કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૪ 5


નવો મોબાઈલ ખરીદવો હોય તો કઈ કંપનીનો મોબાઈલ, કયું મોડેલ અને જોઈતી સગવડો કયા નામે મળી રહેશે તે શોધવું અઘરું થઈ પડે છે. ગૂગલની આ માટેની સહાયરૂપ એવી એક સગવડ વિશે જાણો. યૂટ્યુબના વિડીયો ડાઊનલોડ કરી જોઈતા ફોર્મેટમાં કોમ્પ્યુટરમાં સંગ્રહવા માટેની સુવિધા ઓનલાઈન આપતી વેબસાઈટ વિશે, ઓનલાઈન ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુંદર સગવડ વિશે, અંગ્રેજી ટાઈપ દરમ્યાન શબ્દો અને વાક્યોના અનેક વિકલ્પો સૂચવતી સુવિધા વિશે, અનેક નાનીમોટી એપ્લિકેશન્સ જ્યાંથી ડાઊનલોડ કરી શકાય છે એવી સુવિધાઓ વિશેની વેબસાઈટ્સ વિશે આજની આ કડીમાં અહીં જણાવ્યું છે.

pixton

પીસી મેગેઝીન દ્વારા ૨૦૧૦ની ૧૦૦ ઉપયોગી વેબસાઈટસમાં જેને સ્થાન મળ્યું છે તેમાં પિક્સટન એક છે. વેબ ઉપર કોમિક્સ – ઠઠ્ઠાચિત્રો બનાવવાની એક અનોખી સુવિધા છે. આ સગવડની પેટન્ટ લેવાની અરજી પણ થઈ ચૂકી છે. ક્લિક અને ડ્રેગ પધ્ધતિએ અહીં સુંદર કોમિક્સ બનાવી શકાય છે. પાત્રનો જોઈતો આકાર અને ગોઠવણ, સાથે મૂકવાના થતાં સાધનો કે પાર્શ્વચિત્ર અને બોલી દર્શાવવા વપરાતા સ્પીચ બબલ, ફક્ત ક્લિક અને ડ્રેગ પધ્ધતિએ આ બધુંય સુનિયોજીત કરીને એક વિચારને સુંદર કોમિકના સ્વરૂપમાં, વ્યંગચિત્ર તરીકે પ્રસ્તુત કરી શકાય છે. પતિ – પત્નિ ક્લાઈવ અને ડાયના ગોડિન્સનનું આ સહીયારૂ સાહસ ૧૦ જેટલા ખ્યાતનામ પુરસ્કારો જીતી ચૂક્યું છે અને અનેક નામનાપાત્ર સામયિકો દ્વારા વેબ ૨.૦ની મહત્વપૂર્ણ શોધ તરીકે અને આપણા ઈન્ટરનેટ વપરાશની રીતમાં, ઉપયોગમાં એક નવું પરિમાણ ઉમેરવા માટે પણ ઉલ્લેખાઈ છે. એક વપરાશકર્તા દ્વારા ઉપયોગ કરવા માટે, શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવા માટે અને ધંધાદારી ઉપયોગ માટે, એમ પિક્સટનની વેબસાઈટ પર ત્રણ વિકલ્પો જોવા મળી શકે છે. ખાનગી ઉપયોગ માટે તે તદ્દન મફત છે તો શિક્ષકો માટે તે નજીવી કિંમતે અને ધંધાદારીઓ માટે થોડી વધુ કિંમતે અને વધુ સગવડો સાથે ઉપલબ્ધ છે. એક આવું જ નાનકડું ચિત્ર મેં પણ બનાવેલું, જુઓ

A I type

અંગ્રેજી ટાઈપીંગ શીખવા અને ઝડપ વધારવા માટે અનેક નાની એપ્લીકેશન્સ ઓલનાઈન ઉપલબ્ધ છે, પરંતુ ‘એ આઈ ટાઈપ’ એ બધાંથી અલગ પડે છે. ભૂલો વગર, ઝડપથી ટાઈપ કરવા અને ટાઈપ કરવાની સાથે સાથે શબ્દો અને વાક્યોના અનેક વિકલ્પો મેળવવાનું આ સરળ સાધન છે. તેને ઉપરોક્ત વેબસાઈટ પરથી તદ્દન મફત ડાઊનલોડ કરી શકાય છે. વિન્ડોઝની કોઈ પણ એપ્લીકેશન જેમ કે આઊટલુક, વર્ડ, નોટપેડ કે એક્સપ્લોરર વગેરેમાં ટાઈપ કરવા માટે આ સાધનનો ઉપયોગ કરી શકાય છે. તેને ડાઊનલોડ કરવા એક નાનકડું રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ડાઊનલોડ લિંક પર જઈ શકાય છે.

shirt mockup

ટીશર્ટ પર જોઈતી ડિઝાઈન કે લખાણો, મનગમતી આકૃતિઓ સાથે કરી તેની ઈમેજ બનાવી આપતી અનેક વેબસાઈટ્સમાંની એક, પરંતુ એ બધાંથી ક્યાંય ઝડપી અને સરળ એવી આ વેબસાઈટ દ્વારા ટી શર્ટનો પ્રકાર અને રંગ પસંદ કરી, તેની પર મૂકવાની થતી ડિઝાઈનની ફાઈલ અપલોડ કરી, પરિણામ કેવું હશે તે થ્રીડીમાં જોઈ શકાય છે, ટીશર્ટનો અંતિમ દેખાવ નક્કી થાય પછી તેની ઈમેજ ફાઈલ ડાઊનલોડ કરી શકાય છે. અહીં ડિઝાઈન માટે લેયર્ડ પીએસડી ફાઈલ ઉપલબ્ધ છે, જેનાથી વધુ સરસ ડિઝાઈન બનાવી શકાય છે અને અંતમાં જોઈતી આકૃતિ કે છબી ઉપસાવી શકાય છે.

Download tube

ઈન્ટરનેટ પરથી વિડીયો ડાઊનલોડની સગવડ આપતી મોટા ભાગની વેબસાઈટ્સ સબસ્ક્રિપ્શન, એડવર્ટાઈઝ અને પોપ અપ જેવી વસ્તુઓથી કંટાળાજનક બની રહે છે. ડાઊનલોડટ્યૂબ આવી વેબસાઈટસ કરતા ક્યાંય સરળ અને સગવડભરી છે. અહીં એક ખૂબ સામાન્ય ઈન્ટરફેસ છે, બસ તમારે જોઈતા યૂટ્યબ, વિમિયો કે અન્ય કોઈ પણ વિડીયો હ્પાઈલના યુઆરએલને આપેલી જગ્યામાં એન્ટર કરો અને એમપી૪, એમપીજી, ફ્લેશ, એમપી૩ કે ૩જીપી જેવા અનેક વૈકલ્પિક ફોર્મેટમાંથી ગમે તેમાં સેવ કરો.

google Reviews phone

ઈન્ટરનેટના કયા ક્ષેત્રમાં ગૂગલ નથી એ સવાલનો જવાબ શોધવો અઘરો થઈ પડે એટલો વિસ્તાર આ વેબસર્વિસે કર્યો છે. ઈ-મેલ, સર્ચ એન્જીન, મેપ, અર્થ, રીડર, બુક્સ, ડોક્યુમેન્ટ, કેલેન્ડર, ફોટો, યૂટ્યૂબ, ફીડબર્નર, ટ્રાન્સલેશન જેવી કેટકેટલી સુવિધાઓ તે આપે છે? હવે આ નવી ઉપસી રહેલી સુવિધા જુઓ, તમારે મોબાઈલફોન ખરીદવો છે? તો બીજા કોઈને પૂછવાં કે અન્ય કોઈના પ્રતિભાવો પર આધાર રાખવા કરતા ગૂગલ ફોનની વેબસર્વિસ પર જઈ વિવિધ પાસાઓની સરખામણી કરી જુઓ. જો કે હજુ આ સુવિધા મર્યાદીત દેશોમાં અને અમુક ઉત્પાદકો પૂરતી જ છે, પરંતુ તો પણ તે ખૂબ સરસ અને ઉપયોગી સુવિધા છે.

Top Shareware

વેબજગતમાં તદન મફત ઉપલબ્ધ કેટલીક નાની પરંતુ ખૂબ ઉપયોગી એપ્લીકેશન્સ જ્યાંથી ડાઊનલોડ કરી શકાય છે તેવી એક સુંદર અને સમૃદ્ધ વેબસાઈટ એટલે ટોપ શેરવેર.કોમ. અહીં વિડીયો ફોર્મેટ બદલવા માટેની, પીડીએફ થી વિવિધ ફોર્મેટમાં ફેરવવાની, એન્ટી વાયરસ માટેની, ગેમ્સ સ્ક્રીનસેવર અને વોલપેપર વગેરે જેવી અનેકો અપ્લીકેશન્સ ઊપલબ્ધ છે. વેબસાઈટના હોમપેજ પર ડાબી તરફ જરૂરી ડાઊનલોડનું લિસ્ટ આપ્યું છે, તેની નીચે અઠવાડીક મહત્તમ ડાઊનલોડેડ એપ્લિકેશન્સ અને સંપાદકની પસંદગીની એપ્લિકેશન્સ આપેલી છે. તો મુખ્ય ભાગમાં અનેક એપ્લિકેશન્સને વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરીને અપાઈ છે જેથી જરૂરી વસ્તુ શોધવામાં સરળતા રહે. મેકએફી સાઈટએડવાઈઝર એનાલિસીસ મુજબ આ વેબસાઈટમાંથી ડાઊનલોડ કરાતા સોફ્ટવેર સ્પામ મુક્ત છે.

આ શૃંખલાની અન્ય કડીઓ વાંચવા અહીં ક્લિક કરો.


Leave a Reply to ચિરાગCancel reply

5 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૪