આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1


(ભાગ 3 – અહીં ક્લિક કરો – શ્રી નાથાલાલ ગોહિલના વક્તવ્યથી આગળ)

શ્રી બળવંતભાઈ જાનીએ કહ્યું, –

શાસ્ત્રીય અને શૈક્ષણિક અભિગમથી ધબકતી વાત પણ કેટલી રસપ્રદ હોઈ શકે, જો એ વિષય રસપૂર્ણ હોય અને સામે રસિક શ્રોતાજનો હોય, તો કેવું પરિણામ આવે એનું ઉદાહરણ નાથાલાલ ગોહિલ છે. નાથાલાલભાઈની વાત ખૂબ રસપ્રદ રહેતી હતી એટલે સમયસીમાની બહાર તેઓ જતા હતાં એને જવા દેવાનું મને મન થયું અને હરીશભાઈની આજ્ઞા મેં સ્વીકારી નહીં. પણ ઘણી રસપ્રદ વાતો થતી હતી અને એ મૂકાવી જરૂરી હતી. અમે મિત્રો થોડું ઓછું બોલીને પણ આ વાતને વધાવવા તત્પર હતા.

બીજા વક્તા છે ડૉ. નિરંજન રાજ્યગુરૂ. બહુ સાચી વાત નાથાલાલ ભાઈએ કરી કે અમે થોડા મિત્રો – ગોઠીયાઓ આ કામ લઈને બેઠા છીએ. જ્યારે જ્યારે સમય મળે, જ્યાં જ્યાં સ્થાનક હોય ત્યાં ભજનની વાતને મૂકતા હોઈએ છીએ. એમાં ભેખધારી જે કેટલાક ભેરૂઓ છે એમાંના એક છે નિરંજન રાજ્યગુરૂ. અદ્યતન પધ્ધતિએ પણ તેઓ કામ કરે છે. બહુ ઓછા મિત્રોને ખ્યાલ છે કે તેમની પોતાની વેબસાઈટ છે આનંદ-આશ્રમ.કોમ / રામસાગર.ઓર્ગ, હું વચ્ચે પરદેશ હતો ત્યારે કેટલાક મિત્રો કહે કે આ ભજન કઈ રીતે ગવાય છે? મેં કહ્યું તમે આ વેબસાઈટ પર જાવ અને ત્યાં સાંભળજો અને પછી ડાઊનલોડ પણ કરી શક્શો. તો વિશ્વમાં ભજનને પહોંચતુ કરવા જેણે પણ લીધું છે એવા ભજન સાહિત્યના મરમી, એને સમર્પિત ડૉ. નિરંજન રાજ્યગુરુ ભજનના પ્રકારોમાંનો એક અત્યંત મહત્વનો પ્રકાર – આરાધના સ્તુતિ – જે આર્દ્ર સ્વરે થાય એનું શાસ્ત્ર આપણી સમક્ષ મૂકશે.

ડૉ. નિરંજન રાજ્યગુરુ –

શ્રી વિદ્યા દેવી નમામિ.

પરમ વંદનીય પૂજય બાપુ, પરમ આદરણીય મુરબ્બીશ્રી ભાણદેવજી, આદરણીય બળવંતભાઈ, નાથાભાઈ, પરમ આદરણીય પલાણ સાહેબ, રવિભાણ સંપ્રદાયની, ભાણસાહેબે જ્યાં જીવતા સમાધિ લીધી એવી કમિજલા ગાદીના મહંત પરમ આદરણીય પૂજ્ય શ્રી જાનકીદાસજી બાપુ અને આપ સૌ વડીલો – ભાઈઓ અને બહેનો. ગુજરાતી ભજન સાહિત્યનો ઈતિહાસ નાથાભાઈ દ્વારા આપણને મળ્યો. પૂજ્ય બાપુના મનમાં અને હરીશભાઈના મનમાં એક પરિકલ્પના છે. આ વર્ષથી પરિસંવાદના શ્રીગણેશ મંડાય છે. દર વર્ષે સંતવાણી એવોર્ડ સમયે આ જાતનો ત્રણ વક્તાઓનો એક પરિસંવાદ થાય એવી એક પરિકલ્પના છે અને એમાં ગુજરાતી સંત સાહિત્ય, સંતવાણીની સુદીર્ઘ પરંપરા, એના વિશે ત્રણ અભ્યાસી વક્તાઓ દ્વારા વક્તવ્યો અપાય, પ્રમાણભૂત અભ્યાસો થતા રહે અને એવી રીતે દર વર્ષે ગુજરાતી સંત સાહિત્ય નરસિંહથી શરૂ કરીને, પલાણ સાહેબના શબ્દોમાં કહીએ તો ઈ.સ. ૧૪૦૧થી ૧૫૦૦ નો સો વર્ષનો ગાળો. આવતા વર્ષે ગુજરાતી સંત સાહિત્યના ઈતિહાસના જે પ્રથમ વક્તા હોય એ ૧૪૦૧ થી ૧૫૦૦ સુધીના સમયગાળામાં જેટલા ભજનિક સંત થયા હોય એના વિશે પ્રમાણભૂત વાત કરે. એના પછીના વર્ષે પહેલા વક્તા ૧૫૦૧ થી ૧૬૦૦ સુધી એમ પાંચ વર્ષ સુધી સો સો વર્ષના ગાળામાં એક વક્તા ગુજરાતી સંત સાહિત્યનો ઈતિહાસ આપે, બીજા વક્તા ભજન પ્રકારો વિશે વાત કરે અને ત્રીજા વક્તા એ એક સંત કવિ વિશે વાત કરે તો હવે પછીના પાંચ કે છ વર્ષોમાં આપણને ગુજરાતી સંત સાહિત્યનો પ્રમાણભૂત, ટકોરાબંધ ઈતિહાસ મળે. એનું મૂલ્યાંકન પણ મળે. આવી જ રીતે આ પરિસંવાદનો એક બીજો હેતુ, ગુજરાતી સંત સાહિત્યને વિશ્વ સુધી પહોંચાડી શકીએ, એના પ્રમાણભૂત ઈતિહાસ દ્વારા, એ તો ખરું પણ અહીંયા જે નવી પેઢીના ભજન કલાકારો છે, ખાસ કરીને, હરીશભાઈ તમે શરૂઆત કરી એને જાહેરાત કરી કે મેં બધા જ ભજનિકોને ભજન કલકારોને વિનંતિ કરેલી કે પરિસંવાદમાં ચાર વાગ્યે ઉપસ્થિત રહે. વરસાદ છે, આપણે સૌ સમજીએ છીએ છતાં, મને અત્યંત આનંદ છે કે એક ભજનિક આપણી વચ્ચે બેઠો છે. ભજન કલાકારો મને અહીં બહુ ઓછા દેખાય છે. કલ્યાણદાસ બાપુ તો આપણી સાથે જ હોય અને તેમના મનમાં તો આ પરિસંવાદની ભાવના હતી. આ એક વસ્તુ હતી કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ વર્તમાન સમયના ભજનિકો- ભજન ગાયકો કે કલાકારો અને એની સાથે સાથે સાહિત્યના ક્ષેત્રમાં પડેલા નવી પેઢીના અભ્યાસી સંશોધકો અને સમગ્ર સમાજને આપણી મૂળ પરંપારાથી અવગત કરાવવું. આ આપણો મનોભાવ હતો.

આ પરિસંવાદમાં આજે મારે ગુજરાતી સંતવાણી ધારાના મહત્વના ભજન પ્રકાર આરાધ વિશે વાત કરવી છે. સાહિત્યના કોઈ પણ સ્વરૂપનું પરિશીલન એના વિષયને કે વસ્તુને કેન્દ્રમાં રાખીને, એકની એક વસ્તુ જુદા જુદા વાતાવરણમાં – જુદે જુદે જમાને – જુદા જુદા સર્જકને હાથે કેવા અવનવા રૂપ ધારણ કરે છે એનો અભ્યાસ થઈ શકે. એટલે કે આપણા ભજન સાહિત્યમાં સર્વપ્રથમ આરાધ કયા સંત દ્વારા રચાયો? એ પછી આરાધના સ્વરૂપમાં કેવા ફેરફાર થતા રહ્યાં એમ સર્જનના કાળાનુક્રમે એ સ્વરૂપનો જન્મ, ઘડતર, વિકાસ અને પુનરોદ્ધાર કેવી રીતે થતો ગયો એ બધાં પાસાઓને નજર સામે રાખવા જોઈએ. એવી જ રીતે ભક્તિસંગીતના ક્ષેત્રમાં પણ જે તે સ્વરૂપનું સ્થાન અને માન કયું છે એને પ્રસ્તુત કરવાનો નિશ્ચિત સમય કયો છે, એના રાગ, ઢાળ, તાલ, અને ઢંગ કયા છે એ દ્રષ્ટિકોણને પણ આપણે આરાધનું સ્વરૂપ જાણતા નજર સમક્ષ રાખીએ. અથવા કોઈ પણ સ્વરૂપની પ્રસ્તુતિ કઈ રીતે થાય છે એ રીતે પણ, એટલે સંગીતની દ્રષ્ટિએ પણ નજર સામે હોવું જોઈએ. આરાધ સ્વરૂપ દર્શન એ વિશે મારે વાત કરવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે રાતે બાર વાગ્યા પછી આરાધ ગવાય છે.

નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚

એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚
પોતે પત પાળી રે‚
જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚

નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚
ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી !
આજ મારા ભાઈલા આરાધો રે

આ ભજન સાંભળવા અહીં ક્લિક કરો.

આ ભજન આપણે સૌ સંભળીએ છીએ, નૂરીજન સતવાદી, આરાધ છે એમ પણ આપણને ખબર છે પણ ભજન સાહિત્યમાં ખાસ કરીને આપણા ગુજરાતી ભજન સાહિત્યમાં આરાધનું સ્વરૂપ કાલાનુક્રમે બદલાતુ રહ્યું છે. આરાધ એટલે નિર્ગુણ નિરાકારની સ્તુતિ. ભજનવાણીમાં આરાધ પ્રકારના જે ભજનો છે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના છે. સર્જનહારના સ્તોત્રો સ્તુતિ આરાધના. આરાધ માં કોઈ એક દેવની સ્તુતિ હોતી નથી. અનેક દેવી દેવતાઓ આવે, પણ એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસનાના એક માધ્યમ તરીકે આવે છે. કોઈ એક જ ધર્મ – પંથ – સંપ્રદાયનો આગ્રહ નથી હોતો, કોઈ એક વિચારધારા નથી હોતી, પણ સમગ્ર શરણાગતિ હોય. પરમ ચેતના સામે સાચી ભક્તિ ધરાવતી શુદ્ધ કવિતા જેને આપણે કહીએ એને આરાધ કહી શકાય. ભગવાન સમક્ષ ભક્તની આરઝૂ. તમામ ભારતીય ભાષાઓમાં, કવિતાઓમાં દેવપૂજા, દેવકથા, દેવ રહસ્ય, શરણાગતિ, આત્મસમર્પણ, તલસાટ, દ્રઢ વિશ્વાસ, પશ્ચાતાપ, દોષની નિખાલસ કબૂલાત, દીનતા, મનની તન્મય સ્થિતિ, આરઝૂ અને પરમાત્મા સાથે સીધી વાત – આવા તત્વો આપણને જોવા મળે.

મૂળ સંસ્કૃત શબ્દ છે આરાધના, ‘આ’ એટલે તરફ, પાસેની ચીજ બતાવવા માટેનું વપરાતું દર્શક સર્વનામ છે. ‘રાધ’ એટલે પ્રસન્ન કરવું, નજીકનું, પાસેનું, તરફનું, ચોતરફનું, સર્વનું, અભ્યાસ વારંવાર કરવાપણું, આવૃત્તિ, સેવા, પૂજા, સ્મરણ, સ્મરણથી જેને પ્રસન્ન કરવામાં આવે, યશોગુણ ગવાય આવા અનેક અર્થો આપનને વિવિધ શબ્દકોષમાંથી મળે છે. જેને કોઈ નામ ન આપી શકાય એવા અજર અમર, અવિનાશી, અક્ષરાતીત, નિર્ગુણ, નિરાકાર, આદિ – મધ્યથી અંતથી રહિત, પરમ ચેતનાને એના મૂળ સૂક્ષ્મ સ્વરૂપે ઓળખવાનો આ ગૂઢ માર્ગ છે. પિંડ શોધનથી આત્માની ઓળખ થાય અને શુદ્ધ આત્માની ઓળખ થાય પછી જ આત્મા પરમ ચેતના તરફ આકર્ષાય. આરાધી ભજનોમાં પુર્વે થયેલા ભક્તો સંતો અને પરમાત્માએ જે રીતે સહાય કરેલી એનું સ્મરણ કરીને એ સંતની ભક્તિભાવનાને દ્રઢાવવામાં આવે. આરાધમાં ચાર જુગની પાટ ઉપાસના હોય, ચારેય યુગના દેવી દેવતા, કોટવાળ, જતિ, સતી, ગુરૂ, આચાર્ય એના દાન, બલિદાન, સિદ્ધ થયેલા ભક્તોની વાત, પાંચા, સાતા, નવા, બારા આ બધા સંકેતો મળતા હોય અને એની સાથોસાથ પૂર્વે થયેલા અનેક સંત ભક્તોના જીવનમાં વારંવાર કસોટી આવેલી અને ત્યારે પણ પરમાત્માએ સહાય કરેલી એ વાત આરાધના બીજમાં પડેલી છે.

પાછળથી એ સ્તુતિના ઢાળ, એ જ ઢાળમાં એ જ રાગમાં એ જ તાલમાં અન્ય વિષયની કૃતિઓ પણ રચાઈ હોય તો આપણે એને આરાધી ઢંગના ભજન કહીએ છીએ પણ એને આરાધ કહેતા નથી. આરાધી ઢંગનું ભજન, પણ એ આરાધ નથી. આપણા મધ્યકાલીન સંત સાહિત્યમાં પાંચસો વર્ષના સમયગાળામાં આશરે એકસો થી વધારે સંતભક્તો કવિઓ દ્વારા પાંચસોથી વધારે આરાધ રચનાઓ થઈ છે. અને એથી ક્યાંય વધારે આરાધી ઢંગની ભજનરચનાઓ સર્જાઈ છે, જેમાં માર્કંડ ઋષિ, ધૃવ પ્રહલાદ, સહદેવ જોશી, દેવાયત પંડિત વગેરેના નામાચરણ સાથે અને મૂળદાસજી, શીલદાસજી, રુપાંદે માલદે, જેસલ તોરલ, લાખો લોયણ, રવિસાહેબ, જીવાભગત ખત્રી, દાસ સવો, રૂખી રામદસ, વગેરેની આરાધ રચનાઓ ખૂબ જાણીતી છે. ભક્તિસંગીતના એટલે કે ભજન ગાનના રાગ, ઢાળ, તાલ, ઢંગના વૈશિષ્ટ્ય મુજબ ગેય ભક્તિરચના તરીકે એની સ્વરરચના, એનો લય, એનો તાલ, મુખ્યત્વે દિપચંદી કે દેશી માઠનો તાલ કહેવામાં આવે છે. જ્યારે એ રજૂ થાય, ખાસ કરીને આરાધ એ સમૂહગાન છે, રાત્રે બાર વાગ્યા પછી રજૂ થાય. એ સમૂહમાં ઝીલાતું હોય, અને સમૂહમાં એની સાથે હાં…હાં… ના આવર્તન થતા હોય.

આજે જ્યારે સંતવાણી અને ભજનો માત્ર મનોરંજનનું સાધન બન્યા છે ત્યારે ભજનગાનનો ચોક્કસ સમય કે એનો ધીર ગંભીર ચોક્કસ રાગ – તાલ – ઢાળ બદલાઈ ગયા છે. જે વિલંબિત સ્વરોમાં ગળતી માઝમરાતે એકતારા સાથે આરાધ ગવાતા તે લગભગ અદ્રશ્ય થયા છે. એને સ્થાને ખૂબ જ ઝડપથી, ચલતી અને ત્રિતાલમાં, આંગળી ઉપર પટ્ટી બાંધીને તબલચી એને મંજીરાવાળા જાણે ગાયકની સામે હરીફાઈમાં ઉતર્યા હોય અને બેન્જો કે ઈલેક્ટ્રીક ઓર્ગન વાળા ગાયકની સાથે હરીફાઈમાં ઉતર્યા હોય અને એ પોતાને કેટલી હિન્દી ફિલ્મોના ગીતો આવડે છે એનું પ્રદર્શન કરવા માટે જ આ સંતવાણીમાં રજુઆત કરતા હોય એમ થાય છે. નવાઈ તો ત્યાં લાગે કે ગંગાસતીનું ભજન ગવાતું હોય, ‘મેરુ રે ડગે જેના મનડા ડગે નહીં’ અથવા તો લાખા લોયણનું ભજન ગવાતું હોય, ‘જી રે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો’ અને પછી પેલો બેન્જાવાળો ‘મેરે અંગનેમેં તુમ્હારા ક્યા કામ હૈ’, એ વગાડે ત્યારે આપણને અંતરમાં ચીરા પડે સ્વાભાવિક છે. આરાધ એ સમૂહગાન છે. સમયની દ્રષ્ટિએ રાતના ૧૨ થી ૨ સુધીના સમયગાળામાં આરાધ અને આરાધી ભજનો ગવાય છે. જ્યોતની સમક્ષ પાટ ઉપાસના સાથે જે નિર્ગુણ બ્રહ્મનું આરાધન કરવામાં આવે તે પદ્ય સ્વરૂપમાં આરાધી ભજનો છે. વિલબિત દીપચંદી કે દેશી માઠના તાલમાં રામસાગર અને મંજીરાના તાલ સાથે આરાધી વાણી ગવાય. આરાધી ભજન ગાવું એટલે મીઠા અને કેળવાયેલા કંઠથી માત્ર ભજન લલકારવું એવું નહીં, ભજન કરવું એટલે જે પરમ તત્વનું કે પુરૂષોત્તમનું આરાધના કરતા હોઈએ એની સાથે એકતાર થઈ જવું.

ભજનિકના હાથમાં રહેલો એકતારો એટલે તો એના આંતરિક તારનો સાચો પ્રતિનિધિ બની જાય છે. ભજનમાં બે વસ્તુ મુખ્ય છે, શબ્દ અને સૂરતા. સૂરતા વિનાનો શબદ માત્ર કંઠની કારીગરી બની જાય છે. અને શબ્દ વિનાની સુરતા ભજનના ગુંજાર સુધી લઈ જતી નથી. શબદને સુરતા એકમેળ થઈ જાય ત્યારે જ જનમ થાય આરાધી ભજનનો. મોરાર સાહેબે એક જગ્યાએ ગાયું છે,

સદગુરૂ શબદે રે સત સાધીએ
અને આરાધીયે અંતર આતમ રામ
નામને નિશાને રે નિજ મન રાખીએ રે.
ધીરજ ધારણા એ નિજ ધામ,

જેણે કોઈ પરમ તત્વને નજરો નજર નિહાળ્યું હોય એવા અનુભવની આ વાણી છે. તો એની વાણીનો સહારો લઈ અને એ તત્વને નિહાળવાનો આપણે પ્રયાસ કરીએ તો ! મુખથી ગાતા આપણે કદીયે ન ભૂલીએ.

મારે આ વાત કોને કરવાની હતી, ભજનના કલાકારોને ને ભજનિકોને કહેવાની હતી કે મુખથી ગાતા આપણે કદી ન ભૂલીએ કે એ વૈખરીની સરહદ ઉપર, જ્યાં વેણ નથી પહોંચતા એવી પરાવાણીનું અનુસંધાન લઈને આવે છે. સદગુરૂનો શબ્દ શ્વાસે શ્વાસમાં જીવનને તાલે તાલે ઉતારી સચ્ચાઈનું પાલન કરીએ અંતરઆત્માની આરાધના કરીએ, ચંચળ મનને નામ સ્મરણમાં સ્થિર રાખીએ અને આ સાધના કાંઈ થોડા સમયની મુદ્દત બંધીની થોડી છે? આ તો જીવનભરની – રાત દિન જાગૃતિની નોબત વગાડતી સાધના છે.

આપણને ગુજરાતી સંત સાહિત્યના ઈતિહાસ વિશે વાત કરી, સૌથી પહેલા સંપાદિત થયેલા આરાધ કેટલા મળે છે? એમાં સમયની દ્રષ્ટિએ હું વાત નથી કરતો, પણ ઝવેરચંદ મેઘાણીએ ‘પુરાતનજ્યોત’માં સંત દેવીદાસનું આખું ચરિત્ર્ય આલેખ્યું છે અને એમાં રાણા ભગતનો એક આરાધ આપ્યો છે. દેવીદાસ બાપુ ગાય છે અને આમ ગાઈને અમરમાને સંભળાવે છે, અને પછી અમરમાંને કહે છે કે, ‘દિકરી અમર, આ આરાધ તો રાણા ભગતનો રચેલો છે.’ એટલે એના સર્જકનું નામ પણ મેઘાણીને મળ્યું છે અને એમણે આપ્યું છે. એ આરાધ શું છે?

“હે શામળાજી, નામ અનામ તમારું,
અનામ મનુખ અવતાર અમારો
લખ ચોરાશી મરતો ને ફરતો
જીવ તો જીવ ગણીને બાંય ગ્રહી બોલાવ્યો
સોંપ્યું શામળા નામ તમારું, લખાવ્યા લેખ મનેખના વેખ
સંસાર મધ્યે હતું સારું ચંદ પે ઉજળું સૂર પે નરવું
અડસઢ તીરથ ઉપરાંત કોટી જગતના જગત વયાગ્યા
તોય નામ એ નિત નવું ને નવું
પ્રાણ પે પ્રજળું, એકાદશીપે નરમળું
રજમાં સધમાં નવું નિજથી અકળ સ્વરૂપી
જોગ તે ભગતના હેતમાં મક્તા ને મક્તું.”

એક આડવાત કરી દઊં. ઝવેરચંદ મેઘાનીના દીકરા અશોક મેઘાણીએ ‘સંત દેવીદાસ’ આખી કથાનો અંગ્રેજી અનુવાદ કર્યો, એ નંદીગ્રામ આવ્યા અને આ આરાધનું અર્થઘટન એમને કરવું હતું. એટલે મકરંદભાઈ પાસે ગયા, મકરંદભાઈને કહે, “મને આનું અંગ્રેજી કરવું છે, પહેલા આનું ગુજરાતી અર્થઘટન સમજું તો એ કરી શકું.’ મકરંદભાઈની તબિયત ત્યારે અત્યંત નાદુરસ્ત હતી એટલે એમણે એમ કહ્યું કે “ઘોઘાવદર જાવ.” અશોકભાઈ ઘોઘાવદર આવ્યા અને મેં મારી મતિ શક્તિ પ્રમાણે એને અર્થઘટન કરી આપ્યું આ અર્થઘટન સમજાવવું એ ત્રણ કલાક ચાલે, આ આઠ લીટીના આરાધનું અર્થઘટન નિર્ગુણ નિરાકારની ઉપાસના માટેનો એક મંત્ર છે તેનું અર્થઘટન કદાચ કોઈક મિત્રોને અંગ્રેજીમાં જો સંત દેવિદાસ અશોક મેઘાણીએ સંપાદિત કરેલ પુસ્તક મળે તો એમાં પ્રસ્તાવનામાં એમણે ઉલ્લેખ કર્યો છે અને આખો અંગ્રેજી અનુવાદ – ભાવાનુવાદ આપ્યો છે. ગાયકીની દ્રષ્ટિએ આજે જે આરાધ રચનાઓ ગવાય છે એમાં સૌથી પ્રાચીન રચનાઓ તરીકે માર્કંડઋષિને નામે અનેક રચનાઓ આપણને મળે છે.

સતી રે ઉમૈયા દેવી શિવજીને પૂછે રે
એવા નિજ ધરમમાં એવું શું છે રે?
એ જી રે શિવજી મહા રે ભગતિના
અમને મૂલ બતાવો જી

આ તો શિવ અને સતીનો સંવાદ, ધર્મરાજાને નામે પણ અનેક પદરચનાઓ મળે છે.

(શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂનું વક્તવ્ય ક્રમશ: ભાગ ૫ માં)


Leave a Reply to pragnajuCancel reply

One thought on “આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪)

  • pragnaju

    તોય નામ એ નિત નવું ને નવું
    પ્રાણ પે પ્રજળું, એકાદશીપે નરમળું
    રજમાં સધમાં નવું નિજથી અકળ સ્વરૂપી
    જોગ તે ભગતના હેતમાં મક્તા ને મક્તું.”
    સમજવા અનુભવવા પાત્ર થવાય તેવી પ્રાર્થના