સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા 14


ગીરની યાત્રાના અનેકવિધ અનુભવો અને પ્રવાસવર્ણનો મેં મારી આવડત મુજબ લખ્યા છે, પરંતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના આ જ ક્ષેત્રના સર્વગુણસંપન્ન અનુભવો વાંચીએ ત્યારે આપણા લખાણ માટે એક પ્રકારની નાનમ થઈ આવે, પ્રવાસવર્ણન એ જરાય સૂકો વિષય નથી એવી સમજ આ વર્ણન વાંચીને સહેજે થઈ આવે. આજે પ્રસ્તુત છે તુલસીશ્યામ વિસ્તારના તેમના પ્રવાસવર્ણન અને ઈતિહાસને સાંકળી લેવાની અદભુત હથોટીનો પુરાવો સજ્જડ આપતો પ્રસ્તુત લેખ. આ વર્ણન ‘સૌરાષ્ટ્રના ખંડેરો’ માંથી સાભાર લેવામાં આવ્યું છે.

* * * * * * * * * * * * * * * * * *

સારા શહેરની ફિકર લઈને ફરતા પેલા કહેવત માંયલા કાજીની પેઠે આ મારા સંતાપ અને રોષ મારા હ્રદયમાં શરમાવીને હું આગળ વધ્યો અને ગીરમાતાની માલણ, ગૂલાપરી, રૂપેણ, ધાતરવડી વગેરે સુંદર નામની નાનીશી નદીઓ મારા પગમાં રમતી રમતી સામી મળી. સાથેના ચારણ સંગાથીઓ પણ પ્રસંગે પ્રસંગે દુહાઓ વરસાવી પોતાની ગુપ્ત રસજ્ઞતાનું દર્શન મને કરાવતા ચાલ્યા. નદીમાં કોઈ કપડાં ધોવાની રળિયામણી છીપર જોતાં તો અમારા લેખરડા… ભાઈએ લાખા ફુલાણીનો એકાદ દુહો ફેંક્યો જ હોય કે…

લાખો કે’ મું બારિયો, લાસી છીપરીયાં,
(જ્યાં) હાથ હિલોળે, પગ ઘસે, ગહેકે ગોરલિયાં.

લાખો કહે છે કે, ઓ ભાઈઓ ! મને મુઆ પછી કોઈ લીસી છીપરી ઉપર જ બાળજો – કે જે છીપરી પર રમણીઓએ વસ્ત્રો ધોતાં ધોતાં હાથ હિલોળ્યા હોય, પોતાના કોમંળ પગની પાનીઓ ઘસી હોય ને નહાતાં ધોતાં ટૌકારો કર્યા હોય.

કોઈ ગામને પાદર લૂંબઝૂંબ વડલો આવ્યો કે તુરત બીજો દુહો એ વિનોદી મોં માથી ટપક્યો જ સમજવો,

જતે નમી વડછાંય, (અતે) ખોડી ખંભ થિયાં;
લંબી કર કર બાંય ચડે ચૂડાવારિયું.

લાખો કહે છે કે, ઓહો ! જ્યાં આવી છાંયડીવાળી વડઘટા ઢળી હોય ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભીરૂપે ખોડાઈ જવા ચાહું છું. – કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર દેહ પર પગ મેલીને હાથ લંબાવી વડલે હિંચકા ખાશે !

એ શૃંગારી દુહાની સાથે અમારા જોગી… ભાઈ તુરતજ પ્રતિસ્પર્ધી ભાવનો દુહો લલકારે કે –

વડ વડવાયેં ઝક્કિયા, અળસર ટકિયા આણ;
મેલીને જટા મોકળી, જડઘર ઉભો જાણ.

વડવાઈ વડે ઝૂકેલો વડલો જાણે જટા વીખરાતી મૂકીને મહાદેવ પોતે જ ઉભો હોય એવો દીસે છે!

કોઈ ગામના ઝૂંપડામાં માતાઓ કે બહેનોના હાથમાં ઉછળતું ને સામસામું ઝિલાતું બાળક જોયું ત્યાં તો કાવ્ય વીજળીના તાર જાણે સંધાયા અને દુહારૂપે પ્રગટ થયો કે –

એક દિયે, બીજી લિયે, (આઉં) કફરાડી કઢાં;
અલ્લા ! ઓડી દે, લાખો બારક થિયાં.

ઓ પ્રભુ ! આ બાળકને સામસામો ફંગોળીને ઝીલતી સ્ત્રીઓને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું બહુ કારમા દિવસો કાઢું છું. મને ફરી વાર એ દિવસો ઝટ દે, જ્યારે બાળક બની જાઉં.

એમ કરતા કરતા ગામની સ્મશાનભૂમી આવે છે અને જે ગ્રામ જનતા પાસે નદીનાં છીપરાં વિશેની ફાટફાટ રસિકતા હતી, તેની પાસે શું આ સ્મશાનની ફિલસૂફી ઓછી હતી? મૃત્યુની રસિકતા જો વીરભૂમી સૌરાષ્ટ્રમાં ન હોય તો પછી એના શૂરાતનનાં સેંકડો વર્ષોનો સરવાળો શૂન્યથી વિશેષ કાંઈ જ શાનો હોય? મારા સાથીઓને પણ એ સ્મશાનનાં કાવ્યો સ્ફૂર્યાં.

આઉં વંજો જીરાણમેં, કોરો ઘડો મસાણ;
જેડી થૈ વઈ ઉનજી, એડી થીંદે પાણ.

હું સ્મશાને ગયો. ત્યાં ચિતા પર મેં કોરો ઘડો દીઠો. ઓ ભાઈઓ, એક દિવસ આપણને પણ એવી જ વીતશે.

પરંતુ એ તો કેવળ વૈરાગ્ય ! ખરી ફિલસૂફી તો આ રહી

હાલ હૈડા જીરાણમેં શેણાંને કરીયેં સાદ;
મટ્ટી સેં મટ્ટી મિલી, (તોય) હોંકારા દિયે હાડ.

ઓ મારા હ્રદય, ચાલો સ્મશાનમાં ! ત્યાં જઈ સ્વજનને સાદ કરી, ભલે એની માટી તો માટીમાં મળી – એનાં હાડકાં તો હજુ પડ્યાં છે ને? એ હાડકાં ઉઠીને હોંકારો દેશે.

એવી અમારી રસમંડળી, પ્યારા મિત્ર સાણા ડુંગરને પાછા વળતાં રોકાવાનું વચન આપી છેટેથી એ બૌદ્ધ યોગીવર સામે જય જય કરીને તુલસીશ્યામ પહોંચી.

આ તુલસીશ્યામ, ચારે બાજુ ડુંગરા ચોકી ભરે છે અને ડુંગરાની ગાળીઓમાં વનસ્પતિની ઘટા બંધાઈ છે. કેવી એ વનસ્પતિની અટવી? સૌરાષ્ટ્રીય ભાષા કહે છે, ‘માણસ હાથતાળી દઈને જાય એવી!’ આવી સચોટ અર્થવાહિતાવાળી ભાષાસમૃદ્ધિ કોઈ કોઈ ગુજરાતી વિદ્વાનોના નસકોરાં ફૂલાવે છે. આ કરતાં યુરોપી ભાષાના તરજુમા ઘૂસાવી દેવાનું તેમને વધું ગમે છે. ખેર, ગુજરાતની તરુણ પ્રજાનાં દિલ વધુ વિશાળ છે. ઓછા સુગાળ છે. એ આપણાં સબળ તત્વોને એકદમ અપનાવી રહેલ છે. એ આ વાંચશે ત્યારે તુલસીશ્યામ આવવાનું મન કરશે.

તુલસીશ્યામના ઈતિહાસમાં મને બહુ રસ નથી, પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ(ન વિયાંય તેવી) ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે. ઘનઘોર અટવી, સામેના રુક્મિણીના ડૂંગર પરથી વાજતેગાજતે વરઘોડો ચાલ્યો આવે, શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમસૃષ્ટિને ડારવા ઉભો રહ્યો, પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે, ‘દેવા સાંતિયા ! આંહી મારી પ્રતિમા નીકળશે; આંહીં એની સ્થાપના કરજે.’ ચારણ નિંદ્રામાં પડ્યો. પ્રભાતે પાંદડા ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે, સિંદૂરનું તિલક કર્યું. (આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે.) બાબરીયાઓનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું. પ્રતિમાજીને નવરાવવા ત્યાં તાતા પાણીનો એક કુંડ પ્રગટ થયો. એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું. પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં. પણ એક વાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું, ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચઢતા, પણ તમે સ્નાન કરો એવું ઉનું પાણી તો એમાં સદાકાળ રહે છે. કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરાં ને ! તીર્થો ઘણાંખરાં ગંદકીથી જ ભરેલાં.

તીર્થક્ષેત્રે કૃતં પાપં,
વજ્રલેપો ભવિષ્યતિ.

એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરીયાવાડના બેંતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર – ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી. એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું. અરણ્યમાંથી ઉપાડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા, આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજીયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ – બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.) આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તર હિંદુસ્થાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિંદુસ્થાની સાધુઓ ભારી વિલક્ષણ. કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે?

પણ મને તો એ ઈતિહાસમાં, એ ગરમ પાણીમાં કે પ્રતિમામાં રસ નહોતો. મને તો એ તુલસીશ્યામના કમાડ પર એકસો વર્ષ પૂર્વે એક બહારવટીયાના ભાલના ટકોરા પડ્યા હતાં એ મધરાતનો સમય સાંભરી આવ્યો. એ બહારવટીયો જોગીદાસ ખુમાણ. એ યોગી બહારવટીયાની લાંબી કથા ‘બહારવટીયા’ ભાગ બીજામાં વાંચશો. પોષ માસની કડકડતી ઠંડીમાં એ ચાળીસ ઘોડે મધરાતે આવ્યો. ‘ઉઘાડો’ કહી દરવાજે ટકોરા દીધાં.

દરવાન કહે, ‘નહીં ઉઘાડું. તમે બહારવટીયા છો.’

‘અરે ભાઈ ! અમે બહારવટીયા ખરાં, પણ શામજી મહારાજના નહીં, ઉઘાડ, એક જ રાતને આશરે આવ્યા છીએ.

જવાબ મળ્યો, ‘નહીં ઉઘાડું.’

કમાડ પર ભાલાની બુડી ઠોકીને જોગીદાસે હાકલ કરી કે, ‘ઉઘાડ નહીંતર અટાણે ને અટાણે કમાડ તોડી શામજીના અંગ પરથી વાલની વાળી પણ ઉઠાવી જાશું.’ દરવાને રંગ પારખ્યો, કમાડ ઉઘડ્યાં, ચાળીસ ઘોડીઓ અંદર ચાલી ગઈ, બહારવટીયો શામજીનું મંદિર ઉઘાડી, પાઘડી ઉતારી, ચોટલો ઢળકતો મેલી, હાથમાં બેરખો ફેરવતો ઉભો ઉભો પ્રતિમાજીને બાળકની કાલી મીઠી વાણીમાં ઠપકો દેવા લાગ્યો કે, ‘એ શામજી દાદા ! અમારા એંશી ને ચાર ગામ તો ભાવનગરે આંચકી લીધાં. ઈ તો ખેર, ભુજાયું ભેટવીને લેવાશે તો લેશું, પણ તારા કોઠારમાંથી શું અધશેર અનાજની પણ ખોટ આવી કે મારા ચાળીસ ચાળીસ અસવારોને આઠ આઠ દિવસની લાંઘણ્યું ખેંચ્યા પછી રાવળ નદીમાં ઘોડીયુંના એંઠા બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈને તાંસળી તાંસળી પાણીનો સમાવો કરી ભૂખ મટાડવી પડે?

આ ઠપકો દેનાર જાણે એ મંદિરમાં મારી નજરો સમક્ષ તરવરી રહ્યો. પણ આ રાવલ નદીમાં ઘોડાના એંઠા બાજરાની ઘૂઘરી ખાવાની વાત શી બની હતી? આપણે તુલસીશ્યામ છોડીને ત્યાં જ આવીએ છીએ. જંગલી બોર જમતા જમતા ઝાડીઓમાં થઈને અમે સહુ રોળ્યકોળ્ય દિવસ રહ્યે રાવલ નદીમાં આવ્યા. ભયંકર નદી, તમ્મર આવવા જેવું થાય એટલી ઉંચી ભેખડો, ભેખડોની ઉપર પણ ક્યાંક ક્યાંક ડુંગરા બેઠેલા, ભેખડોના પેટાળમાં ઝટાટોપ ઝાડી, બન્ને બાજુ એવી જમાવટ, વચ્ચે ચાલી જાય કોઈ વાર્તા માંહેની અબોલા રાણી જેવી રાવલ નદી. અમારા ઉંટ ઘોડા જ્યાં ડગલે ડગલે આવરદાની ઈતિશ્રી અનુભવતા ઉતર્યા ત્યાં એકસો વર્ષ પૂર્વે જોગીદાસ બહારવટીયાની અસલ કાઠીયાવાડી ઘોડીઓ હરણાંની માફક રૂમઝૂમતી ચાલી આવી હશે. સંધ્યાનો સમય, જોગીદાસ હાથપગ ધોઈ સૂરજના જાપ કરતો બેઠો, ઘોડીઓ મોકળી ચરવા લાગી, નાનેરા ભાઈ ભાણ ખુમાણની આંખો ઉઠેલી તેની ઉપર ચોપડવા માટે વાલ જેટલું અફીણ પણ ચાળીસમાંથી એકેયના ખડિયામાં ન નીકળ્યું તેવા દોહ્યલા દિવસો, ચાળીસે ચાળીસ કાઠીને આઠ દિવસની લગભગ લાંઘણો. એમાં એક કાઠીએ ઘોડીઓના ચાળીસ પાવરા ખંખેર્યા, કોઈક દિવસ ઘોડીઓને જોગાણ મળ્યું હશે તે વખતે પાવરામાં ચોંટી રહેલ ઘોડીઓનો એંઠો ચપટી ચપટી જે બાજરો, તેને ઉખેડી, પલાળી, તાંસળીમાં બાફી ટેઠવા રાંધ્યા, ખોઈ ભરીને કાઠીએ મૂઠી મૂઠી સહુને વહેંચ્યું, ‘લ્યો, જોગીદાસ ખુમાણ, આ ટેંઠવા, મૂઠી મૂઠી સહુ ખાઈએ તો પેટમાં બબ્બે તાંસળી પાણીનો સમાવો થાય.’

– ઝવેરચંદ મેઘાણી


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા

  • jasmin koladiya

    i am really shocked about know tulsishyam history.and i am also fan to mr.zaverchand meghani he was a rastriy sayar no one can campare with he.i am impress to read ”saurastra ni rasdhar” another writter can`t wrriten this type of novel, i really proud to mr.zaverchand………………….

  • Vedang Thakar

    જીગ્નેશ ભાઈ,
    આજના સમય માં કદાચ પુસ્તકો માટે સમય ના ફાળવી શકતા, આવા મહાન લેખકો ના આવા અમુલ્ય અને રોમાંચિત કરી દેતા લેખો થી મારા જેવા ઘણા અજાણ હોઈશું. તમારા આવા લેખ ને પ્રકાશિત કરવા ના આનંદ ભર્યા કામ ને હું ખુબજ બિરદાવું છું, અને તમે આવુજ અમુલ્ય ગુજરાતી સાહિત્ય અમને પીરશતા રહો, એવી આશા. તમને ખુબ ખુબ શુભેચ્છા.
    હું પણ વડોદરા માં વી આઈ પી રોડ ની નજીક જ રહું છું, તેથી મળવા ની ઈચ્છા છે. તમારો સંપર્ક જલ્દી કરીશ.

  • Madhav

    ઝવેરચંદ મેઘાણી ની ખુબ સરસ વાતો અહી રજુ કરવા બદલ આભાર.
    ઝવેરચંદ મેઘાણી ની ખુબ સરસ વાતો અહી રજુ કરવા બદલ આભાર.

  • યશવંત ઠક્કર

    સરસ લેખ. આ તુલસીશ્યામ અમારા વતન નાનીધારી ગામથી માત્ર દસવાર ગાઉ જેટલું જ . મારા માતુશ્રી સંઘ સાથે જંગલમાં ચાલીને ટૂંકા રસ્તે જતા. રાવલ વિસામો લેતા.
    સાવરકુંડલાથી તુલસીશ્યામ બસ અમારા ગામ થઈને જતી. બસ શરૂ થઈ ત્યારે રસ્તો બનાવવા ગામલોકો સાથે અમે પણ લાસા સુધી ગયેલા. ચૌદ કે પંદર વરસની ઉમર હશે. જંગલ બચાવવાના હેતુથી અત્યારે એ રસ્તો બંધ છે.
    ધારી કે ઉના થઈને જવાય. આ જગ્યાની પાંચે કે છ વખત મુલાકાત લીધી છે. બહુ જ સુંદર જગ્યા.

  • Kantilal Parmar

    વર્ષો પહેલાં ૧૯૪૮ પછી ઝાંબિયાના લુઆન્શીયા ગામમાં નાની લાયબ્રેરીમાં દર શનીવારે એક પુસ્તક લાવી રાતે સુતાં સુતાં પુસ્તક પુરેપુરું વાંચી સવાર થવા આવે ત્યારે આરામથી સૂતા ત્યારના શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોની યાદ આપે તાજી કરાવી. હવે તો બે પાના વાંચું એટલે આંખ થાકી જાય. એમ હતું કે રીટાયર્ડ જીવનમાં ઘણું વાંચવામાં સમયનો સદઉપયોગ કરીશ, એ મનની મનમાં જ રહી ગઈ, પરમાત્માની કૃપા અને સમયની બલિહારીથી નવા જમાનામાં કમ્પયુટરની સમજથી સાથે આપ જેવા સાક્ષરોની મહેનતનો લાભ લઉં છું, જીવન એ માટે હજી ૮૧ વર્ષે યૌવન માણતું લાગે છે. આભાર.

  • manoj

    મેઘાનિ બાપુ વિશે કાઈ લખવુ તે સુરજ ને દિવો બતાવવા જેવુ કહેવાય , પરન્તુ લેખ વાચ્યા પચિ , પ્રતિભાવ આપવા નિ ઈચ્ચા રોકિ નથિ શકાતિ.