દરીયા અને નદીની વાત – અજ્ઞાત 1


(વૃક્ષને જીવંત રાખવા તેના મૂળને જ પાણીનું સિંચન કરવું પર્યાપ્ત છે. જે એક મૂળનું સિંચન કરે છે તે આખા વૃક્ષનું સિંચન કરે છે. કદાચ કોઈ તેના ફળ ફૂલ પાંદડા વગેરેને પાણી પાવાનો પ્રયાસ કરે તો તેને લોકો મૂર્ખ કહેશે, આવી મૂર્ખાઈ આપણે તો નથી કરતાંને? આત્મા જીવન વૃક્ષનું મૂળ છે, ધન, મિલકત, ઘર, પરિવાર, સગવડો વગેરે ફળ ફૂલ પાંદડાસમ છે. આત્માના મૂળને જ્યાં સુધી સદગુણો અને પુણ્યોના પાણીનું સિંચન મળતું રહે, ત્યાં સુધી જીવન વૃક્ષ જીવંત છે, કુટુંબ પરિવાર, સગવડો અને મિલકત પર સિંચન કરવાથી, મહેનત કરવાથી કાંઈ નહીં મળે. આવા જ એક સદગુણ નમ્રતાની વાત કરતો એક પ્રસંગ જોઈએ.)

સમુદ્રે એક દિવસ નદીને કહ્યું, “તું ઘણી બધી વસ્તુઓ તારી સાથે લાવીને ભેટ કરે છે, પરંતુ એ વસ્તુઓથી મને જરાય સંતોષ નથી.

સમુદ્રની આ વાત સાંભળી નદીએ કહ્યું, “આપ શું ઈચ્છો છો? આપને જે જોઈએ તે વસ્તુ હું લાવી આપીશ, ફરમાવો એટલી જ વાર, તમારો હુકમ અને મારું કામ.”

“હું જે કહું તે લાવી આપીશ?” સમુદ્રએ પૂછ્યું.

નદીએ કહ્યું, “હા, હા, તમે કહો તો ખરાં, હું તમને ગમે તે લાવી આપીશ.”

સમુદ્ર કહે, “મારે વેત્રલતા જોઈએ છે, શું તું એ લાવી આપીશ?”

નદીએ કહ્યું, “શા માટે નહીં? હું મોટા મોટા વૃક્ષોને મારી સાથે લાવી શકું છું તો આ વેત્રલતાની શી વિસાત? હું હમણાં જ લાવી આપું છું.”

ત્યાર પછી નદીએ એક પછી એક ભરતીઓ લાવીને વેત્રલતાને ઉખેડવાનો પ્રયાસ કર્યો. ઘણી મથામણ અને તારાજી પછી પણ તેને સફળતા ન જ મળી.તે અત્યંત નિરાશ થઈને સમુદ્ર પાસે આવી, અને પોતાની અશક્તિ બતાવતા બોલી, “જેનામાં વિનય હોય, નમ્રતાનો સદગુણ હોય તેને નમાવવાની કે ચલિત કરવાની શક્તિ કોઈનામાં નથી. મેં તેને ઝૂકાવવાનો અને મારી ધારામાં ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કર્યો, પણ તે ઝૂકી જતી હતી, આટલી બધી નમ્રતાભરી વેત્રલતા પાસે મારું બળ ન ચાલ્યું, એની નમ્રતા સામે મારી પ્રચંડ શક્તિ કામ ન આવી, હું તેની સામે હારી ગઈ. મને ક્ષમા કરજો કે હું તમને આપેલું વચન પાળી ન શકી.”

સમુદ્રએ નદીને કહ્યું, “તારો અહંકાર દૂર કરવા જ મેં તને વેત્રલતા લાવવાનું કામ સોંપ્યું હતું. જ્યારે ગામડાની કોઈ કન્યા ઘડો લઈને તારા તટ પર પાણી ભરવા આવે છે ત્યારે તે પણ ….. તને નમ્રતાનો પાઠ જ બતાવે છે. જો તે કન્યા ઘડાને હાથમાં લઈને ઉભી રહે, અને ઘડાને ન નમાવે તો તેમાં પાણી ન ભરાય. પાણી ભરવા પહેલા તેણે પોતે નમવું પડે છે, અને પછી ઘડાને પણ નમાવવો પડે છે. પાત્રતા ગમે તેટલી હોય, નમ્રતા ન હોય તો જ્ઞાન વહેતું રહે પરંતુ આત્મસાત ન જ થાય એ સાવ સીધી સાદી વાત છે.

સમુદ્રની આ શિક્ષા નદીને એવી સચોટ લાગી કે તેણે સમુદ્રને કહ્યું, “આ શીખ આપવા બદલ તમારો આભાર. હું હવે નમ્રતાનો ગુણ શીખી ગઈ છું.”

બિલિપત્ર

એગોહં નત્થિ મેં કોઈ,
નાહ મન્નસ્સ કસ્સઈ.
એવં અદિણ મણસા
અપ્પાણં મણુસાસઈ.

હું જેને મારા મારા કરીને મરી રહ્યો છું એ કોઈ મારા નથી. એ મારા ક્યાં સુધી થઈને રહે? જ્યાં સુધી મારા ઘોર અશુભ કર્મનો ઉદય નથી થયો ત્યાં સુધી.


Leave a Reply to Pushpakant Talati Cancel reply

One thought on “દરીયા અને નદીની વાત – અજ્ઞાત

  • Pushpakant Talati

    SUPER INSTANCE & EXAMPLE INDEED.
    એક શીખવા લાયક તેમજ જીવનમાં ઉતારવા યોગ્ય અને અમલ કરવા યોગ્ય આ દાખલો કે રૂપક જે કહો તે વાંચી ને દિલ બાગ-બાગ થૈ ગયું .
    અતિ સુંદર ઉદાહરણ – A UNOQUE AND BEAUTIFUL AS WELL AS શીખવા લાયક
    આ ભા ર