકાકાએ કહ્યું, ‘ચંદ્રેશ સાચું કહે છે. આજે આ છૂટી ગઈ તો કાલે બીજી મળશે… ચિંતા શા માટે કરે છે? મારી જ વાત કરું તો પાંચ વર્ષ પહેલાં તારી જેમ મનેય મારા શેઠિયાએ રોકડું પરખાવી દીધું’તું. થોડા દિવસ ઘરે બેઠા પછી અહીં મળી ગઈ… તું એમ સમજી લે કે મિનિ વેકેશન મળ્યું છે…’ પટેલકાકા અને બીજા મિત્રોના આશ્વાસનથી મલય સ્વસ્થ થઈ રહ્યો હતો.

ખુરશી પરથી ઊભો થઈ મલય બાથરૂમમાં ગયો. નળ ચાલુ કરી પાણીની છાલકો મારીને મોઢું ધોયું. રૂમાલથી મોં સાફ કરતાં કરતાં બહાર આવ્યો ત્યાં તેનો મોબાઇલ રણક્યો. મલયે શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને સ્ક્રિન પર જોયું, સારિકાનો ફોન હતો. સારિકાને અત્યારે જ કહી દેવાનો વિચાર આવ્યો, પછી એમ થયું કે ઘરે જઈને શાંતિથી કહીશ. તેને થયું કે મંગળસૂત્ર લીધું કે નહીં તે પૂછવા સારિકાએ ફોન કર્યો હશે. મલયે ફોન રિસિવ કર્યો અને બનાવટી સ્વસ્થતાથી ‘હલો…’ બોલ્યો. પછી સામેથી જે બોલાતું હતું તે સાંભળતાં જ તેનો ચહેરો ભારે થઈ રહ્યો હતો. હાથમાંથી મોબાઇલ સરી પડ્યો અને મલય બાથરૂમ પાસે ફસડાઈ પડ્યો. કશુંક પછડાવાનો અવાજ આવતાં પટેલકાકા બાથરૂમ તરફ દોડ્યા. બાથરૂમના બારણા પાસે પડેલા મલયને પટેલકાકાએ હાથ પકડીને ઊભો કર્યો. મૂર્છિત થઈ ગયો હોત તેમ મલય પટેલકાકાની ઉપર ઢળી પડ્યો. જેમતેમ કરીને પટેલકાકા મલયને બહાર લાવ્યા અને ખુરશી પર બેસાડ્યો. પછી બાથરૂમ પાસેથી મોબાઇલ લઈ આવ્યા. તેમણે જોયું તો ફોન કટ થઈ ગયો હતો. તેમણે સારિકાના નંબર પર ફોન કર્યો. અજાણ્યા પુરુષે ફોન રિસિવ કર્યો. પટેલકાકાએ ‘હલો… કોણ બોલે છે?’ તેમ પૂછ્યું. પેલા પુરુષે જે કહ્યું તે સાંભળીને પટેલકાકા પણ અવાક્ થઈ ગયા. છતાં સ્વસ્થ થઈ બધી માહિતી મેળવી અને ચંદ્રેશને બોલાવ્યો. ‘ચંદ્રેશ, મલયને લઈને આપણે તાત્કાલીક વી.એસ. જવું પડશે…’

‘પણ… કેમ… થયું શું… એ તો કહો?’ બંનેની દશા જોઈ ચંદ્રેશ ગભરાઈ ગયો.

પટેલકાકાએ ગંભીર અવાજમાં કહ્યું, ‘મલયનાં વાઇફ અને દીકરો…’

‘શું થયું… એ લોકોને…?’

‘મલયનાં વાઇફ અને દીકરો બહાર જતાં હતાં… રસ્તો ઓળંગતી વખતે એક ટ્રક આવી અને… બધું ખતમ…’

પટેલકાકાની વાત સાંભળીને ચંદ્રેશને પણ શું કરવું તે ન સૂઝ્યું. સ્વસ્થતા કેળવી ચંદ્રેશે મલય સામે જોયું. મલય હજી બેભાન અવસ્થામાં હતો. ચંદ્રેશે મલયના ચહેરા પર પાણીની છાલક મારી એટલે તે ભાનમાં આવ્યો. પટેલકાકા અને ચંદ્રેશ મલયને લઈને વી. એસ. હોસ્પિટલ પહોંચ્યા. ઇમરજન્સી વોર્ડમાં દાખલ થતાં પગ જમીન પર ચોંટી ગયા હોય તેમ મલયને લાગતું હતું. મલયને આંખે અંધારા આવી રહ્યા હતા. તે લથડતા પગે ઢસડાઈ રહ્યો હતો. મલય પડી જશે એવું લાગતાં પટેલકાકા અને ચંદ્રેશે તેને બંને બાજુથી પકડી લીધો, ત્યારે મલયને નહીં પણ તેના મૃતદેહને ઢસડી જતા હોય તેવું એ બંનેને લાગી રહ્યું હતું. વોર્ડની લોબીમાં જ બે સ્ટ્રેચર પડ્યાં હતાં. બંને પર સફેદ કપડાંથી ઢાંકેલા બે મૃતદેહ સૂવાડ્યા હતા. સ્ટ્રેચર પાસે પહોંચતાં જ બંધ તૂટે અને ધોધમાર પાણી છૂટે એમ મલય પોક મૂકીને રડ્યો. મલયની કરુણ અને દયનીય સ્થિતિ જોઈ ચંદ્રેશ અને પટેલકાકા પણ જાત સંભાળી ન શક્યા. હૈયાફાટ રુદનનો અવાજ સાંભળી નર્સ દોડી આવી અને ‘અહીં રોકકળ નહીં કરવાની. શાંતિ રાખો.’ કહી ‘ડેડબોડીનાં સગાં’ને ડોક્ટરની કેબિનમાં મોકલવાનું કહી જતી રહી. તેની માટે આ બધું રોજિંદું હતું.

પટેલકાકા સ્વસ્થ થયા અને ચંદ્રેશને મલય પાસે રોકાવાનું કહી ડોક્ટરની કેબિન તરફ જઈ રહેલી નર્સ પાછળ દોરવાયા. કેબિનમાં દાખલ થયા એટલે ડોક્ટરે તેમને બેસવા કહ્યું. પટેલકાકા ખુરશી પર બેઠા પછી ડોક્ટરે બોલવાનું શરૂ કર્યું, ‘કલાક પહેલાં જ કેસ આવ્યો હતો. મ્યુનિસિપલ માર્કેટ પાસે રોડ ક્રોસ કરવા જતાં એક્સિડન્ટ થયો હતો. કોઈએ તાત્કાલીક ‘108’ને કોલ કર્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એમ્બુલન્સ આવી ત્યાં સુધીમાં બાળક ત્યાં જ ખલાસ થઈ ગયો હતો અને લેડીના શ્વાસ પણ તૂટી રહ્યા હતા. ‘108’ના ડોક્ટરે એમની રીતે ટ્રીટમેન્ટ શરૂ કરી અહીં લઈ આવ્યા, પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. કોઈ ચાન્સ જ ન મળ્યો. ઇન શોર્ટ, બંને અહીં આવતાં પહેલાં જ…’ અવાક્ થઈને પટેલકાકા બધું સાંભળી રહ્યા હતા. પટેલકાકાની મનોદશા સમજી ડોક્ટરે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ તેમને ધર્યો અને હોસ્પિટલ ફોર્માલિટીઝ માટે પૂછ્યું, ‘તમે એ લેડીના ફાધર છો…?’ પાણી પીને ગ્લાસ ટેબલ પર મૂકતાં પટેલકાકાએ ચોખવટ કરી, ‘…ના, હું અને તેમના પતિ એક જ કંપનીમાં નોકરી કરીએ છીએ, કલીગ છીએ. ફોન પર વાત સાંભળી મલય એકદમ બેહોશ થઈ ગયો. પછી મેં વાત કરી અને અમે સીધા અહીં દોડી આવ્યા.’ યાદ આવ્યું હોય તેમ તેમણે પૂછ્યું, ‘ફોન કોણે કર્યો હતો?’ ‘લેડીનું પર્સ તપાસી ‘108’ના ડોક્ટરે ફોન કર્યો હતો. તેમના પતિનો નંબર તેમણે ‘માય ડિયર હબ્બી’થી સેવ કર્યો હશે, એટલે સીધો એ જ નંબર ટ્રાય કર્યો હતો. કેટલાક પેપર્સ પર એમના હસબન્ડના સિગ્નેચર કરાવવા પડશે. પોલીસ પણ હમણાં આવતી હશે. પછી પોસ્ટ મોર્ટમ માટે બંને બોડી લઈ જવાશે. લગભગ સાંજ સુધીમાં તમને ડેડબોડીને કબજો મળી જશે.’ ડોક્ટર એમના રૂટીન પ્રમાણે બોલી ગયા. પટેલકાકા કેબિનમાંથી બહાર આવ્યા. મલય પાસે જઈ તેમણે મલયને ઢંઢોળ્યો. રડી રહેલા મલયને તેમણે શાંત કરવા વ્યર્થ કોશિશ કરી. પટેલકાકા પણ મલયને કઈ રીતે શાંત કરવો તે સમજી નહોતા શકતા. થોડી વારે મલય શાંત થયો અને જરૂરી ફોર્માલિટીઝ પૂરી કરી.

સારિકા અને પાથેયના મૃતદેહ ઘરમાં લવાયા ત્યારે મલયે કાળજું કંપી જાય તેવી મરણપોક મૂકી. સદાય હસતી રહેતી અને જીવનના તમામ સારા-નરસા પ્રસંગે સાથ આપતી સારિકાએ આજે મલયનો સાથ છોડી દીધો હતો. પાથેય માટે મલયે કેટલાંય સપનાં જોઈ રાખ્યાં હતાં, આજે એ જ આંખ મિંચીને સૂઈ ગયો હતો, કાયમ માટે. બેવડા આઘાતને કારણે મલય વારંવાર બેભાન થઈ જતો હતો. સગાં-કુટંબીઓ અને મિત્રોએ મળીને મલય પાસે અંતિમ વિધિ કરાવી અને બંને મૃતદેહને અગ્નિદાહ અપાવ્યો. એક જ ઘરમાં એક સાથે બે-બે મોતની ઘટનાની ગમગીની બેસણામાં વર્તાઈ રહી હતી. પત્ની અને પુત્રની સ્મિત વેરતી તસવીરો પાસે મલય રડમસ ચહેરે બેઠો હતો. કુટુંબીજનો, સગાં-સંબંધીઓ, મિત્રો, પડોશીઓ, સહકર્મચારીઓ ગંભીર થઈને મલયને દિલસોજી પાઠવી રહ્યા હતા. મલય પૂતળાની જેમ બેસી રહ્યો હતો. કોણ આવ્યું? કોણ ગયું? કોણે શું કહ્યું? તેનું તેને ભાનસાન જ નહોતું.

દુર્ઘટનાને ૧૫ દિવસ જેટલો સમય થયો હતો. હવે ઘરમાં માત્ર મલય રહેતો હતો. આખો દિવસ મલયની નજર સામેથી એ બધાં દૃષ્યો હટતાં નહોતાં. હવે, નોકરીએ પણ નહોતું જવાનું કે ત્યાં જાય તો થોડું વાતાવરણ બદલાય અને મન હળવું થાય. મલય માટે દિવસ અને રાત એકસરખા થઈ ગયા હતા. મલય ખુલ્લી આંખે આખી રાત વિતાવી દેતો હતો. સારિકા અને પાથેયની યાદ મલયને કોરી ખાતી હતી. બંનેનાં મોતનો આઘાત તેની માટે અસહ્ય થઈ રહ્યો હતો. તેને જીવવું બોજારૂપ લાગી રહ્યું હતું. ‘હવે, હું શા માટે જીવું છું? કોના માટે જીવું છું?’ મલયના મગજમાં સતત આવા વિચારો ઘુમરાયા કરતા હતા. એકના એક વિચારોથી માથું ફાટી જશે તેમ તેને લાગતું હતું. છેવટે તેણે નક્કી કરી લીધું, જીવન ટૂંકાવી દેવાનું… આત્મહત્યા કરવાનું વિચારી લીધા પછી પોતે સ્વસ્થ થયો હોય તેમ મલયને લાગ્યું.

પાથેય અને સારિકાની આજે પ્રથમ માસિક પૂણ્યતિથિ હતી. આ જ દિવસે મલયે પણ જીવનનો અંત આણવાનો – પત્ની અને પુત્ર પાસે જવાનો – મક્કમ નિર્ણય કરી લીધો. મલયે અંતિમચિઠ્ઠી લખી, ‘હું મલય પંડ્યા, આત્મહત્યા કરી રહ્યો છું. પત્ની અને પુત્રની અણધારી વિદાય અને નોકરીમાંથી છૂટા કરી દેવાની દુખદ ઘટનાઓથી ખૂબ જ આઘાત લાગ્યો છે. હવે, જીવવાની કોઈ ઇચ્છા નથી.’ વાંચીને ચિઠ્ઠીની ગડી વાળી શર્ટના ખિસ્સામાં મૂકી. પછી ઘરમાં છેલ્લી વાર નજર ફેરવી લીધી. સારિકા અને પાથેયના ફોટો સામે જોઈ રહેલા મલયના ચહેરા પર એક મહિના પછી સ્મિત ફરક્યું. ઘરની બહાર નીકળી તેણે દરવાજાને તાળું માર્યું. ચાવી પેન્ટના ખિસ્સામાં મૂકી મલયે ચાલતી પકડી.

નર્મદા કેનાલ પાસે પહોંચી મલયે ચારે તરફ નજર કરી કોઈ છે કે નહીં તેની ખાતરી કરી લીધી. કેનાલમાં ધસમસતું પાણી વહી રહ્યું હતું. મલય પાણીનું ઊંડાણ માપતો હોય તે રીતે પાણીને જોઈ રહ્યો હતો. હવે, મોડું કરવું યોગ્ય નથી એમ માની મલય કેનાલની પાળી પર ચડ્યો. પાણી સામે નજર કરીને મલયે આકાશમાં એક નજર દોડાવી, અને જાણે ‘હું આવું છું’ તેમ કહેતો હોય તેમ સારિકા અને પાથેયને યાદ કર્યાં. છલાંગ લગાવવા જતો હતો ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. તરત જ મલય નીચે ઊતરી ગયો. કોઈ આવ્યું હશે એમ માની કેનાલથી દૂર જતો રહ્યો. રડવાના અવાજ પરથી બાળક નવજાત હશે તેવું તેને લાગ્યું. મલયે આમતેમ નજર ફેરવી પણ કોઈ દેખાતું નહોતું. થોડી વાર એમ જ તે ત્યાં ઊભો રહ્યો. બાળકના રડવાનો અવાજ હજુ પણ ચાલુ હતો. તેનાથી રહેવાયું નહીં એટલે તે અવાજની દિશામાં આગળ વધ્યો. થોડે દૂર કેનાલની પાસેની ઝાડી જેવી અવાવરું જગ્યામાં તેને નવજાત મળ્યું. બાળકને જોઈ મલય થોડો મૂંઝાયો પછી તરત તેણે બાળકને લઈ લીધું અને તેનું નિરીક્ષણ કર્યું. બાળક માંડ બે-ત્રણ દિવસનું હશે. રડી રડીને બાળક લાલ થઈ ગયું હતું. મલયે બાળકને લઈને જ ‘કોઈ છે…? આ બાળક કોનું છે…?’ એવી બૂમ પાડી. કોઈ જવાબ ન મળતાં કોઈ આ બાળકને રઝળતું મૂકી ગયું હોવાનું મલય સમજી ગયો. તેને બાળકની દયા આવી ગઈ. તેણે વિચાર્યું કે ‘હું મરવા માટે કારણો શોધું છું અને આ નાનકડો જીવ જીવવા માટે મરણિયા પ્રયાસ કરે છે.’ તેણે બાળકને છાતીસરસું ચાંપી દીધું. થોડી જ વારમાં બાળક શાંત થઈ ગયું. આત્મહત્યા કરવા આવ્યો હતો એ મલય ભૂલી ગયો હતો. થોડી વાર પછી તેને યાદ આવ્યું, પરંતુ હવે તેણે વિચાર બદલી નાખ્યો હતો. બાળકને જીવાડવા માટે મલય તત્પર હતો. તેના હૃદયમાં બાળક માટે લાગણી જન્મી ચૂકી હતી. તેણે બાળકને જીવાડવા માટે પોતે જીવવાનું નક્કી કરી લીધું. તે મનોમન બોલ્યો, ‘મારા દીકરાનું નામ મેં પાથેય રાખ્યું હતું. પાથેય એ કર્ણનું બીજું નામ છે. કુંતિ માતાએ કર્ણને જે રીતે છોડી દીધો હતો તેમ આ બાળકને પણ તેની માતાએ તરછોડી દીધું છે. હવે, હું આ ‘પાથેય’ને જીવાડીશ. તેનું પાલન કરીશે. નોકરી તો કાલે મળી જશે.’ મલયે બાળકને ફરી છાતીમાં સમાવી લીધું પછી આકાશ સામ જોયું. સારિકા અને મલય તેના આ નિર્ણયથી ખુશ હોય એવું તેને લાગ્યું. તેણે સૌપ્રથમ બાળકને ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. મલય ખૂબ ખુશ હતો. જાણે પાથેય પાછો આવી ગયો હોય તેમ તેને લાગતું હતું. થોડે દૂર ચાલ્યો ત્યાં મેઇન રોડ આવી ગયો. રોડની સામેની બાજુએ રિક્ષા ઊભી હતી. મલય બાળકને લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તેનું ધ્યાન બાળકમાં હતું. તે બાળકને રમાડતો રમાડતો રોડની વચ્ચે પહોંચ્યો, એટલામાં એક ટ્રક ધસમસતી આવી અને…

– આશિષ આચાર્ય


14 thoughts on “આપઘાત – આશિષ આચાર્ય