ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭) 10


શબ્દ ૧૭ – જુગતિ
ભજન ૧૬ – જુગતિ તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એકતાર રે !

આ જુગતી શું છે? નાથ સંપ્રદાયમાં એક પરંપરા છે, યુક્તિ સે મુક્તિ, નાથ સંપ્રદાયનો એક સિદ્ધાંત છે, યુક્તિથી મુક્તિ, ગંગાસતી પર નાથ સંપ્રદાય, યોગની અસર છે જ, અને યોગમાં યુક્તિથી મુક્તિની વાત છે, એટલે કહે છે, જુગતી તમે જાણી લેજો પાનબાઈ. તાળું મારેલું હોય, મજબૂત તાળું હોય, ત્યારે ખોલવું કેવી રીતે? એને માટે જરૂર છે કે નાની ચાવી હોય, આ ચાવી તે જુગતી છે. અધ્યાત્મપથ પર અનેક તાળાઓ આવે છે, અનેક ગ્રંથીઓ આવે છે, અનેક વિટંબળાઓ આવે છે, અનેક જગ્યાએ માર્ગ અટકી જતા હોય એમ લાગે, ત્યારે માર્ગના તાળા ખોલવા કેમ? એની જુગતી, જુગતી કોણ આપે? ગુરુજી આપે કે આ તાળુ આમ ખૂલે, અહીં આ જ ચાવી લાગે એ વાત ગુરુ શીખવે છે. વચનરૂપી જુગતિથી તાળુ ખોલવાનું વિધાન ગંગાસતી આપે છે.

શબ્દ ૧૮ વચન અને વચનવિવેક
ભજન ૧૭ – વચનવિવેકી જે નરને નાર પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય. યથારત વચનની શાન જેણે જાણી પાનબાઈ, તેને કરવું હોય તેમ થાય.

ગંગાસતીના સાધનાનું કેન્દ્રસ્થતત્વ આ છે, વચન અને વચન વિવેક, એટલે શું? વેદાંતની સાધનામાં મહાવાક્ય વિવેક એ સર્વોચ્ચ સાધના છે એને અંતિમ સાધના મનાય છે, મહાવાક્ય વિવેક. મહાવાક્ય ચાર છે, ચારેય વેદનું એકેક વાક્ય ગણાય, અહં બ્રહ્માસ્મિ, તત્વમસિ, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનં બ્રહ્મ આ ચાર મહાવાક્ય છે, મહાવાક્યોમાં જીવ બ્રહ્મ વચ્ચે અદ્વૈત સિદ્ધ કરવામાં આવે છે. પણ એક પાંચમું મહાવાક્ય છે, છાંદોગ્ય ઉપનિષદમાં છે, આખા મંત્રનો એક અંશ છે, “સોહમ અસ્મિ.” સોહમ – હું તે જ છું – જેવો મહાવાક્યનો અર્થ તેવો જ આનો અર્થ છે, સહ એટલે તે પરમાત્મા, અસ્મિ એટલે હું જ છું. શ્વાસ સાથે મેળ બેસાડવા માટે સંતપરંપરામાં આ મહાવાક્ય લેવાયું છે પણ અસ્મિ પદને છોડી દીધું છે, એટલે સોહમ એટલું જ રહ્યું, આ સોહમ્ એ વચન છે. વચનનો વિવેક કરવો કેવી રીતે એના પાંચ સોપાન છે, સંત પરંપરામાં આવે છે, પહેલું સોપાન – શ્વાસોશ્વાસ સાથે સુરતાને જોડી દેવી, ધ્યાન શ્વાસ ઉપર દ્રઢ રહેવું જોઈએ એ પહેલું સોપાન, બૌદ્ધ ધર્મમાં એને અપાન સતિ યોગ કહેવાય છે, બીજું સોપાન છે ગુરુ વચન આપે છે, શ્વાસ અંદર લેતી વખતે ‘સો’ બહાર લેતી વખતે ‘હમ’, સોહમ, ‘સોહમ’ – સહ અહમ છે વિસર્ગનો ‘ઓ’ થઈ ગયું ‘અ’ નો લોપ થયો એટલે સોહમ શબ્દ થયો છે, શ્વાસોશ્વાસ સાથે શ્વાસે શ્વાસે સોહમ જાપે બીજું સોપાન થાય, અને એમાં ત્રણ તત્વોનું મિલન છે, એક વચન, બીજું શ્વાસ અને ત્રીજું સૂરતા. ત્યાર પછી ત્રીજું સોપાન આવે છે, વચનનો વિવેક – માયા સહિત જો સહ હોય તો ઈશ્વર છે, પણ માયવિહિન થાય એટલે ઈશ્વરને સ્થાને બ્રહ્મ આવે છે, અહં એ જીવ છે, એમાંથી અવિદ્યા તત્વનું નિરસન થાય તો એનો અર્થ બ્રહ્મ થાય છે. આમ જીવ અને ઈશ્વર એક છે એવો એનો અર્થ છે, આ તૃતિય સોપાન છે. ચોથા સોપાનમાં બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય છે, શબ્દનો જાપ કરતા કરતા અંદરથી બ્રહ્માકાર વૃત્તિ પ્રગટે એટલે વચન છૂટી જાય છે, બ્રહ્માકાર વૃત્તિ જ રહે છે અને પાંચમાં સોપાનમાં બ્રાહ્મિસ્થિતિમાં આત્મા સ્થિત થઈ જાય છે, આ વચન-સોપાનના પાંચ પગથીયાં છે.

શબ્દ ૧૯ અભ્યાસે જીતવો અપાન
ભજન ૨૪ પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી અને અભ્યાસે જીતવો અપાન રે !

અહીં યોગની ક્રિયા છે, અપાન એટલે શું? અભ્યાસે જીતવો એટલે શું? અભ્યાસ એટલે શું? કયા અભ્યાસથી અપાન જીતાય અને એને જીતવો શા માટે?

આપણા શરીરમાં પ્રાણતત્વ છે, એના સ્થાનભેદે અને કાર્યભેદે દસ પ્રકાર પાડવામાં આવે છે, પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ, પ્રાણ અપાન વયાન સમાન અને ઉદાન આ પાંચ પ્રાણ છે. નાગ, કુર્મ, કુર્કુર, દેવદત અને ધનંજય આ પાંચ ઉપપ્રાણ છે, અપાન શું છે અને એનું સ્થાન ક્યાં છે? નાભિથી નીચેના પ્રદેશમાં અપાન છે, અપાન છે ભોગનો કારક, ઉત્સર્ગ અને ભોગ અપાનના કૃત્યો છે, જ્યાં સુધી અપાન જીતાય નહીં, ત્યાં સુધી બ્રહ્મસ્થ સિદ્ધિ થઈ શકે નહીં, લાખો વાતો ભલે કરો, અપાન ભોગનો કારક છે અને ‘અ’ એટલે નીચે જવું, ‘ઉદ’ એટલે ઉપર જવું, ઉદાન એટલે ઉપરની ગતિ, અપાન એટલે નીચેની ગતિ, તો પ્રાણની નીચેની ગતિ તે અપાન છે, અને જ્યાં સુધી અપાન જીતાય નહીં ત્યાં સુધી ભોગમુક્તિ થાય નહીં, ત્યાં સુધી બ્રહ્મચર્ય સિદ્ધ થઈ શકે નહીં, લાખો વાતો ભલે કરો એટલે ગંગાસતિ કહે છે અપાનને જીતો, એ નિમ્નગામી છે, એના પર વિજય મેળવો. તો જ પ્રાણનું ઉત્ક્રમણ થશે, તો બ્રહ્મચર્ય શુધ્ધ થશે તો સાધનાની ઉર્ધ્વગતિ થશે, તેનો અભ્યાસ કઈ રીતે કરવો? યોગશાસ્ત્રમાં અપાનને જીતવા માટે છ ક્રિયાઓ બતાવી છે.

એક – ત્રિબંધ પ્રાણાયામ, બે – મૂલબંધ, ત્રણ – ઉડ્ડિયાનબંધ, ચાર – મહામુદ્રા, પાંચ – અશ્વિનિ મુદ્રા અને છ – શક્તિચાલિનીમુદ્રા, આ છ ના અભ્યાસથી અપાન પર વિજય મળે છે, એમ ગંગાસતી અભ્યાસે જીતવો અપાનના અર્થે કહે છે.

શબ્દ ૨૦ પાંચ પ્રાણને એક ઘરે લાગવા
ભજન ૨૪ પાંચેય પ્રાણને એક ઘરે રાખવા, શીખવો વચનનો વિશ્વાસ રે

પાંચ પ્રાણ કયા એ તો આપણે જોયું, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, એને એક ઘરે શા માટે લાવવા? એ એક ઘર કયું? કેવી રીતે લાવવા?

જ્યાં સુધી પ્રાણ હ્રદયમાં પહોંચે નહીં ત્યાં સુધી એ ઘર સાબિત થતું નથી. પાણીની પાંચ ધારા વહેતી હોય તો શક્તિ વહેંચાઈ જાય, પાંચેય ધારા એકત્રિત થાય તો શક્તિ વધી જાય અને શક્તિ વધે તો પ્રાણ ગ્રંથીઓને ભેદવા માટે શક્તિમાન થાય છે, આપણા શરીરમાં સાત ચક્ર છે એમાના નીચેના છ ગ્રંથી છે, એ ગ્રંથીનું ભેદન થાય તો ગ્રંથી – ગ્રંથીને બદલે દ્વાર બની જાય છે, અને ગ્રંથીનું ભેદન કરવા માટે પાંચેય પ્રાણને એકત્રિત કરવા જોઈએ એથી એની શક્તિ વધે. કયા સ્થાને? અનાહત ચક્રમાં, એ હ્રદયમાં ચે, ત્યાં પાંચેય પ્રાણને એકત્રિત કરવાના છે, અપાનને ઉર્ધ્વ લેવાનો છે, અપાનનું સ્થાન નીચે છે અને ઉદાનનું સ્થાન મસ્તકે છે, તેને નીચે ઉતારવાનો છે, હ્રદયમાં પાંચેય પ્રાણ એકત્રિત થાય પછી ગ્રંથીઓનું ભેદનની ક્રિયા સરળ થાય છે એવું ગંગાસતીનું આ કહેવાનો યૌગિક અર્થ છે એટલે ગંગાસતિ કહે છે, પાંચેય પ્રાણને એક ઘરે રાખવા, શીખવો વચનનો વિશ્વાસ રે.

શબ્દ ૨૧ – રાખવું સ્વરભેદમાં ધ્યાન
ભજન ૨૪ – ભાઈ રે ડાબી ઈંગલા ને જમણે પીંગળા, રાખવું સ્વર ભેદમાં ધ્યાન રે

આ સ્વરોપાસના છે, સંસ્કૃતમાં શિવસ્વરોદય નામનો એક ગ્રંથ છે જે આપણી પરંપરામાં સ્વરવિદ્યાનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે, એમાં એમ કહ્યું છે કે આપણા શ્વાસ હંમેશા બંને નસકોરાથી સમાન રીતે નથી ચાલતો, જરા તપાસ કરીએ તો ખબર પડે કે બંનેમાં શ્વાસ ચાલે છે, પણ એકમાં વધુ હોય છે, એકમાં ઓછો. ક્યરેક ડાબું, ક્યારેક જમણું એમ વારાફરથી ચાલે છે, ડાબું ચાલતું હોય ત્યારે એમ સમજવું કે ઈડામાં શ્વાસ ચાલે છે, કારણકે ઈડા ડાબી બાજુ છે, તંદ્ર નાડી કહેવાય, પીંગલા જમણી બાજુ છે, જમણામાં વધુ ચાલે ત્યારે પીંગલામાં ચાલે છે, વચ્ચે એક ક્ષણ એકમાંથી બીજે જતી વખતે, ડાબામાંથી જમણામાં ને જમણામાંથી ડાબામાં શ્વાસ જ્યારે બદલાય ત્યારે એ દરમ્યાન થોડીક ક્ષણો એવી આવે છે કે જ્યારે બેયમાં સમાન ભાવે ચાલે છે. એને શ્વાસ પીંગળામાં ચાલે છે એમ કહેવાય, અને એ ક્ષણ અતિકીમતી છે, એ ક્ષણમાં જો સાધન કરી લેવાય તો છલાંગ લાગી શકે છે, આ ગૂઢ વિદ્યા ગંગાસતિ જાણે છે એટલે કહે છે કે રાખવું સ્વરભેદમાં ધ્યાન રે.

આ સ્વરવિદ્યાના શિક્ષણથી ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે, –

ડાબી ઈંગલા ને જમણી પીંગલા, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે. સૂર્યમાં ખાવું, ચંદ્રમાં જળ પીવું, પરીપૂરણ વચનમાં વરતાય રે. એમ કાયમ રાખવું ધ્યાન રે.

પહેલી વાત તો એવી થાય છે યોગીઓ યોગદંડ નામનો એક લાકડાનો દંડ રાખે છે, એને દેશી ભાષામાં કૂબડી કહે છે, સંસ્કૃતમાં યોગદંડ કહે, એ શા માટે રાખે છે? ઘણા સાધુઓના હાથમાં હોય છે? એ શ્વાસને બદલવાની યુક્તિ છે, બગલમાં રાખી અને શ્વાસને બદલવા માટેની ટેકનીક, શ્વાસ બદલવા માટેના પ્રાણાયામ પણ છે, એના આસનો પણ છે, પણ યોગદંડ શ્વાસને બદલવા માટે, ડાબામાંથી જમણામાં ને જમણેથી ડાબામાં લેવાની યુક્તિ છે. કેટલાક માણસોને કાયમી શરદી રહે છે, એનો શ્વાસ કાયમ ડાબે નસકોરે ચાલતો હોય, ડાબે એટલે ચંદ્રનાડી, એ શિતળ છે, કેટલાકને કાયમી પીત રહે છે, કાયમી જમણે શ્વાસ ચાલે એ સૂર્યનાડી છે, એ ગરમ છે. એને સમતોલ કરવાથી ઘણા રોગમાંથી મુક્તિ મળે છે, માટે યોગી લોકો કૂબડી રાખે છે એમ ગંગાસતિ કહે છે.

બીજું છે જ્યારે શ્વાસ બંને માં સમાન થઈ જાય, સમતુલ્ય – ઈડામાં નહીં, પીંગલામાં નહીં, ત્યારે સુષુમણામાં હોય, દિવસો સુધી યોગીઓના શ્વાસ સુષુમણામાં ચાલે એ ધ્યાન અમાટેની ઉતમ અવસ્થા છે. એનો ઉપયોગ કરી લેવો જોઈએ

ત્રીજી વાત છે – જ્યારે કુંડલિની શક્તિનું જાગરણ થાય અને કોઈ એક જ શ્વાસ ચાલતો હોય, એક જ જગ્યાએ ચાલતો હોય ત્યારે કુંડલિની ડાબામાં અથવા જમણામાં – ઈડા અથવા પીંગલાના મારગે જાય તો ખાનાખરાબી જાય, એટલે કુંડલિની શક્તિ જાગ્યા પછી એનેન સુષુમણામા માર્ગમાં કેમ લેવી એવી યુક્તિ યોગમાં છે, પણ એના માટે જાણવું જોઈએ કે અત્યારે કઈ નાડી ચાલે છે માટે ગંગાસતિ કહે છે, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે.

શબ્દ ૨૨ નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે
ભજન ૨૪ નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, તેમ જાણવું નક્કી નિર્ધાર રે

આ નાડી શુદ્ધિ શું છે? પહેલા તો નાડી એટલે શું? નાડી શુદ્ધિ એટલે શું? નાડી શુદ્ધિ શા માટે કરવી અને નાડી શુદ્ધ કેવી રીતે કરવી એમ ચાર પ્રશ્નો છે. આ સ્થૂળ શરીરની વાત નથી, આ શરીરમાં જે રક્ત વાહિનીઓ છે, જેમાંથી લોહી ભ્રમણ કરે છે એ નાડીની વાત નથી, આ પ્રાણમય શરીરની વાત છે, નાડી એટલે પ્રાણમય શરીરના એવી ચેનલ – એવી નળીઓ જેમાંથી પ્રાણના પ્રવાહો વહે છે. ગોરખશતકમાં ગોરખનાથે કહ્યું છે કે આપણા શરીરમાં બોંતેરહજાર નાડીઓ છે, એ સૂક્ષ્મશરીરની વાત છે, પ્રાણમય શરીરમાં ચેનલ છે, પ્રવાહો જેમાંથી વહે તે એમાં, પ્રાણના પ્રવાહો છે. એટલે નાડીની વ્યાખ્યા કરવી હોય તો “The channels through which Pranik Currents are moving.” એવા પ્રકારની નાડીઓ જેમાંથી પ્રાણના પ્રવાહો વહે તે નાડીને એમાં વાત છે. બીજી વાત છે નાડી શુદ્ધ કરવાની જરૂર શું? નાડી અશુદ્ધ હોય અને પ્રાણનું ઉત્થાન થાય તો ખાનાખરાબી થાય, મકાન નવું બનેલું હોય, ઈલેક્ટ્રિફીકેશન બરાબર ન હોય અને પાવર આવે – લાઈટ ઓન કરો તો શોટસર્કિટ થાય એવું ઘણાના શરીરમાં થયું છે, અધ્યાત્મપથના ઘણાં સાધકો ગાંડા થઈ જાય છે, કારણ શું? નાડી શુદ્ધિ કરી નથી. નાડી શુદ્ધ કર્યા પહેલા ધ્યાનમાં પ્રવેશ કરવો નહીં, કરવા જશો તો ખાનાખરાબી થશે. પૂરી તૈયારી ન હોય તો એ ન કરવું કેમકે ધ્યાન સમયે આ શરીર પર અપરંપાર બોજો પડે છે, રામકૃષ્ણ દેવ કહેતા કે ‘ઘાસની કુટિયામાં હાથી આવે તેવું થાય છે, મહાચૈતન્ય જ્યારે આમાં પ્રગટ થાય ત્યારે શરીર શુદ્ધ ન હોય તો તેનો બોજ ન ઝીલી ન શકે, શરીરમાં – મનમાં ગાંડપણ આવી શકે, એટલે ગંગાસતિ કહે છે પહેલા નાડી શુદ્ધ કરો, તે પછી પ્રાણનું ઉત્થાન થાય, ધ્યાનમાં પ્રવેશ થાય તો યોગ્ય તૈયારી પૂર્વક થવો જોઈએ. એક સામાન્ય મકાન બનાવવું હોય, દુકાન નાખવી હોય તો કેટલી તૈયારી કરવી પડે છે? તો અધ્યાતમ પથ માટે પણ ઘણી તૈયારી કરવી પડે છે. જેમણે યોગસાધના કરી નથી એમનો ધ્યાનનો પ્રવેશ થાય છે, પણ ધ્યાનમાં પ્રવેશ થઈ કાં તો શરીરથી અને કાં તો મનથી ગાંડા બની જાય એ, પાંગળા બની જાય છે, પથારી વશ થઈ જાય એટલે ગંગાસતિ કહે છે, નાડી શુદ્ધ થયા પહેલા ધ્યાનમાં પ્રવેશ ન કરવો, પ્રાણનું જાગરણ કરવું નહીં, કુંડલીની જાગરણના પ્રયત્ન કરવા નહીં.

શબ્દ ૨૩
ભજન ૨૫ નિત્ય પવન ઉલટાવવો

ઘણા એમ માને છે કે નિત્ય પવન ઉલટાવવો અને અભ્યાસે જીતવો અપાન બંને એક હશે, બંને એક નથી – અભ્યાસે જીતવો અપાન એમાં માત્ર અપાન પરના વિજયની વાત છે, નિત્ય પવન ઉલટાવવો અને પાંચેય પ્રાણની વાત છે. નિત્ય પવન ઉલટાવવો એટલે શું? પવનની જે સ્વાભાવિક ગતિ છે, પ્રાણની બે સ્વાભાવિક ગતિ છે, કાં તો એ બહાર જાય છે ઈન્દ્રિયો દ્વારા, કાં તો એ નીચે જાય છે ભોગ દ્વારા, નિમ્નગતિ અને બહિર્ગતિ એ પ્રાણની સ્વભાવિક ગતિ છે જે અવિદ્યાવશ શાય છે, એને બદલે બહાર જતો પ્રાણ અંદર આવે, નીચે આવતો પ્રાણ ઉપર આવે તો અધ્યાત્મપથ સુકર બને છે અને અધ્યાત્મપથમાં છલાંગો લાગે છે એટલે ગંગાસતી કહે છે, નિત્ય પવન ઉલટાવવો. પણ નિત્ય પવન ઉલટાવવો કેવી રીતે? એની સાધના કરવી પડે, શક્તિચાલીની નામની મુદ્રા છે, મૂલબંધ નામનો બંધ છે, ઉડ્ડીયાનબંધ છે, ત્રિબંધપ્રાણાયામ છે આ બધી સાધનાઓ થી નિમ્નગામી પવન ઉર્ધ્વગામી થાય છે એને ગંગાસતી કહે છે નિત્ય પવન ઉલટાવવો રે અને રમવું સદા હરીની સંગ રે. હરીની સંગ ક્યારે રમાય? પવન જ્યારે ઉર્ધ્વ દિવ્હ્સમાં જાય, પ્રાનનું ઉત્થાન થાય ત્યારે હરી સામે ઉભેલો દેખાય છે, એટલે કહે છે રમવું સદા…

શબ્દ ૨૪ – ગુંજાનો લાડવો
ભજન ૨૮ – ભાઈરે આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહંભાવ ગયા વિના ન ખવાય

સૂક્ષ્મ વાત છે – સાવધાન. ગૂંજાનો લાડવો એટલે તમારી પાસે જ છે તે, ગૂંજા એટલે ખીસું, તળપદી ભાષામાં ગૂંજુ કહેવાય, લાડવો તમારી પાસે જ છે પણ ખવાતો કેમ નથી? અહંકાર ગયા વિના ન ખવાય. ગૂંજાનો લાડવો એટલે તમે પોતે – એ તમારી પાસે નથી, તમે પોતે જ છો, છતાંય લાડવો ખવાતો કેમ નથી, એક પડદો આડો આવે છે, પડદાનું નામ છે અહંકાર, એક રાજા હતો, રાજાના રાજ્યમાં સર્વ વાતે સુખ પણ એક વાતનું દુઃખ – ચોરી બહુ થાય, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, મહારાજા, આપણા રાજ્યમાં આવું કેમ? ચોરને પકડી નથી શક્તા? રાજમહેલમાં ચોરી, સેનાપતિના ઘરમાં ચોરી? રાજાએ ઢંઢેરો પીટ્યો કે આ ચોરને જે પકડશે એને અડધું રાજ્ય ઈનામ અને એને પોલિસદળનો વડો બનાવીશ. અરજીઓ પર અરજી આવવા લાગી. ચોરે પણ અરજી કરી અને એની પસંદગી થઈ ગઈ. ચોરની પસંદગી થઈ ગઈઆને એ ચોરને પકડવા પોલિસદળનો વડો બન્યો એને કેમ પકડાશે? અહંકાર તે આ ચોર. આત્માનો પડછાયો, જેનું પોતાનું અસ્તિત્વ નથી એ અહંકાર. આત્માની ગાદી ઉપર બેસી ગયો છે અને તે આત્માની પ્રાપ્તિમાં આડો આવે છે એટલે ગંગાસતી કહે છે કે આત્મા તો ગુંજાનો લાડવો છે પણ અહંભાવ ગયા વિના, ચોરને પકડ્યા વિના તો ન લેવાય. એને પકડવાનો ઉપાય શું? રાજા પોતે જ પોલિસદળનો વડો બને તો એમ થાય, આત્મા પોતાના આસન પર પ્રતિષ્ઠિત થાય ત્યારે અહંકારને એ કાઢી શકે.

શબ્દ ૨૫ વીજળીને ચમકારે
ભજન ૨૯ વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ નહીંતર અચાનક અંધારા થાશે

આના ત્રણ અર્થ છે, પહેલો અર્થ – વીજળીને ચમકારે મોતી પરોવવું એટલેકે અપરંપાર જાગૃતિ રાખવી. વીજળીનો ચમકારો ક્ષણિકમાં આવે એટલી વારમાં મોતી પરોવી લ્યો, એક તો મોટી પરોવવા ઘણી એકાગ્રતા જોઈએ, ઘણી એકાગ્રતા અને સ્થિરતા, અને બીજુ વીજળીને ચમકઆરે – અચાનક અંધકાર થશે એટલે ક્ષણમાં અએ આપણું કાર્ય સિદ્ધ કરી લેવાનું છે, અત્યંત જ્ગૃતિ જોઈશે, અધ્યાત્મપથ પર અથંત સાવધાની. ખરેખર બધા માટે સામાન્ય એવું અધ્યાત્મપથ નથી, તમારા માટે કોઈ તૈયાર અધ્યાત્મ રસ્તો નથી, પક્ષીઓનો આકાશમાં જવાનો કોઈ ચોક્કસ રસ્તો ન હોય એવું આ છે, ક્ષણે ક્ષણે તમારે તમારો રસ્તો કંડારતા જવાનું અને ચાલતા જવાનું, ક્અણે ક્ષણે પોતાનો પથ છે એટલે ગંગાસતી કહે છે સતત સાવધાની રાખવાની છે. કેવી સાવધાની – તેઓ કહે છે વીજળીના ચમકારે મોતી પરોવાય એવી સાવધાની.

બીજો અર્થ છે – જીવન બહુ થોડું છે, વીજળીના ચમકારા જેવું, પરિક્ષિત મહારાજને સાત સિવસ હતા ભાગવત સેવન માટે, આપણે તો સાત દિવસ્નઓય ભરોસો નથી, ગમે ત્યારે ફટાકડો ફૂટશે એટલે ગંગાસતી કહે છે કે ગમે ત્યારે મૃત્યુ આવશે માટે ઉપલબ્ધ સમયમાં તમે મોતી પરોવી લ્યો

ત્રીજો યૌગિક અર્થ છે – ઈડામાં શ્વાસ ચાલતો હોયીંગળામાં શ્વાસ ચાલતો હ્ય, બાંનેમાં સમાન ભાવે ચાલે એ વીજળીના ચમકારા જેવો સમય છે, તેનો ઉપયોગ કરી લો, એ વખતે ધ્યાન સમાધિ લાગી જાય તો મોતી પરોવાઈ જશે આવો આનો અર્થ છે.

શબ્દ ૨૬ સજાતિ વિજાતિ
ભજન ૨૯ સજાતિ વિજાતિની જુગતી બતાવુંને બીબે પાડી દઉં બીજી ભાત

સજાતિ વિજાતિની જુગતિ એટલે શું? બીબું એટલે શું? બીબે ભાત પાડી દઉં એટલે શુ? વેદાંતની પરિભાષાનો શબ્દ છે. વેદાંતમાં પહેલું સોપાન છે શ્રવણ, ઉપનિષદ આદિ ગ્રંથો, વેદાંતના ગ્રંથોનો ગુરુમુખે શ્રવણ એ પ્રથમ સોપાન છે, બીજું છે મનન, જેનું શ્રવણ કર્યું છે તેનું શાસ્ત્રને અનુકૂળ એવી રીતે ચિંતન કરવું, શાસ્રાનુકુળ ચિંતનમ મનનમ શ્રવણ તાત્પર્યનિર્ણયમ એવી એની વ્યાખ્યા છે. ત્રીજું સોપાન છે દેદિધ્યાસન એટલે શું? આત્માકાર વૃત્તિનો સ્વીકાર અને અનાત્માકાર વૃત્તિનો ત્યાગ. આપણા ચિત્તમાં વૃત્તિ ચાલે છે સંસારની, એ અનાત્માકાર વૃત્તિ છે, દેહનો વિચાર, ભોજનનો, સંતાનનો, વાડીનો, દુકાનનો આવા આખો દિવસ કેટલા વિચારો ચાલ્યા કરે છે એ અનાત્માકાર ચિંતન છે. અને આત્મામાં ચિંતન જ્યારે સ્થિર થાય ત્યારે તેને આત્માકાર વૃત્તિ કહેવામાં આવે એ. તો સજાતિય એટલે આત્માકાર ચિંતન – આત્માકાર વૃત્તિ એટલે સજાતિ અને અનાત્મા એટલે વિજાતિ વૃત્તિ કહેવાય તેને વેદાંતની પરિભાષામાં દિધ્યાસન કહે છે – ગંગાસતી કહે છે, સજાતિ વિજાતિની જુગતી બતાવું – એટલે અનાત્માકાર વૃત્તિઓનો ત્યાગ કરીને આત્માકાર વૃત્તિમાં સ્થિર થવું, તો બીબે પાડી દઊં બીજી ભાત – બીબું એટલે અંતર, એનું રૂપાંતર કરી દઉં, એની ભાત પાડી દઉં એમ ગંગાસતિ કહે છે.

શબ્દ ૨૭ નૂરત સૂરત
ભજન ૩૪ નૂરત સૂરતથી નિજનામ પકડો, જેથી થાય હરીની જાન રે

નૂરત સૂરત શબ્દના પાંચ અર્થો આપવામાં આવે છે. પહેલો અર્થ – નૂરત એટલે શ્વાસ, સૂરત એટલે ઉચ્છવાસ. બીજો અર્થ – નૂરત એટલે નિરતી, મૃત્યુને પાછી ખેંચી લે એવી સંસારમાંથી નિવૃત્તિ અને પરમાત્મામાં સૂરતા ધારણ કરવી, આ પાંચેય અર્થમાં વિકાસયાત્રા છે, તૃતિય અર્થ – નૂર એટલે તેજ, નૂરત સૂરત એટલે તેજમાં ધ્યાન કરવું, તેજમાં સૂરતા લગાડવી તે, ચોથો અર્થ – નૂરત એટલે સાલંબ ધ્યાન – સૂરત એટલે સાલમ ધ્યાન, પાંચમો અર્થ છે સૂરત એટલે સવિકલ્પ સમાધિ અને નૂરત એટલે નિર્વિકલ્પ સમાધિ. આમ પાંચેય અર્થોમાં એક વિકાસયાત્રા જોવા મળે છે.

શબ્દ ૨૮ – મૂળ પ્રકૃતિનો નાશ
ભજન ૩૪ – મેલ ટળે ને વાસના ગળે રે પછી કરો પૂરણ નો અભ્યાસ, ગંગાસતી એમ બોલીયા, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે.

પ્રકૃતિના ચોવીસ તત્વો છે એ વાત જોઈ ગયા, ત્રેવીસ તત્વો એ મૂળ પ્રકૃતિમાંથી પ્રગટે છે, જ્યારે ગુણને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ્ એ ત્રણેય સમાન અવસ્થામાં હોય ત્યારે સૃષ્ટિની ઉત્પતિ થતી નથી, એ સમાનતા જાય – એ ત્રેવીસ તત્વ ન હોય એ મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે, ત્રેવીસ તત્વમાંથી વિલીન થયા પછી પણ અવિદ્યા રહે છે, કારણકે મૂળ પ્રકૃતિમાં અવિદ્યા છે એટલે ગંગાસતી કહે છે મૂળ પ્રકૃતિનો નાશ થવો જોઈએ.

શબ્દ ૨૯ ગુપતરસ

ગુપતરસના અનેક અર્થ છે પણ જ્ઞાનેશ્વર મહારાજે એની ભાવાર્થદિપીકા ટિકામાં ગીતા પરની ટિકામાં – જ્ઞાનેશ્વરી ગીતાના છઠ્ઠા અધ્યામાં ગુપતરસની વાત કહી છે, કુંડલીની શક્તિનું જાગરણ થાય અને જ્યારે છઠ્ઠા ચક્રનું ભેદન થાય ત્યારે ત્યાં ચંદ્ર છે એમાંથી અમૃત ઝરે છે એને યોગની ભાષામાં ગુપતરસ કહેવામાં આવે છે, ગંગાસતી કહે છે ગુપતરસ આ તો જાણી લેજો પાનબાઈ, એથી જાણવું રહે નહિં કાઈ રે, ઓઘરે આનંદના કાયમ રહે સહેજે સંશય બધા મટી જાય. ગુરૂ વચનના માનની વાત આવે છે, ગંગાસતીને પાનબાઈ કહે છે, તમે છૂટા રે છૂટા બાણ ન મારો. ત્યારે ગંગાસતી કહે છે – બાણ રે હજી નથી વાગ્યા, બાણ રે વાગ્યાને હજુ વાર. બાણ રે વાગ્યા પછી બોલાય નહીં પાનબાઈ. કેનોપનિષદમા પ્રસંગ છે – એક શિષ્ય કહે છે ગુરૂજી મને તમે કહ્યું એ સમજાઈ ગયું ત્યારે ગુરુ કહે છે – જો તને એમ લાગે કે તને ખબર છે તો તને કાંઈ ખબર નથી – જે કહે કે જાણું છું એ જાણતો નથી – જે બ્રહ્મને જાણતો હોય તે કહે નહીં, કારણકે કહેનાર હું રહેતો નથી – એટલે હું કદી બ્રહ્મને જાણે નહીં – કૃષ્ણમૂર્તિ કહે છે – He who says he knows – knows not.

છેલ્લે આવે છે મૂક્યો મસ્તક પર હાથ ગંગાસતિ પાનબાઈના મસ્તક પર હાથ મૂકે છે આ શક્તિપાતની ઘટના છે – ગમે તેવો સમર્થ સાધક માત્ર પોતાની શ્ક્તિથી એને પામિ શક્તો નથી, આ તો ગુરુ કૃપા – ભગવતકૃપાથી અંતિમ આવરણનો ભંગ થાય એટલે ગંગાસતી એના મસ્તક પર ખોળામાં બેસાડ્યા અને મસ્તક પર મૂક્યો હાથ આ શક્તિપાતની ઘટના છે – અને આવરણભંગ થઈ જાશે સૂરતા શુન્યમાં સમાઈ જાય અને ગંગાસતી દેહ ઓડે છે. એ ઘટના કેવી રીતે ઘતી છે કુમકુમપત્રિકાઓ લખાય છે – ગુલાલ છાંટીને સ્ંતો ભક્તોને બોલાવવામઆં આવે છે – તિથિ નક્કી થાય છે અને ગંગાસતી સ્વૈચ્છાએ દેહનો ત્યાગ કરે છે – દેહત્યાગ એટલે આત્મહથા નહીં – આ તો યોગિક પ્રાણોત્કરમણ છે – ગીતાના આઠમા અધ્યાયમાં – શ્રીમદ ભાગવતના બીજા અધ્યયામં આ રહસ્યનું અર્થઘટન છે.કેવી રીતે થાય છે આ? સાધક જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં જાય ત્યારે પાઓ જાગૃત કરી રીતે થાય? કોણ કહેનાર છે જાગો સમય થયો? એટલે સમાધિમાં જતા પહેલા સાધકે સંકલ્પ કરવો પડે કે હું ત્રણ ઘડી – બે ઘડી – એક દિવસ કે ત્રણ દિવસ આ આસનમાં રહીશ એ સંકલ્પના જોરે એ પાછો આવે છે – રાત્રે આપણે ખૂબ વિચારીએ વહેલા ઉઠવું જ છે, ઘડિયાલ ન હોય તો પણ સંકલ્પના જોરે આપણે ઉઠીએ છીએ એમ સંકલ્પના જોરથી સમાધિમાંથી પાછા અવાય છે, પણ સમાધિમાંથી પાછા નથી આવવુ એવો સંકલ્પ કરે તો સમાધિમાં જ દેહનો ત્યાગ થાય એને યૌગિક પ્રાણોત્ક્રમણ કહેવાય.

અને છેલ્લે ગંગાસતી પાનબાઈને કહે છે પાનબાઈ – તમે પદ પામ્યા નિર્વાણ – જ્યાં સુધી ગુરૂ ન કહે – તમે પદ પામ્યા નિર્વાણ ત્યાં સુધી અધ્યાત્મ યાત્રા અધૂરી છે, ભગવાન વ્યાસે શુકદેવને કહેલું, તું જ્ઞાની છે પણ ગુરુનું પ્રમાણપત્ર ક્યાં – એ કહે તમે આપો – કહે હું પિતા છું – જા ગુરુ જનક પાસે. જનક કહે છે રસ્તામાં શું જોયું, તો કહે રસ્તામાં મીઠાઈની દુકાનો જોઈ. કોણ વહેંચતું હતું? તો કહે મિઠાઈના પૂતળા, કોણ ખરીદતું? – મીઠાઈના પૂતળા, રસ્તામાં કોણ તો કહે મીઠાઈના પૂતળા, તમે કોણ છો તો કહે મીઠાઈનું પૂતળું. જવાબ મળ્યો જાવ તમે જ્ઞાની પુરુષ છો. નરસિંહે કહ્યું છે કે જાગીને જોઉં તો જગત દિસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમ શુકદેવને સમજાઈ ગયું માટે કહ્યું – તમે પદ પામ્યા નિર્વાણ. એમ ગંગાસતી પાનબાઈને કહે છે. પાનબાઈ તમે પદ પામ્યા નિર્વાણ. ગુરુ જ્યારે અધિકારી શિષ્યને એમ કહે કે તમે પદ પામ્યા નિર્વાણ એથી મોટું પ્રમાણપત્ર જગતમાં ક્યાંય નથી. આવરણ ઉપાધિ મટી ગઈ અને થયું મૂળ વિદ્યાનો નાશ – અવિદ્યા ત્રણ છે – લેષા, મૂલા અને તુલા વિદ્યા – મૂળ વિદ્યા જે મૂળભૂત અવિદ્યા છે એનો નાશ થયો ને ગંગાસતીને જેમ પાનબાઈ પણ પરમપદને પામ્યા.

ધન્યવાદ

અનુગૃહિતોસ્મિ


Leave a Reply to Dr Nilesh ParikhCancel reply

10 thoughts on “ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭)

  • Dr Nilesh Parikh

    પ્રતિભાવ આપવા માટે શબ્દો નથી. હજારો વર્ષો થી ગુરુ શિષ્ય પરંપરા માં ગુપ્ત એવી યોગ વિદ્યા ના ગૂઢ રહસ્યો અને ચાવીઓ ઉજાગર કરીને ગંગાસતી એ અદભુત માનવતા નું અને જગત ઉદ્ધાર નું કાર્ય કર્યું.
    અને ભાણદેવજી એ આ ગૂઢ વિદ્યા જે ગંગાસતીએ બતાવી તેનો લોકભોગ્ય ભાષા માં અનુવાદ કરીને યોગમાર્ગ ના સાધકો અને મુમુક્ષુઓ માટે અમૃત સમાન દિવ્ય ભેટ આપી, તે માટે તેઓ ના બલ્કિ કોટી કોટી ધન્યવાદ ને પાત્ર છે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન ના સ્વમુખે થી પ્રગટ એવી ભગવદ્ ગીતા જે તેમણે એમના પ્યારા સખા અર્જુન ને ઉદ્દેશીને કહી અને તે દ્વારા જગત ને અમૂલ્ય ભેટ આપી તેમના પથ ઉપર જ ચાલીને જાણે આ કાર્ય કર્યું હોય એવું લાગે છે.
    બહુ સ્તુત્ય છે.

  • દિનુ

    ખરેખર ખુબ સરસ વાત કરી જાણી આગળવધવાનો રસ્તો મલ્યો જય ગુરુદેવ

  • vaibhav

    ઘણા સમય થી આ શબ્દો નો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હતો અને આજે અહી તેનો અર્થ જાણીને ધન્ય થઈ ગયો.
    ખૂબ ખૂબ આભાર

  • CHETAN DAVE

    ગંગાસતિ ના એક પદ માં સાઘકો માટે ની માર્ગદર્શીકા આખી જ સમાય જાય છે. એકાંત મા બેસી સાંભળવા થી આનંદ મળે. નારયણ સ્વામી ના કંઠ મા આ ભજનો ખૂબ શોભે છે.

  • Pancham Shukla

    આખી શ્રેણી શાંતિથી વાંચી.

    આ પ્રકારનું સાહિત્ય/સંતવાણી સમજવું સહેલું નથી- સાંપ્રત સમયમાં કદાચ ભૂલતું પણ જાય છે. પણ તમે જે ધગશથી લોકપ્રિયતા/વેબસાઈટ હિટ્સમાં સપડાયા વગર આવી પ્રકીર્ણ માહિતી આપતા રહો છો એ સરાહનીય છે.

  • jjugalkishor

    શ્રી ભાણદેવ હું જાણું છું ત્યાં સુધી લોકભારતીના જ વિદ્યાર્થી હતા. અમારા ‘કોડિયું’માં વેદ–ઉપનીષદ પરના લેખો નિયમિત આવે છે. બહુ ઉંડાણપૂર્વક લખે છે.

    તમે આ આખી શ્રેણી પ્રગટ કરીને મોટો ઉપકાર કર્યો છે. હું એનો ઉપયોગ તમારા બ્લોગ પરથી કરતો રહીશ.